એનાની શોપિંગ
એનાની શોપિંગ


"એના,જા મોલમાં જઈ આ લિસ્ટમાંની બધી વસ્તુઓ લઇ આવ કલાકમાં." કરિશ્મા એના પર આ હુકમ છોડી પોતાની સહેલી સાથે મોલમાં આવેલ રેસ્ટોરેન્ટમાં ખાવા જતી રહી. એના મોલમાં ગઈ, લિસ્ટ તેની આંખો સામે લાવ્યું, પહેલા તો તેને મોનેકો બિસ્કિટનું એક પેકેટ લેવાનું હતું. એના જ્યાં બિસ્કિટ મુક્યા હતા,ત્યાં પોંહચી ગઈ.
બે-ત્રણ આંટી ત્યાં મોનેકો બિસ્કિટ લેવું કે જામ બિસ્કિટ તેની ચર્ચા કરી રહ્યાં હતા.તેઓ બોલી રહ્યા હતા કે "જેમાં કેલેરી ઓછી હોય તે લઇએ." આ સાંભળી એનાએ ટાપસી પૂરી, "મોનેકો બિસ્કિટ માં 20 કેલેરી છે જયારે જામ બિસ્કીટમાં 50. તમારી બોડી જોતા લાગે છે કે તમે મોનેકો બિસ્કિટ જ લો."
"અમે તને પૂછ્યું કે છોકરી, બોલે તો એવી રીતે છે જાણે એને બધું ખબર હોય." એક આંટી અકળાઈને બોલ્યા.
એ ના બબડી પણ હું તો મદદ કરી રહી હતી, તેને પોતે એક મોનેકોનું પેકેટ લઇ લીધું. આગળનો મોલનો નકશો તેને મગજમાં તૈયાર કર્યો, હવે તેને એક શેવિંગ ક્રીમ લેવાનું હતું, જે પાંચ હરોળ છોડીને હતું, તેને એવું શીખવાડયું હતું કે ધક્કામુક્કી કરવા નહિ, પણ તેને તો ધક્કા લાગી જ રહ્યાં હતા. અડધો કલાકે માંડ તે શેવિંગ ક્રીમ લઇ શકી. કાયમ આગળ એક-બે ડગલાં ચાલે એટલે પાછળથી કોઈ આવી જાય "એકસ્કયુઝ મી" કરતું અને એના તેને જવાનો રસ્તો આપી દે,ખુબ જ સંસ્કાર એના.
હવે ફેન્ટા લેવાની બાકી હતી, પણ એ મોલમાં ડીપ ફ્રીઝરમાં રખાઈ હતી અને ત્યાં ખુબ જ પાણી ઢોળાયું હતું, એનાને એવું કહેવાયું હતું કે તેને ભીનામાં જવું નહિ. તેથી તે તો એક ખૂણામાં ઉભી રહી પાણી સુકાવવાની
રાહ જોવા લાગી. પાંચ-સાત મિનિટમાં મોલાના બે માણસો આવી એનાની આગળ સામાન ભરેલાં બે કાર્ટૂન મૂકી ગયાં, તેથી એના ઢંકાઈ ગઈ.
"કરિશ્મા,ચાલ હવે જઈએ,એનાએ પણ શોપિંગ કરી લીધું હશે, એમ પણ એની ઝડપ વધુ છે આપણા કરતા."કરિશ્માની મિત્રએ કરિશ્માને કહ્યું.
"યાર,એના તો મળતી જ નથી." કરિશ્મા આશરે અડધો કલાક એનાને મોલમાં શોધ્યા બાદ અકળાઈ ગઈ હતી. હવે એમ પણ મોલ બંધ થવાનો સમય થઇ ગયો હતો, અંતે તે એના કરિશ્માને મળી ગઈ.
"એના,આ શું તે માત્ર એટલું જ વસ્તુઓ લીધી."
કરિશ્માએ જોયું તો એના ધ્રુજી રહી હતી, તેને એનાના હાથની સર્કિટ ખોલીને જોયું તો તેમાં પાણી હતું અને એ બબડી રહી હતી, "ટાસ્ક ઇનકૅમ્પલીટ." કરિશ્માએ તે સાફ કર્યું.ત્યારબાદ પૂછ્યું "કેમ એટલું જ ?"
એના પોતાના રોબોટિક અવાજમાં કહેવા લાગી "મોલ બહુ ભીડ હતી, વારંવાર લોકો વચ્ચે આવી જતા. મને થયું કે હું ફલાઇટ મોડ ઓન કરી ઉડીને શોપિંગ કરું પણ મને ના કહેવાય હતી એ માટે, અહીં પાણી હતું એટલે હું એ સુકવાની રાહ જોતી હતી."
કરિશ્માએ કહ્યું,"તો અમને ફોન કરી દેતે."
"સોરી,તમે મને એ કમાન્ડ નહિ આપ્યો હતો." એના બોલી.
કરિશ્માએ કપાળ કૂટ્યું,"ઓકે ઓકે હું સમજી ગઈ, સાચ્ચે યાર બધા કામ જે માણસો કરી શકે તે રોબોટ ન જ કરી શકે. કાશ થોડા કામ હું જાતે જ કરી લેતે."
કરિશ્મા અને તેની ફ્રેન્ડ હવે સમજી ચુક્યા હતા કે મશીન એટલું જ કરે છે જેટલું તેને કરવાનું તેને કહેવાય છે અને જે કામ એ લોકો 20 મિનિટ્સમાં કરી શકતે,તેમાં નકામા 3 કલાક ગયા.