Kinjal Pandya

Tragedy

5.0  

Kinjal Pandya

Tragedy

એક મુલાકાત જરૂરી

એક મુલાકાત જરૂરી

5 mins
444


કડકડતી ઠંડીનો ચમકારો આજે ભલભલા ના હાડ થીજવી નાખે એવો હતો. હું મારી કોફીનો મગ હાથમાં લઈને ટેરેસ પર ઊભી હતી. આમ પણ મને ઠંડીની મૌસમ હોય કે વરસાદ ની, કોફીની ચુસ્કી લેતાં લેતાં મૌસમની મઝા માણવામાં ખૂબ મઝા આવતી. હું સઘળું ભૂલી બસ એ મૌસમને માણતી.


બસ એકલી જ બેઠી હતી તો કંઈ કેટલા વિચાર આવતા હતા. ત્યાં જ મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે.

હું હલો હલો કરતી રહી સામેથી કોઈ જવાબ ના આપે. મેં ફોન કટ કરીને મૂકી દીધો. ફરી એ જ નંબર પરથી ફોન આવે છે.. ફરી કોઈ બોલતું નથી ફક્ત આ સમયે એના શ્વાસનો અવાજ સંભળાય છે. મેં પૂછ્યું કોણ? તો સામેથી ફોન કટ થઈ જાય છે.


મને ધ્રાસકો પડ્યો કયાંક એ કવિ તો નથી ને?

હું સ્તબ્ધ થઈ ગઈ. આટલી ઠંડીમાં પરસેવો વળવા લાગ્યો.


શું એ કવિ હતો? ના ના !!

ના એ કવિ જ હતો!! કદાચ!!?

આટલા વરસે?

અને એ કવિ જ હતો તો સામેથી એણે કેમ કંઈ જવાબ ન આપ્યો?

ના એ કવિ નહીં જ હોય, નહીં તો મારો અવાજ સાંભળી તરત મને મારી ગાંડી એવું કહી જ દે તે.

પણ પેલો શ્વાસ.. એ શ્વાસનો અવાજ... એ તો.. એ તો...

કવિ જેવો જ હતો. પણ કવિ હતો તો કંઈ બોલ્યો કેમ નહીં?


કવિ અને હું કોલેજમાં સાથે હતા. કોલેજના પહેલા વરસથી જ સાથે. એક જ ક્લાસમાં હતાં. એ નવો નવો આ કોલેજમાં અને આ શહેરમાં પણ. અને આપણે તો ફૂલ દાદાગીરી કરીને રહેવાવાળા ગૃપના. હું પણ છોકરાની જેમ જ જીવતી, દાદાગીરી કરતી. કોઈપણ નવા વિદ્યાર્થી દેખાય એટલે હું હેરાન કરવા ત્યાં પહોંચી જ જાઉં.


હું, વિપુલ , નાનકો(યોગેશ), હેતલ, અલ્પા અમે બધા જ. આ મારી ગેંગ કહો તો તે અને મારા જીગરજાન મિત્રો કહો તો તે. વળી આ બધામાં હું સૌથી નાની એટલે મારા તો ઠાઠ જ જુદા.


આ કવિનો પહેલો જ દિવસ હતો કોલેજમાં અને મને એ દેખાય ગયો. હું તરત જ એની પાસે પહોંચી ગઈ પણ સાલું આને જોઈને મનમાં કંઈક તો થયું. હું એક મિનિટ માટે અટકી પણ ગઇ પણ મારે તો નમતું જોખવું જ ન હતું. પણ બીજા જોડે જે મશ્કરી કરું એ મેં આની જોડે ના કરી.


થોડા દિવસમાં જ મારી અને કવિની ખૂબ સારી દોસ્તી થઈ ગઈ. એ મારા માટે નોટ્સ પણ બનાવી લાવતો. અમે કેંટીનમાં પણ સાથે જ જતાં. હું હંમેશા પાર્કીંગમાં જ બેઠી હોઉં, લેક્ચર માં જવાનું તો મને જરા પણ મન ના થતું. પણ આ કવિના લીધે હું લેક્ચરમાં જતી થઈ. સાચું કહું તો હું એક છોકરી છું અને છોકરી જેવાં જ કપડાં પહેરીશ તો વધું સુંદર લાગીશ એવી લાગણી મારામાં ઉત્પન્ન કરનારો પણ આ કવિ જ. એણે મને બદલવાની કોશિશ જ નથી કરી. ખબર નહીં કેમ હું આપો આપ એના માટે બદલાઈ ગઈ.


આખો દિવસ એની સાથે વાત કરું ,એની સાથે જ હરુ ફરું મારી ગેંગમાં એને પણ સામેલ કરી દીધો. અને રાતે કલાકો ના કલાકો ફોન ઉપર વાત. મારી અને કવિ ની ફ્રેન્ડશીપ કયારે પ્રેમમાં ફેરવાઈ ગઈ એ અમને પણ ખબર ના પડી. દુનિયા જાણી ગઈ કે અમારા વચ્ચે કંઈ છે પણ અમને ખબર ના પડી. કદાચ અમને ખબર હતી પણ અમે એ સ્વીકારતા ન હતાં.


