Anand Gajjar

Romance Thriller

5.0  

Anand Gajjar

Romance Thriller

એજ ક્ષણો

એજ ક્ષણો

16 mins
719


અમિશ ઉઠ, જો ૦૮:૩૦ થઈ ગયા અને હજુ સુધી તું સૂતો છે. અમિશને ઉઠાડતા ઉઠાડતા દિવ્યા બોલી. દિવ્યા અમિશની નાની બહેન હતી. ૧૮ વર્ષની ઉંમરે મમ્મીનું અવસાન થતા ઘરની બધીજ જવાબદારી દિવ્યા પર આવી ગઈ હતી. અમિશ અને પપ્પાનું ધ્યાન તે જ રાખતી. અમિશ પણ એક સારી એવી કમ્પનીમાં એકાઉન્ટન્ટની જોબ કરતો હતો. તેથી તેમનો પરિવાર સુખેથી જિંદગી વિતાવી રહ્યો હતો.


"ભાઈ, તને મોડું થાય છે. ૧૦:૩૦ વાગ્યાની તો તારી ટ્રેન છે. ચાલ હવે જલ્દી ઉઠ નહિ તો મોડું થઈ જશે અને પછી તું મને જ બોલીશ."

આજે અમિશને સુરત જવાનું હતું. ૨ દિવસ પછી તેના ખાસ મિત્ર અને કુટુંબમાં થતા ભાઈ એવા યોગેશના લગ્ન હતા. અમિશ અને યોગેશની મિત્રતા નાનપણની હતી. બંને નાના હતા ત્યારથી લઈને કોલેજ સુધીના સમયમાં સાથે જ હતા. બન્ને આખો દિવસ સાથે જ રહેતા. કોલેજના મિત્રો પણ તેમને રામ - લક્ષ્મણની જોડી જ કહેતા હતા. પણ કોલેજમાંથી છુટા પડ્યા પછી યોગેશને સુરતમાં સારી એવી જોબ મળી ગઈ હતી. અને યોગેશ પોતાના પરિવાર સાથે ત્યાંજ સ્થાયી થઈ ગયો હતો. અમિશને અમદાવાદમાં સારી એવી જોબ મળ્યા પછી તે ત્યાંજ રહી ગયો. સુરત અને અમદાવાદ વચ્ચેના અંતરની જેમ આ બે મિત્રો વચ્ચે પણ અંતર વધી ગયું હતું. હવે તો આ મિત્રો છ મહિનામાં એક વાર પણ માંડ મળી શકતા હતા. બંનેની લાઈફ ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી. પણ વોટ્સએપ અને ફેસબુકના લીધે બેય વચ્ચે સંવાદ ચાલુ રહેતા હતા. બંનેની જિંદગી એક સરસ રીતે વીતી રહી હતી. અને આટલા સમય પછી તો યોગેશના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા એટલે અમિશ પણ ખૂબ ખુશ હતો કે પોતાના નાનપણના મિત્રના લગ્નમાં ખૂબ જ ડાન્સ કરશે અને ખૂબ મસ્તી કરશે.


અમિશ ફટાફટ ઉભો થયો અને ફ્રેશ થઈને પોતાના રૂમમાં ગયો. ગઈ કાલે જ લાવેલા નવા કપડાં પહેર્યા અને જાણે પોતાના જ લગ્ન હોય એમ તૈયાર થઈ ગયો. પોતાની બેગ ચેક કરી અને જોઈ લીધું કે બધીજ વસ્તુ બરાબર તો છે ને! એને ઘડીયાળમાં જોયું તો ૦૯:૪૫ થઇ હતી. તેના ઘરેથી રેલવે સ્ટેશનનો રસ્તો ૨૦ મિનિટનો હતો. અમિશ પોતાના ઘરથી નીકળ્યો અને રેલવે સ્ટેશન ગયો. અને ત્યાંથી ટિકિટ લઈને પોતાના પ્લેટફોર્મ પર જઈને ટ્રેનની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં ટ્રેન પણ પોતાના સમય અનુસાર ૧૦:૩૦ વાગ્યે આવી ગઈ. અમિશ ટ્રેનમાં બેઠો અને ધીમે ધીમે ટ્રેન આગળ વધવા લાગી. આ સાથેજ અમિશ પણ પોતાના વિચારોમાં ખોવા લાગ્યો. અને કોલેજમાં વિતાવેલી એ પળો યાદ કરવા લાગ્યો. કે કેવા બંને મિત્રો બધાજ સાહેબને હેરાન કરતા, કોલેજમાંથી બંક મારીને રિવરફ્રન્ટ ફરવા જતા, સાથે કેન્ટીનમાં નાસ્તો કરતા અને આજે ઘણો બધો સમય પસાર થઈ ગયો. આ વિચારોમાં જ અમિશનો સમય પસાર થઇ ગયો અને જોતજોતામાં તો સુરત સ્ટેશન પણ આવી ગયું. અમિશ ટ્રેનમાંથી ઉતર્યો અને સ્ટેશનના ગેટ તરફ ચાલવા લાગ્યો. ત્યાં જઇને જોયું તો યોગેશ પણ ગેટ પાસે અમિશની રાહ જોઈ રહ્યો હતો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા અને ગાડીમાં બેસીને ઘર તરફ ચાલવા લાગયા. ઘરે જતા સમયે બંને વાતો કરવા લાગ્યા અને લગ્નની તૈયારી કેવી રીતે કરવાની છે અને શુ - શુ આયોજન કરવાનું છે એના વિશે યોગેશ અમિશને સમજાવા લાગ્યો.


