Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

ઘડપણનો પ્રેમ

ઘડપણનો પ્રેમ

5 mins
304


પ્રેમ કોઈ પણ ઉંમરે હોય, તેની અનુભૂતિ કહો કે અનુભવ, તે ખૂબ જ રોમાંચક હોય છે, અને તેમાં પણ જો વૃદ્ધાવસ્થાનો પ્રેમ હોય ને, સાહેબ....તો તો.......તે એક અસ્ખલિત ઝરણાંની પેઠે વહેતી લાગણીઓનો પ્રવાહ હોય છે. જેમ ઝરણાંને વહેવામાં કોઈ રોક ટોક નથી હોતી તેમ બે વૃદ્ધ પાત્રોના પ્રેમમાં ના તો કોઈ અડચણ હોય છે ના તો સમાજ નું કોઈ બંધન. મારો અંગત અનુભવ અહીં ટાંકુ તે પહેલાં મારે ઉપરોક્ત પૂર્વ રૂપરેખા એટલા માટે આપવી પડી કારણ કે આ અનુભવ, કે જેને હું શબ્દોમાં પરિવર્તિત કરી રહ્યો છું તે વાંચતા પહેલાં વાંચનાર વર્ગ કોઈ ગેરસમજ ઊભી ના કરે........!!

ભાગ્યશાળી છું હું કે આધેડ આયુ એ પણ મારા ઘર ના મોભી અને નાક સમાન મારા માતા પિતાનો સહારો મને હજી પણ છે. જીવનની સંધ્યા પણ પસાર કરી ચૂકેલ મારા પિતાને પણ તેમના શરીરના કોઈ એક અંગ એ સાથ છોડ્યો છે અને તે અંગે છે તેમના કાન...જી હા, મહદઅંશે બહેરાશ કહી શકો. પણ તેમનો ૬૦ વર્ષથી સાથ નિભાવનાર મારી માં ના કાન(પુર) મા હજી હડતાળ નથી પડી. એટલે એમ કહેવાય કે મારા પિતા મારી મા ના કાન ભાડે લઈને સાંભળે છે, અને હું પોતે આ ઘટનાનો સાક્ષી બન્યો.

વાત એમ બની કે મારા રૂમ નું ટીવી અચાનક બળવા ઉપર ઉતર્યું અને મારી જ એક અતિપ્રિય ટીવી ધારાવાહિક જોવાથી વંચિત રહી ગયો. તરત જ વિચાર આવ્યો કે નીચે આવેલ મારા માતા પિતા ના રૂમમા ટીવી ઉપર પણ એ લોકો એજ ધારાવાહિક જુએ છે જે હું પણ જોવું છું. હું તો પલક વારમા ધસી ગયો તેમના રૂમમાં અને સદનસીબે હજી ધારાવાહિક શરૂ થવાને મિનિટની વાર હતી. ટીવી આપણા જીવનમા કેટલું મહત્વ નું સ્થાન ધરાવે છે તેનું મને આજે ભાન થયું..,ખેર, મારા માતા પિતા તો તેમના પલંગ ઉપર બિરાજમાન થયેલા જ હતા, તેમના દરબારમા બીજા બધા મંત્રીઓ તેમનું સ્થાન ગ્રહણ કરે તેવી રીતે હું પણ બાજુમાં રાખેલી ખુરશી ઉપર બેસી ગયો......"એય, હાલો, આ આવી ગયું"..પોકાર પડ્યો મારા માતુશ્રીનો અને પિતા ને કોઈક કંઈ બોલતું હોય તેવો આભાસ થયો. તેમને મારી માં સામે જોઈ ને પ્રશ્નાર્થ સૂચક ભાવ સાથે જોયું..."હેં?, કાંઈ કીધું?" એટલે મારી માં એ ટીવી તરફ ઈશારો કરી ને કહ્યું કે ધારાવાહિક શરૂ થઈ રહી છે. મારું ધ્યાન અત્યાર સુધી ટીવી ઉપર જ હતું પણ અનાયાસે જ મારું ધ્યાન તેમના વાર્તાલાપ ઉપર ગયું.........મારી માં નો ઈશારો નહીં સમજી શકેલા મારા પિતા (૬૦ વર્ષ ના લગ્નજીવન પછી પણ તેમને ઈશારો સમજવામાં મુશ્કેલી નડતી હતી તો મારે તો હજી હમણાં જ ૨૫ થયાં....) એ ફરી હુંકાર કર્યો...."શું કીધું?".... માં થોડી ત્રસ્ત મુદ્રા મા...."અરે, આ શરૂ થયું....સામે જુઓ", અને મારા પિતા એ ટીવી સામું જોઈ ને અદબવાળી. મને એમ કે, ચાલો હવે ધારાવાહિકનો આનંદ લઉં, પરંતુ એ આનંદ ક્ષણિક નીવડ્યો.."ઓલી સાસુને દબડાવે છે... સાલો, ઘોર કળિયુગ આવ્યો છે"...ક્રિકેટ ના મેદાનમાં જેમ આંખે દેખ્યો અહેવાલ અપાતો હોય તેમ મારી માં ની રનીંગ કૉમેન્ટરી શરૂ થઈ....ઉપરોક્ત વાક્ય બોલી ને મારી માં એ ધારદાર નજરે મારી સામે પણ જોઈ લીધું... આમા મને ખબર ના પડી કે મારે શું સમજવાનું હતું. જવા દો...."ઓહ હ હ.... એમ કીધું ? ભારે કરી", મારા પિતા ઉવાચ....સીન આગળ વધ્યો...."લ્યો બોલો.....સાંભળ્યું ? હવે ઓલી એમ કહે છે કે આજે તેને કિટ્ટી પાર્ટીમાં જવાનું છે તો જમવાની વ્યસ્થા તમે કરી લ્યો...." મારી માં એ ખો આપી મારા પિતા ને...."અરેરે......તો હવે શું કરશે ?" મારા પિતાને ચિંતા થવા લાગી.....મારી માં એ માઈક પાછું તેમની પાસેથી ઝૂંટવી લીધું અને ઉવાચ "હવે આ ઘરડી મા રસોડામાં જઈને રસોઈ કરશે. ખરેખર કભાળજા કહેવાય"....આ બધા મા મે હરામ જો ટીવીનો એક પણ સંવાદ સાંભળ્યો હોય. મને અત્યાર સુધી ખબર જ નહોતી પડી કે ધારાવાહિક મા શું ચાલી રહ્યું છે. અને ત્યાં જ વિજ્ઞાપનનો દોર શરૂ થયો.....મને એમ કે હવે ૨ મિનિટ સરહદે શાંતિ રહેશે, પણ મારી આ આશા ઠગારી નીવડી..ટીવી ઉપર શ્વાન લોકો ના ખાદ્યપદાર્થનું વિજ્ઞાપન આવી રહ્યું હતું....."આ જુઓ, આપણી બ્રાંડી (મારી પાળીતી)....હવે તો જાનવરો ના ખોરાક નું પણ વિજ્ઞાપન આવવા લાગ્યું"....પિતા એ હવામા હાથ ઉછાળી ને "જમાનો બદલાઈ ગયો છે, માણસોને ખાવા ના ઠેકાણા નથી અને જાનવરો માટે કેટલું બધું"....જેમ તેમ કરી ને વિજ્ઞાપનો પૂરા થયા અને ધારાવાહિક ફરી પાછું ગાડે ચડ્યું......"આ શું બોલ્યો ?" પિતા એ પ્રશ્ન રૂપી બાણ છોડ્યું....અને જેમ "રામાયણ" ધારાવાહિકમાં આકાશમાં બે બાણ સામસામે ટકરાય તેમ મારી માં એ પણ જવાબરૂપી બાણ છોડ્યું...."એની બૈરી આટલી હેરાન કરે છે પણ તેનો આ ગોરધન લટૂડો પટૂડો થઈ ને એની બૈરી ની આજુબાજુ ગરબા રમી રહ્યો છે"....."હેં ?", બાપા કંઈ સમજ્યા નહિ, અને મારી માં નો પિત્તો ગયો.."અરે, તમે તો જરા પણ સાંભળતા નથી....સાવ બહેરા છો....ઓલા ને પ્રેમ ઉભરાઈ રહ્યો છે...જુઓ ને કેવો ગોળ ગોળ ફરી રહ્યો છે.... સાલા, અત્યાર ના છોકરાઓ એ તો દાટ વાળ્યો છે, કોઈ ને કઈં કહેવા જેવું જ નથી"...મારી માં એ પોતાનું વૃતાંત સંભળાવ્યું, ફરી પાછું મારી સામે જોયું.....હું પણ નજર ચૂકવી ને ટીવી ટીવી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. ત્યાંજ ફરી પાછો વિજ્ઞાપનનો સમય.....હું માથું પકડી ને બેઠો હતો ત્યાં જ...."ટક ટક ટક ટક ટક....." અવાજ આવવા લાગ્યો.... મેં બાજુમાં નજર કરી તો મારા પિતા દવાના ડબ્બા ઉપર સ્ટીલની ચમચી ઠોકી રહ્યા હતા. મે ભયંકરથી અતિ ભયંકર કંટાળાજનક મુદ્રામાં તેમની સામુ જોઈ ને...."અરે પપ્પા.... કાનમાં ટક ટક થઈ રહ્યું છે, મહેરબાની કરી ને શાંતિ થી બેસો".....ત્યાંજ તેમના વકીલ, એટલે કે મારી માં એ દલીલ કરી...."એ અવાજ કરે છે એ તને સંભળાય છે, એમને નહીં"....વાત તો સાચી હતી, એમને સંભળાતું હોત તો એ ડબ્બા ઉપર ચમચી ના ઠોકતા હોત.....ધારાવાહિક અને આંખે દેખ્યો અહેવાલ ફરી પાછા શરૂ, અને છેવટે ધારાવાહીક એ વિરામ લીધો...."લ્યો, સાંભળો, કાલે ઓલી ઘર મા ઝગડો કરવાની છે અને આ શંખ શાંતિથી સાંભળી રહ્યો છે.....છે કોઈ લાજ શરમ ? અત્યારના છોકરાઓ એટલે તો.....કંઈ કહેવા જેવું રાખ્યું જ નથી"....ફરી પાછું નજર નું વેધક બાણ મારી સમક્ષ તાકવામાં આવ્યું, અને હું તો જે ભાગ્યો છું કે ના પૂછો વાત..

પણ સાહેબ, એક વાત તો ચોક્કસપણે હું કહેવા માંગીશ કે જતી ઉંમરનો પ્રેમ એટલે એક યજ્ઞની વેદી મા હોમવામાં આવતા ઘી સમાન હોય છે....ભલે આંખો બળતી હોય, ધુમાડા ના ગોટે ગોટા ઊડતા હોય પણ યજમાન ઘી હોમવાનું ચાલુ જ રાખે છે, તેવી જ રીતે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય, પતિ પત્નીમાંથી કોઈ એક ના સાંભળતું હોય કે કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય કે કોઈ અપંગ હોય, પરંતુ તેમનો જોડીદાર તેને મૂકતો નથી..એકમેક ને સહારો આપીને આ જીવનરૂપી મહાસાગરને પાર કરતા હોય છે. 

મારા પહેલા માળે આવેલા રૂમની બાલ્કનીમાં ઊભો ઊભો હું વિચારોને ચકરાવે ચડી ગયો.. શું મારા માતા પિતાનો વાર્તાલાપ મને અજાણતા અમારા આવનારા દિવસોની શીખ તો નથી આપી ગયો ને.


Rate this content
Log in

Similar gujarati story from Comedy