ડર
ડર


શિયાળાની સાંજ ઢળી ગઈ હતી. અંધારૂ ખાસ્સું હતું. ઠંડો વાયરો તેનો પ્રભાવ બતાવી રહ્યો હતો. સૌ ઠંડીથી બચવા પોત-પોતાના 'માળા'માં ભરાઈ ગયા હતા. પંખીઓનો કલરવ પણ શમી ગયો હતો.
એક યુવતી ઉતાવળા ઉતાવળા ડગ માંડતી સૂમસામ સડક પર ચાલી રહી હતી, તેના ચહેરા પર ભયની રેખાઓ ઉપસી આવી, તેની પાછળ કોઈ આવી રહ્યું હોય તેવું તેણીને લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું કોઈ પુરૂષ જેવી આકૃતિ દેખાઈ, અંધારામા સ્પષ્ટ દેખાતું ન હતું.
યુવતી વધારે ગભરાઈ તેણે ચાલવાની ઝડપ વધારી દીધી. પેલો પુરૂષ હજુએ તેની પાછળ આવતો હતો એ યુવતી એક ગલી તરફ વળી પેલો પુરૂષ પણ તેની પાછળ વળ્યો. યુવતીએ ફરી પાછળ જોયું એ પુરૂષ તેનાથી બે ડગલાજ પાછળ હતો. તે ફરીથી ભયથી કાંપતી ચાલવા લાગી, ગભરાયેલી હરણીની જેમ હવે તે ભાગવા લાગી. એક ઘર આવ્યું તે તેમાં દોડીને ઘુસી ગઈ, પેલો પુરૂષ પણ તેની પાછળ ઘરમાં આવ્યો. યુવતીએ એકદમ ચીસ પાડી બચાવો... પેલા પુરૂષે દોડીને યુવતીને પકડી લીધી, 'કેમ શું થયું? કેમ આટલી બધી ડરી ગઈ?' હવે યુવતીને અવાજ પરિચિત લાગ્યો, સ્વીચ ઓન કરી જોયું તો સામે તેનો ભાઈ આશ્ચર્યથી તેને તાકી રહ્યો હતો!!