Dina Vachharajani

Inspirational Thriller Others

5.0  

Dina Vachharajani

Inspirational Thriller Others

ગણતરી

ગણતરી

4 mins
132


" મંજરી, પછી કોઈ બાઈ મળી કે નહીં? બે દિવસ પછી તો બા ને હોસ્પિટલમાંથી ઘરે લાવવાનાં છે. " હોસ્પિટલથી ઘરે આવી જમતાં -જમતાં મનીષભાઈ એ મંજરીબેનને પૂછ્યું. "અરે! આજે અઠવાડિયાથી એ કામ જ કરી રહી છું. એજન્સીઓવાળી બાઈઓ તો દિવસના પાંચસો-છસ્સો માંગે ને પાછી રાતે તો રોકાય નહીં. . આજુબાજુ બધે ફોન તો કરી દીધાં છે. . હજી તો કોઈ આપણા બજેટમાં બેસે એવી મળી નથી. માંગે એટલાં પૈસા થોડા દઈ દેવાય? બધી ગણતરી તો રાખવી પડે ને?" મનીષભાઈએ પણ એમની હા માં હા પૂરાવી. આમ પણ 'બા' ના થાપાના ફ્રેક્ચરનાં ઓપરેશનો સારો એવો ખર્ચ થઈ ગયો હતો. ઓપરેશન ઉપરાંત સ્પેશિયલ રુમ રાખેલો એના ચાર્જીસ પણ ખૂંચતા તો હતાં. પણ વાત એમ હતી કે -પોતાનું સમાજમાં મોટું માથું ગણાય . ! પછી પોતાની મા ને જનરલ વોર્ડમાં રાખે, તો આબરૂ શું રહે? પૈસા નો પ્રશ્ન નહોતો પણ ભાઈ ! બધી ગણતરી તો રાખવી પડે.

ઘરનો વ્યવહાર મંજરીબેનનાં જ હાથમાં. મનીષભાઈ તો ધંધો સંભાળે. પૈસાની બાબતમાં બંનેના વિચાર સાવ સરખાં તે બધું માપસર--વિચાર કરીને જ થાય. . અને તો જ આ બબ્બે ફેક્ટરી ને બંગલા-ગાડી આવ્યાં. સમાજમાં મોભો પડી ગયો એટલે એ બધાં ખર્ચા વસૂલ.

મંજરીબેનની ગણતરી એવી પાક્કી કે બંને દીકરા તેર-ચૌદ વર્ષના થયા ત્યાં જ મોટું ટી. વી. ઘરમાં વસાવી દીધું તે બંને ઘરમાં જ ટાઈમ પાસ કરે. આજુબાજુના છોકરાંઓમાં બહુ હળેભળે જ નહીં- તે ખોટી સંગતમાં, હરવા-ફરવાનો,ખાવા-પીવાનો કે નાટક-પિક્ચરનાં ખર્ચમાં પૈસાનો વેડફાટ જ નહીં. એમ તો મંજરીબેન ધરમ-કરમમાં માને. અધિક મહીનો કે કોઈ ખાસ તિથિ એ દાન કરવા એ પોતાના ઘરમાં ન વપરાતી કોઈ વસ્તુ કે કપડાં જુદા જ રાખી મૂકે ને પછી દાન કરે. એમાં પણ એમની પાકી ગણતરી.. એટલે એ અપાય ફક્ત પોતાને ઘરે કામ કરવા આવતી બાઈ કે આંગણું વાળવા આવતી બાઈ કે પછી વોચમેનને. . . એમને આપ્યુ હોય તો ક્યારેક તમારા બે કામ કરી દે. . અજાણ્યાને આપ્યું શું કામનું ?

મનીષભાઈ નાં ' બા' વતનમાં એકલાં જ રહેતાં. ક્યારેક અહીં આવે તો બધી ગણતરીમાં ગૂંચવાય, ગમતીલી જિંદગી જીવવા પાછાં વતનના ઘરે પહોંચી જતાં. મનીષભાઈ થોડા દિવસ પહેલાં જ એમને અહીં લાવ્યાં ને ત્યાં આ ઉપાધી થઈ. પડવાથી એમને થાપાનું ફ્રેક્ચર થયું ને હોસ્પિટલ -ઓપરેશન-ને હવે ઘરે જ દોઢ મહીનાનો બેડ રેસ્ટ. . . . . . મનીષભાઈ તો ધંધામાં બીઝી હોય. મંજરીબેન ભારે શરીરે બિચારા કેટલુંક કરે? તે ના છૂટકે ચોવીસ કલાકની બાઈ રાખવા વિચાર્યું. પણ હજુ સુધી કંઈ જામ્યું નહોતું.

આ આસપાસની બાઈઓ તો પેધી ગયેલી હોય. મોઢું મોટું જ ફાડે. ચાલને આ અન્ના માળીને પૂછું કોઈ એના તરફની બાઈ હોય તો? અને લો, નસીબ સારા તે અન્નાની કોઈ ઓળખીતી બાઈ, જે હજી હમણાં જ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં વર સાથે આ શહેરમાં નવી -નવી આવી હતી તે બા ને સાચવવા તૈયાર થઈ ગઈ. પૈસાની કંઈ વાત પણ ન કરી !

આ લતા- પહેલાં જ દિવસથી બા ની ખૂબ સંભાળ રાખતી થઈ ગઈ. નહાવું -ધોવું-ખવડાવવું તો ઠીક એ તો બાનું મન બહેલાવવા ભજનો પણ ગાતી ને રાતે માથામાં તેલ સીંચી સૂવડાવતી પણ ખરી ! બા ને પણ જાણે એક દીકરી મળી ગઈ. . .જોતજોતામાં બે મહીના વીતી ગયાં. હવે લતાને છૂટી કરવાનો સમય આવ્યો.

મંજરીના દિમાગમાં ગણતરી મંડાવાની ચાલું થઈ ગઈ. . . . . . આ તો ગામડાની ગમાર છે. અહીં ની કોઈ બાઈ હોત તો સ્હેજે દિવસના ચારસો તો લઈ જ લેતે. પણ આને તો દોઢસોનાં હિસાબે આપીશ તો યે મારા પગમાં પડી જશે. ગામડામાં આટલાં પૈસા ક્યાં જોયા હોય ! ને એવું હોય તો એક બે જૂની સાડી હાથવગી રાખીશ. . કચકચ કરે તો એ પકડાવી દઈશ.

જવાને દિવસે લતા પોતાના બે જોડ કપડાંનું પોટલું લઈ રુમમાંથી નીકળી. . .સોફા પર બેઠેલા બા ને ભાવપૂર્વક પગે લાગી ને દરવાજા તરફ વળી કે. . મંજરીબેને, ગણતરી કરી હાથમાં પકડેલી રૂપિયાની નોટો એની સામે ધરી કે. . . છલછલતી આંખે, એમનાં લંબાયેલા હાથને રોકતાં- લતા બોલી. . "અમ્માની સેવા કરવાનાં પૈસા ન લેવાના હોય. . . મારી અમ્મા આવી જ હતી. . . પણ મેં અમારી જાતિની બહાર લગન કર્યા તે જિંદગીભર મને મળી જ ન શકી. . . . મેં એનું મોઢું પણ ન જોયું ને ભગવાન પાસે ઉપડી ગઈ. . . આ અમ્માની સેવા કરી તો મને લાગ્યું મેં મારી જ મા ની સેવા કરી ને એણે મને માફ કરી. . "

ફરી એકવાર હાથ જોડી એ બંગલાનાં પગથિયાં ઉતરી ગઈ.

મંજરીબેનનાં હાથમાં રહેલી પેલી રૂપિયાની નોટો --જાણે ખડખડાટ હસતી હતી. ને એ, ફાટી આંખે એને તાકી રહ્યાં હતાં. . એમની ગણતરી પહેલીવાર ખોટ્ટી પડી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational