હે પ્રભુ ! પાછા ના વળશો
હે પ્રભુ ! પાછા ના વળશો


મુદિતા આજે તો ખૂબ જ અકળાઈ ઊઠી. ક્યાં સુધી હું આ રીતે ચૂપચાપ સહન કરીને સાંભળતી રહીશ? હવે તો હું પણ 45 ઉપરની થવા આવી. આજ સુધી મુદિતા એ સહન કર્યુ તે તેને મન સરળ હતું. પણ આ લોકો હવે મારી દીકરી ને આમ કરે? તે મુદિતાથી સહન ના થયું. આખી જિંદગી સંયુક્ત કુટુંબ માં રહી. મોટા ભાઈ ભાભી ના છોકરાં ને પોતાના સંતાન ની જેમ જ મોટા કર્યા. મુદિતાએ કદી ' જેઠ ના ને પેટનાં ' સરખાં જ ગણ્યા હતાં. બાળકો જેમ જેમ મોટા થયા તેમ તેમ ઉચ્ચ અભ્યાસ અર્થે અને પછી નોકરી ધંધાર્થે શહેરમાં વળ્યાં. મુદિતાનું સૌની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન.
મુદિતા ઘરની સૌથી નાની વહુ. આજદિન સુધી ચૂપચાપ અને એ પણ ખરા હૃદયથી બધાં જ બાળકોને એકસરખો પ્રેમ આપે. પણ તેના મોટા ભાઈ ભાભી ના મને ભેદભાવ ખરો. મુદિતા જાણે પણ ખરી. પણ આંખ આડા કાન ધરે. મોટું મન રાખી રહે. કદી ક્યાંય ઝગડો કે મનદુ:ખ નહીં.
મુદિતાને સંતાનમાં માત્ર ને માત્ર એક જ દીકરી. પણ દીકરી ખૂબ જ તેજસ્વી. ભણવામાં ખૂબ હોંશિયાર. મુદિતા તેની દીકરીની પ્રગતિ જોઈ ખૂબ જ હરખાય. અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે કે, હે પ્રભુ! મારી દીકરી ને સદાય પડખે રહેજો. તેનું રક્ષણ કરજો અને ખૂબ પ્રગતિ કરાવજો. મુદિતાની દીકરી નુંં નામ બંસી. બંસી દસ દિકરા બરાબર એક હતી. મુદિતા બંસીને ખૂબ પ્રેમ કરે. બંસી ખૂબ ભણી. અભ્યાસ પૂરો થતાં તે પણ તેના ભાંડવા સાથે શહેરમાં ગઈ.
શહેરમાં જઈ બંસી થોડો સમય ભણી. પછી જૉબની શોધ ચાલુ કરી. બીજીબાજુ તેનાં ભાંડવાં તેની હોંશિયારી, પ્રગતિ અને તેઓનાથી આગળ નીકળી જશે તેવી ભીતિથી તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. તેને બધી જ વાતે નીચી પાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બંસી ને ખાવા પીવાની પણ જાણે મનાઈ. બસ, અમે કહીએ તેમ જ કરવાનુંં. જે મળે તે જ ખાવા પીવાનું. બંસી તો હિબકાઈ જ ગઈ. મુદિતા ફૉન કરે તો બરાબર વાત ના કરે અને જાણે મૂઝાએલી જણાઈ. મુદિતાને થોડો ઘણો અણસાર તો આવી ગયો પણ કાંઈ પૂછ્યું નહીં.
ઉનાળું વેકેશન પડતાં મુદિતા તેના પતિ અને પુત્રી બંસી એક અઠવાડિયા માટે હીલ સ્ટેશન ગયાં. ખૂબ આનંદ કર્યો. ઘરે આવવાના છેલ્લા દિવસે બંસીએ બધી વાતો કરી. ખૂબ જ રડી. મુદિતા તો બંસીને રડતાં જોઈ ખૂબ જ ગુસ્સે થઈ. અને તેના પતિ ને સાફ સાફ શબ્દો માં કહ્યુંં કે, 'હવે હું આ લોકોનું આવુંં વર્તન બિલકુલ સહન નહીં કરું. મેં જે સહન કર્યું તે મારી દીકરી પણ સહન કરે? મેં તો સહન કર્યું પણ મારી દીકરી! હું નહીં ચલાવી લઉં આ લોકોની જોહુકમી.'
મુદિતાને તેના પતિએ સમજાવતાં કહ્યુંં, 'જો મુદિતા, મારી હવે પૂના ટ્રાન્સફર થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં જ આપણે પૂના જવાનુંં છે. પછી શુંં કામ થોડા સમય માટે નાહકનું બોલી બગાડવું?' મુદિતા એ કહ્યું,' હા વાત તો સાચી છે. પણ આ રીતે અત્યાર સુધીમાં આપણે કાંઈ બોલ્યા નથી .ને દર વખતે આપણે જ સમજી ને રહેવાનું? ' આ વખતે તો જે થાય તે હું કહીશ જ. મારી બંસીને કેમ આવું કર્યું? '
મુદિતાની વાત પૂરી થઇ પછી બંસીનો વારો આવ્યો. બંસી તેની મમ્મી ને કહેવા લાગી. મમ્મી હું નાની હતી ત્યારે આ લોકોના આવા વર્તનથી મેં અકળાઈને તને કહ્યુંં હતું કે, મમ્મી તું કેમ કાંઈ બોલતી નથી? તે સમયે તે મને એક વાર્તા કહી હતી યાદ આવે છે તને ! મમ્મી એ પૂછ્યું, કઈ વાત? તો બંસીએ ટૂંકમાં વાત કરી કે, "એકવાર ભગવાન શ્રી કૃષ્ણ જમવા બેઠા હતા. રુક્ષ્મણીજી પીરસતાં હતાં. જમતાં જમતાં અચાનક જ ભગવાન ઊભા થઈ જાય છે. દોડીને બહાર જાય છે. રુક્ષ્મણીજી પાછળ પાછળ જાય છે. અને થોડી જ વારમાં જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ, પાછા આવી ભગવાન જમવા બેસી જાય છે. રુક્ષ્મણીજી ને નવાઈ લાગી. કે જાણે આભ તૂટી પડ્યું હોય તેમ દોડ્યા અને પાછા એકદમ શાંતિથી બેસી ગયા! શું થયું? ભગવાને કહ્યુંં ,કાંઈ નહીં એ તો મારો એક ભક્ત મુસીબતમાં હતો. તેને બધા પત્થર મારતા હતા. તે મને પોકારતો હતો તો હું ગયો. રુક્ષ્મણીજી એ કહ્યું, તો પાછા કેમ વળ્યા? ભગવાને જવાબ આપ્યો. તેણે પ્રતિકાર કરવા માટે પત્થર ઉપાડ્યો. તો હું પાછો ફર્યો. ભગવાને કહ્યુંં કે મારા ભક્તો જ્યારે સામનો કરવા - પ્રતિકાર કરવા તૈયાર થાય છે ત્યારે હું તેની સાથે નથી રહેતો."' મમ્મી આ વાત કરી તે મને એમ સમજાવ્યું હતું કે, ભગવાન આપણી સાથે જ રહે. માટે આપણે કાંઈ બોલવુંં નહીં. સહન કરવાથી આપણે વધુ પુણ્યશાળી બનીએ છીએ. મમ્મી આજે હું આટલું સરસ ભણી. પપ્પાની સારા પગારની જોબ અને જો મને પણ બેંગ્લોરમાં જ ઓરીકલ કંપનીમાં જોબ મળી ગઈ છે. તુ જો, આપણે કાંઈ પ્રતિકાર કરતા નથી તો ભગવાન આપણાં બધાં જ કામ કરે છે. જો મમ્મી હવે તું કાંઈ બોલીશ ને ! તો ભગવાન પાછા વળી જશે હોં ! ' - બંસીએ કહ્યુંં.
બંસીની વાત પૂરી થતાં જ મમ્મીની આંખો આંસુથી છલકાઈ ઊઠી હતી.
મમ્મી એ બંસીને ગાલે પપ્પી ભરતાં કહ્યુંં, " હા બેટા, હું કાંઈ જ નહીં બોલું. પણ આ તો તને દુ:ખી કરી જેથી મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. બેટા, હવે હું કાંઈ જ નહીં બોલું. મારી દીકરી મોટી થઈ ગઈ છે. મારી દીકરી સમજદાર થઈ ગઈ છે. મુદિતાએ આપેલાં સંસ્કાર આજે ખીલી ઉઠ્યાની ખુશીમાં સૌ ઘરે આવવા નીકળ્યા.
અંતે મુદિતાએ ફરી શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, હે કૃષ્ણા ! તું પાછો ના વળીશ.અહીં જ રહે અમારી સાથે. અમે સૌ તને સંપૂર્ણ સમર્પિત છીએ.