દિલ હૈ કી માનતા નહીં
દિલ હૈ કી માનતા નહીં


"દિલ હૈ કી માનતા નહીં, મુશ્કિલ બડી હૈ રસમે મહોબત યેહ જાનતા હી નહીં"
નેહા અગાશીમાં સાડી સુકાવી રહી હતી. આજ તો સામેની બારીમાં જોવું જ નથી. ગમે તે થાય. ગઈ કાલે આકાશ અગાશીમાં આવ્યો ના હતો તેથી નેહા ગુસ્સામાં હતી. આજ હું એ બાજુ જોવાની જ નથી. કપડા સુકાવી તગારું લઇ એ નીચે ઉતરી ગઈ પણ દિલ તો જાણે અગાશીમાં મૂકી આવી ક્યાંય દિલ લાગતું ના હતું. દિવસ તો ખૂબ મુશ્કેલીથી પસાર થયો. આકાશનો સોહામણો ચહેરો નજર સામેથી ખસતો જ ના હતો. રાત પડી કપડાં લેવાના બહાને ઉપર ગઈ પણ સામેની અગાશીમાં અંધારું હતું। સવાર પડી, ફરી એક વાર અગાશી માં કપડા સુકાવા ગઈ. પણ અગાશી સામે ના જોયું ખુબ ગુસ્સો હતો આકાશ માટે. અગાશી સામે જોયા વગર નીચે આવી ગઈ.
મન મૂંઝાયેલું લાગતું હતું. એટલામાં બા આવી. બા પણ ઉદાસ લાગતી હતી. ઘરમાં આવી બા રડું રડું થઇ રહી હતી. નેહાએ પૂછ્યું," શું થયું બા ? કેમ ઉદાસ લાગો છો ? બા બોલ્યા,"આકાશનો અકસ્માત થયો છે સ્કૂટરને ટ્રકે અથડાવી દીધું. હોસ્પિટલમાં છે. બચવાની આશા નથી નલિનીબેન ખૂબ રડી રહ્યાં છે. હું હોસ્પિટલ જાઉં છું. તું આવે છે ?"
નેહાના હાથમાંથી કાચનો ગ્લાસ પડી ગયો. આકાશ...ગળામાં શબ્દો અટવાઈ ગયાં. એ બા સાથે હોસ્પિટલ ગઈ. આકાશ આઈ.સી.યુ માં હતો. એ કાચની બારીમાંથી જોઈ રહી. ગાલ પરથી આંસુ સરી રહ્યા હતાં. એનો એને ખ્યાલ પણ ના રહ્યો.
"દિલ તો યેહ ચાહે હર પલ તુમ્હે હમ બસ યુંહી દેખા કરે ,મરકે ભી હમ ના તુમસે જુદા હો આવો કુછ ઐસા કરે મુજમે સમા જા આ પાસ આજા હમદમ મેરે હમનશી"