કોલેજમાં એન્યુઅલ પ્રોગ્રામમાં મેં અને કવિ એ ભાગ લીધો હતો. કવિતા પઠનમાં. બંને એ સાથે જ સ્ટેજ પણ શેર કરેલું. ત્યારે એકબીજાનો હાથ પકડીને ઊભા રહયા હતા ત્યારે મારા મનમાં પહેલી વાર એને વળગીને મારા પ્રેમનો એકરાર કરવાનું મન થયેલું અને કદાચ એને પણ એવું જ થયું હતું કારણ એની આંખોમાં એનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાતો હતો.


નજર થી નજર શું મળી

દિલમાં એક એહસાસ થયો..


કયાં ખબર હતી કે તારો પ્રેમ મળશે,

પણ મારા પ્રેમનો એકરાર આજ થયો...


ઈશારો કરી તારી આંખે મારા પ્રેમ ને કબૂલ કર્યો,

ત્યારે દિલ માં હાશકારો ખાસ થયો..


તું મને જરૂર મળશે હવે,

એ જાણી હૈયામાં ઉમંગનો વરસાદ થયો..


જાણે મૃગજળમાં તૃષ્ણા જાગી

તું મેઘ બની વરસ્યો ને ભીંજવી ગયો...


તે તારી આ રાધાનો પ્રેમ સ્વીકારી

એ ઘેલી પર જાણે ઉપકાર કર્યો..


તારી થઈ હું કાના

મારો પ્રેમ જગ વિખ્યાત થયો...


તારે મને અપનાવવી હોય તો અપનાવ

પણ તું તો જન્મોજનમ હવે મારો થયો..


અમારી કવિતા પતી પછી અમે સ્ટેજ પાછળ જતા હતાં ત્યાં અનાયાસે જ કોઈ નો મને ધક્કો લાગતા હું કવિની નજીક આવી ગઈ હતી ત્યારે મને એના શ્વાસનો અનુભવ થયો હતો.


કોલેજના દિવસો પતી ગયા હતા. બધા પોતપોતાના ઘરે જતાં રહયાં. પણ કવિ હજી અહીં જ હતો એ એના ગામ ગયો ન હતો. બધા ને હવે રિઝલ્ટની રાહ હતી એ દિવસ પણ આવી ગયો.


હું આજે સવારથી ખૂબ ખુશ હતી, કારણ મને આજે કવિ મળવાનો હતો. કેટલા દિવસથી ફોન ઉપર પણ વાત ન હતી થઈ. તો કેટલા વાગે મળશું એ નકકી કરવાનું રહી જ ગયું હતું. હું કોલેજમાં પહોંચી મને મારા બધાં જ મિત્રો મળ્યા. કવિ એ ટોપ કર્યુ અને તું બીજા નંબરે છે. બધા જ મને અભિનંદન પાઠવતાં હતાં પણ કયાંય પણ કવિ નજરે ન પડતો હતો. બધા ને પૂછ્યું તો કોઈ સરખો જવાબ જ ન આપે. હવે મારું મન કવિ કવિ પોકારતું હતું. ત્યાં જ અલ્પા આવી અને મારો હાથ ખેંચીને કોલેજની બહાર લઈ ગઈ. કવિ.... કવિ... ચાલ્યો .. જા તું જલદી એને રોકી લે તારા મનની વાત કરી દે. કોલેજથી કવિનું ઘર અડધો કિલોમીટર જેટલું જ હતું. પહેલા તો મને કંઈ જ સૂઝયું નહીં. પછી હું દોડતી દોડતી એના ઘરે ગઈ તો ખબર પડી પાંચ મિનિટ પછી એની ટ્રેન છે. જેટલી જોરમાં દોડાય એટલું હું મારી બધી જ શક્તિ એકઠી કરીને ભાગી. પણ હું ત્યાં પહોંચું એ પહેલાં જ ટ્રેનની વ્હીસલ વાગી ગઈ અને ધીમી ગતી એ ચાલવા લાગી હું એને શોધતી રહી ગઈ . કયાં હશે ? કયા ડબ્બામાં?


મને એકાએક એનો અવાજ સંભળાયો, એ ટ્રેનના દરવાજા પાસે ઊભો રહી ને મારી તરફ હાથ હલાવી ને મેં એને આપેલું મોરપીંછ બતાવતો હતો. હું ફકત એને જોતી જ રહી ગઈ અને અમારી મુલાકાત અધૂરી રહી ગઈ. ન તો મળી શક્યા ન તો પ્રેમનો એકરાર કરી શક્યા.


સંવાદની વાત તો આઘી રહી ગઈ

આંખોથી આંખો મળીને

વાતો પતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy