ગુલાબી શિયાળો
ગુલાબી શિયાળો
એય સાંભળે છે રોટલા જોડે થોડું માખણ અને ગોળ વધારે લાવજે. આ ફૂલ ગુલાબી શિયાળામાં જ ખાવાની મજા આવે. જોડે રીંગણનો ઓળો, લસણની ચટણી પણ લાવજે.
હા, તમતમારે ઓર્ડર કર્યા કરો, હું નવરી જ નાં પડું. સમજુ છું કે શિયાળો આવે એટલે જિંદગી જ જાણે બદલાઈ જાય. સવારમાં ફૂલ ગુલાબી ઠંડી હોય છે. તમે દોડવા જાઓ. શરીરનું ધ્યાન આખું વર્ષના રાખીએ પણ આ ચાર મહિનામાં શરીરની ઇમ્યુનીટી વધે એનું ધ્યાન રાખવાનું. સારી વાત છે, પણ મારે પણ મારા માટે કરવાનું કે નહીં ?
અરે ભાગ્યવાન, તારી વાત હું સમજુ છું. આપણે સાથે મળીને શાક ફોલશું, તો જિંદગીની વાતો જેમ શાકનું ઉંધીયું બનાવી શકીશું. ગાજર છીણીશું તો મીઠું પકવાન હલવો મીઠી વાતોનો બનાવીશું. જીવનના દરેક રસ માટે જુદા જુદા સૂપ બનાવશું. સંબંધોની મજબૂતી વસાણા જેવી કડક રાખશું.
તાપણા કરીને સંબંધોની જ્યોત જલતી રાખીશું. ગરમ કપડાની જેમ હુંફાળા સંબંધો રાખશું.
તું અને હું સાથે રહીશું શિયાળાનાં કુમળા તડકાની જેમ પ્રેમ કરતા, નવી સવારની રાહમાં.. શિયાળાને માણતા.
