Mariyam Dhupli

Inspirational Thriller Tragedy


2.4  

Mariyam Dhupli

Inspirational Thriller Tragedy


એક ચા મળશે કે ?

એક ચા મળશે કે ?

6 mins 21.9K 6 mins 21.9K

બાપુજી છાપું લઇ વરંડાની આરામ ખુરશી ઉપર બેઠા હોય. છાપાંનાં સમાચારોમાં તકાયેલી આંખો ઘડિયાળનાં સમય જોડે સંપર્ક વિનાજ જોડાયેલી હોય. છાપાનાં પાનાંઓ ઉથલાવતાં, સમાચાર વાંચતી દ્રષ્ટિને વરંડા બહાર પસાર થતાં રસ્તા ઉપર અવારનવાર નાખતાં હોય. જેવા ઘડિયાળમાં અગિયારનાં ટકોરા પડે કે બાપુજીનો અવાજ વરંડામાંથી નીકળી આખા ઘરમાં ગુંજી રહેતો.

"વનિતા, એક ચા મળશે કે ?"

બાપુજીની એ પહેલી સાદને રસોડામાં વ્યસ્ત બા તરફથી કોઈ પણ પ્રત્યાઘાત મળતા નહીં અને પ્રત્યાઘાત ન જ મળશે એ બાપુજી પણ અગાઉથી જાણતાજ હોય. ફરીથી બાપુજી છાપાં નાં પાનાં વ્યવસ્થિત કરી પોતાનું વાંચન આગળ ધપાવતાં. મહોલ્લામાંથી પસાર થતાં કોઈ મિત્ર કે ઓળખીતી વ્યક્તિ પર નજર પડતી કે થોડી ક્ષણો માટે એમનો સમય સામાજિક સંપર્કો પાછળ હકારાત્મક રીતે ખર્ચાય રહેતો. વાતોનો દોર પૂરો થતો કે ચા માટેની બીજો સાદ ફરીથી આખા ઘરમાં ગુંજતો.

"વનિતા , એક ચા મળશે કે?"

બીજી વખતની સાદથી બાનાં ચ્હેરા ઉપરનાં હાવભાવો બદલાવાનાં શરૂ થતાં. રસોઈ કરવામાં વ્યસ્ત હાથની ઝડપ પહેલાથી પણ બમણી થઇ રહેતી. શાકભાજી સમારતી છરીની ધાર પટકાઈ પટકાઈને અફળાતી. એનો અવાજ રસોડામાંથી ગુંજતો વરંડા સુધી પહોંચી રહેતો. પોતાની વ્યસ્તતા ભરી પરિસ્થતીની જાણનો સંદેશો બા શબ્દો પ્રયોજ્યા વિનાજ , ફક્ત પોતાનાં કાર્યનાં સ્વર દ્વારા જ વરંડા સુધી પહોંચાડી દેતાં.

પોતાની બીજાં નિષ્ફ્ળ સાદને સમેટી લઇ બાપુજી ફરીથી છાપાનાં પાનાઓ અહીંથી ત્યાં ફેરવતાં. આજુબાજુનાં વૃક્ષોની ડાળીઓ ઉપર ઉડાઉડ કરતાં પંખીઓની રમત થોડાં સમય માટે નિહાળતાં. મહોલ્લામાં રમવાં નીકળેલાં ટાબરિયાંઓને નિહાળી દૂર બેઠા ખુશ થતાં. થોડા સમયનું અર્થપૂર્ણ અંતર રાખ્યા પછી ત્રીજી અને નિર્ણાયક ગુંજ ફરીથી ઘરમાં ગુંજતી.

"વનિતા, એક ચા મળશે કે? લાઈબ્રેરી જવાનો સમય થઇ ગયો ..."

આ વખતે તો ચા મળી જ રહેશે એની પૂર્વ ખાતરી જોડે તેઓ છાપાનાં ઢગલાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું આરંભી દેતાં. બીજી તરફ રસોડામાં બાની ધીરજ ચરમ સીમાએ પહોંચતી. ચ્હેરા ઉપરની અકળામણ હાવભાવોમાં પણ ઉતરી આવતી. સ્ટવ ઉપરની એકાદ દેગચીને નીચે ઉતારી, બાપુજીની ફક્ત એકજ પ્યાલી ચા નાં માપ માટે વસાવેલી એમની નાનકડી તપેલી છણકાં જોડે સ્ટવ ઉપર ગોઠવી દેતી. બાપુજી ચા માં કેટલું પાણી, દૂધ અને સાકર પસંદ કરતા એનાં વરસાનુભવ આધારે ચા તૈયાર કરવા મૂકી દેતી. ચા તૈયાર થતી હોય એ સમય દરમ્યાન એ રસોઈ માટેની અન્ય તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી. પણ બાનો ઊંચો સ્વર આખા ઘરમાં ગુંજી રહેતો .

"ચા ..ચા ..ચા ...સવારે તો આપી હતી. ચાને બહાને ફક્ત મારાં કામમાં વિઘ્નો પાડવાનાં હોય મારે ફક્ત બેસીને છાપું વાંચવાનું નથી કે લાઈબ્રેરી જઈ મિત્રો જોડે ગપ્પા મારવાના નથી. ઢગલો કામ કરવાના હોય. આદેશનાં ટિફિન સર્વિસવાળા આવતાં જ હશે. બાળકો પણ શાળાએથી પરત થશે. બધી રસોઈ સમયસર નિપટાવવાની હોય અને ઉપરથી તમારાં ચા નાં આદેશો છૂટે એ જુદા! એક જ સ્ટવ છે મારાં રસોડામાં ..."

બા નાં આ બધાં જ શબ્દો દરરોજ પુનરાવર્તિત થતાં. શબ્દોનો ક્રમ પણ લગભગ એક સરખો. બાપુજીને તો કદાચ એ બધા શબ્દો મનમાં ગોખાય પણ ગયા હોય તો નવાઈ નહીં. તૈયાર થયેલી ચા ને કપમાં નિકાળી મિતાલીનાં હાથમાં ધરતાં બા પોતાનાં ક્રોધ વક્તવ્યને અંતિમ સ્પર્શ આપતા.

"જા, આપી આવ તારા સસરાને. એ લાઈબ્રેરી જાય તો હું નિરાંતે રસોઈ તો કરી શકું. નહીંતર ચા ..ચા ..કરી મારો જીવ લેશે."

આખરે પણ બાપુજી પોતાની ચા પીધા પછી જ શાંતિથી લાઈબ્રેરી જવા નીકળતાં. આ દરરોજની નિયમિત પુનરાવર્તિત ઘટનાની મિતાલી મૌન સાક્ષી. મનોમન આ રિકઝિક નિહાળી એ કેટલું હસતી. બા -બાપુજીનું આ નિયમિત દ્રશ્ય રમૂજ પણ ઉપજાવતું અને એ બન્ને પ્રત્યે સ્નેહ પણ .

પરંતુ હવે જયારે પણ રસોડાની નાનકડી બારીમાંથી વરંડામાં ગુમસુમ બેઠા બાપુજીને એ નિહાળતી ત્યારે સ્વર્ગસ્થ બાની યાદ વધુ વેદના આપતી. રસોડામાં બાની બધી જ જવાબદારીઓ એણે ભલે ખુબજ કુશળતાથી ઉપાડી લીધી હતી. પણ ઘરમાં બાનું સ્થાન ક્યાંથી લઇ શકે? બા વગર ઘર ઘણું બદલાઈ ગયું હતું અને સૌથી વધારે બાપુજી.

હવે ઘડિયાળનાં ટકોરાં જોડે એમની દ્રષ્ટિ અને ધ્યાનનો કોઈ સંપર્કજ રહેતો ન હતો. ચા માટે હવે એક પણ સાદ ઘરમાં ગુંજતી ન હતી. છાપાનાં ઢગલાઓ ફક્ત પર્વત જેમ એક્બીજાની ઉપર ભેગા થતા જતા હતાં. એ પાનાઓ ફેરવવામાં હવે એમનો કોઈ રસજ બચ્યો ન હતો. મહોલ્લાઓમાંથી પસાર થતાં મિત્રો કે ઓળખીતાઓને હવે જાણે તેઓ ઓળખતાં જ ન હતાં. માસુમ બાળકોનો શોર કે વૃક્ષો ઉપરથી ગુંજતા પક્ષીઓનાં મધુર ટહુકાઓ એમની શ્રવણ ઇન્દ્રિયો સુધી પહોંચતાં જ ન હતાં. આંખો વરંડાની બહાર શુન્યાવકાશમાં સ્થિર ઢળી રહેતી. લાઈબ્રેરી જવાનું તો એમણે તદ્દન બંધ જ કરી દીધું હતું.

રસોડાની ઘડિયાળમાં અગિયાર ટકોરા પડ્યા. બા બાપુજીની મધુર યાદોમાં ખોવાયેલી મિતાલી રસોડાનાં નિયમિત કાર્યોમાં વ્યસ્ત હતી. પોતાનાં મનમાં ઉઠેલા વિચારથી પ્રેરાઈ એણે સ્ટવ ઉપરથી ફટાફટ એક તપેલી હડસેલી, પિતાજીની ચા માટેની પેલી ખાસ નાનકડી તપેલી એની જગ્યાએ સ્ટવ પર ચઢાવી. બા નાં હિસાબ પ્રમાણે બાપુજીની પસંદગી અનુસાર યોગ્ય પ્રમાણમાં દૂધ, પાણી, ચા અને સાકર મેળવી ગરમાગરમ ચા તૈયાર કરી નાખી.

વરંડામાં શુન્યાવકાશમાં ખોવાયેલી બાપુજીની આંખો સામે ગરમાગરમ ચા આવી અને એમની સંવેદનાઓની તંદ્રા તૂટી.

"અરે બેટા, આની શી જરૂર હતી?"

બાપુજીનાં હાથમાં ચાનો કપ આપી રહેલી મિતાલીનો ઉત્સાહ જાણે વીંધાઈ ગયો. ચ્હેરો થોડો ઉતરી પડ્યો. બાપુજીની ઘરડી આંખોએ એ ભાવનાઓની સુક્ષ્મ નોંધ લીધી.

"મને થયું કે તમને દરરોજ અગિયાર વાગે ચા પીવાની ટેવ હતી એટલે ...."

મિતાલીનાં હાથમાંથી ચાનો કપ લઇ બાપુજીએ એનો હાથ થપથપાવ્યો.

"અહીં બેસ જોવ ...."

હાથમાંની ચા નિહાળતી વૃદ્ધ આંખોમાં વેદનાનું ભેજ વ્યાપી ગયું

" ટેવ? હા બેટા, ટેવ તો હતી મને, પણ ચાની નહીં. તારી બાનો અવાજ સાંભળવાની, એનો ગુસ્સો, એની ચીડની મજા માણવાની. એનું આખું જીવન એણે મારા જીવનને સુંદર

શણગારવાં પાછળ ખર્ચી નાખ્યું. પહેલા હું, પછી બાળકો અને પછી બાળકોનાં બાળકો..એક પછી એક ફરજો એ નિભાવતીજ ગઈ એની અંતિમ શ્વાસ સુધી. હું તો જીવનનાં એક તબક્કે નિવૃત્ત પણ થયો પણ એને એની જીવન ફરજોમાંથી ક્યારે નિવૃત્તિજ ન મળી! હું અહીં એકલો અટૂલો વરંડામાં બેઠો હોઉં અને એ રસોડામાં વ્યસ્ત. ત્યારે મન થતું એનો અવાજ સાંભળવાનું, એની જોડે વાતો કરવાનું. ચા તો ફક્ત એક બહાનું હતું. જે થકી એનો અવાજ આખા ઘરમાં હું ગુંજતો સાંભળી શકું. એનો અવાજ સાંભળી મને અનેરો સંતોષ મળતો કે મારી વનિતા મારી આસપાસજ છે અને હું મારા ઘરમાંજ છું. પણ હવે હું કોનો અવાજ ...?"

બાપુજીનાં ગળામાં ભરાયેલાં ડુમાં જોડે આગળનું વિધાન અધૂરુંજ છૂટી ગયું. મિતાલીનો અવાજ પણ ગળગળો થઇ રહ્યો.

"જેને આપણે પ્રેમ કરીએ એનાં પરજ આપણે અધિકાર જમાવીએ અન્ય જોડે તો ફક્ત ઔપચારિકતાઓ જ નિભાવીએ...."

પ્રેસર કૂકરની સિટીનાં અવાજ જોડે જ મિતાલી રસોડા તરફ ધસી ગઈ. બાપુજીનાં હાથમાંની ચા માંથી હજી પણ વરાળ ઉઠી રહી હતી. એ વરાળ વચ્ચેથી બાપુજીનાં આંખોમાંનું પાણી સ્પષ્ટ ચમકી રહ્યું હતું

બીજે દિવસે મિતાલી રસોડામાં ગળાડૂબ વ્યસ્ત હતી. ઘડિયાળમાં અગિયાર ટકોરા પડ્યા. વરંડા તરફથી બાપુજી નો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો.

"મિતાલી બેટા, એક ચા મળશે કે?"

મિતાલીની આંખો ખુશીથી ચમકી ઉઠી. તરતજ સ્ટવ ઉપરથી પ્રેશરકૂકર ઉતારી લઇ એણે ચા માટેની નાની તપેલી એની જગ્યાએ ગોઠવી દીધી. પાણી, દૂધ, સાકર અને ચા પ્રમાણસર મેળવી લીધું. જોતજોતામાં મિતાલીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો.

"બાપુજી મારો સ્ટવ વ્યસ્ત છે. કેટલું બધું કામ પડ્યું છે! આદેશનું ટિફિન તૈયાર કરવાનું છે. ટિફિન સર્વિસવાળા આવતાં જ હશે. બાળકો પણ થોડા સમયમાંજ આવી રહેશે. હજી રસોઈનું ઘણું કામ પડ્યું છે ...."

વરંડામાં બાપુજીને પૂર્વ ખાતરી થઇ ગઈ કે હવે થોડાજ સમયમાં ગરમાગરમ ચા હાથમાં મળી રહેશે. મિતાલીનો અવાજ હજી આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. એ ઘરમાં એકલાં ન હતાં. વૃક્ષ ઉપરથી સંભળાઈ રહેલા મીઠામધુર પંખીઓનાં ટહુકાં તરફ એક સ્મિતવાળી દ્રષ્ટિ ફેંકી, હાથમાંનું છાપું સંકેલી લઇ, છાપાઓના ઢગલાને યોગ્ય ક્રમમાં ગોઠવતા એ લાઈબ્રેરી માટે નીકળવા તૈયાર થઇ રહ્યા....


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational