ચુંબન સાથે આભાર
ચુંબન સાથે આભાર


“બીપ. બીપ.”
રાહુલના ફેસબુક મેસેન્જરમાં સંદેશ ઝળહળ્યો : “હાય પ્રિયતમ, હું હંસિકા. ઉંમર બાવીસ વર્ષ. તમારી પ્રોફાઈલ જોઈ ખૂબ પ્રભાવિત થઇ. મારી સાથે દોસ્તી કરશો તો મને ખૂબ ગમશે. ચુંબન સાથે આભાર.”
હંસિકાનું સુંદર પ્રોફાઈલ પિક્ચર જોઈ રાહુલે તરત ટાઈપ કર્યું : “હાય, મને પણ તમારી સાથે દોસ્તી કરવી ખૂબ ગમશે.”
મેસેજ ટાઈપ કરી રાહુલ ઉસ્તુકતાથી હંસિકાના પ્રતિભાવની રાહ જોવા લાગ્યો. અત્યારે એક એક પળ તેના માટે એક એક યુગ સમાન હતી. અધીરાઈ અને ઉસ્તુક્તાનો અંત હંસિકાના પ્રતિભાવ આવ્યો : તમે ખૂબ દેખાવડા છો. તસવીરમાં તમે કેટલા સોહામણા દેખાવ છો. આમ લાગે છે કે તમારી તસવીરને બસ નિહાળતી જ રહું.
પ્રતિભાવ વાંચી રાહુલ ખુશખુશાલ થઇ ગયો. જવાબમાં તેણે પણ લખી દીધું : આભાર, તમે પણ ખૂબ સુંદર છો.
હંસિકાએ જવાબ આપ્યો : હા પણ તમારી જેટલી નહીં.
રાહુલ રોમાંચિત થઇ ગયો : શું વાત કરો છો? તમે તો કોઈ ફિલ્મ અભિનેત્રીને ટક્કર આપો એટલા સ્વરૂપવાન છો.
હંસિકાનો વળતો મેસેજ આવ્યો : સ્ત્રીઓ સાથે કેમ વાત કરાય તેની અદભુત કળા તમારી પાસે છે. બાકી આજકાલના યુવાનો તો? બાય ધી વે તમારી ઉંમર કેટલી છે?
રાહુલે ઝડપથી મેસેજ સ્ક્રોલ કરી હંસિકાની ઉંમર ચેક કરી જોઈ. બાવીસ વર્ષ! કંઈક વિચારી તેણે લખ્યું : મારે હમણાં જ સત્તાવીસ વર્ષ પૂર્ણ થયા છે.
હંસિકાએ લખ્યું : ઓહ! તો લગ્ન થઇ ગયા હશે ને?
રાહુલે પોતાની ઉંમર ત્રેવીસ કે ચોવીસ કેમ ન લખી એ વાત પર પસ્તાવો કરતા કરતા લખ્યું : ના. હજી હું કુંવારો છું અને કોઈક સુંદર યુવતીની શોધમાં છું.
હંસિકાએ લખ્યું : તો.. શોધ પૂરી થઇ?
રાહુલે મૂડમાં આવી ગયો : લાગે છે આજે પૂર્ણ થઇ ગઈ.
થોડીવાર સુધી કમ્પ્યુટર પર કોઈ સંદેશ ન આવતા રાહુલ અધીરો થઇ ગયો. લખવામાં પોતે ઉતાવળ તો નથી કરી દીધી ને એમ તે વિચારતો જ હતો ત્યાં સામે છેડેથી મેસેજ આવ્યો : યુ આર વેરી નોટી.
રાહુલે પણ ‘સ્માઈલ’નું ઈમોજી મોકલી આપ્યું.
હંસિકાએ સામે છેડેથી ‘હાર્ટ’નું ઈમોજી મોકલ્યું.
રાહુલને પણ મજા આવી તેણે ‘કિસ’નું ઈમોજી પાઠવ્યું.
આવા ઘણા ઈમોજીની લેવડદેવડ બાદ.
હંસિકાનો મેસેજ આવ્યો : આપણે મળી શકીશું? મારે તમારી સાથે દિલખોલીને વાતો કરવી છે. મારા હૈયાનું દર્દ હળવું કરવું છે.
રાહુલ: કે
મ નહીં!
હંસિકા: પણ તમને ફુરસદ મળશે?
રાહુલ: મારી પાસે ફુરસદ જ ફુરસદ છે. હું બીઝનેસમેન છું..
----
----
રાહુલ: હાય.
-----
-----
રાહુલ: શું થયું?
હંસિકા: “રાહુલ, બિઝનેસમાં ખાસ કમાણી હોતી નથી.”
રાહુલ: “કોણે કહ્યું? વહાલી, હું મહીનાના લાખો કમાવું છું. મારા ખાતામાં દસ લાખ પડ્યા છે.”
હંસિકાએ સામે છેડેથી સ્માઇલી મોકલી.
રાહુલે અચરજથી ટાઈપ કર્યું : “કેમ શું થયું?”
હંસિકાનો મેસેજ આવ્યો : “વિશ્વાસ નથી થતો.”
રાહુલે ઝડપથી લખ્યું : “વેઇટ અ મિનિટ.”
આમ બોલી રાહુલે ઝડપથી પોતાના બેંકની સાઈટ ખોલી અને તેમાંના બેંક બેલેન્સની વિગતના સ્ક્રીન શોટ પાડી હંસિકાને મોકલી આપ્યા.
રાહુલ આતુરતાથી હંસિકાના પ્રતિભાવની રાહ જોતો જ હતો ત્યાં ઓચિંતા તેના સેલફોનની રીંગ વાગી. રાહુલે ફોનની સ્ક્રીન પર જોયું તો તેના દોસ્ત કલ્પેશનો કોલ હતો. કલ્પેશનો આમ કટાણે ફોન આવવો રાહુલને જરાયે ગમ્યું નહીં.
મનેકમને ફોન ઉઠાવી તે બોલ્યો, “હેલ્લો.”
સામે છેડેથી કલ્પેશ તાડૂક્યો, “સા.લા.. મારા પચાસ હજાર હમણાંજ મને પાછા આપ.”
રાહુલે તેની વાતને વચ્ચેજ કાપતા કહ્યું, “દોસ્ત, તને કેવી રીતે સમજાવું? હાલ ધંધો ખૂબ મંદો ચાલે છે. મેં તને અગાઉ પણ કહ્યું હતું કે મારી પાસે બિલકુલ પૈસા નથી.”
કલ્પેશ ગુસ્સામાં બોલ્યો, “ચુપ. ખોટું ન બોલીશ. તારા બેંકના ખાતામાં દસ લાખ રૂપિયા છે.”
રાહુલ વિનંતી કરતા બોલ્યો, “ના દોસ્ત, તારી પાસે ખોટી માહિતી છે મારા બેંકમાં દસ લાખ શું પણ દસ રૂપિયા પણ નથી.”
કલ્પેશ તોછડાઈથી બોલ્યો, “નપાવટ કેટલું ખોટું બોલીશ! મારી પાસે તારા બેંક બેલેન્સની વિગત છે. મને મારા પચાસ હજાર હમણાંને હમણાં જોઈએ.”
રાહુલ અસમંજસમાં બોલ્યો, “પરંતુ તારી પાસે મારા બેંકની વિગતો ક્યાંથી આવી?”
કલ્પેશ હસીને બોલ્યો, “બેવકૂફ હજુ નહીં સમજ્યો? આ ઉંમરે આમ છોકરીઓ પાછળ લટ્ટુ થવાનું છોડી દે. આ તો હું છું જે સીધી રીતે તારી પાસેથી પૈસા માંગી રહ્યો છું. મારી જગ્યાએ બીજો કોઈ હોત તો તારા એકાઉન્ટમાંથી દસે દસ લાખની ઉઠાંતરી કરી લીધી હોત. આવ્યો મોટો સત્તાવીસ વર્ષનો! મારા પચાસ હજાર તૈયાર રાખ નહીંતર ભાભીને તારા સઘળા ચાળા પ્રૂફ સાથે દેખાડી દઈશ. ચાલ.ચુંબન સાથે આભાર..”