જાગીર
જાગીર
જાગીર
પ્રિય વાચક,
પ્રતિલિપિની અગણિત કૃતિઓ વચ્ચે, મારી આંગળીઓ અને અંગૂઠા દ્વારા કોતરાયેલા આ શબ્દો માત્ર શબ્દોની કોઈ છાપ નથી.
એમાં કોઈના અંતરની અનુભૂતિ છે, કોઈનો શ્વાસ છે, અને ક્યાંક કોઈ અધૂરી તૃષ્ણા, સંતોષનો ઓડકાર અથવા અનુભવની વાત પણ હોઈ શકે.
કોઈ પણ કૃતિને જ્યારે કોઈ વાંચે, ત્યારે એ વાચક બને છે;
અને જ્યારે એને અનુભવે છે, ત્યારે એ વાચક મટી
લેખકની ઊર્મિનો વાહક બની જાય છે — એ એકલો રહેતો નથી.
લેખકના શબ્દો તેની આંખો બની
તેના રોજિંદા ક્રમમાં જીવનને અર્થ આપે છે.
આમ, આખરે વાચકનું મન અજાણતાં જ
લેખકે રચેલી કૃતિને જીવંત વાર્તામાં રૂપાંતરિત કરે છે.
કદાચ કોઈ શબ્દ વાચકને સ્પર્શી જાય,
કદાચ ક્યારેક કોઈ પંક્તિ તેને અટકાવી પણ દે,
અને કદાચ કોઈ વિચાર
વાચકને તેની જાત સાથે મુલાકાત પણ કરાવી દે.
આ રીતે કોઈ પણ લખાણ
માત્ર લેખકની અંગત જાગીર નથી રહેતું;
એ વાચકનું પણ બની જાય છે.
"જાગીર" માત્ર સંપત્તિ નહીં, પણ સ્મૃતિઓ, અનુભવો અને પ્રેરણાનો ખજાનો પણ છે.
લેખક તો માત્ર શબ્દો લખે છે,પરંતુ તેણે રચેલી વાર્તાઓ ત્યારે જીવંત બને છે
જ્યારે વાચક એને વાંચે, એમાંથી પ્રેરાય, અથવા એને જીવે.
અને આમ અંતમાં આખરે વાચકજ લેખકની કહેવાતી જાગીરનું વહન કરીને
એને અમર કરતો હોય છે.
આદર સાથે,
એક લખનાર.
--
શબ્દો તો પાંખ છે,
વાચક એ ઉડાન —
જાગીર એ સફર,
જે કદી પૂરી થતી નથી......
