હાસ્યનો પટારો
હાસ્યનો પટારો


દીપા એની બહેનપણી મોનાને એની મનગમતી વસ્તુ દિવાળી નિમિત્તે ભેટ આપવા ઈચ્છતી હતી અને એટલે જ આજે સવારે અમુલખભાઈની દુકાને જવા નીકળી હતી.
અમુલખભાઈ દુકાનમાં રાખેલા ભગવાનના ફોટા સામે રોજની જેમ આજે પણ ધૂપ દિપક કરી રહ્યા હતા..."ૐ શ્રી ગણેશાય નમ: હે લાંબી સૂંઢવાળા મારા મનગમતા દુંદાળુ દેવ ગણપતિ બાપ્પા, તમારી કૃપા અપરંપાર છે. એયને મને ગુજરાતી સાથે થોડું થોડું અંગ્રેજી આવડે છે તે આ કસ્ટમર સચવાય છે. નહીં તો ધનધતુડી પતુડી થઇ જાત હોં! આ તમારા આશિર્વાદથી કસ્ટમર આવે ને હું કહી શકું છું કે વેલકમ હોં લેડીઝ વીથ યોર ફીંગર્સ વેરીંગ ડાયમંડ રીંગ્સ અને જેન્ટ્સ વીથ પોકેટ- ફીલ્ડ જીન્સ! આપણી આ દુકાન નાની પણ અહીં એકથી એક જાનદાર વસ્તુઓ મળે છે. આ હમણાં જ ખોલી છે ને
જોજો બાપ્પા કસ્ટમર આવવાના ચાલુ થઈ જશે. "
મોના અમુલખભાઈની દુકાનમાં પ્રવેશી પૂછે છે "દુકાન ખુલી ગઈ છે ને?" અમુલખભાઈના ચહેરા પર ગ્રાહક જોઇને ધંધાકીય સ્મિત ગોઠવાઈ ગયું. એ બોલી ઉઠ્યા " લ્યો બોલો, ધનધતુડી પતુડીની. આ સૂરજ નાહી ધોઈને આકાશે આવી બેઠો તે આપણે પણ રેડી. આ દુકાન ખુલી છે એટલે જ તો તમે અંદર આવ્યા. બોલો મેડમ, તમારી પસંદગીની જિંદગી મળશે. શું દેખાડું? " " [અહીં તમારી પસંદગીની જિંદગી મળશે] તમારી દુકાનનું આ પાટિયું જ અમને અહીં ખેંચી લાવે છે. આ મારી બહેનપણી માટે એકદમ સરસ કાંઈ બતાડો કે દિવાળી મઝેદાર થઈ જાય! "દીપાએ હસતા હસતા કહ્યું.
અમુલખભાઈ જમણી બાજુના ખાનામાંથી સુંદર મજાના ગુલાબી અને મોરપિચ્છ રંગની વેલ બુટ્ટી નું જરીકામ કરેલા ઘાઘરા - ચોળી લ ઈ આવ્યા...થોડું તાનમાં આવી લલકાર્યું " હે..... ખમ્મા મારા ભણસાલીના કામ, દીપિકાની ખરી છે કમાલ... હે.... રામલીલા ને પદ્માવતમાં, ઘાઘરા ચોળીની ધમાલ... ખમ્મા મારા....! લ્યો બોલો મૅડમ, છેને ઘેરાવદાર? શોભી ઉઠે હોં... શું કહો છો, આપી દઉં?" મોના તરત જ બોલી "ઈટ્સ ગુડ... પણ કપડાંથી તો કબાટ ભરેલું છે ભાઈ, કંઈ બીજી વસ્તુ બતાડો. અન્ડરસ્ટૂડ? " અમુલખભાઈ ''અન્ડરસ્ટૂડેડ મૅડમ અન્ડરસ્ટૂડેડ '' કહીને ઘાઘરા ચોળીના હેંગરને... '' જાઓ તમે તમારા સ્થાને પાછા'' બોલતા બોલતા મૂકવા લાગ્યા. સામે ઘાઘરા ચોળી પણ જાણે ગાતા ગયા...'' હે... પલાઝોના પૂંછડા ને ગાઉન થાય ટૂંકડા, અમે તો શોભીએ જે હોય અમ જેવા ફૂટડા... મારા દિપીકાબેન છે વ્હાલા, મારા પ્રિયંકાબેન છે સારા... ''
અમુલખભાઈ દુકાનમાં ડાબી બાજુ કીચન વિભાગમાંથી ફેન્સી ઝારો લઈ આવે છે... " ધનધતુડી પતુડીની, મૅડમ આ જુઓ એયને મજાનો ઝારો. આકાશમાં તારા હોય એમ ઝારામાં આ કાણા. એકદમ આર્ટિસ્ટીક! ઘૂઘરા, ચકરી બધું ફટાફટ તાવડીની બહાર ને ઝટપટ પેટની અંદર. અરે, વાર તહેવારે પરિવાર - મિત્રો સાથે મોજ પડી જાય મોજ! મારા તો મોં માં પાણી આવી ગયું આ ઘૂઘરા યાદ આવતાં! "
દીપાથી અમુલખભાઈની વાતો સાંભળી હસવું રોકાતું નહોતું..." અરે આનાથી તો ડાયેટીંગની ઐસી કી તૈસી થઈ જાય! પહેલા ઘાઘરા ને હવે ઘૂઘરા... કાંઈક ઇન્ટરેસ્ટીંગ વસ્તુ જોઈએ છે. " " ઓ કે, ઓ કે, ધનધતુડી પતૂડીની... સમજી ગયો, આ જુઓ તમારા કામની વસ્તુ " એક પુસ્તક બતાવતાં અમુલખભાઈ બોલ્યા અને હા.. હા.. હા.. હા.. કરતાં હસતા રહ્યા, પછી કહે " આ જોક્સની બુક છે. દાંત પડી ગયા હોય કે પીળા થઈ ગયા હોય, હસ્યા વગર ના રહેવાય! " દીપાએ પુસ્તકનું વચ્ચેનું એક પાનું ફેરવ્યું, વાંચ્યું.." એક સરદાર બીજા સરદારને ગોતે છે... "જુએ છે તો પછીના બે પાના કોરાં હતા. "આ વચ્ચેના પાના તો કોરા છે..." "ધનધતુડી પતૂડીની, મૅડમ એ તો સરદારને બીજો સરદાર મળશે ત્યારે પાછો આવેને! હા... હા... હા.. હા... "અમુલખભાઈનું હાસ્ય જાણે બન્જી જમ્પીંગ કરતા કરતા નીકળ્યું.
દુકાનમાં જોતા જોતા મોનાની નજર શોકેસમાં ગોઠવેલા એક યંત્ર પર પડી. અમુલખભાઈએ એ બતાવતાં કહ્યું કે એ બૅટરીથી ચાલતો રોબોટ હતો. ગ્રીન બટનથી ચાલુ અને લાલ બટનથી બંધ થઈ જતો. મોનાએ ગ્રીન બટન દબાવી રોબોટને વોક, ડાન્સ, સીટ ડાઉન જેવા ઓર્ડર આપી જોયા. મોના કહે "વાહ! આ સરસ છે. મને પસંદ છે. ભાઈ આ રોબોટ પૅક કરી દો." અમુલખભાઈએ પૈસા લઈ રોબોટ પૅક કરી આપતા કહ્યું "ધનધતુડી પતૂડીની, તમને ગમ્યું એ લઈ જાવ. મૅડમ રોબોટ સાથે ઓક્સિજન માસ્ક કોમ્પ્લીમેન્ટરી છે તમારા માટે." " થેન્ક યુ. હેપ્પી દિવાળી! " કહીને દીપા અને મોના બહાર નીકળ્યા.
અમુલખભાઈ વિચારવા લાગ્યા... આ તો ગજબ થઈ ગયું. જે પહેરીને મસ્તીથી ઝૂમી શકાય એવા ઘાઘરા ચોળી નહીં, જેનાથી મિષ્ટાન્ન ફરસાણ બનાવાય એ ય નહીં, જે વાંચીને આનંદ માણી શકાય એય નહીં...!એક બાજુ ડાયટીંગ, જીમ, વૉક કરવાના અને બીજી તરફ નાના નાના કામ માટે મશીન ખરીદવાના.. આજકાલની જિંદગીની પસંદ કંઇ સમજાય એવી નથી. ધનધતુડી પતૂડીની, પણ આપણેતો ભાઈ આમ જ જીવવાનું... ડાન્સ વીથ ધ લાઈફ, ઈટ વીથ ધ સ્માઇલ... લાફ ઈન ધ લાઈફ, વૉક વીથ ધ સ્માઇલ !