હું તારી યાદમાં ભાગ-૧૦
હું તારી યાદમાં ભાગ-૧૦
(ગયા ભાગમાં આપણે જોયું કે અદિતિ અંશ પર ગુસ્સે થાય છે જેનું કારણ રિયા હોય છે. અંશ અદિતિને આખરે મનાવી લે છે. અદિતિના જન્મદિવસપર અંશ તેને સરપ્રાઈઝ આપવા બહાર લઈ જાય છે જ્યાં તેનો બર્થડે ઉજવાય છે. અદિતિ અંશને પ્રપોઝ કરે છે અને બર્થડે ગિફ્ટમાં અંશને માંગે છે. અંશ પણ તેને સ્વીકારી લે છે. બંને જણા રિવરફ્રન્ટ પર ફરવા જાય છે અને સાથે દિવસ પસાર કરે છે. અંશ અને અદિતિની પરફેક્ટ કપલ તરીકે ગણના થાય છે.)
હવે આગળ........
અંશ : ઓહો વાહ વાહ શું વાત છે. તમને ક્યારથી આ શાયરીનો શોખ ચડી ગયો ?
અદિતિ : કભી કભી હમભી લીખ લેતે હૈ ઐસા કુછ, જો ભી પઢે વો કહેતા હૈ લિખતે હો ક્યા ખુબ
અંશ : અરે શું વાત છે મેડમ, આજે શાયરી પર શાયરી. તું પણ શીખી ગઈ હો મારી સાથે રહીને.
અદિતિ : હા, સંગ તેવો રંગ.
અંશ : આખરે તમે મિસિસ ઓથોર જ બનવાના છો.
આવીજ રીતે બન્ને મસ્તી મજાક કરતાં અને પ્રેમભરી વાતો કરતાં પોતાની રિલેશનશિપ આગળ વધારી રહ્યા હતા અને સમય પસાર થઈ રહ્યો હતો. બન્ને એક દિવસ પણ એકબીજા સાથે વાતો કરયા વગર નહોતા રહી શકતા હતા. જોતજોતામાં ક્યારે કોલેજ પુરી થવા આવી અને લાસ્ટ સેમેસ્ટર પૂરું થવા આવી ગયું એની ખબર પણ ના પડી. આ દરમિયાન અંશ અને અદિતિ સાથે બીજી એક લવ સ્ટોરીની શરૂઆત થઈ ચૂકી હતી. મિત અને માનસી વચ્ચે પણ એક સંબંધ બંધાઈ ચુક્યો હતો અને અંશ અને અદિતિ સાથે તે પણ એક અનકન્ડિશનલ લવનો ભાગ બની ચુક્યા હતા. બધા લોકોને વિશ્વાસ હતો કે અંશ – અદિતિ સાથે મિત – માનસીની જોડી પણ લગ્ન મંડપ સુધી પહોંચશે. કૉલેજનું છેલ્લું વર્ષ હોવાથી કૉલેજમાં ફેરવેલ પાર્ટીનું રાખવામાં આવ્યુ હતું. બધાં આજે મિત્રો આજે ખુશતો હતાં કે કોલેજ પુરી થવાની છે પણ સાથે – સાથે મનમાં એક દુઃખ પણ હતું કે હવે ટૂંક સમયમાં બધાજ મિત્રો અલગ-અલગ થઈ જવાના હતા. કોઈને ખબર નહોતી કે હવે ફરી ક્યારેય મળી શકીશું કે નહીં. કોલેજની એ સાથે વિતાવેલી પળો દરેકની આંખો સામે તરવરી રહી હતી. કોલેજના પ્રોફેસર અંશને સ્પીચ આપવા માટે સ્ટેજ પર આપવા માટે આમંત્રણ આપે છે અને અંશ સ્ટેજ પર જઈને સ્પીચની શરૂઆત કરે છે.
અંશ : હેલ્લો માય ઓલ ફ્રેન્ડ્સ. આવાજ એક પ્રોગ્રામથી મેં મારી કૉલેજ લાઈફની શરૂઆત કરી હતી અને ૩ વર્ષ પછી આજે એજ જગ્યાએ ફેરવેલ સ્પીચ આપી રહ્યો. આ ૩ વર્ષ કઈ રીતે વીતી ગયા એ ખબર જ ના પડી. શરૂઆતમાં જ્યારે આપણે કોલેજમાં આવ્યા ત્યારે એકબીજાને ઓળખતા પણ નહોતા પણ આજે આપણે દરેક મિત્રો પાસેથી કોઈક એવી ક્ષણોની યાદો લઈને જઇ રહ્યા છીએ જે આપણે એકબીજાની સાથે વિતાવી છે. એકબીજાના સુખ અને દુઃખમાં આપણે હમેશા સાથ આપ્યો છે અને દરેક દિવસો એક અલગ પ્રકારની મજાથી વિતાવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આવનારો સમય આપણા સૌ માટે જવાબદારીભરેલો હશે અને જયારે આપણે ભવિષ્યમાં આ દિવસોને યાદ કરીશું ત્યારે આપણા સૌની આંખો આંસુઓથી ભરેલી હશે તો દોસ્તો હવે કૉલેજ લાઈફના જે થોડા ઘણા કલાક બાકી છે એની દરેક પળને માણી લો. થેન્ક યુ સો મચ.
આટલું બોલતાંની સાથે દરેકની આંખોમાં આંસુ આવી જાય છે અને તાળીઓ પાડે છે. કોલેજમાં ડીજે નું આયોજન કરવામાં આવ્યું હોવાથી બધા સ્ટુડન્ટ ડીજેના તાલે ડાન્સ કરે છે. અંશ અને અદિતિ પણ ડાન્સ કરે છે. ત્યાં અંશ થોડીવારમાં પાણી પીને આવું એમ કહીને જાય છે. બહુ ટાઈમ થઇ જાય છે છતાં પણ અંશ આવતો નથી એટલે અદિતિ અંશને શોધવા માટે નીકળે છે. અચાનક અદિતિ અંશને શોધતા-શોધતા લાઈબ્રેરી પાસે પહોંચે છે અને તેની નજર લાઈબ્રેરીના અડધા ખુલ્લા દરવાજા પર પડે છે. ત્યાંનું દૃશ્ય જોઈને અદિતિની આંખોમાં આંસુ આવી જાય છે. અંશ બુક સેલ્ફ પાસે ટેકાથી ઉભો હોય છે અને તેના શર્ટના ઉપરના બંન્ને બટનો ખુલ્લા હોય છે. અંશની બરાબર નજીકજ રિયા ઉભી હોય છે અને એનો એક હાથ અંશની ચેસ્ટ પર હોય છે અને અંશને કિસ કરી રહી હોય છે. અંશ પણ તેના હોઠોનો રસપાન કરી રહ્યો હોય તેમ મુકબધીર થઈને ઉભો હોય છે. અદિતિથી આ બધું જોઈ શકાતું નથી હોતું અને તે ચૂપ – છાપ એ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ રવિ, નીલ અને પ્રિયા અંશ અને અદિતિને શોધતા હોય છે પણ બે માંથી એક પણ મળતા નથી. પ્રિયા અદિતિને ફોન કરે છે પણ અદિતિ ફોન રિસીવ કરતી નથી અને કટ કરી નાખે છે. આ બાજુ નીલ અને રવિ અંશને શોધતા-શોધતા લાઈબ્રેરી પાસે પહોંચે છે જ્યાં તેમની નજર ત્યાં ટેકો દઈને પડેલા અંશ પર પડે છે. બંને જણા ત્યાં જઈને અંશને ઉઠાડે છે પણ અંશને કોઈજ ભાન હોતું નથી કે તેની સાથે શુ થઈ રહ્યું છે. અંશ મનમાં બબડી રહ્યો હોય છે, “સોરી, આઈ કાન્ટ ડુ ધીસ. આઈ વિલ નેવર.”
રવિ : અરે શુ થયું છે તને ?
નીલ : આપણે, આને ઘરે લઈ જઈએ.
રવિ અને નીલ અંશને ઉઠાવે છે અને બાઇક પર બેસાડીને ઘરે લઈ જાય છે. આ બાજુ પ્રિયા અદિતિને આખી કોલેજમાં શોધતી હોય છે પણ એને ક્યાંય અદિતિ મળતી નથી. અંતે તે અદિતિના ઘરે જવાનું નક્કી કરે છે અને રિક્ષામાં બેસીને અદિતિના ઘરે જાય છે. અદિતિના
મમ્મીને પૂછતાં તેઓ જણાવે છે કે અદિતિ એના રૂમમાં અને એની તબિયત સારી નથી એટલે આરામ કરે છે. પ્રિયા રૂમમાં દાખલ થાય છે અને જુએ છે તો અદિતિ રડતી હોય છે. પ્રિયા અદિતિ પાસે જઈને બેસે છે તો તરતજ અદિતિ તેને હગ કરી લે છે અને રડવા લાગે છે.
પ્રિયા : શુ થયું છે તને અદિતિ ?
અદિતિ : અંશ...અંશે...(રડતા રડતા)
પ્રિયા : શુ કર્યું એને તારી સાથે ?
અદિતિ : એને મારી સાથે દગો કર્યો.
પ્રિયા : શુ ? કેવો દગો. અને પેલા તું રડવાનું બંધ કર.
પ્રિયા અદિતિના આંસુ લૂછે છે અને પછી અદિતિ ત્યાં બનેલી આખી ઘટના જણાવે છે. પ્રિયા પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે આ વાતમાં આગળ શું કરવું જોઈએ. પ્રિયા અદિતિને સમજાવે છે.
અદિતિ : કઈ રીતે ભૂલું હું આ વાત પ્રિયા ? મારા દિલ પર લાગી છે.
પ્રિયા : તો શું કરીશ બોલ હવે ?
અદિતિ : આઈ એમ સોરી પણ હવે હું અંશ પર પહેલાની જેમ વિશ્વાસ નહિ કરી શકું. પહેલી વખત કોઈને પ્રેમ કર્યો હતો મેં અને અંશે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એને કોલેજના ૨ વર્ષથી વધુ સમય સુધી મારી સાથે ફક્ત ટાઈમપાસ કર્યો. મારી લાગણીઓ સાથે રમત રમી એણે.
પ્રિયા : હું તારી હાલત સમજી શકું છું અદિતિ. પણ હવે શું થઈ શકે. છેલ્લી ભૂલ સમજીને માફ કરી દેજે એને.
અદિતિ : કંઈજ બાકી નથી રહ્યું અને એને બીજું કોઈ નહિ પણ પેલી રિયા જ મળી. હવે હું વિશ્વાસ નહિ કરી શકું પ્રિયા. હવે હું અંશથી દૂર થઈ જાવ એ જ બેટર છે. આમ, પણ માફ કરીને પણ હવે પહેલા જેવો પ્રેમતો નહિ જ રહે અમારી વચ્ચે. જ્યારે પણ હું એની નજીક જઈશ ત્યારે મને એજ દ્રશ્ય નજરે આવશે અને એના લીધે હું એનાથી વધુ દૂર થતી જઈશ.
પ્રિયા : મને અનુભવ નથી અદિતિ એટલે હું આ વાતમાં કાઈ કહી ના શકું. પણ તું જે નિર્ણય લે એ યોગ્ય લેજે. હું તારી સાથે જ છું પણ તું અંશનેહવે કહીશ શુ ?
અદિતિ : હું એને કાઈ જ નહીં કહું કે એની ભૂલ પણ એને નહિ જણાવું. એ એટલો તો સમજદાર છે જ કે એની ભૂલ એ જાતે સમજી જશે. હું એનાથી હવે હમેશા માટે દૂર થઈ જઈશ.
પ્રિયા : ઠીક છે જેવું તને યોગ્ય લાગે.
આ બાજુ રવિ અને નીલ અંશને ઘરે લઈને આવે છે અને તેના બેડ પર સુવડાવે છે. અંશના ઘરે ૩ દિવસ માટે કોઈ ના હોવાથી તે ઘરે એકલો જ હોય છે એટલે બંને મિત્રો હાશકારો અનુભવે છે કે કોઈને વાતની જાણ નહિ થાય. રવિ એના એક નિકેતન નામના ફ્રેન્ડને બોલાવે છે જે ડોકટર હોય છે. નિકેતન અંશને ચેક કરે છે અને જણાવે છે.
નિકેતન : ચિન્તા કરવાની કોઈ જરૂર નથી. આને ખાલી નશીલો ડોઝ પીવડાવવામાં આવ્યો છે જેના લીધે એના હોર્મોન્સ વધુ પડતા સક્રિય થઈ ગયા છે અને પોતાનો કન્ટ્રોલ ખોઈ બેઠો છે.
રવિ : તો હવે સારું ક્યારે થશે ?
નિકેતન : ચિન્તા ના કર. ૨-૩ કલાકમાં હોશ આવી જશે પણ દવાની અસર એવી હતી કે આને કાઈ પણ યાદ નહિ હોય તેની સાથે શુ થયું છે.
નીલ : પણ આવી નશીલો ડોઝ આને આપ્યો કોણે ?
નિકેતન : એ તો હવે તમને જ ખબર, ચાલ હવે હું નીકળું છું. મારે ક્લિનિક પણ જવાનું છે, બાય.
રવિ : ઓકે, થેન્ક્સ ચાલ બાય.
રવિ અને નીલ ત્યાંજ બેસે છે. લગભગ ત્રણ – ચાર કલાક જેવા સમય પછી અંશને હોશ આવે છે. નીલ પાણી લઈને આવે છે અને અંશને પીવડાવે છે.
અંશ : હું, ઘરે ક્યાંથી આવ્યો.
રવિ : તને ખબર એ તો.
અંશ : મને નથી ખબર કાંઈ.
રવિ : લાઇબ્રેરીમાં શુ લેવા ગયો તો ?
અંશ : મને કાઈ યાદ નથી. શુ થયું તું ?
નીલ : હવે શું થયું એ તો અમને પણ નથી ખબર. તું અમને લાઇબ્રેરીમાં બેહોશીની હાલતમાં મળ્યો છે એટલે અમે તને ઘરે લઈને આવ્યા.
અંશ : ઠીક છે પણ મારી અદિતિ ક્યાં છે ?
રવિ : અરે એની પણ ખબર નથી. પ્રિયા એને શોધી રહી હતી. તમે બેય ક્યારના ગાયબ હતા.
અંશ : તું પ્રિયાને ફોન કર.
રવિ પ્રિયાને ફોન કરે છે. પ્રિયા હજી પણ અદિતિ સાથે એના ઘરે જ હોય છે. રવિનઓ ફોન આવતાજ પ્રિયા અદિતિને જણાવે છે અને અદિતિ તેને વાત કરવાનું કહે છે.
રવિ : પ્રિયા, ક્યાં છે તું અને અને અદિતિ ?
પ્રિયા : હું અદિતિના ઘરે છું અને અદિતિ પણ ત્યાં જ છે.
રવિ : ઠીક છે. નો પ્રોબ્લેમ. (અંશને જણાવે છે અને અંશ રવિ પાસેથી ફોન લઈ લે છે)
અંશ : હેલો પ્રિયા, અદિતિને ફોન આપને.
પ્રિયા : એ, સૂતી છે. ઉઠે એટલે તેને જણાવી દઈશ. ઓકે ચલ બાય.
અંશ : ઠીક છે બાય.
ફોન કટ કરીને અંશ રવિ અને નીલ સાથે બેસે છે. હવે તેની તબિયત થોડી સારી હોય છે. રવિ અને નીલ ફરી અંશને યાદ કરવાનું કહે છે કે એની સાથે શુ થયું હતું પણ અંશને કાઈ યાદ હોતું નથી. જવાબમાં અંશ ફક્ત એટલું જણાવે છે કે મેં ડ્રિન્ક પીધું એટલે મારુ મગજ ભમવા લાગ્યું અને મને ખબર નહિ શુ થયું. મારી આંખો ઘેરાતી હોવાથી હું પાણી છાંટવા માટે બહાર તરફ આવવા લાગ્યો અને કોઈકે મને સ્પોર્ટ આપ્યો. એના પછી મને કાઈ ખબર જ નથી કે શું થયું. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું અહીંયા તમારી સાથે ઘરમાં હતો.