ગંદી ઉંદરડી
ગંદી ઉંદરડી
એક ઉંદરડી એવી
એતો રહેતી ગંદી ગંદી
સ્નાન કરવું ગમે નહિ ને
સ્વચ્છતા ન રાખે
એક ઉંદરડી હતી. એ તો ખૂબ ખૂબ ગંદી રહે. સ્નાન કરે, માથું ન ઓળાવે બ્રશ ન કરે નખ ન કાપે. રમીને આવીને હાથ-પગ ન ધુએ. તેની બાજુમાં બેસે તો ખૂબ વાસ આવે.
તે રમવા જાય ત્યારે તેના બધા મિત્રો તેનાથી દૂર દૂર ભાગે. તેની સાથે કોઈ રમે નહિ. એટલે ઉંદરડી પૂછે તમે કેમ કોઈ મારી સાથે રમતા નથી. દૂર દૂર કેમ ભાગો છો. કારણ તો કહો.
હાથીભાઈ કહે, " ઉંદરડીબેન ઉંદરડીબેન તમે કેટલા ગંદા છો. સ્નાન ન કરો, બ્રશ ન કરો મેલાઘેલા જ ફરતા રહો. પછી તમારી સાથે રમે કોણ. "
પણ ઉંદરડી બેન તો કોઈની વાત સાંભળે જ નહિ, એ તો બસ ગંદા ગંદા જ ફરે.
એકદિવસ ચકલીબેન તૈયાર થઈ દફતર લઈ નિશાળે જતાં હતાં. રસ્તામા તેને ઉંદરડીબેન મળ્યા. ઉંદરડીબેન કહે,
"ચકીબેન ચકીબેન
મને લઈ જાવ શાળા
હું બનીશ જ્યારે ડોક્ટર
ઈલાજ સૌનો કરીશ"
ચકીબેન કહે,
"ગંદી ગંદી ઉંદરડી
તું સ્નાન ન કરતી
તને સાથે કેમ લઈ જાવ
તું તો ચોખ્ખાઈ ન રાખે. "
ઉદરડીબેન તો ઉદાસ થઈ ગયા. ચુપચાપ ત્યાં જ બેસી રહ્યા. આગળ જતાં તેને તૈયાર થઈ પોપટભાઈ સામે મળ્યા. ઉંદરડીબેન કહે,
"પોપટભાઈ પોપટભાઈ
મને લઈ જાવ શાળા
હું બનીશ ડોક્ટર
ઈલાજ સૌનો કરીશ"
પોપટભાઈ કહે,
"ગંદી ગંદી ઉંદરડી
તું સ્નાન ન કરતી
તને સાથે કેમ લઈ જાવ
તું તો ચોખ્ખાઈ ન રાખે. "
ઉંદરડીબેન ફરી ઉદાસ થઈ ગયા. ત્યા રસ્તામાં સસલાભાઈ સામે મળ્યા. ઉંદરડીબેન કહે,
"સસલાભાઈ સસલાભાઈ
મને લઈ જાવ શાળા
હું બનીશ ડોક્ટર
ઈલાજ સૌનો કરીશ. "
સસલાભાઈ કહે,
"ગંદી ગંદી ઉંદરડી
તું સ્નાન ન કરતી
તને સાથે કેમ લઈ જાવ
તું તો ચોખ્ખાઈ ન રાખે. "
ઉંદરડીબેન કહે, " સસલાભાઈ હું સ્નાન કરી તૈયાર થઈને આવું તો તમે મને લઈ જશોને. "
સસલાભાઈ કહે, " હા તમે તૈયાર થઈને આવો, હું અહિં રાહ જોવ છું. પછી આપણે બંને સાથે જઈએ. "
ઉંદરડીબેન તો દોડતા દોડતા ઘરે ગયા. સ્નાન કરી તૈયાર થઈ. વાળ ઓળી, ચાંદલો કરી આવ્યા. નિશાળે બધા વિધાર્થીઓ ઉંદરડીબેનને જોતા જ રહી ગયા. અને બધા તેના મિત્ર બની ગયા. ઉંદરડીબેન ખુશ થતા થતાં ગાવા લાગ્યા,
" ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખો ઘરનો ગોખ. "
