Lata Bhatt

Children Inspirational

0.2  

Lata Bhatt

Children Inspirational

એક પહેલ

એક પહેલ

9 mins
795


પથિક ઓફિસે જવાની તૈયારી કરતો હતો ત્યાં ચંદ્રકાંતભાઇ બોલ્યાં," બેટા,રાવીના લગ્ન માટે અમે ચાર કંકોત્રી સિલેક્ટ કરી છે, રાવી કહે છે કે એમાથી મોટાભાઇ અને ભાભીને જે ગમે તે છપાવીએ. તો તમે બંને જરા જોઇ લે ને?"

"પપ્પા, હમણાં હું ઉતાવળમાં છુ. સાંજે તમને કહીશ."

"અરે પણ એમાં એક નજર નાખવામાં કેટલી વાર લાગવાની.."

"પપ્પા, કાલે ય મારે ઓફિસે જતા થોડું મોડું થઇ ગયું હતું. આજે ય મોડું થશે તો હાફ ડે ગણાશે અને હવે મારી પાસે રજા ઓછી છે હજુ રાવીના લગ્નમાં રજા લેવી પડશે"

કલ્યાણીબેને કહ્યું "તમે ય શું અત્યારમાં આ લઇને બેઠા છો, સાંજે નિરાંતે વાત કરશું."

એટલામાં ધ્રુવાએ પોતાના રુમમાંથી બહાર આવતા આવતા કહ્યું, "પપ્પાજી, તમે જરાય ચિંતા ન કરો. હું અને પથિક બધુ સંભાળી લેશું."

"પણ વહુ બેટા,રાવીના લગ્નને હવે દોઢ મહિનો જ રહ્યો છે. કંકોત્રી સિલેક્ટ કરીને છપાવવા જલ્દી આપી દઇએ તો સારું... કંકોત્રીનું લખાણ મેં તૈયાર કરી રાખ્યું છે. એનું એકાદવાર પ્રૂફરીડીંગ થશે. દસ પંદર દિવસ કંકોત્રી છપાતા થાય એ પછી બધી કંકોત્રી લખીએ. એ પછી પોસ્ટ કરીએ કે કુરિયર કરીએ. તોય દસ દિવસ તો કંકોત્રી પહોંચતા થાય"

"પપ્પાજી, આજે મે રજા લીધી છે, લગ્નની તૈયારી આજથી જ શરું કરી દઇએ. હું લેપટોપ લઇ આવું"

"અરે, પણ એમાં લેપટોપનું શું કામ છે?"

"પપ્પાજી, હવે કાગળ અને પેનનો જમાનો ગયો.આ આંગળી પર આજે દુનિયા ચાલે છે".

ધ્રુવા લેપટોપ લઇ આવી.

"સૌથી પહેલા તો આપણે ક્યાં ક્યાં કામ કરવાના છે તેનું લીસ્ટ બનાવીએ"

"લિસ્ટ તો મેં બનાવી જ રાખ્યું છે"

ચન્દ્રકાંતભાઇએ ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું. વાંચવા મંડ્યા.", હોલ બુકીંગ,હોલ ડેકોરેશન, કેટરીંગ, ગોર મહારાજ, પૂજાપાનો સામાન, કંકોત્રી છપાવવી, લખવી, પોસ્ટ કરવી, બેન્ડવાજા .....રાવીને કરિયાવરમાં આપવાનો સામાન, વરરાજા અને રાવીના સાસરિયાને આપવાની પહેરામણી, બેનું દિકરિયું ને આપવાના કવર ..જેમ જેમ યાદ આવતું જાય તેમ આ ડાયરીમાં ટપકાવતો જાઉં છું."

ધ્રુવાએ કહ્યું "હોલ તો બુક થઇ ગયો છે."

કલ્યાણીબેને તરત કહ્યું "હોલ ક્યારે બુક કરાવ્યો?અમને કહ્યું ય નહીં."

ધ્રુવા હસતાં હસતાં બોલી "કાકાનો આવડો મોટો બંગલો ક્યારે કામ આવવાનો છે?અને તેમણે સામેથી જ કહ્યું છે."કલ્યાણીબેન તરત બોલ્યા "પણ એવો ઉપકાર લેવાની આપણે ક્યાં જરુર છે ને પછી સંગીતા બધાને કહેશે કે અમારો બંગલો વપરાયો."

"પણ કાકીએ પણ કહ્યું છે."

ચંદ્રકાંતભાઇ તરત બોલ્યાં, "તે તો કહેવા ખાતર કહે, તારા મમ્મીજીની વાત સાચી છે પછી જીંદગી આખી સંભળાવશે.એક તો સંગીતા છે ય આખાબોલી."

"જુઓ મમ્મીજી આપણે હજુ પંદરેક દિવસ પહેલા જ લગ્નની તારીખ નક્કી કરી.એટલા ઓછા સમયમાં કોઇ સારો હોલ મળવાની શક્યતા બહું ઓછી. અને કદાચ હોલ મળી પણ જાય તો ડેકોરેશન અને કેટરીંગ પણ એના તરફથી જ હોય. સહેજે બે લાખ તો થઇ જ જાય. પણ આપણે જો કાકાના બંગલામાં લગ્ન રાખીએ તો આપણી રીતે ડેકોરેશન અને કેટરીંગ બધું કરી શકીએ. કાકાનો બંગલો બે માળનો છે.નીચે ચાર રુમ છે આપણે ત્યાં લગ્નમાં આવનારા મહેમાનોને તકલીફ નહીં પડે અને ઉપરના માળે પાંચ રુમ છે ત્યાં જાનનો ઉતારો પણ કરી શકાય તેમ છે.વળી કાકાને કોઇ દિકરી નથી તેથી તેમને પણ હોશ છે કે તેમને ત્યાં જાન આવે.અને દિકરી તેમને ત્યાંથી વિદાય થાય .”

"પણ ધ્રુવા, સંગીતા પછી એમ કહેશે કે કન્યાદાન પણ અમે દઇએ."

"એમાં ખોટું શું છે મમ્મીજી, આપણે સામેથી જ તેમને કહેવું જોઇએ. તમે રિયાને તો કન્યાદાન આપ્યું જ છે."

"હા, પણ આ વખતે તમે બન્ને કન્યાદાન આપવા બેસી શકો ને?"

"અમારે ઘેર દિકરી જન્મશે તો એ લહાવો અમને મળવાનો જ છે. તમે જ કહેતા હતા કે રિયાના લગનમાં કાકી મોઢું ચડાવીને ફરતા હતા. આ પ્રસંગમાં કાકા કાકી બધું હોશે હોશે કરશે અને કાકાએ ડેકોરેશનની જવાબદારી પણ લીધી છે."

"જવાબદારી જ લીધી છે કે પૈસાય એ જ આપશે?" કલ્યાણીબેન હજુ પૂરા સહમત નહોતા. પણ સામે પક્ષે ધ્રુવા હતી. ધ્રુવ જેવી જ અચલ.તે હસતા હસતા બોલી,

“એક પૈસો ય આપણી પાસેથી નહીં લે. એટલું જ નહીં રાવીને કરિયાવરમાં અગિયાર જોડી કપડા અને સોનાનો સેટ તેઓ આપવાના છે."

"એ તો કન્યાદાન કરવા દઇએ એટલે એટલું તો આપે જ ને?

"કન્યાદાનની તો હજી વાત પણ નથી થઇ, કાકા કાકીએ પ્રેમથી કહ્યું કે અમારે આટલું આપવું છે."

"તે આ બધુ નક્કી ક્યારે કર્યું?"

ધ્રુવા ચુપ રહી પણ ચંદ્રકાંતભાઇ કલ્યાણીબેન સામે જોઇ બોલ્યાં. “તને ડર હતો ને કે સંગીતા અને દિપક ધ્રુવાને આપણી વિરુધ્ધ ચડાવશે પણ ધ્રુવાએ તો એ સંબધને મધુર બનાવી દીધો. હમણાં સંગીતા બિમાર પડી ત્યારે ધ્રુવાએ ચાર દિવસ ઓફિસમાંથી રજા લઇ તેમની સેવા કરી હતી."

"તમને ખબર હતી પપ્પાજી?"

"હા વહુ બેટા દિપક અને સંગીતાએ મને બધી વાત કરી હતી. તેમના બન્ને પુત્રો અમેરિકા છે તેથી તેમને જરુર હોય ત્યારે તેઓ અહીં આવી શકે નહિ પણ પથિક અને તે ક્યારેય તેમને પુત્રોની ખૉટ સાલવા નથી દીધી."

કલ્યાણીબેન બનાવટી ગુસ્સો કરી બોલ્યા "એટલે મને જ આ વાત નહોતી કરી એમ ને?"

"કલ્યાણી, ધ્રુવાનો આશય માત્ર ઘરને જોડવાનો હતો. ધ્રુવાની વાત હવે મને વ્યાજબી લાગે છે જો દિપકના બંગલે રાવીના લગ્ન થાય તો ખર્ચ પણ બચશે અને સમાજમાં બન્ને ભાઇઓનો સંપ પણ દેખાશે "કલ્યાણીબેન અહોભાવથી ધ્રુવાને જોઇ રહ્યાં.

ધ્રુવાએ વાત બદલી,"તો લગ્નનું સ્થળ ફાઇનલ... હવે ગોરમહારાજ...તો જે અમારા લગ્નમાં હતા તેમને જ કહી દઇએ."

"હા હા કેમ નહીં? એકવાર દક્ષિણાનું નક્કી કરી લેજે."

"પપ્પાજી, એ દક્ષિણા નથી લેતા. પપ્પાના ફ્રેન્ડ છે, તેઓ સંસ્કૃતના પ્રોફેસર છે, શોખ ખાતર એ ગોરપદુ કરે છે. દક્ષિણારુપે તમે જે કંઇ પ્રેમથી આપો તે તેઓ અનાથાશ્રમના બાળકોને આપી દે છે. પહેલા આ બાબતની વાત તેમની સાથે થઇ હતી તેઓ તૈયાર છે છતાંય આજે સાંજે ફરી ફોન પર તેમની સાથે વાત કરી નક્કી કરી લઇશ."

હવે કંકોત્રીનું કરીએ.

ધ્રુવાએ ગૂગલ સર્ચ કર્યું અને કહ્યું, "આટઆટલી કંકોત્રી છે તેમાંથી કોઇ સિલેક્ટ કરી લ્યો."

કંકોત્રી જોઇ કલ્યાણીબેને કહ્યું "પણ આ તો બહુ મોંઘી, એવું લાગે છે?"

"મમ્મીજી, એમાં એક પૈસાનોય ખર્ચ નહી થાય.."

"કેમ દિપક કંકોત્રીના પૈસા આપવાનો છે?"

ધ્રુવા હસી પડી " આપણે વ્હોટ્સએપ દ્વારા કંકોત્રી મોકલી આપશું."

"અરે એવું તે ચાલતું હશે?"

"હવે જ્યારે બધુ ઓન લાઇન જ થઇ ગયું છે. ત્યારે કંકોત્રી ઓન લાઇન કેમ નહીં? જેમને સાચી લાગણી છે એ તો આવવાના જ છે. ફોન કરીને આપણે સૌને આગ્રહ પણ કરશું. ખોટો પાંચ દસ હજારનો ખર્ચ કરવાની કોઇ જરુર નથી.છતાં તમને એવું લાગે તો પાંચ કંકોત્રી હું લેપટોપમાં તૈયાર કરી આપીશ. એક કુળદેવતા એક કુળદેવીની અને બાકી એવા લોકોને જેઓ વ્હોટ્સએપ યુઝ ન કરતા હોય અથવા તો આ રીતે કંકોત્રી મોકલવાથી તેમને ખોટું લાગતું હોય. બરાબર છે ને?"

કલ્યાણીબેન બોલ્યા "મને તો ધ્રુવાની વાત બરાબર લાગે છે."

ચન્દ્રકાંતભાઇ બોલ્યા "હોમ મિનિસ્ટરની પરવાનગી મળી ગઇ હોય તો હું કોણ ના પાડવાવાળો."

સૌ હસી પડ્યા.

"હવે ગરબા માટે.. અમારી લેડિઝક્લબની અગાસીમાં ગરબા રાખશું. મેં પરવાનગી લઇ લીધી છે...તેઓ નોમિનલ ભાડું લેશે વળી કાકાના ઘરની નજીક છે અને ડેકોરેશન ડી જે. ગરબાની વચ્ચે કોલડ્રિન્ક અને નાસ્તા માટેની વ્યવસ્થા પણ ત્યાં થઇ જશે. મારી ફ્રેન્ડ નિધિની બહેનના હમણાં જ લગન થયા, તેમણે જેને સોંપ્યું હતું તેને જ સોંપીએ. ... તેની વ્યવસ્થા સારી હતી. તમે કહો તો તેની સાથે નક્કી કરી લઉં"

અરે બેટા, તને જે યોગ્ય લાગે તે કર."

"પપ્પા, હવે પૂજાના સામાન લાવવાની જવાબદારી તમારી. હું ગોરમહારાજે આ લિસ્ટ આપ્યું છે તે પ્રમાણે લઇ આવજો. રાવીના કપડાંની ખરીદી તો લગ્નની તારીખ નક્કી થઇ ત્યારથી જ થઇ ગઇ છે. કાકા કાકીએ તેના માટે લીધેલ કપડાં પણ આપી રાખ્યા છે. રાવીના ડ્રેસ અને બ્લાઉસ સીવડાવવા પણ આપી દીધા છે, પાનેતર મામાજીએ લઇ રાખ્યું છે તેનું બ્લાઉઝ સીવવા પણ આપી દીધું છે.”

કલ્યાણીબેન હજુ થોડા અવઢવમાં હતા, તેઓ બોલ્યા, ફક્ત અગિયાર જોડી કપડા? કેવું લાગે?"

પણ ધ્રુવાએ તેમને પ્રેમથી સમજાવ્યું, "જુઓ મમ્મીજી , રાવીના સાસરિયા તરફથી રુપિયો-શ્રીફળ, કંકુપગલાં અને સગાઇના પ્રસંગના દસ જોડી કપડા તો આવી ગયા છે. હજુ લગ્નમાં તેઓ આપશે. પચીસેક જોડી કપડા તો થઇ જશે. વધારે કપડાં લઇએ તો સમય જતાં તેની ફેશન બદલાય જાય એના કરતાં આપણે વારે તહેવારે કપડાં લઇ આપશું. રાવીના સાસરિયા ય સમજુ છે તેથી સંભળાવવાનો સવાલ જ નથી. મેકઅપ બોક્સ અને થોડા વેસ્ટર્ન કપડાં સમીરભાઇ અને સાગરભાઇ અમેરિકાથી લાવવાના છે."

"તેઓ લગ્નમાં આવવાના છે?"

હા, દિપકકાકા કહેતા હતા કે રિયાના લગ્નમાં તો નહોતા આવી શક્યાં, આ લગ્નમાં તો આવવાના જ છે. તેમની ટિકિટ પણ બુક થઇ ગઇ છે. અને એકાવન એકાવન હજાર મોકલી આપ્યા છે ને કહેવરાવ્યું છે કે રાવીને જે જોઇએ તે તેમાંથી લઇ આપશો. પૈસામાંથી રાવી માટે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન આવી જશે."

"તેઓ વેસ્ટર્ન ડ્રેસ લાવશે તો ખરા પણ રાવીના સાસરિયા વેસ્ટર્ન ડ્રેસ પહેરવા દેશે?"

"હા, પરવાનગી મળી ગઇ છે વેસ્ટર્ન ડ્રેસ પહેરવાની. મેં રાવીના સાસુને પૂછ્યું હતું તો તેમણે કહ્યું હતું કે જેવી શાલુ છે તેવી જ અમારે રાવી છે તેને જે ફાવે અને ગમે તે પહેરી શકે છે".

ચંદ્રકાંતભાઇએ કલ્યાણીબેનને કહ્યું, "બધા કાંઇ તારી જેવા જુનવાણી થોડા હોય?"

કલ્યાણીબેન અફસોસ કરતા બોલ્યાં," ધ્રુવા તારે ય હવે જે પહેરવું હોય તે પહેરજે હું તને ક્યારેય નહીં ટોકું."

ધ્રુવાએ વાત આગળ વધારી. “શનિ રવિ રાવીને કંપનીમાં રજા હોય છે. રાવીએ ખરીદીનું લિસ્ટ બનાવી રાખ્યું છે, તે અમે ત્યારે લઇ આવશું. પથિક વિદિતકુમારને સાથે લઇ તેમના કપડા, સોનાની ચેઇન તથા ઘડિયાળ લઇ આવશે."

પપ્પાજી તો હવે આપણે જમી લઇએ. જમીને થોડો અરામ કરીને ચારેક વાગે નીકળી જશું ખરીદી કરવા અને કંઇ બાકી રહેશે તો કાલે સાંજે ખરીદી કરીશું, સવારે આપણે પહેરામણીના કવર બનાવી નાખશું અને આવતી કાલે ય મેં રજા લીધી છે." "તો હું જમીને એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડી આવું."

"પપ્પાજી, તમારે એક પૈસો ઉપાડવાની જરુર નથી હું અને પથિક બધુ સંભાળી લેશું. તમે બે પ્રસંગ કર્યાં હવે આ જવાબદારી અમને ઉપાડવા દ્યો."

આભારવશ ધ્રુવા સામે જોઇ બોલ્યા, “બેટા, તે અમારી ચિંતા સાવ ઓછી કરી નાખી. આજે રાતે મને નિરાંતે ઉંઘ આવશે."

ધ્રુવા અને કલ્યાણિબેન રસોડામાં જમવાની તૈયારી કરવા ગયા.

ચંદ્રકાંતભાઇ વિચારી રહ્યાં આજની પેઢી પાસે નવી દ્રષ્ટિ છે, આયોજન છે, રુઢિચુસ્તતા તથા મન મોટાવ નથી. જો તેમનામાં વિશ્વાસ મૂકવામાં આવે તો તેઓ કોઇ પણ જવાબદારી નિભાવી શકે તેમ છે.

એ પછી આયોજનપૂર્વક લગ્નની તૈયારી થતી ગઇ. આગલા દિવસે જ બીજા દિવસે કરવાના કામનું આયોજન થઇ જતું. જે દિવસે જે કામ નક્કી કર્યું હતુ તે જ કરવાનું હતું બીજા કામ વિશે વિચાર પણ નહોતો કરવાનો.... મન સામે એક નકશો હતો એ પ્રમાણે જ ચાલવાનું હતું. કોઇ ખોટી ચિંતા દોડધામ નહોતી. કયું કામ કોણે કરવાનું તે નિશ્ચિત હતું. નાનામાં નાની બાબત ય ધ્રુવાની ધ્યાન બહાર નહોતી. એક મહિના પહેલા તો બધી તૈયારી થઇ ગઇ. પંદરેક દિવસ પહેલા ચંદ્રકાંત અને કલ્યાણીબેને બહારગામના મહેમાનોને પ્રસંગમાં આવવાનો આગ્રહ કરવા ફોન કરવાનું અને ગામમાં રહેતા સગા સંબંધિઓને લગ્નમાં આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપવા એક પછી એક ઘેર જવાનું શરુ કરી દીધું હતું.

લગ્નના દિવસે બંગલાનું જે ડેકોરેશન થયું હતું તે જોઇ લોકો ચકિત થઇ ગયા હતા. દિપકભાઇએ છૂટ્ટા હાથે ખર્ચ કર્યો હતો તો પથિક અને રાવિના કલાત્મક દ્રષ્ટિકોણે બંગલાને એક નવો જ ઓપ આપ્યો હતો. કુટુંબના સ્નેહ અને સંપથી મહેમાનોનું ભાવભીનું સ્વાગત શક્ય બન્યું હતું. જાનની સરભરા જોઇ રાવીના સાસરિયા ગદગદિત થઇ ગયા હતા. દરેક વિધિ સમયસર અને સારી રીતે આટોપાઇ હતી. આવનારા મહેમાનોને સહેજ પણ તકલીફ નહોતી પડી. સૌ પ્રસંગના વખાણ કરતા થાકતા નહોતા. વ્હોટ્સએપથી કંકોતરી મોકલવાનો આઇડિયા સૌને ગમી ગયો હતો. સૌ કહેતું હતું આપણે પણ હવે શુભપ્રસંગે વ્હોટ્સ એપથી જ કાર્ડ મોકલશું. ગિફ્ટ લેવામાં સૌની પસંદગીનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને એ ગિફ્ટ આકર્ષક પેકમાં મળી હતી. તેથી સૌ ખુશ હતા. લગ્ન રંગેચંગે પતી ગયા. સમાજમાં ચંદ્રકાંતભાઇની વાહ વાહ થઇ ગઇ.

લગ્ન પતી ગયા પછીની નિરાંતની પળોમાં ચંદ્રકાંતભાઇ રિયાના લગ્ન વિશે વિચારતા હતા. રિયાના લગ્નમાં કોઇ આયોજન જ નહોતું. કોઇ એક કામ હાથમાં લે તો વિચાર આવે કે હજુ પેલું કામ બાકી છે તેથી તે કામ પર પૂરેપૂરું ધ્યાન આપી શકાતું નહીં. કેટલાકને કંકોત્રી મળી નહોતી તેથી ખોટું લાગ્યું હતું. કપડા સીવડાવવામાં દસેક ધક્કા ખાધા હતા. ખર્ચ પણ રાવીની લગ્ન કરતા વધારે થયો હતો. રાતના ઉજાગરા, દોડધામ અને અંતે પ્રસંગ સારી રીતે ઉજવ્યાનો સંતોષ નહોતો.

ધ્રુવા એક પુત્રીની જેમ પ્રસંગમાં પડખે ઊભી રહી હતી છતાંય જશ બધો ચંદ્રકાંતભાઇને આપ્યો હતો. ધ્રુવા પ્રત્યેનો તેમનો અહોભાવ વધી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Children