આજે ઘણા સમય પછી અમિશ યોગેશના ઘરે આવ્યો હતો. ઘરે જઈને અમિશ યોગેશના મમ્મી - પપ્પાને મળ્યો. ઘરમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી અને ઘણા બધા મહેમાન પણ આવી ગયા હતા. અમિશ પણ ફટાફટ યોગેશ સાથે લગ્નની તૈયારીમાં લાગી ગયો અને એની મદદ કરવા લાગ્યો. લગ્નને હજી ૨ દિવસની વાર હતી પણ ઘણી બધી તૈયારી હજુ બાકી હતી. અમિશ પણ તૈયારી કરી રહ્યો હતો અને કોઈ વસ્તુ લેવા માટે રૂમમાં જતો હતો કે તેનું ધ્યાન ઘરના ફળીયામાં પડ્યું. અમિશે જેવું તે દૃશ્ય જોયું કે થોડી વાર માટે તો તે આશ્ચર્યચકીત્ત થઇ ગયો. અમિશના આખા ચેહરાનું રૂપ બદલાઈ ગયું. તેની બધીજ ખુશી જાણે આઘાતમાં ફેરવાઈ ગઈ. અમિશ ત્યાં જ જોઈ રહ્યો અને એક પૂતળું બનીને ઉભો રહી ગયો.


અમિશની નજર જેવી ખૂણામાં પડી કે તરતજ તે સ્તબ્ધ થઈ ગયો. અમીશે જોયું તો ત્યાં ક્રિષ્ના ઉભી હતી. રંગે ગોરી, હાઈટ ૫.૫ ફુટ જેટલી, આંખો બ્રાઉન કલરની અને એના પર સુંદર મજાની ફ્રેમવાળા ચશ્મા, હોઠ ફૂલની પાંખડી જેવા નરમ અને ગુલાબી, અડધા ખુલ્લા વાળ.. અમિશ હજી પણ ત્યાંજ જોઈ રહ્યો હતો. કે પાછળથી કોઈકે તેના ખભા પર અને અમિશ જેવો ઊંઘમાંથી જાગ્યો હોય એવો ઝબકીને પાછળ તરફ જોયું. યોગેશ બોલ્યો, "ક્યાં ખોવાઈ ગયો ભાઈ તું, ક્યારનો તને બૂમો પાડું છું પણ તું સાંભળતો જ નહોતો. ચાલ હવે, આ લિસ્ટ છે અને થોડો સામાન ખરીદવા જવાનું છે. અને હજી તો કેટલીય તૈયારી બાકી છે.

( ક્રિષ્ના અમિશનો 2 વર્ષ પહેલાંનો ભૂતકાળ અને ખરાબ સમયની ભાગીદાર હતી. ક્રિષ્નાએ અમિશને પુરે પૂરો બદલી નાખ્યો હતો. ..... કોલેજ પૂરી કર્યા પછી અમિશને અમદાવાદમાં જોબ મળી ગઈ. આ સમય દરમ્યાન અમિશની પ્રાચી નામની છોકરી સાથે મુલાકાત થઈ. તે અમિશના ઓફીસ સ્ટાફમાં જ હતી. પ્રથમ બંને વચ્ચે મિત્રતા થઈ. ધીરે ધીરે બંને વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું અને પ્રેમમાં પરિણમ્યુ. અમિશ રોજે પ્રાચી માટે ચોકલેટ લાવતો. બેય રોજે મોડે સુધી ફોનમાં વાતો કરતા, મૂવીઝ જોવા જતા અને સાથે સમય પસાર કરતા. અમિશ પ્રાચીને ખૂબ ચાહતો હતો. તે પ્રાચીની નાની નાની વાતો નું ધ્યાન રાખતો. પણ ધીરે - ધીરે જેમ સમય પસાર થવા લાગ્યો તેમ અમિશને પ્રાચીમાં ઘણું બધું પરિવર્તન દેખાવા લાગ્યું હતું. પ્રાચી કયારેક એનો ફોન ના ઉપાડતી, ક્યારેક બહાનું કાઢીને વાત કરવાનું ટાળી દેતી. અમિશ જયારે લગ્નની વાત કરે ત્યારે ગુસ્સે થઈને બોલતી કે મારે હમણાં લગ્ન નથી કરવા અને આ વિશે પછી વિશારીશુ એટલે તું આવી વાત કરી ને મારો મૂડ ખરાબ ના કરીશ. હવે તો જ્યારે અમિશ ફોન કરે તો કયારેક કલાકો સુધી એનો ફોન વ્યસ્ત આવતો. અમિશને કાંઈજ નહોતું સમજાતું કે આ એની સાથે શુ થઈ રહ્યું છે ? પ્રાચી એની સાથે આવું કેમ કરી રહી છે ?


અને એક દિવસ તો હદ જ થઈ ગઈ. પ્રાચીએ અચાનક જ કહી દીધું કે અમિશ તું મને ભુલી જા. આ સાંભળતા તો અમિશના માથે તો આભ ફાટી નીકળ્યું. થોડીવાર તો એને સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું છે ! પ્રાચી તેનો પ્રથમ પ્રેમ હતો અને તે એને કયારેય ભુલાવી શકે તેમ નહોતું. તેને માટે પ્રાચી તેની જિંદગી હતી અને કોઈ પોતાની જિંદગીને પોતાનાથી દુર કઈ રીતે જવા દઇ શકે ?

અમિશ :- પ્રાચી હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારા વગર નહિ જીવી શકું.

પ્રાચી :- પણ અમિશ હું તને પ્રેમ નથી કરતી. હું કોઈ બીજાને પ્રેમ કરું છું.

અમિશ :- શુ ? તું કોઈ બીજાને..........આ ખોટું છે.......આ ન બની શકે.

પ્રાચી :- આ જ સાચું છે અને તે છોકરો બીજો કોઈ નહિ પણ આપણા જ સ્ટાફનો વિજય છે. એટલે એ જ સારું છે કે તું પણ મને ભૂલી જા.

અમિશ :- જો તું મને પ્રેમ જ નહોતી કરતી તો અત્યાર સુધી મારી સાથે વાતો કરી, વચનો આપ્યા, ફરી, અને સમય વિતાવ્યો એ...

પ્રાચી :- આ બધું ટાઈમપાસ હતો અને આજના યુગમાં તો આ બધું કોમન છે યાર. હવે કયારેય મારી લાઈફમાં આવવાનો પ્રયત્ન ના કરતો. ગુડ બાઈ એન્ડ એન્જોય યોર લાઈફ.


અમિશ આ બધું સાંભળીના શક્યો. તેની આંખમાં આંસુ આવી ગયા. પ્રાચી પોતાની જિંદગી હતી અને એ જ પ્રાચીએ તેની સાથે..આ વાતના લીધે અમિશ સાવ તૂટી ગયો. તે દિવસ રાત પ્રાચીના જ વિચારોમાં ખોવાયેલો રહેતો. તેની સામે પ્રાચીનો માસુમ ચેહરો આવ્યા કરતો અને એ સાથેજ ગુસ્સો આવતો અને પ્રાચીએ કરેલો દગો યાદ કરીને રડ્યા કરતો. તેને પોતાનાથી પણ નફરત થવા લાગી હતી. તે હવે ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. એકલો બેસી રહેતો, ના કોઈની સાથે વાત કરતો કે ના કોઈને બોલાવતો. કયારેય પણ કોઈ જ વ્યસન ના કરનારો અમિશ હવે દારૂ અને સિગરેટનો હેવાયો થઇ ગયો હતો. મોડી રાત સુધી રખડતો અને દારૂ પીને ઘેર આવતો. પોતાના પપ્પા સાથે પણ ઝગડા કર્યા કરતો. અને ગુસ્સે થતો ત્યારે ઘરની વસ્તુઓ તોડ ફોડ કરતો.


આ વાતને છ મહિના થઇ ગયા. પણ અમિશ નહોતો બદલાયો. આ દરમ્યાન અમિશના જીવનમાં ફરી એક છોકરી એ પ્રવેશ કર્યો. એનુ નામ "ક્રિષ્ના" હતું. આમ તો ક્રિષ્ના ઘણા સમયથી અમિશની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમા હતી. પણ જ્યાં સુધી અમિશના જીવનમાં પ્રાચીનું સ્થાન હતું ત્યાં સુધી તેને ક્રિષ્ના સાથે વાત નહોતી કરી. અમિશ ફેસબુક ઓપન કરી ને બેઠો જ હતો કે એને ઓનલાઇન લિસ્ટમાં ક્રિષ્નાનું નામ જોયું. તેને ક્રિષ્નાને મેસેજ કર્યો. ૧૦ મિનિટમાં સામેથી પણ ક્રિષ્નાનો મેસેજ આવ્યો. ધીરે ધીરે બન્ને વચ્ચે વાત શરૂ થઇ. ક્રિષ્ના અમદાવાદમાં જ રહેતી હતી અને તે પોતાનાજ નાતની હતી. ધીરે ધીરે આ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થતી ગઇ. રોજ સવારે હાઇ અને ગુડ મોર્નિંગના મેસેજ કોમન બની ગયા. એક દિવસ અમીશે ક્રિષ્નાને મળવા માટે કહ્યું અને ક્રિષ્નાએ પણ એ વાતમાં સહમતી આપી. એ દિવસે બંને એ સાથે સમય વિતાવ્યો અને તે દરમ્યાન પોતાની મિત્રતા વધુ ગાઢ બનાવવા માટે એક બીજાને પોતાના વિશેની બધી જાણકારી આપવાનું નક્કી કર્યું. ક્રિષ્નાએ તો પોતાની જાણકારી આપી દીધી પણ અમિશને ખબર હતી કે જો હું ક્રિષ્નાને હકીકત જણાવીશ તો એ મને ખરાબ સમજીને મિત્રતા તોડી નાખશે. છતાં પણ અમીશે વિશ્વાસ કરીને બધું જણાવવાનું જ યોગ્ય સમજ્યું. તેને પોતાના વિશેની બધી જ વાત ક્રિષ્નાને જણાવી દીધી. પણ આ શું ?

ક્રિષ્નાએ તો મિત્રતા તોડવાનો લીધે એવો જવાબ આપ્યો કે, " અમિશ, કોઈના પ્રેમ માટે આપણું જીવન ના બગાડાય. શુ તું પોતાની જિંદગી બગાડીશ તો પ્રાચી પાછી આવી જશે ? આ વાતથી પ્રાચીને કોઈ જ ફર્ક નહિ પડે અમિશ. માટે તું આ બધું જ ભૂલી જા અને એક નવી જિંદગી શરૂ કર. જો તારામાં સારાઈના ગુણ હશે તો ભવિષ્યમાં પ્રાચી કરતા પણ વધુ સારી છોકરી મળી રહેશે. અને જો હું તારી એક સારી મિત્ર છું તો હું તને મદદ પણ કરી શકું તારી આ ખરાબ આદતો સુધારવામાં. ધીરે - ધીરે અમિશ અને ક્રિષ્નાનો સંપર્ક વધતો ગયો. હવે ક્રિષ્ના રોજ અમિશની નાની - નાની વાતની કાળજી રાખતી. તે અમિશને તેની નાની બહેનના સમ દઈને કુટેવોથી દુર રાખવાનો પ્રયત્ન કરતી. તે બોલતી કે જયારે પણ તું વ્યસન કરે ત્યારે પહેલા તારા પરિવાર વિશે વિચાર કરજે. એ લોકોનો બધો જ આધાર તારા પર છે. કયારેક અમિશ પણ વિચારતો કે ક્રિષ્ના સાચે જ બહુ જ અલગ છે. જેમ - જેમ સમય વિતવા લાગ્યો તેમ અમિશ પણ કુટેવોથી દુર રહેવા લાગ્યો. તે પોતાને કામમાં વ્યસ્ત રાખતો જેથી એને ના તો પ્રાચીની યાદ આવતી કે ના તો વ્યસન કરવાની ઈચ્છા થતી. ના તો હવે એ કોઈ પણ વાતમાં ગુસ્સો કરતો. હવે અમિશ સાવ બદલાઈ રહયો હતો. અને એનું કારણ હતું તો એ હતી " ક્રિષ્ના ". તે જ્યારથી અમિશની જિંદગીમાં આવી ત્યારથી એની જિંદગી બદલાઈ ગઈ હતી. કારણ કે તે એક સમજદાર છોકરી હતી. અમિશ પણ જેમ બદલાતો ગયો તેમ એને ભાન થતું ગયું કે તે પોતે હવે ક્રિષ્ના પ્રત્યે આકર્ષવા લાગ્યો છે. હવે ક્રિષ્ના તેના મનમાં વસવા લાગી હતી. તેના મનમાં ક્રિષ્ના પ્રત્યે પ્રેમનું ઝરણું વહેવા લાગ્યું હતું. પણ તેને એ પણ ભાન હતું કે ક્રિષ્ના પોતાને એક સારો મિત્ર માને છે અને જો હું એના સામે પ્રેમનો પ્રસ્તાવ મુકું અને તે અસ્વીકાર કરે તો હું એક સારી મિત્ર પણ ખોઈ બેસું. આ વાતનો પણ ડર રહેતો હતો અને બીજો ડર એ પણ હતો કે તેનો પહેલો પ્રેમ નિષ્ફળ ગયો એમ કદાચ બીજો પ્રેમ પણ..

પણ અમિશને એ પણ લાગ્યું કે કદાચ એવું પણ ના બને કે હું ક્રિષ્નાને ખોઈ બેશુ. તે હવે મનોમન ક્રિષ્નાને મળીને પોતાના દિલની વાત કહી દેવાનું વિચાર કરી લે છે અને બીજા જ દિવસે ક્રિષ્નાને મળવા માટે બોલાવે છે.


" ક્રિષ્ના મારે તને એક ખૂબ અગત્યની વાત કરવી છે.....હું તને કાંઈક કહેવા માગું છું.........."અમિશે પોતાની દિલની વાતની શરૂઆત કરી.

અમિશ :- ક્રિષ્ના તું જ્યારથી મારી જિંદગીમા આવી છું ત્યારથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. તે મારામાં પરિવર્તન કરીને મને પુરે - પૂરો સુધારી નાખ્યો છે. હું તને કાંઈક કહેવા માગું છું.

ક્રિષ્ના :- હા બોલ યાર તારે શુ કહેવું છે ?

અમિશ :- આઈ લવ યુ સો મચ... શુ તું મારી લાઈફ પાર્ટનર બનીશ ?

(આ સાંભળતા તો ક્રિષ્ના તો જાણે ખોવાઇ જ ગઈ. તેને તો જાણે આઘાત લાગી આવ્યો... અમિશ......આ શું........??)

ક્રિષ્ના :- અમિશ તું આ શું મજાક કરે છે ? મેં તો આવું કયારેય નથી વિચાર્યું અને તું........

અમિશ :- યાર હું મજાક નથી કરતો. સાચું જ બોલું છું યાર પ્લીઝ તું સમજ મારી લાગણી..

ક્રિષ્ના :- હું સમજી શકું છું તારી લાગણીને પણ તું અચાનક જ આમ...

અમિશ :- હું તને એમ નથી કહેતો કે મને અત્યારેજ જવાબ આપ. તારે જેટલો સમય જોઈએ એટલો હું આપીશ..

ક્રિષ્ના :- ઠીક છે હું તને વિચારીને જવાબ આપીશ..

(થોડા દિવસ પછી)

ક્રિષ્ના અમિશને ઇગ્નોર કરવા લાગી હતી. ના તો એ અમિશનો ફોન ઉપાડતી કે ના તો અમિશના મેસેજનો જવાબ આપતી. કયારેક પોતે બિઝી છે કે બહાર છે એવો જવાબ આપીને ફોન કાપી નાખતી. થોડા દિવસમાં તેને અમિશને ફેસબુક અને વોટ્સએપમાંથી પણ બ્લોક કરી નાખ્યો. જયારે અમિશથી ના રહેવાયું તો તેને ક્રિષ્નાના ઘરે જઈને તપાસ કરવાનું વિચાર્યું પણ જયારે તે ઘરે ગયો તો એને ત્યાં તાળું જોયું અને પૂછપરછ કરતા પાડોશી તરફથી એવો જવાબ મળ્યો કે તે તો ઘર છોડીને જતા રહ્યા છે અને ક્યાં ગયા એ કોઈને નથી ખબર. અમીશે ઘણા પ્રયત્નો કર્યા પણ ક્રિષ્નાનો નંબર પણ બંધ આવતો હતો. ક્રિષ્નાએ અમિશ સાથેના બધા જ સંપર્કો તોડી નાખ્યા હતા તેથી અમિશ પણ કંઇજ કરી શકે તેમ નહોતું. હવે અમિશ પાસે એક જ રસ્તો હતો કે પોતે રાહ જોવે અને ક્રિષ્ના સામેથી કોંટેક્ટ કરે તો કંઇક વાત બને. આટલા સમય સુધી અમીશે રાહ જોઈ પણ આ ૨ વર્ષમાં ક્રિષ્નાનો કોઈ જ જવાબ ના આવ્યો અને આજે અચાનકજ ક્રિષ્ના અહીંયા....)


અચાનક જ યોગેશના હાથનો સ્પર્શ થતા અમિશ ભાનમાં આવ્યો. અને યોગેશના કહેવા પ્રમાણે તે તેની સાથે ખરીદી કરવા ગયો. યોગેશ ગાડી ચલાવી રહ્યો હતો અને સાથે સાથે વાતો પણ કરી રહ્યો હતો પણ અમિશનું તો ધ્યાન જ નહોતું. એ તો ક્રિષ્ના વિશેજ વિચારી રહ્યો હતો. ક્રિષ્નાએ આવું કેમ કર્યું ? આટલા સમય પછી ક્રિષ્ના મારી જિંદગીમાં પાછી કેમ આવી ? બસ આ વિચારો ચાલી રહ્યા હતા તેના મગજમાં.

ક્યાં ખોવાઈ ગયો છે તું ? યોગેશે અમિશના ખભા પર હાથ મુક્તા કહ્યું.

ક્યાંય નહીં અહીંયા જ તો છું ભાઈ. અમીશે પોતાનો હાલ છુપાવતા બોલ્યો.


સારું, ચાલ મોલ આવી ગયો છે આપડે કપડાં લઈ લઈએ. બન્ને એ કપડાંની ખરીદી કરી અને ઘેર જવા નીકળ્યા. ઘરે જઈને પણ અમિશની નજર તો ક્રિષ્નાને જ શોધી રહી હતી પણ મનમાં ડર પણ હતો કે ક્રિષ્ના તેને જોઈને શુ રીએક્ટ કરશે !!!


અમિશ ચોરી છુપે ક્રિષ્નાને જોયા કરતો પણ ક્રિષ્નાને ખબર નહોતી કે અમિશ પણ અહીંયા જ છે. આ બાજુ યોગેશને પણ લાગ્યું કે કાંઈક તો છે કે અમિશ જ્યારથી અહીંયા આવ્યો છે ત્યારથી ખોવાયેલો જ રહે છે. યોગેશે અમિશને ક્રિષ્નાનો પીછો કરતા જોઈ લીધો અને બધું સમજી ગયો. તે અમિશ પાસે ગયો અને બોલ્યો , "લાગે છે કે મારા ભાઈને છોકરી ગમી ગઈ છે એટલેજ તે ચોરી છુપે જુવે છે. હવે અમિશ પાસે બીજો કોઈજ રસ્તો નહોતો. તેને બધી જ હકીકત યોગેશને કહી દીધી.

યોગેશ બોલ્યો , " જો ભાઈ આવું તો જિંદગીમાં ચાલ્યા કરે. ક્રિષ્ના ૨ વર્ષ પછી તારી જિંદગીમાં પાછી આવી છે તો નક્કી ભગવાનેજ તમને મળાવ્યા હશે. તું એક કામ કર, કાલે તું શાંતિથી એની સાથે વાત કરજે અને એને સમજાવજે. એને પણ કંઈક તો પ્રોબ્લમ હશે જ એટલે જ એને તારી સાથે આવું કર્યું હશે. તું એને સમજાવજે એ જરૂર તારી વાતને સમજશે.


બીજા દિવસે અમિશ સવારથી જ તૈયાર હતો. રાહ જોઈને બેઠો હતો કે ક્યારે ક્રિષ્ના એકલી જોવા મળે અને તે એની સાથે વાત કરે. જેવી ક્રિષ્ના એકલી પડી કે તરતજ તે ત્યાં ગયો અને ધીમે થી બોલ્યો.


રીત.......... ( રીત ક્રિષ્નાનું નિક નેમ હતું જે અમિશ હમેશા તે જ નામથી બોલાવતો) અચાનકજ રીત નામ પડતા ક્રિષ્ના પાછળ ફરી અને જોયુંતો એની સામે અમિશ ઉભો હતો. અમિશને પોતાની સામે જોઈને એ તો ડઘાઈ જ ગઈ. તેને તો ઝાટકો જ લાગ્યો. પણ તે કાઈ બોલી નહિ. થોડીવાર માટે તે અમિશને જોઈ રહી. બને એક બીજાની આંખોમાં જોઈ રહ્યા અને વર્ષો પછી મળ્યા હોય એમ આંખો દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. પણ અચાનકજ ક્રિષ્નાનો પ્રેમ ગુસ્સામાં બદલાઈ ગયો અને તે દોડી ને ત્યાંથી ચાલી ગઈ. તે અમિશ સાથે વાત કરવા નહોતી માંગતી. અમિશ પણ તેની પાછળ - પાછળ ગયો પણ ક્રિષ્ના તો..


રીત...તું આવું કેમ કરે છે ?...શુ બગાડ્યું હતું મેં તારું ?...કેમ તું મને આટલી મોટી સજા આપી ગઈ ?.. આવા કેટલાય પ્રશ્નો અમિશના મોઢામાંથી નીકળી પડ્યા. પણ ક્રિષ્ના આ કોઈ જ સવાલોના જવાબ આપવા તૈયાર નહોતી.

તે દોડીને રૂમમાં જતી રહી અને બારણું અંદરથી બંધ કરી દીધું. અમિશ બહાર ઉભો રહીને બારણું ખખડાવતો રહ્યો પણ ક્રિષ્ના બારણું ખોલવાના મૂડમાં જ નહોતી. તેને પણ કદાચ આઘાત લાગ્યો હશે એટલે પછી વાત કરશે એમ માનીને અમિશ પણ ત્યાંથી જતો રહ્યો. એ દિવસ સાંજ સુધીમાં અમીશે ઘણી વાર ક્રિષ્નાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો પણ દર વખતે ક્રિષ્ના જવાબ આપવાના બદલે છોકરીઓના ટોળાંમાં, રસોડામાં, કે પછી રૂમમાં જતી રહેતી. રાતે અમિશ જમીને ઉભો થયો કે તેને વિચાર આવ્યો કે આજે તો લગ્નની તૈયારીનો છેલ્લો દિવસ છે અને કાલે માંડવો છે. જો આજે રાતે હું વાત નહિ કરી શકું તો હું ક્યારેય ક્રિષ્ના સાથે વાત નહિ કરી શકું. તેને મનમાં નક્કી કરી લીધું કે આજે તો ગમે તે થાય પણ હું ક્રિષ્ના સાથે વાત કરીને જ રહીશ. તે ક્રિષ્નાના રૂમ પાસે ગયો અને બારીમાંથી જોયું તો અંદર કોઈ જ નહોતું. તેના મનમાં કોઈ પ્લાન આવ્યો અને તે રૂમમાં ગયો અને બારણાં પાછળ જઇને છુપાઈ ગયો. થોડીવાર પછી ક્રિષ્ના એકલી રૂમ તરફ આવી રહી હતી. તે જેવી રૂમ તરફ આવી કે તરત જ અમીશે તેને અંદર રૂમમાં ખેંચી લીધી અને પોતાના હાથેથી એનું મો બંધ કરી દીધું અને દરવાજો પણ બંધ કરી દીધો. ક્રિષ્ના પોતાનું મો છોડાવવા જતી હતી ત્યારેજ અમીશે તેને દીવાલ સાથે રાખી દીધી અને હાથ પણ પકડી રાખ્યા. બંનેના શ્વાસ એક બીજા સાથે ટકરાવા લાગ્યા. બંને એક બીજાની આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા હતા. બે માંથી એકના પણ મોઢામાંથી શબ્દો નહોતા નીકળી શકતા. ફક્ત આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો. ક્રિષ્ના હવે કાઈ જ કરી શકતી નહોતી તે લાચાર હતી. તે છૂટવા માટે બળ કરી રહી હતી પણ તેનું બધુંજ બળ વ્યર્થ હતું. અમિશના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને તે બોલી ઉઠ્યો...રીત....તે આવું કેમ કર્યું ?.......શુ લેવા આવી સજા આપી મને ?...


હવે ક્રિષ્ના પણ કાઈ બોલી શકતી નહોતી. તે પણ અમિશની આંખમાં જોઈ રહી અને તેની આંખોમાં ખોવાઈ ગઈ. હવે તેને પણ ભાન થવા લાગ્યું અને પોતાને છોડાવવાના પ્રયત્ન કરવાની જગ્યાએ તેના આંખમાંથી પણ આંસુ ટપકી પડ્યું.

અમિશનો હાથ એના મો પરથી છૂટી ગયો અને તે બોલી ઉઠી.....અમિશ ......આઈ લવ યુ............પણ.........રડતા રડતા બોલવા લાગી.

પણ શું........અમીશે પોતની આંખના આંસુ લૂછતાં - લૂછતાં પૂછ્યું.

ક્રિષ્ના :- એ ક્ષણો એવી હતી કે હું કઈજ નહોતી કરી શકતી. હું મજબુર હતી. મારી પાસે એકજ રસ્તો હતો અને એ હતો આપણા પ્રેમનો ત્યાગ......

અમિશ :- પણ થયું શુ હતું ?...તે કોઈ વાત નહોતી કરી અને અચાનકજ મને છોડીને જતી રહી. કોઈ કોન્ટેક્ટ પણ ના કર્યો મને. તને શુ ખબર મારી કેવી હાલત થઇ ગઈ હતી તારા વગર..

ક્રિષ્ના :- સોરી અમિશ..મારી હાલત પણ એવી જ હતી. તે જે દિવસે મને પ્રપોઝ કર્યું હું તને એજ દિવસે જવાબ આપવા માંગતી હતી કે હું પણ તને એટલોજ પ્રેમ કરું છું. પણ એના ૫ દિવસ પછી તારો જન્મદિવસ હતો અને હું તને ગિફ્ટમાં સંપૂર્ણપણે મારી જાતને સોંપવા માંગતી હતી અને હમેશા માટે તારી જીવનસાથી બનવા માંગતી હતી એટલા માટેજ મેં તારી પાસે વિચારવા માટે સમય માંગ્યો હતો. પણ એના ૨-૩ દિવસ પછી પપ્પાને બિઝનેસમાં બહુ જ મોટું નુકસાન આવ્યું અને અમારું ઘર પણ વેચવું પડ્યું. હું તને મારી પરિસ્થિતિ જણાવીને દુઃખી કરવા નહોતી માંગતી. ઘર વેચીને પણ દેવું એટલું બધું બાકી હતું કે અમે ક્યારેય ભરી શકીએ એમ નહોતા એટલે અમારે રાતો - રાત બીજા શહેરમાં શિફ્ટ થવું પડ્યું. આ નુકશાનનો પપ્પાને એટલો મોટો ઝટકો લાગ્યો કે એમનું માનસિક સંતુલન બગડી ગયું અને થોડા દિવસમાં તેમણે આપઘાત..... મારી પાસે બીજો કોઈજ રસ્તો નહોતો. ઘરની એક માત્ર સંતાન હોવાના કારણે બધીજ જવાબદારી મારા પર આવી ગઈ હતી. એટલે મારે મજબુર થઇને તારા પ્રેમનો ત્યાગ કરવો પડ્યો કારણ કે હું તને સહેજ પણ દુઃખી જોવા નહોતી માંગતી અને મારી મુશ્કેલીમાં ઇનવોલ્વ કરવા નહોતી માંગતી. હું નહોતી ઇચ્છતી કે મારા કારણે તું પણ લોકોના મહેણાં સાંભળે........ આટલું બોલતા જ ક્રિષ્ના ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી.


અમીશે તેના આંસુ લુછયા અને બોલ્યો:- પાગલ એકવાર ખાલી મને વાત તો કરી હોત. તને શું લાગે છે કે તારી આવી પરિસ્થિતિમાં હું તને છોડી દેત ? જો મને ખબર હોત તો હું તને અમદાવાદ છોડીને જવા જ ના દેત. હું તને પ્રેમ કરું છું અને તારા માટે કોઈ પણ મુશ્કેલી સામે લડી શકું છું.

પણ હવે તું ચિંતા ના કરીશ. હું આવી ગયો છું અને હું બધું જ સંભાળી લઈશ. તું ચિંતા ના કરતી.

આટલું બોલતા બન્નેએ એકબીજાને બાથમાં ભરી લીધા.....અને વર્ષો જૂનો વિલાપ યાદ કરીને બંનેની આંખમાંથી આંસુ સરી પડ્યા.

(૮-૧૦-૨૦૧૪ આજે યોગેશના લગ્ન હતા અને અમિશનો જન્મદિવસ પણ હતો. અમિશને તો પોતાના જન્મદિવસ પણ ખૂબ મોટી ગિફ્ટ મળી જ ગઈ હતી એટલે એ તો જાણે ખૂબ જ ખુશ હતો.)


લગ્ન પુરા થઈ ગયા અને લગભગ કામ પૂરું થઈ ગયું હતું. ફક્ત જાન વળાવવાની બાકી હતી. બપોરે કામ પતાવીને અમિશ ક્રિષ્નાને રૂમમાં લઇ ગયો અને તેની સામે ઘૂંટણિયે થઇને બેસી ગયો અને બોલ્યો....મને તો આજે મારા જન્મદિવસ પર ખૂબજ અમૂલ્ય ભેટ મળી ગઈ છે પણ હું તને કાઈક આપવા માંગુ છું. તેને પોતાના ખિસ્સામાંથી ડાયમંડની રિંગ કાઢી અને ક્રિષ્નાની સામે રાખી ને બોલ્યો...


રીત...આઈ લવ યુ સો મચ....હું તને ખૂબજ પ્રેમ કરું છું અને મારી જીવનસંગીની બનાવીને પુરી જિંદગી તારી સાથે વીતાવા માંગુ છું. શુ તું મારી સાથે લગ્ન કરીને મારી સાત જન્મની સંગીની બનીશ ?

આ સાંભળતા ક્રિષ્ના ખુશ થઈ ગઈ અને તેને હકારમાં માથું હલાવ્યું. અમીશે તરત તેને રિંગ પહેરાવી અને કમરેથી ઉપાડીને તેડી લીધી.


જાન વિદાય થયા પછી ક્રિષ્ના અને અમિશ છુટા પડ્યા. બંનેને એકબીજાથી દૂર જવું એ મંજુર તો નહોતું પણ ફરી એક થવા માટે છૂટું પડવું પણ જરૂરી હતું. થોડા દિવસ પછી બન્નેએ પોતાના ઘેર એક બીજા વિશે વાત કરી. અમિશના ઘેરથી તો હા માં જવાબ આવી ગયો પણ ક્રિષ્નાના મમ્મી એ અમિશ અને એના પપ્પાને મળવાનું વિચાર્યું. બન્ને ઘરો એકબીજાને મળ્યા અને ક્રિષ્નાના મમ્મીને પણ અમિશ ગમી ગયો. બંને ઘરની સહમતીથી સગાઈ નકકી થઇ ગઇ અને ૧ વર્ષ પછી લગ્ન પણ થઈ ગયા અને બંન્ને આત્મા હંમેશા માટે એક બંધનમાં બંધાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance