Vrajlal Sapovadia

Comedy Drama Children

4.3  

Vrajlal Sapovadia

Comedy Drama Children

ઢાંઢાઓનું નવ-નિર્વાણ આંદોલન

ઢાંઢાઓનું નવ-નિર્વાણ આંદોલન

4 mins
158


અંદરો અંદર લડી મરતાં પશુ પંખી એક વાતે તો સહમત હતાં. તેમનું સૂત્ર હતું કે દુનિયામાં જેવું જંગલ-રાજ ચાલતું હોય તેવું પણ આપણાં જંગલમાં તો આવી પરીક્ષાઓ જરાય નહીં ચલાવી લેવાય. 

એમ. એ. ફાઈનલના પ્રશ્નપત્રમાં એક પરીક્ષકે ચક્કો-ચક્કી શબ્દનો ઉપયોગ કર્યો. જેવી પરીક્ષા શરુ થઈ ને સૌથી પ્રથમ ગલોફે 120 નો માવો ભરાવેલો હોય સ્પષ્ટ બોલી નહોતા શકતા, પણ ફેં ફેં કરતા માવો-વાદી આખલાઓ પેપર લખતા લખતા ઊભા થઈ ગયા. યુનિવર્સિટીએ 'આંતર-રાષ્ટ્રીય જેન્ડર-ન્યુટ્રલ એગ્રીમેન્ટ' માં સહી કરેલી હોય, 'ચક્કો-ચક્કી' શબ્દ પ્રયોગ થઈ શકે નહીં તેથી પરીક્ષક સામે સખ્ત પગલાં ભરવાની માંગણી કરી. કુલપતિએ પરીક્ષા રદ કરવા ખાતરી આપી, પણ માવો-વાદી આખલાઓની માંગ હતી કે અમે તો આખું વરસ મહેનત કરેલી છે અને પરીક્ષા આપવાની તૈયારી સાથે પરીક્ષા-ખંડમાં આવેલા. અમને ગેર-વ્યાજબી પ્રશ્ન-પત્રમાં પરીક્ષકની ભૂલ હોય, પુરે-પુરા ગુણ મળવા જોઈએ. કુલપતિ નરમ દિલના હોવાથી, વિદ્યાર્થીઓની માંગ સહર્ષ સ્વીકારી લીધી.

જંગલ જાહેર સેવા આયોગની લેખિત પરીક્ષામાં એક પરીક્ષકે વિવાદાસ્પદ અને ઘૃણાસ્પદ લઘુ નિબંધ પૂછી કાઢ્યો, વિષય હતો 'સસલું શાકાહારી છે કે માંસાહારી'. આવા સવેંદનશીલ અને વ્યક્તિગત અધિકારનો ભંગ કરતો વિષય છેડવા બદલ પરીક્ષકને જંગલ-નિકાલ કરવામાં આવ્યા તથા જે કોઈ પશુ પક્ષીએ પરીક્ષાનું આવેદન પત્ર ભરેલું હોય તેમને સનદી નોકરીમાં પસંદ કરવામાં આવ્યા, ભલે તેઓ પરીક્ષા આપવા આવી શક્યાં ન હોય. 

મેડિકલની પરીક્ષામાં બકરીઓ બેં બેં કરતી બહાર નીકળી ગઈ. પ્રશ્ન હતો 'બળાત્કાર સાબિત કરવા મહત્વના મેડિકો-લીગલ પુરાવા શું છે ?' જો કે આ વખતે સમસ્યા પ્રશ્ન કે પરીક્ષકની નહોતી. સમસ્યા પરીક્ષા નિરીક્ષક એવો બકરો બળાત્કારના અધમ ગુનાનો આરોપી હતો. બકરીઓ કુલપતિ પાસે પહોંચી ગઈ. કુલપતિએ યુનિવર્સિટીના કાયદાના સલાહકારને બોલાવ્યા. તેમણે સર્વસંમતિથી નિર્ણય આપ્યો કે જંગલમાં બળાત્કાર કરવો એ ગંભીર ગુનો નથી, પણ બળાત્કાર શબ્દ ઉપર પ્રતિબંધ હોય, આવો શબ્દ બોલી કે લખી શકાય નહીં. એટલે જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રશ્નનો જવાબ લખ્યો હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવી પડે. પરીક્ષક કે નિરીક્ષક સામે કોઈ પગલાં લઈ શકાય નહીં કેમકે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી બધા નિર્દોષ છે અને આપણા જંગલ-રાજ્યમાં લોર્ડ મેકેલોએ 1837માં આપેલો સિદ્ધાંત 'સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ' એ આજની તારીખે પણ સો ટકા ચાલે છે. 

તર્કશાસ્ત્રના વિદ્યાર્થીઓના પ્રમુખ એવા શિયાળભાઈ વળી જબરો તર્ક લઈ આવ્યા. તેમણે રજુઆત કરી કે આપણા જંગલ-રાજમાં 'પ્રશ્ન' પૂછવો જ કાયદેસર નથી એટલે 'પ્રશ્નપત્ર' શબ્દ જ ગેરકાયદેસર છે એટલે બધી પરીક્ષા રદ થવી જોઈએ. કાયદા-શાસ્ત્રના વિદ્યાર્થીઓ આના સમર્થનમાં ઊંચો કાયદો લઈ આવ્યાં. પ્રશ્ન શબ્દ જો ગેરકાયદેસર હોય તો દરેક પ્રશ્નને અંતે મુકાતું પ્રશ્ન-ચિન્હ પણ ગર્ભિત રીતે ગેરકાયદેસર ગણાય. કુલપતિને અતિ આનંદ થયો કે આ મોકો તો ઝડપી જ લેવો જોઈએ, અત્યારે તો તેઓ વાંચવા અને મહેનતથી છુટકારો મેળવવા રાજી થાય છે પણ મોટા થઈને અમારી સત્તાને પ્રશ્નો પૂછશે તો? હું આજ કાયદો એમને ત્યારે બતાવીને જવાબ દેવામાંથી છુટકારો મેળવીશ અને ઉપરથી રાજા પણ ખુશ! 

આમ બધાં જ પ્રશ્નો અને પરીક્ષાઓ ગેરકાયદેસર જાહેર થઈ.

કુલપતિ એવા ઘુવડ ભાઈ મૂંઝાયા. કોયલ અને ચકલીઓ સામે પ્રેમભરી તીરછી નજરે જોઈ મલકાતાં મલકાતાં બોલ્યા, પરીક્ષા તો લેવી જ પડે કેમકે પ્રશ્ન પત્રો છપાય છે તે પ્રિન્ટિંગ-પ્રેસ રાજાના સાળાનો છે. એમના રોટલાનો પણ સવાલ છે. રજિસ્ટ્રાર એવા ગીધ-ભાઈ બોલ્યા એક સંશોધન સમિતિ બનાવીએ જે સંશોધન કરી આપણને બતાવે કે જંગલ-રાજના કાયદાનો ભંગ કર્યા વિના પરીક્ષામાં શું પૂછી શકાય? ઉંદરડીની અધ્યક્ષતામાં એક સમિતિ બની અને તેમણે જે શબ્દનો અને નિશાનીનો પ્રયોગ કાયદેસર હતો તેની યાદી રજુ કરી. જાતિ-વાચક, વ્યક્તિગત, ખાનગી, વૈજ્ઞાનિક, વિરાસતને લગતા શબ્દો કે ચિન્હ જંગલમાં પહેલેથી જ પ્રતિબંધિત હતા. જંગલના રાજા સિંહ, તેમનું મિત્ર મંડળ અને સગા-સંબંધીઓ સામે જે ગુનાઓ નોંધાયેલા હતા તે પણ તેમની આબરૂને બટ્ટો ના લાગે એટલે પ્રતિબંધિત હતા. શું, પ્રશ્ન ?, કેવી રીતે, શા માટે, કેટલા, ક્યાંથી, કેમ જેવા પ્રશ્ન-વાચક શબ્દ તો રાજ્યના બંધારણમાં પણ નહોતા વપરાયા, એટલે પરીક્ષામાં તો વાપરવાનો સવાલ જ નહોતો. બીજા કેટલાક શબ્દોમાં એના વપરાશ અને અર્થ અંગે દ્વિધા અને મૂંઝવણ હતી. સલામત રીતે ફક્ત છે, હતું, હશે, હતા, જેવા સહાયકારક ક્રિયાપદો અને જી સર, બરોબર છે, આભાર, હા જી, પૂર્ણ-વિરામ, અલ્પ-વિરામ છૂટથી વાપરી શકાય એમ હતા. ઉંદરડી બહેને સમિતિએ તૈયાર કરેલી યાદી કુલપતિને સોંપી દીધી.

આળસુ અધ્યાપકો અને પરીક્ષકોને તો યાદી જોઈ મઝા પડી ગઈ કે આપણે હવે કૈં કરવાનું રહેતું જ નથી. બસ દસ-પંદર શબ્દો જ યાદ રાખવાના, નહીં ખાસ ભણાવવાનું, નહીં પેપરમાં પૂછવાનું. થોડાં વેદિયા અધ્યાપકો ચિંતિત હતાં. તેઓએ શિક્ષણ-મંત્રી એવા કાગડા-દાદા પાસે જઈ ચિંતા વ્યક્ત કરી કે આટલા શબ્દોથી કાંઈ અર્થપૂર્ણ મતલબ નીકળતો જ નથી. પીઢ અને ઠરેલ અનુભવી શિક્ષણ-મંત્રી એવા કાગડા-દાદા બોલ્યા, અરે મિત્રો વેદિયાવેડા છોડો, વિદ્યાર્થીની ચિંતા કરીને શું કાંદા કાઢી લેવાના ? ભણાવવામાં કે પરીક્ષામાં અર્થપૂર્ણ મતલબ કાઢવા કરતા મારા અને તમારા મતલબની વાત કરો. મરક-મરક કરતા કાગડા-દાદાએ પોતાના અંગત સચિવને બોલાવી બધા અધ્યાપકોને કુલપતિ બનાવી દીધા. અંગત સચિવ થોડા ખંચકાઈને બોલ્યા, સાહેબ આટલી તો આખા જંગલમાં યુનિવર્સિટી જ નથી. કાગડા-દાદા એમ થોડા કાઈં શિક્ષણ-મંત્રી બન્યા હતા ? ગામ ગામના પાણી પીધા હતા. એમણે તરત જ એક આદેશ બહાર પાડી દીધો. દરેક બેન્ચને વર્ગમાં, દરેક વર્ગને કોલેજમાં રૂપાંતરિત કરવાનો, અને દરેક કોલેજને યુનિવર્સિટી બનાવવાનો અધ્યાદેશ જાહેર કરી દીધો. 

વિદ્યાર્થીઓને આ વાતની ખબર પડી કે તરત જ એક પગે ભક્તિ કરતા મુખ્ય-મંત્રી એવા બગલા-ભાઈ પાસે પહોંચ્યા કે આમાં અમારું શું? બગલા-ભાઈએ વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપ્યા, કે કોઈ પણ કોલેજમાં ફી ભરી તમે એડમિસન લઈ લ્યો એટલે કાંઈ કર્યા વગર તમે પાસ થઈ જશો, પાસ થયા પછી તમને ક્યાં તો તમને પોતાની કોલેજ ખોલવાની મંજૂરી આપવામાં આવશે ક્યાં તો અધ્યાપકની નોકરી. અધ્યાપકની નોકરીમાં સરકાર તમને કોઈ પગાર નહીં આપે પણ તમે વિદ્યાર્થી પાસેથી એડમિસન કે ટ્યુશન દ્વારા પગાર વસુલ કરી શકશો.

અને ઘીના ઠામમાં ઘી પડી ગયું. ઢાંઢાઓએ શરુ કરેલ પરીક્ષા વિરોધી આંદોલન છેવટે જંગલમાં બધા જ પ્રાણીઓનું નું નવ-નિર્વાણ કરીને જ જંપ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy