અશ્ક રેશમિયા

Drama

5.0  

અશ્ક રેશમિયા

Drama

દ્રોહ

દ્રોહ

10 mins
642


   હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી.

     ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું.


     દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો. દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી જતી હતી.


     દાદીના હૈયાના ધબકાર હજી તેજીમાં હતાં. એનો શ્વાસ જાણે મહાધમણ! કરચલીભર્યા ગાલ વાટે આંસુઓ સીધા પાલવના કિનારે ઊતરવા લાગ્યા. પૌત્રવત્સલ પ્રેમાળ-લાગણીછમ્મ દિલમાં ભયંકર સુનામી સર્જાઈ. હૈયું સરરરાટ કરતું તરડાયું.


  'શું થયું મારા એક માત્ર પૌત્રને? મારા એકના એક રાંકના રતનને કોણે માર્યો-ધમકાવ્યો? શાને આમ આજે અચાનક રડે છે?' 

    કંઈ કેટલાય અનુત્તર સવાલો પાંપણની અણીએ ઘોડાપૂર બનીને ઊમટ્યા. એ વિચારે ચડી. ફરી મનમાં જ બબડી: 'મારા કુલદીપક ! તું તો મારી એકોતેર પેઢીને તારનાર. અને તું જ આમ રડે છે? તને કોણ મારી- વઢી શકે?'


     દાદી ગુસ્સાભેર જબરા જુસ્સે ચડી. ફાટવાની તૈયારી કરતા તિતરવિત્તર પાલવથી એણે પોતાની અને પૌત્રની ભીની તરબોળ આંખો કોરી કરી. ફાળ પડેલા હૈયાના હિલ્લોળે ચડેલા સુનામી સમાં તરંગો શાંત કરવા મથામણ આદરી. દાદીએ ધીમાં અવાજે બચીઓ ભરતા પૂછ્યું: ' દીકરા દીપક, કેમ આમ દોડતો-રડતો આવ્યો? તને કોણે માર્યો-ધમકાવ્યો? જલદી બતાવ! સાલાના હાડકા જ ભાંગી નાખું.' શરીરે સાવ શિથિલ ડોશીએ યૌવનભર્યું જબરું પૌરૂષત્વ બતાવ્યું.


      ઉત્તરમાં દીપક ટગર ટગર દાદીની આંખો અને ચહેરાના ન કળી શકાય એવા ભાવો વાંચવા મથી રહ્યો. એના ધબકાર હજી ચાલું જ હતાં.


       દાદીએ ગભરું દીપકને ફરી છાતીસરસો કર્યો. પ્રચુર વહાલથી નવડાવી લીધો. ગભરાયેલા દીપકે દાદીની દાઢી ફરતે હાથ ફેરવતા કહેવા માંડ્યું: 'દાદી, હવે હું શાળાએ નહી જાઉં!' કહીને એ સંકોચાયો.

     ‎'કેમ, મારા લાલ કેમ? શું થયું બોલ?' સાશ્ચર્યથી દાદીએ વિગત જાણવા કોશિશ કરી.

      ‎'નહી, હવે તો હું નહી જ જાઉં!' કહેતાંક જ દીપક ઝડપભેર ઘરમાં ઘુસી ગયો. અંદરથી બારણું વાસી દીધું. દાદીને ફરી ફાળ થઈ. હૈયું ડામાડોળ થયું.

      દાદીનું નામ ચંપાબા.


      ઉંમરના છઠ્ઠા દાયકાના પડાવને ઓળંગી ચૂક્યા છે. એક જ દીકરાના જનની છે. ને એકના એક પૌત્રના એકમાત્ર વારસદાર. એકમાત્ર પૌત્ર દીપક સિવાય એમનું કોઈ જ નથી. ને દીપકને પણ દાદી સિવાય ક્યાં કોઈ છે! ચંપાબા સાવ ગરીબીમાં જ જન્મ્યા, ઉછેર્યા અને ગરીબીમાં મોંઘેરા જીવનનો ગુજારો કરે છે. સંસારની અનેક તડકી-છાંયડીઓ જીવી અને અનુભવી છે.


    ‎પેટમાં પુત્ર ઉછરી રહ્યો હતો. આઠમો માસ ચાલતો હતો. ક્યારેક પતિને મજૂરી ન મળતી ત્યારે અડોશપડોશમાંથી ઉછીનું લાવીને ચૂલો ઉફણાવી લેતા. એકવાર ચચ્ચાર દિવસથી મજૂરીકામ ન મળતા ચંપાબાના પતિ કામની શોધમાં નજીકના ગામ ગયા. ભૂખથી સાવ બેવડ બનીને નીકળેલા એ સાંજે લાશ બનીને પાછા ફર્યા. પ્રાણ લઈને ગયેલું શરીર નિષ્પ્રાણ થઈને પાછું ફર્યું!


    દન આખો કમરતોડ કાળી મજૂરી કરીને સાંજે બે ટંકનું અનાજ લઈને આવશે એવા અમર ઓરતાના ઈંતજારમાં રહેલા ચંપાબાને વાળું ટાણે જ પતિની લાશ રૂબરૂ થઈ. કોળિયો હવામાં ને જીવ અધ્ધર! તાળવે તાળું લાગ્યું.


    અખંડ ઓરતા ભેળું ભવ્ય જીવતર રોળાયું, ને રોળાઈ ધગધગતી જવાની! ચંપાબા પર શૂનકાર સમાં સાતેય આસમાન ખાંગા થયા, ને જીવ પર બારે મેઘ સમાં દુ:ખનો વરસાદ!

      કોઈ આરો કે સહારો ન રહ્યો.

      સાવ નોધારા! 


      'બાજરો વાઢતા શેઢેથી કાળોતરાએ ડંખ માર્યો. ઝેર ઝટ દઈને રગેરગમાં પ્રસરી ગયું. વૈદ કને જતાં જ જીવ આકાશ માર્ગે થયો.' શબ લઈને આવનારમાંથી એક જણાએ દુ:ખ દબાવીને નીચી નજરે વાત કરી.

      'અરરર...મૂઆ સાપોલિયા! તે મારા રાંકના રતનને રોળ્યું! આમ ઝેર ઑકતા તારી ડૉક કેમ ના મરડાઈ ગઈ! તું કેમ ફાટી ન પડ્યો મૂઆ સાપરડા!' એક ડોશીએ કાળ ઉતારતા કહ્યું.

      ફળિયામાં ગમગીનભર્યો કારમો સોપો પડી ગયો. ફળિયું જાણે વેરાન!


     ‎ભાંગેલા તૂટેલા ચીંથરેહાલ ગરીબ ઘરનો મોભ ગયો. ચડતી ઉંમરે જ ચંપાબા અનાથ વિધવા બન્યા.

       ભારે આઘાતમાં ખપી ગયેલા ચંપાબાને માંડ બે દિવસે સહેંજ કળ વળી. લોકોએ સાંત્વના આપી. હૈયાધારણા આપી. જીવને જીવવા કાજ બે ટંકના રોટલાની સૌએ વ્યવસ્થા કરી.


       મહિનાએક દિવસ બાદ અડોશપડોશની સ્ત્રીઓ કહે: 'બેન ચંપા, અઠવાડિયાએકમાં તારે ખાટલો થઈ જશે. તું કહે તો તારે લાયક કો'ક ગોઠવણ કરીએ. જેથી તમારા આવનાર બાળકને બાપ મળે.'

        'ના બેન, ના હો! રખેને મને એકના બે ભવ કરાવો! નાતરું કરીને મારે અવગતે નથી જવું. પતિની મોંઘેરી જણસને આમ સાવ રેંઢી ન મૂકી શકું. અન્યના પારણે હું મારા બાળકને નહી ઝુલવા દઉં.' પેટ પર હાથ પસવારતા વળી આગળ કહે:'હવે તો હું અહીં જ રહીશ. અહીં જ મારા બાળને જન્માવીશ ને અહીં જ ઉછેરીશ.' આંખે આંસું નીતરતા ગયા. સુખી ભાવિનું સુખ નિહાળતા રહ્યાં. હૈયે હોળી ને હોઠ પર દિવાળી.


     ‎દરમિયાન વખત થયો ને ચંપાબાના પેટેથી પુત્ર અવતર્યો, ફળિયામાં આનંદ ઊતરી આવ્યો. સૌના અંતર ઉમંગે નાચવા લાગ્યા.

       હૈયાના એક ગમગીન ખૂણે પતિના ચિત્તચીર વિરહી મરશિયા ગવાઈ રહ્યાં હતાં જ્યારે બીજે ખૂણે આછો આનંદ ઉમળકા ભરવા આતુર હતો. એ આનંદ પળભરમાં જ આંસુઓના સમંદરમાં પરિવર્ત્યો. ઉરમાં ધરબાયેલ પતિનો પ્યાર પાંપણે આવ્યો, સહેંજ અટક્યો ને ઉભરાઈ પડ્યો.

       પતિ પારાવાર સાંભરી આવ્યા. અંતરમાં માંડ સંગ્રહી રાખેલા હીબકા ક્ષણમાં જ હિલ્લોળે ચડ્યા.


     ‎પેટે મજબૂત પાટા બાંધીને પુત્રને ઉછર્યો. મોટો કર્યો. ઉંમરલાયક થયો એટલે સારું ઘર અને વહું જોઈને સમરાંગણ સમાં સોનેરી સંસાર રથ સાથે જોડ્યો.

     ‎દીકરો હવે મજૂરીએ જવા લાગ્યો. ચંપાબા અને એની વહું લોકોના કપડા - વાસણ કરીને ટંક ટૂંકો કરતા. સંસાર હવે સુખી લાગતો હતો. ચંપાબાને લાગ્યું ઘડપણ હવે આનંદે પસાર થશે. એવામાં એક પાવન દિવસે એમના દીકરાને ઘેર પારણું બંધાયું. અખંડ ઈંતજાર બાદ પૌત્ર પધાર્યો. ચંપાબા દાદી બની ગયા. મનમાં મંગળ મેળો ભરાણો. ચોફેર ખુશી ઊડી. ફરી આનંદ છવાયો.


       ચંપાબા વિચારોના અશ્વે આરૂઢ થયા. હજી કાલે જ તો એ પરણીને આવી હતી. સંસાર માણવાના લાખેણા કૉડ હતાં ને સહસા વિધવા બની ગયા. વિધિની કેવી ક્રૂર વક્રતા! લીલીછમ્મ જીંદગી પળમાં જ વેરાન! હરિયાળી લાગણીથી લથબથ જીવતર સળગતા વેરાન રણમાં ફેરવાયું! આંખે ઝળઝળિયા થયા. ફરી મનમાં બબડ્યા: 'વિધવામાંથી માં અને માતામાંથી પાછી દાદી.વાહ! કુદરત વાહ! કેવી ગોળવંતી તારી લીલા. ઘડીક તડકે, ઘડીક છાંયડે. તું બહું જબરો નીકળ્યો હો કિરતાર.' કહેતા એ રડી પડ્યા. પાલવ પલળી રહ્યો ત્યાં લગી રડતા રહ્યાં.

એ આંસું હર્ષના હતા કે દર્દના એ ખુદ નક્કી કરી શક્યાં નહી.

       પૌત્રનું નામ પડ્યું દીપક.


       ખોળામાંથી છૂટીને દોડતા ઘરમાં પ્રવેશીને બારણું બંધ કરતા દીપકને જોઈને ચંપાબા ઝીણી આંખે સફાળે લાકડીને ટેકે ટેકે બારણા સુધી ગયા. નજીવા ધક્કાથી બારણું ઊઘડી ગયું. ખૂણામાં નજર કરી.


  'ક્યાં ગયો દીપક? બેટા આવ. હેંડ હું તને નિશાળે મૂકી આવું. તારે ભણવું તો પડશે જ! તારે માથે તો મારો ભવ છે. તારા પર જ જીવનની ભવાઈ છે બેટા.'

      વળી કહેવા લાગ્યા:'તને માર્યો હોય એનું નામ બતાવ. બેટમજીનું માથું જ ફોડી નાખું. કોની હેશિયત છે કે તને મારી શકે! દીકરા, બહાર આવ અને મને બીના કહે. પેટમાં ફાળ પડી છે કે તું આમ ભાગતો આવ્યો જ કેમ?'


      ઘડીકવાર બાદ બંને ખખડધજ બારણે આવ્યા. અચાનક જ બંનેની નજરો એક જ જગ્યાએ સ્થિર થઈ. જોયું તો ઉબડખાબડ આંગણે એક અજાણી સ્ત્રી ઊભી હતી. પ્રચંડ આવકારના અખંડ ઓરતા લઈને, અબળાની માફક, ઘોર પ્રાયશ્વિતના પોટલા ઉપાડીને. વરસતી આંખે અને વિલાયેલા વદને એ એમ જ ઊભી હતી. અચાનક જ સફાળે આવીને એ ચંપાબાને ચરણે થઈ.


    ‎દીપકે એ સ્ત્રીને જોઈ. ઓળખી. એ જ સ્ત્રી જેનેે શાળામાં જોઈને એ ભાગી આવ્યો હતો. એ ફરી ગભરાયો. હીબકે ચડ્યો. દાદીનો ઘાઘરો ઝાલીને એ પાછળ લપાયો. વારે વારે ડોકિયું કરીને એ પેલી સ્ત્રીને જોવા મથતો. એ ગઈ કે નહી એ જાણવા જ.


       જીંદગીના દર્દ પીધેલ ચંપાબાની ચકોર આંખો ઝટ ઝીણી થઈ. પિછાણવાની કપરી પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ. આછી ઓળખાણ પડવા માંડી. ચહેરો ઓળખાયો. ચંપાબા સફાળે બે ડગલા પાછા ખસ્યા. એ ધક્કાથી દીપક પડ્યો.


     ‎'ફટ રે ભૂંડી વેશ.....!' અંતરમાં વીજળી ઝબુકી. એ અટક્યા. ભાન થયું. એક સ્ત્રીની હેસિયતથી બીજી સ્ત્રી માટે હળહળતા ઘોર અપમાનસમો શબ્દ એ ઉચ્ચારી શક્યા નહી. છતાંય હૈયામાં ધરબાયેલ ક્રોધ આગ બની ઉઠ્યો. કહ્યું:'હરાયી કાળમુખી, એકનો જીવ લઈને ધરાઈ નથી એટલે હવે બીજાની જાન લેવા આવી છે, નુગરી ડાકણ!' રાતાપીળા થતા ચંપાબાએ જે હાથ લાગી એ લાકડી ઉગામી.

    આશરે આવનાર સ્ત્રી પાલવ પાથરીને આંગણામાં ઊભી રહી. ન ચલિત થઈ કે ન વિચલિત.*


     એક વખત દીપક ફળિયામાં ભાઈબંધો ભેગો રમતો હતો. એક છોકરાએ નજીવી બાબતે એને માર્યો. દીપક કહે, 'હું મારી માં ને કહીને તને મરાવીશ.'

     'એ તારી માં થોડી છે! તારી માં તો ક્યાંય નાતરે ગઈ છે. ઘેર છે એ તો તારી દાદી છે.' એક અળવીતરા છોકરાએ કહ્યું. સાંભળતાં જ મુઠ્ઠી વાળીને દીપકે દોટ મૂકી.

     દોડતા ઘેર આવતા જ દીપકે ભરી આંખે ચંપાબાને રડમસ સવાલ કર્યો:'તું મારી માં કે દાદી?'


      ચુંટી ખણી હોય એમ ચંપાબા ચમક્યા. હૈયે ધ્રુજારી થઈ. જે વાત છુપી હતી જાહેર થઈ. દિલ ડંખી ગયું. અવાજ તરડાયો:'બેટા, હું તારી માં યે ખરી ને દાદીએ ખરી.'

      'તો મારા માં-બાપ ક્યાં? કેમ કદી અહીં આવતા નથી?'

      ચંપાબાની આંખો ચોધારે ચડી.


      પૌત્રની જીદ પૂરી કરવા ચાહી. ધીરે રહી બાળક દીપકના કોમળ અંતરને ઠેસ ન પહોંચે એમ ઘટના વર્ણવી. ભેગી શીખ પણ આપી: 'દીકરા, દીપક! તું મારું હીર છે. જીવનનું જીવંત ખમીર છે. આંખોનું રતન છે. મારો આધાર છે. એકલીનો સહારો છે. એ ડાકણ તને લેવા કે તારૂ કાસળ કાઢવા ક્યારેક અહીં આવશે. એનો ભરોસો કરતો નહી. એ તારી માં નહી ડાકણ છે ડાકણ.'


  ‎પછી માથે હાથ ફેરવતા આગળ કહે,'બેટા, કદીક એ શાળાએ પણ આવે ખરી. તું એ કપાતરને ઓળખી તો નહી શકે પરંતું તને એવું લાગે કે કોઈ સ્ત્રી અથવા માણસ તને બોલાવે, તારી કને આવવાનો પ્રયાસ કરે એટલે તત્કાલ તારે તારા સાહેબને કહી દેવાનું કે આવનાર માણસ તારું હરણ કરી જવા આવ્યું છે. તારો સાહેબ એને જેલ હવાલે કરાવશે.'


     એક દિવસ રિસેસ વખતે દીપક એના ભેરૂ ભેગો રમતો હતો. એવામાં એક અજાણી સ્ત્રી એના તરફ આવતી દેખાઈ. દીપકે ઓળખવા કોશિશ કરી. દાદીએ વર્ણવેલી જ સ્ત્રી સમી લાગી. દીપકે સીધા જ પોબારા ગણ્યા, ઘર ભણી. ગભરામણથી હાંફળો ફાંફળો થઈને એણે દોટ મૂકી.


   ‎'ફટ રે ભૂંડી ડાકણ....!' દાદીના મુખે આવું સાંભળીને દીપકને ખાતરી થઈ કે આંગણે ઊભેલી એ એના પિતાની હત્યારી જ છે. પારાવાર ગુસ્સો ઉપડ્યો. ઊભી ને ઊભી ચીરી નાખવાને મન થયું. કિન્તું કશું કરી શક્યો નહી. હજું બાળક હતો. નિ:સહાય હતો. કંઈક કરવાને એનામાં હિંમત જ ક્યાં હતી!

    ‎સગા બાપને મોતને ઘાટ ઉતારનારને કયો પુત્ર માફ કરી શકે? ભલે પછી એ માં હોય કે અન્ય વ્યક્તિ! વળી, પેટે પાટા બાંધીને ઉછરેલા એકના એક દીકરાને રહેંસી નાખનાર આંખ સામે આવીને ઊભી રહી જાય તો કંઈ માતા એને સહી શકે?


     ચંપાબાએ હતું એટલું જોર કરીને સ્ત્રીના માથા પર ઘા કર્યો. માથું ચૂકી ગયું ને પીઠ પર ધડામ કરતો ઘા બેઠો. સ્ત્રી તમ્મર ખાઈને ભોય ભેગી થઈ.

      એ સ્ત્રી એટલે ચંપાબાના એકના એક દીકરાની વહું. એમની માજીવહું! અને એ જ દીકરાને અકાળ હત્યારી, એક પુત્રને ત્યાગનારી કઠોર સ્ત્રી. નામે હીરલ.

       ચંપાબા જેટલી ઉમંગથી હીરલને વહું બનાવી લાવ્યા હતાં એટલાં જ ઉમળકાથી હીરલ સાસરે આવી હતી.

       પરણ્યાની પહેલી જ રાત્રે હીરલે પતિને કહ્યું હતું: 'તમો નાહક ચંત્યા કરશો નહી. આપણે બેય ભેગા મળી મજૂરી કરશું. આ ઝુંપડી પાડીને માટીનું સુંદર ખોરડું બનાવશું. જેમાં નહી વરસાદ કે નહી વાવાઝોડાનો ડર. આપણે માં ને અને આવનાર બાળકને સુખી સંસારના દીદાર કરાવીશું.'

       પતિને પહેલી જ રાતે હીરલમાં ભરોસો બેઠો. ઊજળું ભવિષ્ય દીઠું.

        દિવસો બાદ બંને મજૂરીએ જવા લાગ્યા. એકાદ વરસે એમને પારણું બંધાયું. સરસ દીકરો અવતર્યો. એ દીકરો દાદી જોડે ઉછરતો ગયો. એ બેય પતિ-પત્ની મજૂરીએ જવા લાગ્યા.


       એમ કરતા એક દિવસ પડોશના ગામે મજૂરીએ ગયા. પખવાડિયા સુધીનું વાઢવાનું હતું. બાજરાનો પાક વાઢવાનું કામ હતું. ચાર દિવસ બાદ ખેતરવાળાની નજર હીરલ પર પડી. પડી એવી જ બેઠી. હીરલ ગમી. આંખે ઊતરી. પખવાડિયામાં એમના અંતર એક થયા. હજી ગઈકાલે જ પતિની થઈ હતી એ પળમાં જ પરાયાની થઈ બેઠી.

     માણસને પ્રેમનો પારો ચડતા અને ઊતરતા વાર નથી લાગતી.

    પડખે જ બેઠું મીઠું માણસ ક્યારે દુશમન બની જાય એની કોઈ ખાતરી ખરી?

      બે વરસ સુધી છૂપો સ્નેહ ચાલ્યો. કોઈને ગંધ આવી નહી. ફરી ઉનાળો આવ્યો. બાજરી લણવાનો વખત થયો. હીરલ હવે પતિની જરાય રહી નહોતી. પહેલી રાતે પરમેશ્વર માનેલો પતિ હવે પ્રેત લાગ્યો. પોતાના આશક ભેગા મળીને હીરલે ઝટ કરતું પતિનું કાસળ કાઢી નાખ્યું!

 ન પુત્રનો વિચાર ન પતિનો ખયાલ! ન લજ્જા ન આબરું!

       પરાયાના મોહમાં પડેલી હીરલે પતિહત્યાનું ભારે પાપ આચર્યું. 

       પુત્રદ્રોહ કર્યો. ને ભરબપોરેે નાતરું કર્યું.

     ‎ચંપાબાએ સમાજમાં વાત નાખી. કિન્તું કંઈ ઉપજ્યું નહી. વળી, થાણેદાર પણ ધનના ઢગલામાં આળોટ્યો અને ફરજ ચૂક્યો. ચંપાબાને ન્યાય મળ્યો નહી.


       ચંપાબા ફરી નોંધારા થયા. નજરાયેલું સુખ જાણે છંછેડાયું. ને ડંખી ગયું! ગરીબી ફરી કોટે વળગી. લીલાછમ્મ બેમાંથી પાછા સૂકાભઠ્ઠ એક પાંદડે થયા. કમાવાની અને પૌત્રને ઉછેરવાની બેવડી જવાબદારી આવી.

     ‎લાકડીના જીવલેણ ઘા થી બેભાન બનેલી હીરલ પળવારે ભાનમાં આવી. કળ વળતા જ એણે કહેવા માંડ્યું:'માં.....'

       'માં ની હમણા કહું એ..! નીકળ અહીંથી! નહી તો ઊભી ને ઊભી ચીરી નાખીશ, ડાકણ!' કહીને ચંપબાએ દીપક જોડે ઘરમાંથી કુહાડી મંગાવી.

       હીરલે પોક મૂકી. આંખ વાટે આંસુઓના દરિયા ઉલેચ્યા. ચંપાબાનું હૈયું પીગળ્યું. કિન્તું કાળજું કઠણ રાખ્યું. હીરલે વ્યથાની વેદનાભરી વીતકકથાના પોટલા ખોલવા માંડ્યા.


        'માં, હવે મને મોતને ઘાટ ઉતારો કે નરક સમી જંજાળમાંથી ઉગારો. હું મરી તો ત્યારની ગઈ છું જ્યારથી નાતરે ગઈ છું. હવે આશરો આપીને જીવાડો તો ઠીક નહી તો મરણ તો છે જ! હું એ ઘર, ગામ હંમેશ માટે ત્યજીને આવી છું. ત્યા ગઈ એ મારી મોટી ભૂલ હતી. હું ધનના ઢગલાના મોહમાં અટવાઈ અને પારાવાર પાપ કરી બેઠી. મારા એ પાપનું બૂરું ફળ મને મળી ગયું છે. ત્યાં હું પત્ની તરીકે નહી, એક ગણિકાની માફક રહી છું, આપના જેવા માનવોના મહામહેરામણમાં નહી! કાતિલ દાનવોની ખતરનાક દુનિયામાં ગઈ હતી. અહીંથી ગઈ એ દિનથી પાશવી જુલમ સહેતી રહી છું. આજે લાગ જોઈને ભાગી આવી છું. હવે તમે જે કરો એ જ સત્ય ન્યાય. પરંતું મને આશરો આપો.


      ચંપાબાની નજરો દીપકના ચહેરાને તાકી રહી ને હીજરાયેલું હૈયું ઘમાસાણે ચડ્યું હતું.

     'તું એ લાગની જ હતી. તને તો નકરું ઝેર આપી દેવું જોઈતું હતું.' મન બબડ્યું. 

      ને એ જ ક્ષણે પાવન દિલમાં ધરબાયેલો દયાનો દેદિપ્યમાન દરિયો હિલ્લોળે ચડ્યો.

     બોલ્યા:'તારા પાપની સજા ઈશ્વરને ખબર. હું તને સજા દેનારી કોણ? કિન્તું, એક સ્ત્રી, લાચાર અબળા, વિવશ વિધવા, નોંધારી નારીની દશામાં મે જે સહન કર્યું છે એ તને સહન કરવા નહી દઉં! તને લાચાર, નોંધારી અબળા માનીને આશરો જરુર આપીશ પરંતું માફ તો ક્યારેય નહી કરું!!'


      ને ચંપાબાની દયા પર ફિદા થઈને દીપક હીરલની વેદનાભરી આંખોના અકળ્ય ભાવો જોઈ રહ્યો.     


Rate this content
Log in

Similar gujarati story from Drama