ગરીબ છોકરો - રાહુલ
ગરીબ છોકરો - રાહુલ
એક અતિ સામાન્ય પરિવાર શહેરના છેવાડે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ગરીબીમાં બે સમયના ભોજનનો પ્રબંધ થઈ જતો હતો. આ ગરીબ પરિવાર ઝૂંપડીને ઘર જ ગણે. આ પરિવારમાં એક બાર વર્ષનો રાહુલ પ્લાસ્ટિક વીણીને પિતાજીને કમાણીમાં મદદ કરતો હતો.
એક દિવસ રાહુલ ઉકરડામાંથી પ્લાસ્ટિક વીણતો હતો. ત્યાં જ સામે છેડે રોડ પર મોટે મોટેથી અવાજ આવવા લાગ્યા. બચાવો .....કોઈ તો બચાવો. રાહુલ ફટાફટ દોડીને ત્યાં પહોંચ્યો.
એક બાઈ માથે હાથ દઈને રોતી હતી. આ બાઈનું નાનું ત્રણ-ચાર વર્ષનું બાળક પણ રડતું હતું. કોઈની ગાડી જોડે ભટકાઈ ગયું હતું. એ ગાડીવાળા ભાઈ બાળકને હોસ્પિટલ લઈ જવા તૈયાર હતા.
આ બાઈ લોટરીની ટિકિટ વેચવાનું કામ કરતી હતી. એ બાઈ પોતાની લાકડાની પટ્ટીથી બનાવેલી હરતી ફરતી દુકાનનો (લાંબી કેલેન્ડર જેવી) હાથો આ રાહુલને પકડાવી દે છે. તું ટિકિટ વેચ. હું હમણાં આવું છું. તું અહીં જ રહેજે. આ બાઈ પોતાના બાળકને લઈ ગાડીમાં બેસી હોસ્પિટલ ગઈ.
ચાર કલાક પછી.....
આ બાઈ બાળકને લઈને આવી. રાહુલ ત્યાં જ બેઠો હતો.
બાઈ રાહુલને જોઈને ખુશ થઈ. રાહુલે ટિકિટ વેચ્યાના બધા રુપિયા આ બાઈને આપીને ઘરે આવવા પગ ઉપાડે છે, ત્યાં તો આ બાઈના આંખોમાં દડદડ પાણી ......બાઈ જુએ છે કે છેક ઉપરની પચાસ રૂપિયાની ટિકિટ એમ જ લગાડેલી છે. એ વેચાઈ ન હતી. બાઈ આ ટિકિટ રાહુલને આપી દે છે. બાઈ રાહુલને કહે છે કે મારી પાસે પૈસા નથી. આ ટિકિટ રાખ. તારું મહેનતાણું. કાલે આવજે. જોઈશુ ઈનામ લાગે છે કે નહીં...... ગાડીવાળા ભાઈએ આપેલ ફળમાંથી થોડા ફળ પણ આપે છે. રાહુલ ખુશ થઈને ઘરે આવે છે. ઘરમાં માતા- પિતાને વાત કરે છે. રાહુલનાં મુખ પર કોઈને મદદરૂપ થયાનો સંતોષ છલકતો હતો.
બીજે દિવસે સવારે અગિયાર વાગ્યે.
રાહુલ તૈયાર થઈને લોટરીની દુકાને પહોંચી જાય છે. ત્યાં પેલી બાઈ પણ હોય છે. દુકાનદાર ટિકિટના નંબર વારાફરતી બોલતો હોય છે. રાહુલના નંબર બોલાતા જ રાહુલ ખુબ ખુબ ખુશ થઈને ઠેકડો મારે છે. પેલી બાઈ રાહુલને ઈનામના પચાસ હજાર અપાવે છે. રાહુલ એ બાઈને સાંજે ઝૂંપડપટ્ટીની ચાર નંબરની ઝૂંપડીમાં આવવાનું કહે છે.
સાંજે રાહુલના ઘરે. રાહુલના પિતાજી બહાર બેઠા હોય છે. આ બાઈ પૂછે છે કે રાહુલ...... ત્યાં તો રાહુલના પિતાજી ઊભા થઈ જાય છે. પુની.....
ચીસ નીકળી જાય છે. પુની નામ સાંભળતા રાહુલ અને એની માતા બહાર આવે છે. બંને ભાઈ- બહેન ભેટી પડે છે. પાંચ વરસ પછી પોતાની બહેનને જોતા ભાઈ ગળગળો થઈ જાય છે.
બહેન કલકત્તા હતી. પતિનું મૃત્યુ થતા દીકરાને લઈને અહીં આવી ગઈ હતી. ભાઈએ ઘર બદલાવી નાખ્યું હતું, એટલે ભાઈ- બહેનને એકબીજાની ભાળ ન મળી. બધા ખુબ ખુબ ખુશ હતા. રાહુલે અજાણતા જ પોતાના ફઈને મદદ કરી હતી. ખુબ સરસ વળાંક કે ભાઈ- બહેન મળ્યા.
આ ઈનામનાં પચાસ હજારમાં ચાની હોટલ સાથે પરોઠા અને થેપલાંનો નાસ્તો પણ ચાલુ કર્યો. નણંદ ભોજાઈ નાસ્તો બનાવે. ભાઈ ચા ઉકાળે. ધીમે ધીમે ભાઈએ ગાંઠિયા પણ શીખી લીધા. નણંદ ભોજાઈ ભજિયા, દાળવડાં, દાબેલી, વગેરે પણ બનાવતા થઈ ગયા હતા. રાહુલ અને પુનીફઈનો દીકરો શાળામાં ભણવા જતા હતા. એ બંને પહેલેથી જ આ ધંધામાં આવ્યા ન હતા.
હવે હોટલ ધમધોકાર ચાલતી હતી. ઘરની દુકાન સાથે એક નાનકડું મકાન પણ લઈ લીધું હતું. જે હવે સરસ મજાનું ઘર બની ગયું હતું. એકાએક જિંદગીમાં સુખદ વળાંક આવ્યો.
રાહુલ ભણીગણીને એક ઉચ્ચ પગાર ધરાવતી નોકરીએ લાગી ગયો. જિંદગીનો આ વળાંક પેલા ગાડીવાળા ભાઈને આભારી હતો. બધાના પરિશ્રમ એક્તા અને ધગશને આભારી હતો.
સફળતા એને જઈ વરે, જે પરસેવે ન્હાય.
