દિવાળી
દિવાળી
વેકેશન પડે કે સૌ પ્રથમ મોસાળ જ યાદ આવે. જે લાડપ્યાર મોસાળમાં મળે એ બીજે તો કયાંથી મળે ?
મારૂ મોસાળ નાનકડા ગામમાં. સરખે સરખા ભેગા થઈને રમતો રમવાની પણ મજા.
પરંતુ એ વર્ષની દિવાળી હું ભૂલી શકું એમ જ નથી. મારા પ્રેમાળ મામા આવું રૂદ્ર સ્વરૂપ ધારણ કરશે એની તો મને કલ્પના પણ કયાંથી હોય !
મેં તો માત્ર મામાનો પ્રેમ જ જોયો હતો. પણ તે દિવસે તો મામાએ કહી દીધું, "હું તારી બેગ તૈયાર કરુ છું. અને તને તારે ઘેર જ મૂકી આવું છું. "મને તો રડવું આવી ગયું. મામા તો વધુ ગુસ્સે થયા. બોલ્યા, " હવે રડીશ તો બે લાફા મારીશ. મારા ધીમા ધીમા ધ્રુસકે ચાલુ જ હતાં. મારી બહેનપણીઓ મને રમવા બોલાવવા આવી. મામા એ કહી દીધું,"એ રમવા નહિ આવે એના ઘેર હું મૂકવા જઉં છું. જે છોકરી મારૂ કહ્યું ના માને એ છોકરીનું મારા ઘરમાં કોઈ સ્થાન જ નથી. "
મેં આખરે મેં મામા ને કહ્યું, "મામા, હું તમારૂ કહ્યું માનીશ"
મને તો એમ જ હતું કે પપ્પા અને કાકા બોલતાં નથી એટલે મારાથી ના બોલાય.
પણ બાજુના ફળિયામાં જ મારા કાકા રહેતાં હતાં. મામા એ કહેલું ,"પહેલાં તારા કાકા પછી મામા. નવા વર્ષે વડીલોના આશીર્વાદ લેવાના હોય. દિવાળી એટલે માત્ર ઘરની સાફસૂફી નહિ. દિવાળી એટલે સંબંધોની માવજતનું પર્વ. દિવાળી એટલે આત્મમંથનનું પર્વ. આપણા મનના ખૂણે રહેલા વેર અને દ્રેષ રૂપી કચરાને દૂર કરવાનું પર્વ. આપણે તાંબા પિત્તળના વાસણો ઘસી ઘસીને ચકચકિત ભલે કરીએ પરંતુ આપણા જર્જરિત થઈ ગયેલા લાગણીના સંબંધોને ચમકાવવાની કોશિશ કરીએ છીએ ? મનગમતી મીઠાઈ ખાઈને મીઠાશ પામવાની કોશિશ કરીએ છીએ ? મંદિરમાં દાન ધર્મ કરીને ભગવાનને રિઝવવા પ્રયત્ન કરીએ છીએ એના બદલે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી એના મોં પર હાસ્ય લાવવાથી દિવાળી આવે. "
મામાની વાત સાંભળી હું બાજુના ફળિયામાં રહેતાં કાકાને ત્યાં ગઈ. કાકા મને જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા. મને સગી દીકરી જેટલું વહાલ કરીને જમ્યા વગર જવાનું નથી એમ પણ કહ્યું. કાકા બહુ જ ખુશ હતા. હું ત્યારબાદ નિયમીત રીતે દરરોજ સવારમાં કાકાને ત્યાં અને સાંજે મામાને ત્યાં જમતી.
વેકેશન પૂરૂ થતાં મારે ઘેર જવાનું હતું ત્યારે કાકા એ કહ્યું, "આ વખતે તને મૂકવા મામા નહિ પણ તારો મોટોભાઈ મૂકવા આવશે. એને પણ એના કાકાને પગે લાગવા આવવાનું જ છે. "
એટલુંજ નહિ પણ હું નીકળી ત્યારે મારા હાથમાં પચાસની નોટ મૂકી. આજથી પ૦ વર્ષ પહેલાં પચાસ રૂપિયા ઘણી મોટી રકમ ગણાતી હતી.
જયારે કાકાનો દીકરો મને મૂકવા આવ્યો ત્યારે મારા મમ્મી પપ્પાએ કાકાના દીકરાને પણ એટલા જ પ્રેમથી રાખ્યો.
ધન્ય દિવાળી છે કે જે વેરઝેર ભૂલીને લોકોને એક કર્યા. મામાની દરેક શિખામણ, દિવાળીનું માત્ર મને બરાબર સમજાઈ ગયું હતું.
