Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Prashant Subhashchandra Salunke

Comedy Inspirational


5.0  

Prashant Subhashchandra Salunke

Comedy Inspirational


એકતાનગરની પાર્ટી

એકતાનગરની પાર્ટી

3 mins 632 3 mins 632

એકતા નગરમાં વિવિધ પ્રાંતના અને ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. સહુથી નવાઈ પમાડે તેવી વાત એ હતી કે તેઓ સહુ ખૂબજ સારી રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા! એકતા નગરમાં હાલ જ રહેવા આવેલા દગડુભાઉએ એકવાર વાતવાતમાં ઘોષબાબુના દીકરા ચતુરંગને પૂછ્યું, “બેટા, એક વાત પૂછું ?”

ચતુરંગ બોલ્યો, “હા પૂછોને કાકા...”

દગડુભાઉ બોલ્યા, “આપણા આ એકતા નગરમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે પરંતુ તેઓ આટલી સારી ગુજરાતી કેવી રીતે બોલી શકે છે ?”

ચતુરંગ આ સાંભળી ખડખડાટ હસી પડ્યો.

દગડુભાઉએ અચરજથી પૂછ્યું, “કેમ એમાં હસવા જેવું શું છે ?”

ચતુરંગે કહ્યું, “કાકા આની પાછળ ખૂબ સરસ મજાનો કિસ્સો રહેલો છે. તમે સાંભળશો તો તમે પણ હસી પડશો. જોકે આ ખૂબ જુનો કિસ્સો છે મારા પિતાજીએ એકવાર મને કહી સંભળાવેલો. ત્યારે એકતા નગરનું નામ જસલોક હતું. સાંભળો...

એકવાર સહુ વસ્તીવાળાઓ ન્યુ ઇઅરની પાર્ટીનું આયોજન કરવા ભેગા થયા. આ પાર્ટીના મુખ્ય આયોજક હંમેશની જેમ આપણા પટેલકાકા જ હતા. હવે બન્યું એવું કે અત્યાર સુધી વસ્તીમાં થયેલી પાર્ટીઓમાં દરેક પ્રકારનું શાક બની ગઈ હતું. હવે આ વખતે ન્યુ ઇઅરની પાર્ટીમાં કોઈક નવું શાક બનાવવું એ વિચારે પટેલકાકાએ ચોળાનું શાક રાખવાનો પ્રસ્તાવ મુક્યો. હવે ચોળાનું શાક વિષે બધાને થોડી ખબર હોય ? બસ પછી શું ! ચોળાના શાકને લઈને મામલો બગડ્યો અને સહુ કોઈ પોતપોતાના પ્રાંતનું શાક બનાવવાની જીદ લઈને બેઠા.

બલ્લુભાઈ બોલ્યા, “ઓયે નહીં હા... ચોળા બોળા નહીં.... ઇસ દુનિયા મેં ઔર ભી નઈ નઈ સબ્જીયાં હૈ. જૈસે કી લોભિયા કી સબ્જી! બસ ફાઈનલ હો ગયા... ઇસબાર હમારી ન્યુ ઇઅર કી પાર્ટી મેં પંજાબ કી લોભિયા કી સબ્જી હી બનેગી...”

પટેલભાઈ અચંબો પામી બોલ્યા, “લોભિયા આ વળી શું બલા છે ?”

બલ્લુભાઈ બોલ્યા, “અરે લોભિયા નહીં પતા... લોભિયા માને બુરા... બુરા કી સબ્જી...”

પટેલભાઈ માથું ખજવાળતા ખજવાળતા બબડ્યા, “આ શું લોભિયા અને બુરા લઈને બેઠા છો !”

પટેલભાઈ કંઇક વિચારીને બલ્લુભાઈને કહે એ પહેલા તો નાયરભાઈએ ચલાવ્યું, “અય્યો... નહીં જી... યે સબ હમ નહીં ખાયેગા... ઇસબાર બનેગી તો હમારે તમિલનાડુ કી કારામણિ કેથત્તા પયિર કી સબ્જી હી બનેગી.”

બધા એકી સાથે ચોંકીને બોલ્યા, “શેની ?”

નાયરભાઈ ફરી બોલ્યા, “કારામણિ કેથત્તા પયિર કી સબ્જી જી... હમારે તમિલનાડુ મેં ઉસકી કોળુકટ્ટાઈ નામકી મીઠી વડી ભી બનાઈ જાતી હૈ”

હજુ નાયરભાઈએ કરેલો વજ્રાઘાત શમ્યો પણ નહોતો ત્યાં વચ્ચેજ મારા પિતાજી એટલે કે ઘોષબાબુ તાડૂક્યા, “ઓમાર બંગાળ કી બારબોટી કોલાઈ કી સબ્જી ભાલો આચ્છી... ”

પટેલભાઈએ લમણે હાથ મુક્યો.

એક ભાઈ બોલ્યા, “અમારા ઓડીશાનું જુડુંગાનું શાક બનાઓ.”

બીજો અવાજ આવ્યો, “અમારા કર્ણાટકનું અલસન્દીનું શાક”

મિટીંગમાં આખરે આવેલા પેસ્તનબાબા બોલ્યા, “બ્લેક આય્ડ પીસનું સાક બનાવોની બાબા...”

આ સાંભળી પટેલભાઈ વચ્ચે જ બોલ્યા, “પેસ્તનબાબા, એક મિનિટ... તમે બધા શાંતિ રાખો અને મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે તમે જે કહો છો એ બધી શાક થોડું થોડું બનાવીશું બસ...”

હેમલાનીભાઈ મનોમન ગણતરી કરતા બોલ્યા, “વડી સાંઈ... પણ આમાં ઘણો ખર્ચો થઇ જશે.”

પટેલભાઈ બોલ્યા, “તેની ચિંતા ન કરશો... એ બધું શાક હું સ્પોન્સર કરીશ. બસ ખુશ... ભાઈ નવું વર્ષ છે તો આપણે પણ એ બહાને વિવિધ પ્રાંતોના શાકને ખાઈએ. શરત માત્ર એટલી કે તમારે બધાએ મારી સાથે બજારમાં આવવું પડશે. તમે જે કહેશો તે શાક હું ખરીદી લઈશ. બાકી ભાઈ મને તમારી આ બુરા, અલસન્દી કે જુડુંગા બાબતે ઝાઝી ખબર નહીં પડે.”

સહુ એ ખુશ થઈને પટેલકાકાનો જયજયકાર બોલાવ્યો હતો.

દગડુભાઉ નવાઈ પામતા બોલ્યા, “એટલે ! પાર્ટીમાં કેટલા પ્રકારનું શાક બનાવ્યું હતું?”

ચતુરંગ બોલ્યો, “એકજ ...”

દગડુભાઉ બોલ્યા, “કઈ ?”

ચતુરંગ, “ચોળાની...”

દગડુભાઉ બોલ્યા, “માત્ર ચવળીનું જ શાક ન્યુ ઇઅરની પાર્ટીમાં રાખી તો પછી કોઈએ વિરોધ ન કર્યો ?”

ચતુરંગ : “ના, કારણ જેમ તમે ચોળાને મરાઠીમાં ચવળી બોલ્યા એમ જ સહુ પોત પોતાની ભાષામાં ચોળાનું શાકજ બનાવવાનું કહી રહ્યા હતા ! બસ તેઓ ચોળાનું શાકને તેમની ભાષામાં જુદા જુદા નામે બોલતા હોઈ બધી ગરબડ થઇ હતી.”

દગડુભાઉ ખડખડાટ હસી પડ્યા.

ચતુરંગ બોલ્યો, “બસ ત્યારથી સહુ મોટેરાંઓએ નક્કી ર્ક્યું કે આજ પછી આપણે એકજ ભાષામાં વાતચીત કરવી. હવે ગુજરાતમાં રહેતા હોવાથી સહુએ ગુજરાતીમાં જ બોલવાનું નક્કી કર્યું.”

દગડુભાઉ બોલ્યા, “એકદમ સાચી વાત છે. આપણા ભારત દેશમાં પણ જો બધા એકજ ભાષા અને એક જ લિપિનો ઉપયોગ કરતા થઇ જાય તો એકમેક સાથે વિચારોનું આદાનપ્રદાન કરવું કેટલું સરળ બની જાય. ખરેખર ખૂબ જ સરસ બોધ આપી ગઈ તારી આ એકતાનગરની પાર્ટી.”


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Comedy