એકતાનગરમાં છાપાના છબરડાં
એકતાનગરમાં છાપાના છબરડાં


આજે મુસ્તાકભાઈ સવારથી જ બેચેન હતા. છાપાવાળો તેમના ઘરે તેમના ઉર્દુ છાપાને બદલે કોઈ ભળતી જ ભાષાનું છાપું નાખી ગયો હતો! તેમનું ઉર્દુ છાપું કોઈક બીજાના ઘરે તો પહોંચી નથી ગયું ને એ તપાસી જોવા તેઓ ઘરે ઘરે ફરવા માંડ્યા. દરેક જગ્યાએથી નન્નો સાંભળતા સાંભળતા તેઓ બલ્લુના ઘરે આવી પહોંચ્યા. બલ્લુ અને મુસ્તાકભાઈ વચ્ચે ૩૬નો આંકડો હતો એ તો આપણે સહુ જાણીએ જ છીએ. મુસ્તાકભાઈએ મનેકમને બલ્લુભાઈના ઘરનું બારણું ખખડાવ્યું. બલ્લુભાઈએ બારણું ખોલતાની સાથે સામે મુસ્તાકભાઈને જોઈ મોઢું બગાડ્યું.
મુસ્તાકભાઈએ પૂછ્યું, “બલ્લુભાઈ, મારું છાપું તમારી પાસે છે?”
બલ્લુભાઈ ભવાં ચઢાવીને બોલ્યા, “મતલબ? તમે એમ કહેવા માંગો છો કે મેં સવાર સવારમાં તમારા ઘરે આવી તમારા બારણા પાસેથી છાપું ચોર્યું! ઓય... તમે મને ચોર કહો છો?”
મુસ્તાકભાઈ બોલ્યા, “અરે મીંયા, કદાચ ભૂલથી છાપાવાળાએ તમારું છાપું મારા ઘરે અને મારું છાપું તમારા ઘરે નાખ્યું હશે...”
બલ્લુભાઈ, “ઓય... હવે વાતને ફેરવો નહીં. તમે મને એમ જ કહેવા આવ્યા હતા કે મેં તમારું છાપું ચોર્યું છે.”
મુસ્તાકભાઈ બોલ્યા, “બલ્લુભાઈ, એમ પણ અત્યારે દિમાગ ગરમ છે... ઉપરથી તમે આમ અવળી વાતો કરો નહીં.”
બલ્લુભાઈ બોલ્યા, “દિમાગ ગરમ છે તો અંદર આવીને લસ્સી પીઓ અને ઠંડા થાઓ પણ આ બલબીન્દ્રને ફરી ચોર કહેવાની હિંમત કરતા નહીં. સમજ્યા... મને તમારા ઉર્દુ છાપામાં શી ગતાગમ પડે કે હું તેને ઉઠાવી મારા ઘરે લઇ આવું. મારી પાસે તો મારું પંજાબી છાપું વાંચવાનો પણ સમય નથી.”
મુસ્તાકભાઈ રોષથી બોલ્યા, “તો મંગાવો છો શું કામ?”
બલ્લુભાઈ બોલ્યા, “તમને કોણે કહ્યું કે હું મંગાવું છું!!!”
મુસ્તાકભાઈ વિવાદ ટાળવા બોલ્યા, “માફ કરો... મારી ભૂલ થઇ કે હું તમને પૂછવા આવ્યો.”
મુસ્તાકભાઈ અકળાઈને બલ્લુભાઈના ઘરના પગથીયા ઉતરી ગયા. સામે જ પટેલભાઈનું મકાન હતું તેથી તેઓ ત્યાં ગયા. પટેલભાઈએ તેમની વાત સાંભળીને કહ્યું, “ના મુસ્તાકભાઈ, મારી પાસે તો ગુજરાતી છાપું જ આવ્યું છે.”
મુસ્તાકભાઈ, “ઠીક છે..” એક કહી પાછા વળી જ રહ્યા હતા ત્યાં પટેલભાઈ બોલ્યા, “અરે! આમ ક્યાં ચાલ્યા? આવ્યા જ છો તો નાસ્તો કરીને જાઓ... ગરમાગરમ ઢોકળા તમારા ભાભીએ નાસ્તામાં બનાવ્યા છે તે જરા ચાખી તો જુઓ...”
મુસ્તાકભાઈ બોલ્યા, “આભાર પટેલભાઈ પણ મારા પેટમાં જરાયે જગ્યા નથી.”
પટેલભાઈ, “કેમ?”
મુસ્તાકભાઈ, “હમણાં જ દગડુભાઉના ઘરે ગયો હતો ત્યારે તેમણે મને પેટ ભરીને બટાકા પૌવા ખવડાવ્યા છે. તમારે ત્યાં ફરી ક્યારેક નાસ્તો કરવા આવીશ...”
પટેલભાઈના ઘરેથી નીકળેલા મુસ્તાકભાઈને નાયરભાઈ યાદ આવ્યા.
તેઓ નાયરભાઈને ઘરે પહોંચ્યા ત્યારે તેઓ નાસ્તો કરી રહ્યા હતા.
મુસ્તાકભાઈએ તેમણે પૂછ્યું, “નાયરભાઈ, તમારે ત્યાં આજે ઉર્દુ છાપું તો આવ્યું નથી ને?”
નાયરભાઈએ નકારમાં માથું હલાવ્યુ અને કહ્યું, “છાપાની વાત છોડો અને આવો નાસ્તો કરો.”
મુસ્તાકભાઈએ કહ્યું, “ના... નાયરભાઈ, મને ઢોંસા ખાવાની જરાયે ઈચ્છા નથી.”
નાયરભાઈએ કહ્યું, “અરે! આ ઢોંસા નથી પરંતુ કેરળની પારંપરિક વાનગી અપ્પમ છે.”
મુસ્તાકભાઈને વાનગીનું નામ સાંભળી તેમાં રસ પડ્યો, “અપ્પમ!!!”
ઢોંસા જેવા દેખાતા પરંતુ તેના પર પરપોટા બાઝેલા એ ગોળ ગોળ પદાર્થને જોઈ મુસ્તાકભાઈના મોઢામાં પાણી આવ્યું. તેઓ નાયરભાઈના પડખે આવીને બેઠા. રસોડામાંથી વિજયાલક્ષ્મીભાભી તેમના માટે એક પ્લેટમાં ગરમાગરમ અપ્પમ લઇ આવ્યા. અપ્પમને આરોગી મુસ્તાકભાઈ ખૂબ ખુશ થયા તેમણે પૂછ્યું, “ભાભી, આ અપ્પમ કેવી રીતે બનાવવામાં આવે છે?”
વિજયાલક્ષ્મીભાભી બોલ્યા “બહુ સરળ છે ભાઈ, ૨૫૦ ગ્રામ ઈડલીના ચોખાને છ કલાક પાણીમાં પલાળી રાખો, પછી ચોખામાંથી પાણી નીતારી લો. ત્યારબાદ ચોખા અને ૧૦૦ ગ્રામ તાજા નારીયેલના છીણના મિશ્રણની નરમ નરમ પેસ્ટ બનાવી લો. પેસ્ટને પાતળી કરવા તેમાં થોડુંક પાણી નાખો. આનું ખીરું ઢોંસા કરતા પાતળું હોવું જોઈએ. ત્યારબાદ તેમાં એક મોટી ચમચી ખાંડ તથા દોઢ ચમચી ઇન્સ્ટન્ટ યીસ્ટને સારી રીતે મેળવી લો. હવે આ મિશ્રણ ઉપર પ્લેટ ઢાંકી દઈને કોઈક હૂંફાળી જગ્યાએ આખી રાત મૂકી રાખો. સવાર સુધીમાં આ ફૂલીને તૈયાર થઇ જશે ઉપરાંત તેના પર પરપોટા બાઝેલા દેખાશે. હવે સ્વાદાનુસાર તેમાં મીઠું નાખો એટલે તમારું ખીરું તૈયાર. હવે ઢોંસાની જેમ તેને નોન સ્ટીક પેન પર બનાવવા માંડો.”
મુસ્તાકભાઈ “અરે! વાહ ભાભી... આ તો ખૂબ જ સરળ રીત છે. જોકે તમારો તમિલ સાંભાર ખૂબ સરસ બન્યો છે.”
વિજયાલક્ષ્મીભાભી અચરજથી બોલ્યા, “તમને કેવી રીતે ખબર પડી કે આ અમારા તમિલનો સાંભાર છે!!!”
મુસ્તાકભાઈ બોલ્યા, “ભાભી, હું દક્ષીણ ભારતીય ફૂડનો ચાહક છું. તેથી હું કેરળના સાંભાર, તમિલ સાંભાર, કર્ણાટકના સાંભાર અને આંધ્રપ્રદેશની વાનગીના પપ્પુ/ ચારુ રસમ વચ્ચેનો ભેદ ખૂબ જ સહેલાઇથી પારખી શકું છું.”
મુસ્તાકભાઈએ ઘડિયાળમાં જોઇને કહ્યું, “ભાભી... અપ્પમ ખાવાની ખૂબ મજા આવી... હું મારી બીબી શબનમને પણ અપ્પમ બનાવવાનું કહીશ. સારું ત્યારે હવે હું રજા લઉં છું. મારા ઉર્દુ છાપાની શોધ ચલાવી... મારે તે ફટાફટ વાંચી... ઓફિસમાં પણ જવાનું છે.”
નાયરભાઈ બોલ્યા, “હવે ક્યાં ઘોષબાબુના ઘરે જશો? ત્યાં તમને રસગુલ્લા, ચમચમ, સંદેશ, રસબાલી, ચેન્ના પોડા, ચેન્ના ગજા, ચેન્ના જલેબી અને ખીરી જેવી મીઠાઈ સિવાય બીજું કશું ખાવાનું નહીં મળે.”
બંને હસી પડ્યા.
મુસ્તાકભાઈ બોલ્યા, “હું તેમના ઘરે જઈ આવ્યો અને તેમના પન્ટાભાતને પણ ચાખી જોયા. ખૂબ મજા આવી.”
ત્યાંજ ઘોષબાબુનો દીકરો ચતુરંગ દોડતો દોડતો આવ્યો, “તમારા હાથમાંનું છાપું આપો...”
મુસ્તાકભાઈ બોલ્યા, “કેમ?”
હજુ મુસ્તાકભાઈ કંઈ સમજે એ પહેલા તો ચતુરંગે તેમના હાથમાંનું છાપું ઝુંટવી લીધું અને દોડતા દોડતા જ બોલ્યો, “છાપાવાળો આવ્યો છે... ક્યારનો તમને શોધી રહ્યો છે... કહે છે કે તેણે ભૂલથી તમને ઉર્દુ છાપાની જગ્યાએ ઉડિયા છાપું આપી દીધું છે. તેનો ઉડિયા કસ્ટમર તેને સવારથી ગાળો ભાંડી રહ્યો છે.”
મુસ્તાકભાઈએ મોટેથી પૂછ્યું, “કેવી ગાળો?”
ભાગી રહેલા ચતુંરંગે મોટેથી કહ્યું, “ખબર નહીં... તે ઉડીયામાં ગાળો આપી રહ્યો છે.”
આ સાંભળી નાયરભાઈ બોલ્યા, “વાહ! આજે છાપાવાળાએ છાપું બદલાવી તમારી તો મજા જ કરાવી દીધી.”
મુસ્તાકભાઈ ખડખડાટ હસતા બોલ્યા, “ખુદા કરે... છાપાવાળો એકતાનગરમાં રોજ કરતો રહે આવા છાપાના છબરડાં”
*****