Kantilal Hemani

Drama

4.7  

Kantilal Hemani

Drama

ગ્રામ્ય પ્રતિષ્ઠા

ગ્રામ્ય પ્રતિષ્ઠા

4 mins
210


અમદાવાદના ગરમ તાપમાનમાં ઉમેરો કરે એવા ચટાપટા સમાચાર લોકજીભે ફરી વળ્યા હતા. જેણે પણ આ સમાચાર સાંભળ્યા કે જોયા એમને ખબર પડતી ન હતી કે પોલીસ ઇન્સ્પેકટર ખાંડે વાડેકર આવું વર્તન કરી જ ન શકે. પીઆઈ ખાંડે ના હુલામણા નામે આખા અમદાવાદના લોકો એમને ઓળખતા હતા. લાલ દરવાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પણ અમદાવાદના કોઇપણ ખૂણે એક પ્રામાણિક અને બાહોશ અધિકારીની શાખ ધરાવતા પીઆઈ આજે લોકોમાં ચર્ચાનું કારણ બની ગયા હતા.

પીઆઈ ખાંડેની વર્દી જેટલી સ્વચ્છ હતી એટલી બેદાગ ડ્યુટી હતી. એમના વિષે ઘણી બધી વાતો વહેતી થઇ હતી કે તો એમનો અડધો પગાર તો દર મહીને દાનમાં આપી દેતા હતા. ગરીબ માણસને રંજાડતા નહિ અને ડાંડને ક્યારેય છોડતા નહી. હજી તો ગયા મહિનાની વાત છે કે એક બુટલેગરને ત્યાં એમણે દરોડા પાડયા દરોડાની કામગીરી ચાલુ હતી એ જ સમયે કેપિટલ સીટી ગાંધીનગરમાંથી ફોન આવી ગયો પણ ખાંડે એ પોતાનું કામ પૂરી ઈમાનદારીથી પૂરું કર્યું. એક નવી કહેવત બની ગઈ હતી કે  “ કોઈ મોટું માથું હોવાની ખાંડ ખાતું હોય તો એને ખાંડે નો પનારો પડયો હશે નહિ” લોકો એવું પણ કહેતા થયા હતા કે જેમની મુલાકાત ખાંડે સર થી થઇ જાય એ લોકો જીવનભર ખાંડ ખાવાનું ભૂલી જાય.

આવા ખાંડે સાહેબ આજના અમદાવાદના સાંજના અડધિયા છાપાના સમાચારના હેડીંગ બની ગયા હતા અને સ્થાનિક ટીવી ચેનલો વાળાઓને મસાલો નહી પણ સાંજનું ભોજન મળી ગયું હતું. એક ન્યુઝ ચેનલની એન્કર એનાં ટૂંકાં કપડાં કરતાં પણ વધારે ટૂંકા શબ્દો ખાંડે સર માટે વાપરી રહી હતી.

આવા ધુંધળા અને જૂઠ ભર્યા દિવસનો થાક ઉતારવા ખાંડે સર એમના રહેઠાણ ઉપર આવ્યા તો એમના ઘરના ટીવી પર પણ એમના જ સમાચાર ચાલી રહ્યા હતા. એમની પોલીસની નોકરીને ઘરનાં સભ્યો હવે સારી રીતે જાણતાં થઇ ગયા હતાં એટલે એમની પત્ની વૈરાગીએ પાણીનો ગ્લાસ આપ્યો પણ કોઈ પ્રશ્ન કર્યો નહિ. ખાંડે સર બાથરૂમમાં ફ્રેશ થઈને આવ્યા ત્યાં સુધીમાં એમનું ભોજન પીરસાઈ ગયું હતું. હવે ટીવી બંધ થઇ ગયું હતું. એમનો એકનો એક પુત્ર ઉપરના રૂમે વાંચવા માટે ચાલ્યો ગયો હતો.

હવે ખાંડે સર ને એમ લાગ્યું કે વૈરાગી હમણાં પ્રશ્ન પૂછશે, પણ વૈરાગીને જમવામાં ખલેલ પહોચાડવી સારી લાગી નહિ એ ચુપચાપ બેઠી રહી. ચટણીના ડબ્બામાંથી ચમચી બહાર કાઢતાં એમને વૈરાગીને પ્રશ્ન કર્યો : શું જોયું સમાચાર માં ? વૈરાગી ગરમ રોટલીનો ડબ્બો સરખો કરતાં બોલી આ ટીવીવાળા ચાર વાગ્યાથી અત્યાર સુધી તમારા સિવાય બીજા કોઈનું નામ લેતા નથી.

એક ટીવી વાળી તો લાલ દરવાજા પોલીસસ્ટેશનની નજીક આવેલી ચાની લારી વાળાને પ્રશ્નો પૂછતી હતી. આપને ખાંડે સર કો દેખા હે ? યહાં ચાય પીને કે લીએ આતે હે? ચાય કે પેસે દેતે હે કી મુફ્ત મેં પીકે ચલે જાતે હે? આવું તો અષ્ટમ- પષ્ટમ કેટલુંય બોલી ગઈ. પણ મને તમારા પર વિશ્વાસ હતો એટલે કઈ જ ખરાબ વિચાર આવ્યો નહિ. . !

વૈરાગી ઊભી થઇ અને ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈને આવતાં બોલી કે હવે એ કહો કે ખરેખર બન્યું શું હતું. જમવાનું પૂરું કરીને નેપકીનથી હાથ કોરા કરતાં ખાંડે સર બોલ્યા કે આજે હું રૂટિન ચેકિંગ માટે જવાનો હતો કે મારા અંગત “ખબરી” એ મને સમાચાર આપ્યા કે ખાનપુરની એક હોટલમાં કેટલાક કપલ રંગરેલીયા મનાવતાં હોય એવું લાગે છે આ હોટલનો મેનેજર પણ એમાં ભળેલો હોય એવું લાગે છે. આવા સમાચાર સાંભળતાની સાથે જ હું મારી ટીમ સાથે હોટલ ઉપર પહોચી ગયો.

 મારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન મારી નજર સતીષ ઉપર પડી. વૈરાગી સામે જોઇને બોલ્યા તું ઓળખે આપણા ગામના સતીષને ? વૈરાગીની કઈ તરત ટ્યુબ લાઈટ ઉપડી નહિ, બે સેકન્ડ પછી એ અચાનક બોલી આપણા ગામના સરપંચનો છોકરો. હા એ જ, એટલું બોલીને ખાંડે સર થોડું અટક્યા.

 એમને કદાચ ગામડું અને સરપંચ અને એમના ભણતરના દિવસો યાદ આવી ગયા. એ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમના પરિવારની આર્થિક હાલત એટલી સારી ન હતી ત્યારે એ સરપંચ પરિવારે ઘણી બધી મદદ કરેલી એ પણ યાદ આવ્યું.

વૈરાગી સામે નજર રાખીને વાતનો દોર સાંધતા ખાંડે સર આગળ બોલ્યા કે જો હું આ બધાની ધરપકડ કરીશ તો મારી ગ્રામ્ય પ્રતિષ્ઠાને ખુબ મોટો ધક્કો લાગશે. એટલે મેં મારી શહેરી પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને પણ મારી ગામની પ્રતિષ્ઠા જાળવી રાખી અને બધા જ લોકોને કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કર્યા વગર ત્યાંથી જવા દીધા.

વૈરાગી અને ખાંડે સરની વાત હજી તો ચાલુ હતી ને મોબાઈલની રીંગ વાગી. રિંગની સ્ટાઈલ પરથી ખ્યાલ આવતો હતો આ ફોન એમના સ્ટાફનો હતો. વૈરાગી ઊભી થઇને ફોન લેવા માટે ગઈ. બ્રાઉન કલરના સોફાની બાજુમાં ખોડિયાર માતાજીની મૂર્તિ આગળ ફોન પડયો હતો. ફોનની સાથે વૈરાગી ચશ્માં પણ લેતી આવી એને ખબર હતી કે એમાં આવેલું નામ કે ફોન નંબર જોવા માટે ચશ્માં જોઇશે.

નેપકીનથી ચશ્માંના કાચ સાફ કરીને ખાંડેજીએ મોબાઈલની સ્ક્રીન પર નજર  કરી. નજર કરતાં સાથે જ એ બોલી ઉઠયા “ઓહ આ તો નુરુદીન” બિલકુલ ચહેરાના ભાવ બદલાવ્યા વગર તેઓ ટૂંકાક્ષરી જવાબોમાં મોબાઈલ પર વાત કરતા રહ્યા. સામેથી આવતો અવાજ ખુબ નમ્ર, આજીજી વાળો અને આભાર સહ બોલાતો હોય એમ લાગતો હતો.

ફોનની સ્ક્રીન પહેરેલી લુંગીને ઘસતાં-ઘસતાં ખાંડે સર બોલ્યા, “વૈરાગી આ તો મોરમાં ચોર પડી ગયા” પાણીની બોટલ મૂકવા માટે ખોલેલો ફ્રીજનો દરવાજો અડધો ખુલો જ રહી ગયો અને વૈરાગી બોલી કેમ શું થયું?

 અરે થવામાં તો કઈ બાકી જ રહ્યું નથી, હાલ જે ફોન આવ્યો હતો એ મારા મિત્ર નુરુદીનનો હતો, નુરુદીન બાજુના પોલીસ સ્ટેશનમાં પીએસાઈ છે, ત્રણેક વર્ષ પહેલાં એ મારી ટીમમાં હતો. એનું કહેવું એવું હતું કે આજે જે હોટલ પર મેં દરોડો પાડયો હતો એમાં એનો એકનો એક દિકરો પણ હતો. એના દિકરાએ મિત્ર દ્વારા કહેવરાવ્યું હતું કે ખાંડે સર એને ઓળખી ગયા હતા જેને લીધે એમણે બધા જ લોકોને જવા દીધા.

જો કાયદેસરની કાર્યવાહી થઇ હોત તો એના નાના ગામડામાં એની મોટી પ્રતિષ્ઠા ધૂળધાણી થઇ ગઈ હોત. એવું નુરુદીન વારંવાર કહેતો હતો. ફોન મૂકતાં પહેલાં એણે ખુબ આભાર માન્યો,એની ગ્રામ્ય પ્રતિષ્ઠા બચી જવા બદલ ફરીથી નમસ્કાર કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama