ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૫, ચંપક છત્રીના લગ્ન લીલા સાથે
ચંપક છત્રી, અંક-૨, પ્રકરણ-૫, ચંપક છત્રીના લગ્ન લીલા સાથે
ચંપક અને હરીયો દુકાનના કામમાં હોય છે અને દુકાને હરીયો, જગલો અને વામનીયો આવી ચડે છે...
વામનીયો : શું ચંપક, એકલા એકલા ચાની મોજ માણો છો...
ચંપક : અરે આવો દોસ્તો... ભુરીયા બધાને માટે ચા લેતો આવ કીટ્લી પર થી...
ભુરીયો : જી શેઠ.. ના, ના મોટભાઇ હમણાं જ લઈ આવ્યો...
ચંપક : રમલો ના આવ્યો?
રમલો : શેતાન કો યાદ કીયા ઔર શેતાન હાજીર...
વામનીયો : આમેય ભુત ને ખોળવા કંઈ પાદરે થોડું જવાય... અને બધા હસી પડે છે... બોલ ચંપક, શું વાત કહેતો હતો કાલે?
ચંપક : દોસ્તો મારે લગ્ન પહેલા લીલા ને એક્વખત મળવુ છે., એની સાથે વાત કરવી છે... તો હવે લીલા સુધી મારા બાપુજીને ખબર પડ્યા વગર પહોંચાય કેવી રીતે એને મળાય કેવી રીતે?
વામનીયો : જો હું આજે લતફોઈને ત્યાં જાવ છું અને લીલા મળે તો વાત કરી જોવું તારી... બરાબર છે!
બધા એક્સાથે હા... બરાબર છે...
ભુરીયો ચા લઈને આવે છે.. બધાને ચા પીવડાવે છે અને બધા દોસ્ત ચા પીને રવાના થાય છે અને ભુરીયો ને ચંપક દુકાન ના કામ મા જોતરાઈ જાય છે....
આ બાજુ કચરાશેઠને ત્યાં પણ લગ્નની તૈયારી જોરદાર ચાલવા માંડી દિવસ ટૂંકા રહ્યા એટલે લગ્નની તૈયારીઓ પણ શાનદાર...
લીલા : બા હું બાજુમાં લતકાકીને ત્યાં જઇને આવું છું.
જશોદાબેન : કેમ અચાનક શું કામ પડ્યું?
લીલા : કંઈ નહી બા... એમ જ, ઘણા સમયથી ગઈ નથીને એટલે...
જશોદાબેન : હા, જઈ આવ, પણ જલ્દી પાછી આવજે બહુ કામ વધી ગયા છે અને તારી મદદ જોઈશે મને...
લીલા : હા... બા...( અને બાજુમાં લતાકાકીને ત્યા પહોચી...)
લતાકાકી :આવ લીલા, કેમ અચાનક ... કેવી ચાલે છે લગ્નની તૈયારી...
લીલા : બા ને બાપુજી તૈયારીઓમાં લાગી પડ્યા છે… તમે હાથમાં મહેંદી સારી મુકી આપે એવા કોઈ બહેન ને ઓળખો છો?
લતાકાકી : તુ એની ફીકર ચિંતા છોડ, મેં મારી બહેનપણીને કહી દીધુ છે અને એ મળવા આવવાની જ છે તને ગમે તેવી મહેંદી મુકાવી લેજે...
એટલામાં વામનીયો અને હરીયો ઘરમાં દાખલ થયા...
વામનીયો : લતાફોઈ... ઓ લતાફોઈ...
લતાફોઈ : કેમ વામનીયા, આ બાજુ ભુલો પડ્યો અત્યારમાં...
વામનીયો : બસ અહીંથી પસાર થતો હતો તો વિચાર્યુ તમને મળતો જાવ અને પવાલું પાણી પીતો જાવ...
લતાફોઈ : હા.. બેસ, હું પાણી લઈને આવુ છું... ( વામનીયો અને હરીયો પડશાળમાં બેસે છે ) અને લતાબેન પાણી આપતા... બા કેમ છે?
વામનીયો : બસ મજામાં... તમને બહુ યાદ કરે છે... અને તમને તો ખબર જ છે તમારા પડોશીની દિકરી લીલાનાં લગ્ન અમારા ખાસ મિત્ર ચંપક સાથે લેવાયા છે...
લતાફોઈ : હા... તો શું તપાસ કરવા આવ્યો છે?
વામનીયો :ના... ફોઈ, એવું નથી... પણ ખાસ કામ છે તમારું, વાત એમ છે કે મારા મિત્ર ચંપકે એવી ટેક લીધી છે કે લીલા સાથે વાત કર્યા વગર ફેરા નહી ફરે... એટલે તમારી મદદ જોઈતી હતી. ચંપક અને લીલાનો મેળ કરાવી આપવામાં.
(પાછલા ઓરડામાં લીલા વામનીયાની વાત સાંભળતી જ હોય છે..)
લતાફોઈ : એય વામનીયા.. જો કંઈ ઊંધુચતું તારી બાની જેમ કર્યુ છે તો તારા હાડકા ભાંગી નાંખીશ...
વામનીયો : ફોઈ વાત એમ નથી... મિત્રની જીંદગીનો સવાલ છે... એટલે તમને મળવા આવ્યો ... મદદ કરો ને...
લતાફોઈ : ના... મારાથી નહીં બને ... હું આ બાબત માં કોઈ મદદ નહીં કરુ ...
વામનીયાનું મોઢું પડી જાય છે અને લીલા આગલી પડશાળમાં પ્રવેશે છે...
લીલા : બોલ લલ્લુ... હું ક્યારની તારી વાતો પાછળ સાંભળતી હતી...
આ બાજુ હરીયો તો જોતો રહી જ જાય છે અને મનમાં ચંપક કાગડો તો ખરેખર દહીંથરુ લઈ ગયો... અને દંગ રહી જાય છે....
વામનીયો : આજે લલ્લુ નહી પણ વામનીયો બની ને આવ્યો છું તમારી સાથે વાત કરવા...
લીલા : હા ... તો બોલ શું વાત કરવી છે તારે...
વામનીયો : તમારી સાથે જેમનું સગપણ થયું છે એ મારા ખાસ મિત્ર છે... અને તમને લગ્ન પહેલા એક્વાર મળવા માંગે છે.. બસ આટલી જ વાત.
લીલા : તો પછી એમને કહી દેજો કે એમના બાપુજી આવી મારા બાપુજી સાથે વાત કરે અને મુલાકાત ગોઠવેતો મને કોઈ વાંધો નથી...
વામનીયો : એ જ તો વાંધો છે... મારા મિત્રએ એમના બાપુજીને વાત કરી પણ એમનો સ્વભાવ કડક છે એટલે એમણે આ વાત ના સ્વિકારી અને એમનો ફેસલો જ સંભળાવી દીધો... હવે તમે કંઈ કરો તો વાત બને .. અમને તમારા બંન્ને લગ્નની બોવ ચિંતા થાય છે...
લીલા : શેની ચિંતા...
વામનીયો : મારા મિત્રએ લીધેલી ટેકની....
લીલા : તો પછી મારો જવાબ સંભળાવી દે જે એમને કે ક્યાં તો એમના બાપુજી આવીને મારા બાપુજીને આ બાબતમાં વાત કરે... ક્યાં તો હિમ્મત બતાવી મને સામે આવી મળે... હું પણ ફેરા ફરતા પહેલા એમના આગમનની રાહ જોઇશ... અને લીલા ત્યાંથી એના ઘરે જાય છે...
લતાફોઈ : વામનીયા, આ બધું શું માંડ્યુ છે... આવું ગાંડપણ થોડું થાય ... તમે લોકો લગ્નને શું મજાક સમજો છો?
વામનીયો : ના ફોઈ... લગ્નને મારો મિત્ર મજાક નથી બનાવવા માંગતો એ તો એના બાપુજીએ નક્કી કર્યુ છે એજ છોકરી સાથે પરણવા તૈયાર થઈ ગયો છે પણ એ છોકરીને સમજવા માંગે છે.. એને જાણવા માંગે છે એટલો તો હક્ક ખરોને એનો... પણ એમનાં બાપુજી ટસ ના મસ નથી થતા...
લતાફોઈ : તો કપરુ છે... લીલાને ત્યાં પણ તેમના બાપુજી સિધ્ધાંતવાદી તો ખરા જ... પણ ભાઈ મારા તુ મને તમારા લોકો ની વચ્ચે ના ફસાવતો...
વામનીયો : ના ફોઈ, તમારુ નામ પણ ના આવે... સીધી રીતે વાત પતી જતે તો વાત રહી જતે... પણ હવે તો આ બંન્નેની મુલાકાત માટે અમારે ઘીમાં આંગળી નાંખી ટેઢી કરવી તો રહી જ...
ચાલો ફોઈ અમે જઈએ. (વામનીયો હરીયા ને ટપલી મારે છે અને રસ્તો દેખાડે છે.)
લતાફોઈ : હા... વામનીયા તુ નીકળ મારે પણ બોવ કામ છે ... અને ભાઈસાબ,આવા કામ લઈ ને તુ મારા ઘરે ના આવતો ...
વામનીયો : ભલે રામ રામ ફોઈ...
અને વામનીયો ને હરીયો લતાફોઈ ને ત્યાંથી નીકળી સીધો પહોંચે છે ચંપકની દુકાને.
