ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૬...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૬...ચંપક છત્રી ના લગ્ન લીલા સાથે
વામનીયો ને હરીયો લતાફોઈને ત્યાંથી નીકળી સીધા પહોંચે છે ચંપકની દુકાને...
આ બાજુ લીલા ઘરનાં કામકાજ પતાવીને પોતાના કમરામાં જઈ પહોંચે છે અને વામનીયાએ કરેલી વાતો પર વિચારે છે...
લીલા : મારાથી બોવ મોટી ભુલ થઈ ગઈ મારો જવાબ લલ્લુ જઈને એમને કહેશે તો કદાચ મારા પ્રત્યે તેઓ શું વિચારશે!... હે શિવશંકર ... મારાથી ભુલ થઈ ગઈ છે... મારે ભુલ સુધારવી જ રહી. (અને એક ચિઠ્ઠી લખે છે અને શેરીના નાકે પહોંચે છે)... પકલા(પ્રકાશ - શેરીનો છોકરો) તુ દુધારા શેરીના વામનીયાને ઓળખે છે ને...
પકલો : હા લલ્લુને, હા એ હમણા જ અહીંથી ગયો... ભાગળ તરફ..
લીલા : હા.. એજ... વામનીયાના હાથમાં આ મારી ચિઠ્ઠી પહોંચાડી દેને... અને હા વામનીયા સિવાય કોઈને પણ ના આપતો મારી આ ચિઠ્ઠી...
પકલો : પણ લીલા માંજરો શું છે...
લીલા : પછી હું તને સમજાવીશ પણ અત્યારે મારું અગત્યનું કામ કરને ભાઈ...
અને પકલો નીકળી પડે છે દુધારા શેરી જવા... પણ રસ્તામાં વિચાર આવે છે કે લલ્લુ તો ભાગળ તરફ ગયો છે તો ચાલને ભાગળ થઈ ને જ જાવ કદાચ ત્યાં જ મળી જશે...
આ બાજુ વામનીયો ચંપકની દુકાને પહોંચે છે...
ચંપક : વામનીયા, કામ થયું? લીલા સાથે વાત થઈ તારે?
વામનીયો : હા ચંપક, લતાફોઈ ને ત્યાંજ મળ્યા, મેં કહ્યુ હતુ ને તને કે એ બોવ નાકચટ્ટી છે... એણે સાફ કહી દીધું કે, મુલાકાતમાં એને વાંધો નથી પણ તારા બાપુજી એમના બાપુજી ને મળી મુલાકાત ગોઠવે તો જ... બાકી શક્ય નથી...
ચંપક : ઓહ્હ, તો જેમ વિચાર્યુ હતું એમજ થયું... બસ હવે તો મહાદેવની ઈચ્છા...
વામનીયો : તો શું તુ ગમનકાકા ને સમજાવી શકીશ?
એટલામાં પકલો વામનીયાને ચંપકની દુકાને બેઠેલો જોઈ જાય છે ... અને ...
પકલો : એય.. લલ્લુ.. આ બાજુ આવ..
વામનીયો : બોલને પકલા... આમ હાંફ્તો હાંફ્તો.. કેમ શું થયું?
પકલો : બસ તને જ ખોળતો હતો... લીલાબેનની ચીઠ્ઠી તને આપવી હતી પહેલા તો તારે ઘરે જ જવાનો હતો પણ વિચાર્યુ તુ ભાગળ તરફ ગયો છે તો ત્યાંજ ભટકાઈ જઈશ...
વામનીયો : સારું થયું તુ ઘરે ના ગયો... ક્યાં છે ચીઠ્ઠી?
પકલો : આ... લે...
વામનીયો ચીઠ્ઠી ખોલે છે અને વાંચે છે...
લીલા : લલ્લુ, બપોરે તારી સાથે ભુલમાં બોવ કડકાઈથી વાત થઈ ગઈ, એ તો હું ભુલી જ ગઈ હતી કે તમે તો વામનીયાભાઈ બનીને એમનો સંદેશો પહોંચાડવા આવ્યા હતા.. શિવશંકર મને ક્યારેય માફ નહિ કરે...
તમારા ગયા પછી મેં વિચાર્યું કે, ખરેખર એમને મને જાણવાનો અને સમજવાનો પુરો અધિકાર છે. જેટલો મને પણ છે... એક્મેક પ્રત્યે વિશ્વાસનો પ્રાણ પુરવાનો.. પણ તમે ગયા પછી આ વાત મને સમજાઈ તો મારી ભુલ બદલ એમની ક્ષમા માંગી લેજો..
અને, સોમવારના રોજ હું ઘીયાશેરીમાં આવેલા રાજરાજેશ્વર મહાદેવના મંદિરે સવારે નવ વાગ્યે પૂજા કરવા જઈશ તો એમને જણાવી દેજો કે ત્યાં મળવું સારું રહેશે... ત્યાજ હું એમની પ્રતિક્ષા કરીશ અને હા મેં એમને ખાસ જોયા નથી તો તુ જ તેડીને આવજે એટલે સહેલાઈ રહે...
તારી બહેન,
લીલા..
વામનીયો ચીઠ્ઠી વાંચે છે અને ચીઠ્ઠી કોટના ખિસ્સામાં મુકે છે... અને પકલાને આભાર પ્રગટ કરી વિદાય કરે છે...
ચંપક : કોણ હતું?
વામનીયો : મારા ભાભીની ચીઠ્ઠી આપવા આવ્યો હતો... એમની શેરીનો છોકરો હતો ...
ચંપક : ઓહ્હ.. ક્યા ભાભી?
વામનીયો : અરે.. લીલાભાભી બીજુ કોણ!!!
ચંપક : (આશ્ચ્રર્યચકિત થઈ ને) લાવને વાંચવા દે, શું લખ્યું છે એણે?
વામનીયો :ના.. ના.. ચીઠ્ઠી તો મને લખી છે ... તને નહીં...
ચંપક: તો તુ જ રાખી લે... પણ વાત શું છે?
વામનીયો : મને હતું જ ... લીલા ભાભીનો સ્વભાવ જ કંઈક અલગ છે અને એ માની ગયા... સોમવારે તને ઘીયાશેરીમાં આવેલા રાજરાજેશ્વરના મંદિરમાં મળવા માંગે છે... પણ તારે મારી સાથે આવવુ પડશે...
ચંપક : હા ભાઈ હા... બંન્ને બાજુથી પરીચીત એટલે એક મોઢે બે લાડવા...
વામનીયો અને ચંપક બન્ને હસી પડે છે...
પણ કુદરતનું કરવું કંઈક અલગ જ છે, વામનીયો ચીઠ્ઠી કોટનાં ખિસ્સામાં જ ભૂલી જાય છે અને કમલાકાકી એ ચિઠ્ઠી વાંચી લે છે...
આ બાજુ ચંપક સોમવારની રાહ જોતો હોય છે અને એ દિવસ પણ આવી જાય છે ... સવારે લીલા તૈયાર થઈ પૂંજાની થાળી લઇને મહાદેવનાં મંદિરે જવા નીકળે છે.
લીલા : બા, હું શિવશંકર ના મંદિરે જતી આવું, આજે સોમવાર છે તો મહાદેવને પાણી ચઢાવી આવું...
બા : ભલે જઈ આવ, પણ કોઈ બહેનપણીને સાથે લેતી જજે...
લીલા : બા, પકલો આવે છે સાથે...
બા : સારું તો.. જલ્દી પાછી આવજે.
લીલા : હા... બા, (અને લીલા આગળના ઓરડામાં આવે છે અને ત્યાં કચરાલાલ..)
કચરાલાલ : લીલા ક્યાં જાય છે?
લીલા : શિવશંકરના મંદિરે.. આજે સોમવાર છે તો પૂજા કરી આવ..
કચરાલાલ : થોભ ઘડીક... અમે પણ સાથે જ આવીએ છીએ મારે કંકોતરી છપાઈને આવી છે તો મહાદેવને આમંત્રણ આપવા મંદિર તો જવાનુ જ છે તો સાથે જ જઈ આવીએ.. જા તારી બાને પણ બોલાવી આવ...
લીલા : બાપુજી, તમે બા સાથે પછી જઈ આવજો ને ... અત્યારે હું જ જઈ આવ...
કચરાલાલ: જા તારી બાને તેડી લાવ, મહાદેવના દર્શને આપણે બધા સાથે જ જઈએ...
લીલાનું બાપુજી અગાડી કંઈજ ચાલતું નથી અને બાને તેડી લાવે છે... અને મંદિરે જવાને નીકળે છે...
આ બાજુ તો આજે ચંપક પણ શેરીનાં નાકે વામનીયાની રાહ જોતો ઉભો હોય છે... પણ ચંપકના ઘરમાં સવાર સવારમાં કમલાકાકી ઘુસે છે....
કમલાબેન : જમનાબેન... આવું કે...
જમનાબેન : હા હા આવો ને.. આજે તો સવારના પહોર માં જ!
કમલાબેન : હા... સવારે જ... ઘીયાશેરી માં રાજરાજેશ્વર મહાદેવનાં મંદિરે ગઈ હતી તો થયું કે તમને પ્રસાદ આપતી જાવ એમ વિચારી ને આવી...
જમનાબેન : અરે વાહ, તો લાવો પ્રસાદ... અમારે પણ જવું છે પણ ચંપકના બાપુજી કામમાંથી પરવારે ત્યારે જઈ આવીશું.
કમલાબેન : તો પછી અત્યારે જ ઉપડો આજે સોમવાર છે અને આ..હા...હા.. શું શિવજીને શણગાર કર્યો છે... મારું તો મન જ નહોતું ધરાતું દર્શન કરતા...
જમનાબેન : શું વાત કરો છો... એમ વાત છે તો હમણાં જ એમને વાત કરું છું ... અમે પણ હમણાં જ દર્શને જઈ આવીએ...
કમલાબેન પલીતો ચાંપીને પોતાનું કામ પતાવીને નીકળી જાય છે અને અહીં જમનાબેન...
જમનાબેન : સાંભળો છો... આપણે અત્યારે ભોલેનાથ ના મંદિરે જઈ આવીએ...
ગમનલાલ : કેમ અચાનક? પછી જઈશું સવારમાં બહુ ભીડ હશે...
જમનાબેન : અત્યારે, કમલાબેન કહીને ગયા કે આજના ભોલેનાથના ખાસ શણગાર કર્યા છે તો મારી દર્શનની તીવ્ર ઈચ્છા છે. ઘીયાશેરીનાં રાજરાજેશ્વર મહાદેવનાં દર્શનની....
ગમનલાલ : હા તો ચાલો... આપણે મહાદેવને પણ આમંત્રિત કરી આવીયે આમ પણ કંકોતરા છપાઈને તો આવી જ ગયા છે...
આ બાજુ જમનાબેન અને ગમનલાલ તૈયાર થઈ મંદિરે જવા નીકળે છે અને બીજી બાજુ લીલા, કચરાશેઠ અને જશોદાબેન પણ એ જ મંદિરે જવા નીકળે છે તો ત્રીજી બાજુ બે હરખઘેલા ચંપક અને વામનીયો પણ, મહાદેવનાં દર્શન તો ઠીક પણ કંઈક અલગ જ મનસૂબા સાથે મહાદેવના મંદિરે જવા નીકળે છે....
