Nilang Rindani

Comedy

4.5  

Nilang Rindani

Comedy

ગોખલે બેઠેલી માઁ

ગોખલે બેઠેલી માઁ

8 mins
738


આ લેખનું શીર્ષક કદાચ એવું હોવું જોઈતું હતું કે "ગોખલે બિરાજેલી માં" અને આજ શોભે પણ છે, પરંતુ હાલ ના સંજોગો કહો કે હાલ ની પેઢી.. તો માં ને ગોખલામા બેસાડી જ દેવામાં આવ્યા છે અને આ લખવામાં મને નથી કોઈ ક્ષોભ કે નથી કોઈ અતિશયોક્તિ. નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે એટલે પર્વ ને અનુરૂપ થોડું લખવાની જીજીવિષા ને રોકવામાં અસફળ રહ્યો અને એટલે જ મોબાઈલના કી પેડ ઉપર મારી આંગળીઓ પણ ગરબે ઘૂમવા લાગી છે !

રોજની માફક આજે પણ હું ઘરે "કચેરીએથી નીકળી પાંસરા જવું ઘેર" ની ઉકતી ને અનુસરતો પહોંચી ગયો હતો. ગોરધન (એટલે કે હું.. ) ને એમ કે ઘરે પહોંચીશું એટલે "ઘર ના માતાજી" ચા નો પ્યાલો ધરશે પરંતુ આજે એવી કોઈ સુખદ ઘટના ના ઘટી...એટલે હું તો બાપડો ભારે પગલે પહેલે માળે આવેલ મારા શયનખંડ તરફ પ્રયાણ કર્યું.. તો ઉપરનું દ્રશ્ય ઘણું જ હૃદયદ્રાવક હતું. મારો આખો ખાટલો ચિત્ર વિચિત્ર ચણીયા ચોળીથી ખડકાયેલો હતો. સૌ પ્રથમ તો આઘાત એ લાગ્યો કે ઘર મા ચોર આવ્યા કે શું, પણ ત્યાંજ યાદ આવ્યું કે તે શક્ય એટલા માટે નથી કારણ કે અમારા ઘરે દેવ ના દીધેલ એક નહીં પણ પૂરા ચાર ચાર શ્વાન છે.. મનમાં થોડી હાશ થઈ. ઓરડામાં પણ બધું વેરણ છેરણ પડ્યું હોય હું મહા મુશ્કેલી એ જગ્યા કરતો કરતો અંદર ગયો. અમારા ઓરડા ને અડી ને આવેલ સાજ શણગાર કક્ષ એટલે કે ડ્રેસિંગ રૂમમાંથી કલબલાટ સંભળાઈ રહ્યો હતો. અંદર ડોકિયું કરવાની હિંમત એકઠી કરી (૨૫ વર્ષ પછી પણ હજી હિંમત જ કરવી પડે છે), તો અંદર નું દ્રશ્ય જોઈ ને તો હું બે પગલાં પાછળ ખસી ગયો. બે ક્ષણ માટે તો થયું કે હું કોઈક બીજા ઘરમાં આવી પૂગ્યો છું. ત્રણ ચાર સ્ત્રી જેવી દેખાતી આકૃતિઓ જાત જાત ના સફેદ, ગુલાબી અને બીજા પણ કોઈક રંગો હતા જેના લપેડા કરી ને અરીસાની પરીક્ષા લઈ રહ્યા હતા. આમાં અરીસા કરતાં મારી હાલત થોડી સારી હતી કારણ કે હું તો બે પગલાં પાછળ પણ ખસી શક્યો પણ બિચારા અરીસાનું શું ? એ તો હલી પણ ના શકે.. ખેર જવા દો.. .એના નસીબ.. થોડું ધ્યાનથી જોયું તો લાગ્યું કે છે તો આ "અમારા" વાળા જ.. અને બાકી ના જે હતા તે થોડી વાર પછી ખબર પડી કે મારા બે સાળા (લા)ની પત્નીઓ હતી. હૈયે થોડી ધરપત થઈ.. .ખાટલે ઉભડક બેઠો અને પાછી કઈં બોલવાની હિંમત કરી.. "ચા પીવાનો છે ?" ખૂબ જ ત્વરિત ગતિએ પૂછાયેલો આ મૂર્ખામીભર્યો સવાલ હતો, અને જે જવાબની આશા હતી તે જ સામો અફળાયો.. "તારે પીવી હોય તો પી લે.. તું જોવે છે ને હું શું કરું છું ? અને મૂકતો હોય તો અમારી પણ ચા મૂકી દે".. ..ધડામમમ.. (આવો મગજમાં આભાસ થયો). માંડ પૂછવાની હિંમત કરી તો સામાં ૩ તીર વછૂટયા. મનમાં ને મનમાં મારી જાત ને કોસતો કોસતો હું નીચે રસોડે પહોંચ્યો.. સૌ પ્રથમ તો મારી અંદરના ગોરધનને ધોલધપાટ કરી મૂકી.. હું જો ચા પીવાની ઈચ્છા ને રોકી શક્યો હોત તો આજે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ના મૂકાયો હોત. મારી અત્યાર સુધી ની ચા પીવાની ટેવને મારા જીવનનું અતિ ખોટું પગલું ગણીને મનોમન અફસોસ પ્રગટ કર્યો. ચાલો.. ચા પણ પીવાઈ ગઈ.. અને સાજ શણગારને આખરી ઓપ પણ અપાઈ ચૂક્યા હતા. હું તો બાપડો એક ગરીબ બળદ (ગાય કેવી રીતે કહેવાય) જેવો આ બધો તાલ લાખોટા જેવી આંખો કરી ને જોઈ રહ્યો હતો. મનમાં એક વિચાર પણ આવ્યો કે જો આજ મારા શ્રીમતીજી છે તો ઘરમાં સવારે કોણ હતું ? વિચારને વિચાર પૂરતો જ રહેવા દઈ ને હું બાઘાની માફક આ ફેશન પરેડ જોઈ રહ્યો હતો (વિચાર ને જો શબ્દોનું આવરણ ચડ્યું હોત ને તો ખાતરીપૂર્વક કહું છું કે પાટાપિંડીનું આવરણ જરૂર થી ચડી ગયું હોત.. .મારી ઉપર જ સ્તો). ત્યાંજ ગોરધન ઉપર બીજું તીર છૂટ્યું.. "સાંભળ.. આજે સોસાયટીમાં ગરબા છે અને તારે પણ આવવાનું છે.. બધા જ આવવાના છે, તું નહીં આવે તો ખરાબ લાગશે, એટલે કોઈ સારા કપડાં પહેરીને આવી જજે.. અમે લોકો તો જઈએ છીએ". વાચકો ની જાણ ખાતર કે ૨૫ વર્ષ મા એક કાર્ય મેં ખૂબ ખંતથી કર્યું અને તે સાંભળવાનું.. .આ દરેક ગોરધનોને લાગુ પડે છે. 

પ્રસંગ ને અનુરૂપ ઝભ્ભો અને લેંઘો કહી શકાય એવું વસ્ત્ર પહેરી ને હું પહોંચ્યો સોસાયટી ના ક્લબ હાઉસ ના પ્રાંગણમાં. ખુરશીઓ ગોઠવી રાખી હતી.. નાના નાના ભૂલકાઓ આમથી તેમ દોડા દોડી કરી રહ્યા હતા. સોસાયટી ના અન્ય રહેવાસીઓ પણ મારી માફક ઘરેલુ હુમલા ના ભોગ બનેલ સિપાહીની જેમ ડાઘુઓ ઊભા રહે તેમ ઊભા હતા. દરેકની આંખો ચકળવકળ થઈ રહી હતી. ટોળે વળેલી બધી "વીરાંગનાઓ" મા પોતાનું પાત્ર શોધવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. અને એમાં કોઈ સભ્યતા ભંગ ના થાય તેની પણ તકેદારી સાથે.. (નહિતર ખબર જ હતી કે ઘરે "દાંડિયા રાસ" રમવા પડશે). દૂર એક ખૂણામાં એક ગોખલા જેવું બનાવીને માતાજીની ગલગોટાના હાર પહેરાવેલી છબી મૂકી હતી. દીવા, અગરબત્તી અને બીજી બધી પૂજા સામગ્રીઓ પણ હતી. અને ત્યાંજ અમારી સોસાયટીની એક મહિલા હાથમા માઈક લઈ ને ગોખલાની નજીક પહોંચી ને દરેકને આરતીમાં જોડાવાનો નિર્દેશ કર્યો. પેલી મહિલા એ પોતાના સ્વરમાં આરતીની શરૂઆત કરી.. "જય આદ્યા શક્તિ.. " હજી તો અડધે પહોંચ્યું ત્યાં તો ગોખલા મા બેઠેલા માતાજી પણ આકુળવ્યાકુળ થઈ જાય એટલી હદે કર્કશ અવાજ મા આરતી ઉપાડી.. .પણ માતાજી પણ સમસમી ને બેસી રહ્યા હોય એવું મને લાગ્યું.. .કદાચ એમને થયું હશે કે હું તો એકલી જ છું પરંતુ સામે તો અગણિત છે.. ..આરૂઢ થઈ ગયા પાછા સિંહ ઉપર.. બીજો કોઈ છૂટકો નહોતો.. માંડ માંડ આરતી પૂરી કરી. પ્રસાદ વહેંચાયો. અને પછી ગરબા ચાલુ થયા. આરતી ગાયા પછી પણ હૈયે ટાઢક ના વળી હોય એમ પેલા બેને પહેલો ગરબો શરૂ કર્યો.. "માં પાવા તે ગઢ થી ઉતર્યા.. ". હવે આવા કર્કશ અવાજ મા માતાજી ઉતરતા હતાં અને પાછા ગઢ ઉપર ચડી ગયા.. .આમા નીચે જાવું કેમ...એવો સવાલ એમને પણ થયો હશે.. પહેલા ગરબા નો ગારબિક હુમલો કરી ને પેલા બેન કંઈક ઠરીઠામ થયા હોય એમ લાગ્યું કારણ કે તેમની પોતાના હાથ મા રહેલું માઈક બાજુ મા રહેલા ટેબલ ઉપર મૂકી દીધું... અમને અને માતાજી ને હાશ થઈ. ત્યાં તો સોસાયટીની બીજી બધી યુવતીઓ પણ આવી ચૂકી હતી. દરેક જણ તાજા જ લપેડા કરી ને આવ્યા હોય એવું લાગ્યું. ત્યાં ઉભેલ દરેક ગોરધનો ને એક સાથે મનમાં સવાલ ઉદભવ્યો કે આ બધી યુવતીઓ દિવસ દરમિયાન ક્યાં હોય છે અને જો કાલે સવારે સામે મળશે તો ઓળખીશું કઈ રીતે ? મારી આંખો તો જાણે સેટેલાઈટ હોય તેમ આમ તેમ ફરવા લાગી (શ્રીમતીજીની નજર ચૂકવીને). લગભગ બધી જ યુવતીઓએ છૂંદણાં કરાવ્યા હતા, જેને આપણે ટેટૂ કહીએ છીએ. કોઈક એ સાપ, તો કોઈક એ મોર તો કોઈક તો વળી વીંછી છુંદાવીને આવી હતી.. હવે માતાજી ના ગરબા મા મોર અને વીંછી શું કરતા હતા એ તો સ્વયં તે યુવતીઓ જ જાણે. હવે જોવાની ખૂબી એ હતી કે આ છૂંદણાં દરેકની પીઠ ઉપર હતાં. એટલે સમજો ને કે મોર અને વીંછી દેખાડવા માટે પીઠનું પ્રદર્શન હતું. કોઈક તો વળી રાત્રે ૯ વાગ્યે ગોગલ્સ ચડાવીને આવી હતી.. એટલે મેં કુતૂહલવશ બાજુમાં ઉભેલ બીજા ગોરધન ને સવાલ કર્યો કે ફલાણા ભાઈની દીકરી ને આટલી નાની ઉંમરે મોતિયો આવ્યો કે શું ? તો પેલા ભાઈ એ માર્મિક નજરે મારી સામે જોયું અને હું કોઈક ૧૨ મી સદી નો માનવ હોઉં તેમ મને કહ્યું કે આ તો અત્યારની ફેશન છે.. ..લે...આમા રાત્રે ગોગલ્સ પહેરવાની ફેશન અને તે પણ માતાજી ના ગરબા રમતી વખતે ? મારી જેમ ગોખલા મા બેસાડેલા માતાજી પણ આ બધો તાલ નીરખી રહ્યા હતા.. કદાચ તેમને થતું હશે કે જેના પર્વ માટે આ બધી ભાંજગડ થઈ રહી છે એ તો ચુંદડી પહેરી ને બેઠી છે અને જ્યારે આ બધી "માતાજીઓ" ?.

ગરબાની કેસેટ ચાલુ થઈ...પણ આ શું ?.. .. "જમુના ને કાંઠે કાનો વાંસળી વગાડતો.. " હવે આને માતાજીનો ગરબો કેવી રીતે કહેવો ? કૃષ્ણ ના રાસ હોય અને માતાજી ના ગરબા હોય.. .એવું મારું જ્ઞાન કહે છે.. .અને એ કહેવાતો ગરબો જેવો શરૂ થયો ત્યાં તો જાણે સ્વર્ગમાંથી કૃષ્ણ પોતે ઉતરી આવ્યા હોય તેમ બધી યુવતીઓ આંખો બંધ કરી ને.. હવામાં હાથ આમતેમ ઉલાળી ને.. કમર ના કટકે કટકા થઈ જાય એવી અંગભંગીઓ કરી ઉછળવા લાગી. દરેક ને જાણે માતાજી આવ્યા હોય એવું લાગતું હતું.. .. એ કહેવાતો ગરબો પૂરો થયો અને થયો શરૂ બીજો.. ."તારા વિના શ્યામ મને એકલડું લાગે.. ..." ઓહ હ હ.. ..હવે તો હદ જ થઈ ગઈ.. બધી જ યુવતીઓ જાણે કે ગોપીઓ થઈ ગઈ..(અમે બધા ગોરધનો તો અમારી ગોપીઓના જ છીએ) અમુકની આંખમાંથી તો આંસુ જ પડવાના બાકી રહી ગયા હતા.. ખુદ માતાજીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.. ..કેમ ? એનો ઉત્તર દરેક વાચકો મન મા ને મન મા આપી દે. આમ ને આમ રાત્રિ ના ૧૨ વાગ્યા.. અને જેની કાગ ને ડોળે રાહ જોવાતી હતી તે અલ્પાહારની શરૂઆત થઈ. દરેક જણ પોતપોતાની તાસક લઈને બેસી ગયા. છબીની અંદરથી માતાજી પણ આ બધો ખેલ નિહાળી રહ્યા હતા. મનોમન કદાચ હસતાં હશે કે રે મનુષ્ય.. તને બનાવનાર હું અને તું મને જ બનાવી રહ્યો છે ?

સોસાયટી ના ક્લબ હાઉસની બત્તીઓ બુઝાણી. માતાજી પણ આ બધો ફેશનનો ખેલ જોઈ ને કંટાળ્યા હશે તેવું લાગ્યું.. મનમા તો તેમને પણ થતું હશે કે સારું છે હું ગઢ ઉપર જ બિરાજમાન છું. નીચે આવીશ તો આ મનુષ્ય તેની સગવડતા મુજબ ક્યાંક સ્કૂટર ઉપર ના બેસાડી દે ? ગણેશજીની હાલત તો એવી કરી જ દીધી છે.. .ક્યારેક સાયકલ ઉપર તો ક્યારેક ગાડીમાં તો ક્યારેક હાથમાં બેટ પકડાવી ને.. .મૂષક બિચારો ઓશિયાળો થઈને જોયે રાખે છે. 

કોરોના મહામારી ને આભાર એટલા માટે કે આ બધા દેખાડા હાલ પૂરતા તો બંધ થયા છે. આ મહામારી એક સંદેશો જ આપી રહી છે જેને સમજવાની શક્તિ મનુષ્ય એ વિકસાવવી પડશે.. .બાકી તો જય માતાજી.. ..!

વાચકો જોગ: મારા આજ ના લેખ ને હાસ્યનું આવરણ જરૂર ઓઢાડ્યું છે પરંતુ તે આવરણની ઓથે એક સંદેશો છે જે સમજવો રહ્યો. આ લેખ કોઈ પણ વ્યક્તિ કે સમુદાય ને ધ્યાનમા રાખીને નથી લખાયો.. આ તો એક રેડીમેડ કપડાંની દુકાન છે.. જેને જે માપમાં આવે તે પહેરી લે !


Rate this content
Log in

Similar gujarati story from Comedy