Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

દાસ્તાન - એ - ખારીશીંગ

દાસ્તાન - એ - ખારીશીંગ

5 mins
183


મારી બીજી બધી રચનાઓના શીર્ષકની સરખામણીમાં આજનું શીર્ષક થોડું વિચિત્ર છે, પરંતુ આ શીર્ષકનું મથાળું આપવા માટે હું ભયંકર રીતે પ્રેરિત થયો હતો. મારી પ્રિય.... અરે પ્રિય નહીં પરંતુ અતિપ્રિય ખારીશીંગ એક ઘણો ચોંટકણો ખાદ્યપદાર્થ છે.

વાત જાણે એમ બની કે ગઈકાલે સવારે હું ઓફિસ જવા માટે તૈયાર થતો જ હતો કે મારી નજર એક "ભરુચી શીંગ" લખેલ પ્લાસ્ટિકની કોથળીની સજા ભોગવી રહેલા શીંગદાણાઓ ઉપર પડી. ઠાંસી ઠાંસી ને ભરેલા શીંગદાણા જાણે કે મને જોઈને ચિત્કાર કરી રહ્યા હતા કે "ખા......ખા.....કાઢ અમને આ પ્લાસ્ટિકની કોથળીની કેદ (કાળા પાણીની કેદ એટલા માટે નથી કહેતો કારણ કે એ તો હું ભોગવી રહ્યો છું)માંથી મુક્ત કર અને ઠુંસી દે તારા મોઢાંમાં"....અને મારી લોલુપ નજર તેમના ઉપર પડી અને હું મારું નિયંત્રણ ખોઈ બેઠો.....હું સમજી તો ગયો જ હતો કે મારા શ્રીમતીજી જ ખારીશીંગ લાવ્યા હશે કારણ કે કમનસીબે તેમને પણ ખારીશીંગ અતિપ્રિય છે.....ખેર, મેં મારો હાથ ધપાવ્યો અને ખારીશીંગ ને આકરી કેદમાંથી મુક્તિ અપાવવાનું અભિયાન શરૂ કર્યું.....ખારીશીંગનું પડીકું હાથ મા લઈ ને કોથળીનો એક છેડો તોડ્યો, તે ભેગી તો ત્રણ - ચાર શીંગ જાણે કે વર્ષો થી રાહ જોતી હોય તેમ પ્લાસ્ટિકની કોથળીની કેદમાંથી મુક્ત થઈ ને મારી હથેળીમાં આવી ને પડી.....અને પળવારનો પણ વિલંબ કર્યા વગર મારા મુખ મા પધરાવી દીધી.....આ...હા.. હા..હા...હા......આનંદની પરાકાષ્ઠા એ પહોંચી ગયો અને એ સ્વર્ગીય આનંદની મઝા માણું તે પહેલાં જ મારા શ્રીમતીજીનો પગરવ સંભળાયો. હું ગેંગેફેંફે થઈ ગયો. કર્ફ્યૂ હોય ત્યારે જેમ શેરીના નાકે ટોળું ઊભું હોય અને જેવી પોલીસની જીપ દૂરથી દેખાય અને ટોળું આઘુંપાછું થાય તેમ હું પણ આઘોપાછો થઈ ગયો....શ્રીમતીજીનું આગમન થઈ ચૂકયું હતું...જે ખારીશીંગ મારા મોઢા મા હતી તેમનું મેં ત્વરિત ગતિએ મારા પેટમાં વિસર્જન કરી દીધું અને હું એક ડાહ્યાડમરા વિદ્યાર્થીની માફક મુખારવિંદ ઉપર બાળસહજ હાસ્ય સાથે શ્રીમતીજી સમક્ષ ઊભો રહ્યો......"કેમ, શું કરે છે ? તૈયાર થતાં આટલી વાર ? ઓફિસમાં કોને બતાવવું છે? આમ તો મોડું થાય છે...મોડું થાય છે નો જાપ જપતો હોય છે તો આજે કેમ આટલી વાર ?...મારા શ્રીમતીજી પહેલાં બોફોર્સ તોપ બનાવતી કંપનીમા કામ કરતા હશે તેવો ભાસ થયો....વાચકો ને યાદ રહે કે ઉપરોક્ત બધા સવાલો ફરજિયાત છે, એક પણ સવાલ મરીજિયાત નથી.....શબ્દો ગોઠવી ગોઠવી ને જવાબો આપ્યા અને માંડ માંડ લોકઅપમાંથી છૂટ્યો. ખભે લેપટૉપ બગ ભરાવી ને બેઠો ગાડીમાં.

આ બધી મથામણ મા જે ત્રણ - ચાર ખારીશીંગનું પેટમા વિસર્જન કર્યું હતું તેમાંથી એક શીંગનો નાનકડો ટુકડો મારી દાઢની એક પોલી જગ્યા ઉપર કબ્જો જમાવી દીધો. હવે એ ટુકડો એટલો હઠીલો હતો કે ન એમ જાય કે ન તેમ. જીભ ઉપર પણ ભારે દબાણ આવી ગયું. પણ ઓફિસે જવાનું મોડું થતું હતું એટલે ગાડી ચાલુ કરી ને ઓફિસ તરફ હંકારી મૂકી....જીભનો નિષ્ફળ પ્રયાસ હજી ચાલુ જ હતો.....એક ત્રાસવાદી ની જેમ પેલો ટુકડો પોલાણ વાળી જગ્યામાં એવો ગોઠવાઈ ગયો હતો કે મારું મોઢું આખું વાંકું ચૂકું થતું હતું પરંતુ તે હઠીલો હલવાનું નામ નહોતો લેતો. રેડિયો ઉપર કિશોરકુમાર ના કંઠે ગવાયેલું ફિલ્મ "થોડી સી બેવફાઈ" નું એક ગીત "આંખો મેં હમને આપકે સપને સજાયે હૈં" વાગતું હતું, પરંતુ આ શીંગદાણા ના ટુકડાની ગડમથલમા મારા કાન સુધી પહોંચતાં પહોંચતાં "દાંતો મેં હમને શીંગ કે દાણે બીઠાએ હૈં" થઈ ગયું...ક્યાંય મન નહોતું લાગતું. જીભ વારે ઘડીએ દાઢ ઉપર ફરી ને શીંગનો ત્રાસવાદ નાથવાની કોશિશ કરી રહી હતી....જેમ તેમ કરી ને ઓફિસ તો પહોંચ્યો. દાદરો ચઢતા ચઢતા મારા એક સહકર્મચારી સામાં મળ્યા અને મને "ગુડ મોર્નિંગ" ની શુભેચ્છા પાઠવી....મેં પણ સામે તેમને શુભેચ્છા પાઠવી, પરંતુ જે અવાજ નીકળ્યો તે એવો નીકળ્યો કે જાણે હું કોગળા કરતો હોઉં. મારા સહકર્મચારી ને પણ આવા અવાજમાં અપાયેલી શુભેચ્છાની અપેક્ષા નહોતી....કારણ એક જ હતું કે આજે મારી જીભ ડબલ રોલ ભજવતી હતી. 

મારી કેબિન મા પહોંચી ને સીધું મારા ટેબલનું ખાનું ખોલ્યું અને તેમાંથી કાઢી દાંત ખોતરવાની સળી. હું આજ ક્ષણની રાહ જોતો હતો....બસ, હવે થોડી જ ક્ષણોમાં છૂટકારો થશે તેમ માની ને દાંત ખોતરવાની સળી ને ત્રાસવાદી જ્યાં કબ્જો જમાવી ને બેઠો હતો ત્યાં લઈ ગયો અને ધીરે ધીરે આમ થી તેમ સળી ને હલાવી ને હઠીલા દાણા ને કાઢવાની કોશિશ કરી....પણ પરમ કૃપાળુ પરમાત્મા ને મારી મુક્તિ એટલી જલ્દી મંજૂર નહોતી...."રામાયણ" મા જેમ રામ અને રાવણ ના યુદ્ધ વખતે હવામા તીર એકબીજાની સમક્ષ જઈ ને જેનું તીર તૂટવાનું હોય તે પાછું જાય એવી જ રીતે દાંત ખોતરવાની સળી એ અધવચ્ચેથી દગો દઈ દીધો. એક ક્ષુલ્લક દાણાની સામે હારી ને તે અધવચ્ચેથી બટકી ગઈ.....હવે શું કરવું ? મારી જીભ પણ થોડી ઘણી ઘવાઈ ગઈ હતી. મોઢું વકાસી ને હું તો લમણે હાથ દઈ ને બેસી ગયો. ત્યાંજ અચાનક મગજમાં પ્રકાશ પુંજ ફેલાઈ ગયો....ઊભો થઈ ને કેબિનની બહાર આવ્યો અને સીધો ગયો રિસેપ્શન ઉપર. ત્યાં બેઠેલા બેન પાસે "જમ્બો યુ પિન" માગી (મારા દાંત ની રચના એવી છે કે મોટી પિન જ કામ લાગે). પાછો આવી ને તે પિન ની એક દાંડી ને સીધી કરી અને હવે તો ત્રાસવાદ નો ખાત્મો બોલાવવો જ છે તેવા મક્કમ નિર્ધાર સાથે પિનની દાંડી ને દાણા તરફ તાકી. બન્ને વચ્ચે થોડી રકઝક થઈ અને એવું લાગ્યું કે ત્રાસવાદી દાણો થોડો ઢીલો પડ્યો છે. હું તો રાજીના રેડ થઈ ગયો. મારામા ઉત્સાહનો અભૂતપૂર્વ સંચાર થયો. ફરી પાછું બમણા જોર થી પિન ની દાંડી ને દાઢ ઉપર કબ્જો જમાવી ને બેઠેલા દાણા ઉપર હુમલો કરાવ્યો.....અને આ વખત નો ઘા ત્રાસવાદી દાણા માટે ઘાતક પુરવાર થયો.....મારે શરણે આવવા માટે તે પોલાણ વાળી જગ્યાએથી બહાર આવ્યો....વિજયી સ્મિત સાથે તેનો નાશ કરી ને જાણે કે જંગ જીત્યો હોઉં તેવો ભાસ થયો. દુનિયા જાણે કે સ્વર્ગ લાગવા માંડી. ફરી પાછો કામે લાગી ગયો.

આ ઘટનાથી એક બોધપાઠ એ મળ્યો કે શ્રીમતીજી એ આણેલી ચીજ ઉપર કોઈ દિવસ કુ - દૃષ્ટિ કરવી નહીં. જેમ મોટાભાગનું બધું પૂછી પૂછી ને કરતા હોવ છે તેમ આ પણ પૂછીને કરવું, નહિતર તમારે પણ દાસ્તાન - એ - ખારીશીંગનો બીજો અધ્યાય થશે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy