ગંગાધર
ગંગાધર
દૂરદર્શન ઉપર આવતું ધારાવાહિક સિરિયલ શકિતમાન જોતાં જોતાં શ્રીમતિજીએ લીલા વટાણાં ફોલતાં- ફોલતાં પોતાના પતિદેવને કહ્યું, "તમે બિલકુલ આ ગંગાધર જેવા છો."
"એટલે ?"પ્રશ્નાર્થ નજરે શ્રીમાને પૂછ્યું.
"એટલે એમ કે, ગંગાધર કેવો શાંત, ડાહ્યો,સમજદાર ભલે દેખાવે બાઘડા જેવો લાગે પણ મળતાવડો સ્વભાવ બિલકુલ તમારા જેવો"
શ્રીમતિજી વખાણ કરતાં હતાં કે નહિ એ ન સમજાતા શ્રીમાન એમની સામે એકચિત્તે જોઈ રહ્યા.
"લે આમ સામે શું જૂઓ ? વખાણ જ કર્યા છે. મારા ગંગાધર સાહેબ" શ્રીમતિજીએ શરમાતાં કહ્યું.
"આટલો બધો પ્રેમ ઉભરાવાનું કારણ શું ?"
"લે તમને શું મારે બીપીની જ ગોળીયું આપે રાખવાની ક્યારેક તો પ્રેમના ઇન્જેક્શન પણ આપું હો !"
શ્રીમાને ચશ્મામાં આંખો પહોળી કરી જોયું.
"પુરા ઘરની સાર સંભાળ કેવી રાખો છો.અમારા દરેકની જરૂરીયાત પુરી કરો છો. ખાસ મારી બધી જરૂરિયાતો ઈચ્છાઓ પૂરી કરો છો. આપણા દીકરા તમને સુપરમેન કહે છે. પણ મારા માટે તો તમે શકિતમાનના ગંગાધર છો ગંગાધર"
શ્રીમાનને થોડી ગર્વની લાગણી અનુભવાઈ.
શ્રીમતિએ નજીક આવતા જ કહ્યું,"પણ, આ તમારા ખંભે કંઇક ચોંટ્યું! લે,આ તો ચાંદલો છે.હું તો ગોળ લાલ લગાવું છું આ તો મરુંન અને લાંબો છે."
ઘરમાં સન્નાટો છવાયો અને શ્રીમાન મનમાં બોલ્યાં,"હે ભગવાન જો સાચે હું ગંગાધર હોય ને તો શકિતમાનની જેમ ક્ષણિક ફુદ્દેડી ફરી ઉડી જાઉ .

