Medha Antani

Comedy Others

3  

Medha Antani

Comedy Others

ઘોડો લીધો ચઢાવા ને

ઘોડો લીધો ચઢાવા ને

4 mins
14.4K


ઘણાં મહિને આજે સખીસહિયર ગ્રુપની બહેનો હિનાને ત્યાં એકઠી થઈ હતી.ગ્રુપની આગામી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવા અને વિશેષ તો, પોટલકના ચટાકેદાર નાસ્તાઓની મજા માણવા. હીનાના વિશાળ ફ્લેટનો હોલ સખીઓના ક્લબલાટથી ઉભરાવા લાગ્યો.

"શું ચાલે છે આજકાલ ? શું શોપિંગ કર્યું ? થોડી પાતળી લાગે છે !"જેવા ઉત્કંઠાભર્યા સવાલજવાબના અરસપરસ આદાનપ્રદાન પછી હરખની હેલી હેઠી બેઠી એટલે બધાંએ પોતપોતાની જગા લીધી. સેન્ટરટેબલ પર મૂકેલ શરબતના ગ્લાસ હાથોમાં લઈ એકાદ સિપ લેવાનું શરૂ કર્યું ન કર્યું, ત્યાં રહેતે રહેતે ઉર્વી પ્રવેશી,હાંફળીફાફળી,ચોળાયેલા કપડે, થાકેલા ચહેરે, હાઈલાઇટ્સ ઝાંખા થવાને લીધે જીથરા જેવા લુખ્ખા વાળને કાન પાસે ગોઠવતાં.

એનું આવવું અને ફરીથી સખીઓનું એકસ્વરે ગુંજવું, "હે..ય ઉર્વી !અલી, તું તો ગાયબ જ થઈ ગઈ. કઈ દુનિયામાં વસે છે ? ફાઈનલી અમારા માટે ટાઈમ મળ્યો." કોરસમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉર્વીએ એક જ વાક્યમાં, એ ય ઉતરેલી કઢી જેવું ડાચું કરીને જવાબ આપ્યો :

"અરે જાવા દો. કંઈ ન પૂછો. મારી કરમકઠણાઇનો તો કોઈ ઈલાજ નથી."

ખૂણામાં બેઠેલ ધૃતિ બોલી : "શું થયું એ તો કહે !" ઉર્વીને હિનાએ શરબતનો ગ્લાસ પકડાવ્યો. બેચાર ઘૂંટડા ઝડપથી ભરી, અંદર થોડી ઠંડક પ્રસરતાં એ સ્વસ્થ થઈ અને પછી બોલી:

"મારી તો એક જ મોકાણ છે, ઘરનું કમઠાણ. દાદીસાસુની તકલીફો વધી ગઈ છે, સાસુ-સસરા પણ ઉંમરને લીધે નબળા પડ્યા છે. ઘરમાં ત્રણ ત્રણ પેશન્ટસ, પાછા મહેમાનો વગર એક પણ દિવસ ખાલી ન જાય અને મારી અને રીતેશની જોબની ય દોડાદોડી."

"પણ એ માટે તો તેંં ચોવીસ કલાકની ઇનહાઉસ હેલ્પર રાખી છે ને. "શ્રદ્ધા એ ટહુકો કર્યો.

"અરે એણે જ મારી આ હાલત કરી છે." ઉર્વી લગભગ રડમસ સ્વરે બોલી.

જસ્મીન ભડકી : "કોણ ? પેલી પ્રિયંકા ચોપરા ? " અને બધાં ખીલખીલ ખખડવા માંડ્યા, ઉર્વી સિવાય."હા..એ જ..! હાળું, મોડર્ન નામ, ઘરપરિવાર, એની રીતભાત જોઈને જ પસંદ કરેલી. લાગતી હતી ચોખ્ખી ને વ્યવસ્થિત. એની બધી વાત અમે માની. વેકેશન, દિવાળી, રક્ષાબંધનમાં પંદર દિવસ "મુલુક"માં જાવાની શરત. પગાર નહી કાપવાનો, બધું જ કબૂલ રાખ્યું એ આશા સાથે કે,ચોવીસ કલાક મદદગાર તો મળી રહેશે."

"તો વાંધો ક્યાં આવ્યો ?" બીનાને રસ પડ્યો.

"એને ક્યાં વાંધો જ છે કોઇ ? અહીં મારે ધાંધિયા છે એને લીધે." ઊર્વીનો અવાજ હવે ફરિયાદમાં પલટાવા લાગ્યો. "સર્વન્ટરૂમમાં બધી સગવડ કરી આપી. થોડા દિવસ તો મને એવી રાહત થઈ કે, ઓફીસથી આવું તો, ચા હાથમાં મળે, ઈસ્ત્રીવાળાને ત્યાંથી કપડાં આવી ગયાં હોય, કપડાંની ગડી થઈ ગઈ હોય,વહેલી સવારે દૂધ લેવાઈ ગયું હોય, છોકરાંઓને સ્કૂલબસસ્ટોપે લેવા મૂકવામાં સમય સચવાઈ ગયો હોય. ઘરમાં બધાંને થયું કે, ચાલો મારા નસીબ જાગ્યા.'

"....પણ પછી એકવાર (જસ્મીન સામે ચાળો કરી ઊર્વી બોલી) આ તારી પ્રિયંકા ચોપરા મને કહે, "દીદી, રૂમ મધ્યે જ્યાસ્તી ગરમી આહે. ગભરામણથી બીપી વધી જાય છે." રીતેશે ઓફીસનું કૂલર એના રૂમમાં મૂકાવી દીધું. બાથરૂમ ગંદા જોઈ એકવાર મે પૂછ્યું: "પ્રિયંકા !બાથરૂમ ધોવાયા નથી કે શું ઘણા દિવસથી ?" તો કહે.. "મને તો પગે કપાસી થઈ જાય છે. ડોક્ટરે ભીનામાં રહેવાની ના પાડી છે." ટૂંકમાં બાથરૂમ ધોવાના મારા માથે. ...મારા સાસુએ પંખા લૂછવા અને છતના જાળાં પાડવા સ્ટૂલ પર ચડવા કહ્યું, તો હીરોઇનનો જવાબ સાંભળો, "મને તો ચક્કર આવે હો. તાઈ, તુમી સ્ટૂલ વર ચઢા. આતા મી સ્ટૂલ પકડત આહે." લ્યો બોલો.

સસરા આમ કોઈ દહાડો બોલે નહીં પણ એક વાર મને ધીરેથી બોલ્યા: "પ્રિયંકાની રોટલી જાડી અને ચવ્વડ હોય છે. ચવાતી નથી. એને રોટલી શીખવી દેજે." પ્રિયંકાને સામે ઊભી રાખી બે ત્રણ રોટલી બનાવી એને શીખવ્યું. હું તો જોતી જ રહી ગઈ જ્યારે મેડમ બોલ્યાં: "વાહ દીદી, કેવા પાતળા ફૂલકાં બનાવ્યાંં તમે તો ? રોટલી તો તમે જ બનાવજો. હું શાક સુધારવું, કૂકર મૂકવું એ બધું જોઈ લઈશ.પછી ભલે મસાલા વઘાર તમે કરો."

બધી સખીઓને પ્રિયંકાપુરાણમાં મોજ પડી ગઈ. બે ચાર તો બોલીય ખરી: "તો પછી બાકી શું રહ્યું ?"

"અરે ! પિક્ચર અભી બાકી હૈ. આગળ તો સાંભળો. સોફાની નીચેથી વાળવા કહીએ તો બહાનું ય એવું આપે કે તમે શું કહી શકો ?

"મુલુકમાં ઝાડ પરથી પડી ગઈ, ત્યારથી કમરમાં દુખાવો છે. નીચે બહુ નહીં વળી શકાય. હા, ઊભડક ઝાડુપોતાં કરી દઈશ." એટલે સમજી લેવાનું કે,સફાઈ પણ મારે જોવાની.

દાદીના રૂમમાં તો દવાની વાસ આવે, એનાથી ઊલ્ટી આવે, આધાશીશી જેવું થઈ જાય, દાદીને સ્પંજ કરાવવાની તો વાત જ દૂર, જ્યાં એના રૂમની જ એલર્જી હોય. હમણાં જ નાનકડી પાર્ટી રાખેલી. મને લાગ્યું કે રસોઈમાં તો આમ પણ કાચી છે, કમ સે કમ છીણવા ફોલવા એવાંં ઝીણાં કામોમાં તો એની મદદ મળી રહેશે. ત્યાં તો બેનબા પોપટ પાળીને બેઠેલા. હાથમાં ચપ્પુ વાગેલું. ફૂડસર્વીંગ સિવાય એની એક પણ મદદ ન મળી."

પછી અટકીને ઊર્વી બધાં તરફ નજર કરતાં બોલી: "આવી છે મારી રામકહાણી. બે મહિનાથી એવો તો ઉધમ રહે છે કે મારુંય ઠેકાણું નથી રહ્યું.'

હીનાએ એના ચહેરા સામે જોયું: "એ તો દેખાય જ છે."

ઊર્વી ફિક્કું હસી, "લાવી હતી મારી મદદ માટે પણ મદદ અને સેવા તો મારે એની કરવી પડે છે, પ્રિયંકાની."

શીતલે હળવેથી ટમકું મૂક્યું : "તારો ઘાટ, પેલું શું કહે છે ?એ કહેવત જેવો થયો છે.

'ઘોડો લીધો ચઢવાને ણે પડ્યો ઉપડવાને'

"હા રે." ઊર્વી ખસિયાણું અને બાકીના સહુ ખડખડાટ હસી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy