ઢીંગલી
ઢીંગલી


ભવ્ય શોપિંગ મોલની એક વિશાળ રમકડાંની દુકાનના કાચ ઉપર એની નજર ઠરી અને હૈયું ભૂતકાળમાં એક મેળાની હાટડી ઉપર જઈ અટક્યું.
"ના, મારે આ ઢીંગલી નથી જોઈતી ...મને તો પેલી મોટા ડબ્બામાં સજેલી ઢીંગલી જોઈએ છે ..."
" જો ,સાક્ષી બેટા, આમ હઠ ન કરાય ...જો ને આ ઢીંગલી પણ કેટલી સરસ મજાની છે ...."
" ના , મમ્મી, આ મને નથી ગમતી. પેલી ઢીંગલીના ડબ્બામાં કેટલા બધા સામાન છે. એનાથી ઢીંગલીને સજાવાની પણ મજા આવે ...."
" સાક્ષી એ ઢીંગલી ઘણી મોંઘી છે, દીકરી . આપણાથી ન ખરીદાય ...તારી મમ્મી એ જે પસંદ કરી એ ઢીંગલી પણ કેટલી સુંદર છે !"
" ના પપ્પા , મને તો ડબ્બાવાળી ઢીંગલી જ જોઈએ છે ..."
" સાક્ષી હવે બહુ થયું . જો તને આ ઢીંગલી ખરીદવું હોય તો ભલે, નહીંતર કંઈજ ન મળશે...."
મમ્મીએ સાક્ષીના હાથની પકડ મજબૂત કરી . છ વર્ષની સાક્ષી સમજી ગઈ કે હવે આ માંગણી પુરી કરાવવાનો એક જ માર્ગ છે .
મેળામાં હાજર લોકો વચ્ચે એણે પોતાનું શરીર ભોંય ઉપર પાથરી નાખ્યું. મમ્મી પપ્પાના ખેંચતાણના પ્રયાસોને નાનકડું શરીર પોતાની ક્ષમતા અનુસાર પ્રત્યાઘાત આપી રહ્યું . જોર જોરથી ગુંજી રહેલા એના રુદનના ઘાંટાઓ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. પરંતુ બધાજ પ્રયત્નો આખરે નિષ્ફ્ળ નીવડ્યા.
એ દિવસે એની માંગણી પૂરી કરવામાં ન આવી તે ન જ આવી. પરંતુ રિસાયેલા મનમાં એક દ્રઢ નિર્ણય લેવાઈ ગયો.
'એક દિવસ હું આ ડબ્બાવાળી ઢીંગલી ખરીદીનેજ રહીશ . '
" યસ મેમ , મે આઈ હેલ્પ યુ ? "
સેલ્સ ગર્લના અવાજથી સાક્ષી ચોંકી ઉઠી. એની નજર હજી પણ કાચમાંથી દ્રષ્ટિમાન ઢીંગલી પર જ જડાઈ હતી . ખભા ઉપર લટકાવેલા પર્સનું વજન અચાનક વધી ઉઠ્યું હોય એવો ક્ષણીક અનુભવ થયો. પોતાના પગારની રકમ ગર્વ અને અભિમાન ઉપજાવી રહી. પોતાની જાતને આપેલું વચન આજે વર્ષો પછી અચાનક યાદ આવ્યું.
ચ્હેરા ઉપર જીતના રણકા સમું હાસ્ય ફેલાઈ ગયું .
" વુડ યુ પ્લીઝ પેક ધીઝ બાર્બી ડોલ સેટ ફોર મી ? "
" શ્યોર મેમ ..."
" મમ્મી , મમ્મી , અહીં તો આવ...."
" અરે , દર્શન શું થયું ? ઉભો તો રહે ..."
" ના , મમ્મી હમણાં જ આવ મારી જોડે. જલ્દી કર ..."
સાત વર્ષનો દીકરો સાક્ષીને રીતસર ખેંચી દુકાનના અન્ય વિસ્તાર તરફ દોરી ગયો.
" આ જો મમ્મી . ઇટ્સ સો કૂલ . મારે આ પ્લે સ્ટેશન જોઈએ છે ."
કાચમાંથી ચમકી રહેલા પ્લે સ્ટેશનના સેટની કિંમત નિહાળતાંજ સાક્ષીના શરીરમાં એસીની ઠંડી હવામાં પણ પરસેવો છૂટી ગયો.
૨૧,૦૦૦/- ???
અચાનક ખભે લટકાયેલા પર્સનું વજન અત્યંત હળવું અનુભવાય રહ્યું. પોતાના પગારની રકમ ઉપર અનુભવાયેલું ગર્વ અને અભિમાન એ પરસેવામાં ટીપે ટીપે પીગળવા લાગ્યું .
" દર્શન, આ પ્લે સ્ટેશન આપણાથી ન ખરીદાય ." પોતાના દીકરાને વ્હાલથી એણે સમજાવાનો પ્રયાસ કર્યો .
" કેમ નહીં ?" નાની આંખો બળવાની સૂચના આપી રહી .
" ઇટ્સ ટુ એક્સ્પેન્સિવ બેટા . ચાલ આપણે અન્ય કોઈ મજાનું રમકડું ખરીદીએ ..."
મમ્મીના હાથની પકડ છોડાવતા દર્શનનું શરીર અત્યંત મક્કમ અને સખત બન્યું . " ના, મને તો આજ પ્લેસ્ટેશન જોઈએ છે . હમણાં જ .."
રમકડાંની દુકાનમાં હાજર અન્ય લોકો વચ્ચે ઉભા માં -દીકરાનો વાર્તાલાપ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. સાક્ષીએ એક સખત પકડ જોડે દર્શનનો હાથ ખેંચી દુકાનની બહાર તરફ એનું શરીર ખેંચ્યું.
રડવાના ઊંચા ભેંકારાથી આખી દુકાન ગુંજી ઉઠી. જમીન ઉપર પથરાવાનો પ્રયાસ કરી રહેલા દીકરાને સાક્ષીએ ધમકાવ્યો.
" હવે એક પણ રમકડું ન મળે . હમણાંજ પપ્પાને ફોન કરું છું, થોભ . "
પરિસ્થિતિને હેમખેમ નિયંત્રણમાં લાવવા પ્રયાસ કરતી સાક્ષીએ દુકાનની બહાર પગ મુક્યો જ કે રુદન અને હઠના ડૂસકાંઓ વચ્ચેથી,પાછળ તરફથી સેલ્સ ગર્લનો અવાજ સંભળાયો .
" મેમ યૉર બાર્બી ...."
પાછળ ફર્યા વિનાજ સાક્ષીએ સીધી માફી માંગી લીધી .
" આઈ એમ સૉરી , આઈ ડોન્ટ વોન્ટ ઈટ ."