ચંપક છત્રી અંક-૨, પ્રકરણ-૧
ચંપક છત્રી અંક-૨, પ્રકરણ-૧
મારી શેરીમાંથી મેટ્રીક સુધી પહોંચનાર હું પહેલો એટ્લે બધાની નજરમાં હું પહેલો તો ખરો જ... મારી શેરીના લોકો મને પ્રેમથી ચીડવતા પણ ખરા... પણ હું ખોટુ ન્હોતો લગાડતો, ક્યારેક મને પણ હેરાન થવુ ગમતુ...
પણ અહીં મારા ઘરમાં તો સૂર બદલાયેલા લાગ્યા, બાપુજી પણ દુકાનની બધી જ જવાબદારી સોંપી આમતેમ નીકળી જતાં, મારે આગળ ભણવુ હતુ પણ ક્યાંક મારા બાપુ મને વેતરવામાં લાગ્યા હોય એવુ લાગ્યા કરતુ ત્યાં અચાનક એક દિવસ....
ગમનલાલ : ચંપક, તારા લગ્ન ગોઠવી દીધા છે, હવે તુ ભણીગણીને પરવારી ગયો તો સંસારમાં ગોઠવાઇ જવુ યોગ્ય છે.
ચંપક : પણ બાપુજી મારે હજી અગાળી ભણવુ છે.
ગમનલાલ : એમ લવારા બંધ કર હવે, આપણી શેરીમાં સૌથી વધુ ભણેલો તુ છે, આટલુ જ બસ છે. ભણીગણીને આગળ શું કરવાનો દુકાનમાં ધંધે જ બેસવાનો ને તો અત્યારથી જ બેસી જા...
ચંપક : બા, તુ તો બાપુજીને સમજાવ ને..
જમનાબેન : જો ચંપક... ઘર સારુ છે, છોકરી સારી છે, અને તારા બાપુજી નક્કી કરી પણ આવ્યા છે, તારુ ગોઠવી દીધુ છે. અને આગળ ભણવું જ હોય તો પરણ્યા પછી પણ ભણાય જ ને...
ચંપક : ( મનમાં હવે મારી દાળ ગળવાની જ નથી..) પણ બા, મારે કોની સાથે પરણવાનું છે એની તો ખબર તો હોવી જ જોઈએ ને...
જમનાબેન : હા, કેમ નહીં તને તારા બાપુજી વિગતથી કહેશે જ એટલે તો તને બોલવ્યો છે.
ગમનલાલ : જો ચંપક તારા લગ્ન નક્કી કરી લીધા છે, કચરાલાલની છોકરી લીલા સાથે અને રુપીયો, સોપારીની આપ લે પણ થઈ ગઈ છે. બસ હવે ગોર મહારાજ મૂહર્ત આપે એટલે લગ્નની તારીખ ગોઠવાઈ જાય. બસ...
ચંપક : ( લીલાનું નામ સાંભળીને તો ચહેરા પર રોનક આવી ગઈ અને પાછી અદ્ર્શ્ય પણ થઈ ગઈ... સાલુ એને ક્યાંય જોઈ તો નથી... બસ અલપ ઝલપમાં ઘર સુધી એ દિવસે છોડી ગઈતી એટલુ જ...)
બા... તમે છોકરીને જોઈ!
જમનાબેન : ના, તારા બાપુ જ કચરાલાલને ત્યાં જઈ આવ્યા ને બધુ ગોઠવી આવ્યા...
ચંપક : બા, મારે તારી સાથે ખાનગીમાં વાત કરવી છે.
ગમનલાલ : તારે જે વાત કરવી હોય એ મારી સામે કર, કોઈ ચક્કર તો નથી ચલાવ્યુ ને
ચંપક : ના બાપુજી.... એવુ તો કંઈ નથી... પણ છોકરીને મે જોઈ નથી જાણતો નથી તો.. ( અધવચ્ચેથી વાત કાપી..)
ગમનલાલ : તારી બાને પણ ક્યાં મે જોઈ હતી, મારા બાપુજી એટલે તારા દાદાએ ગોઠવ્યુ ત્યાં પરણી જ ગયો હતો ને...
ચંપક : પણ બાપુજી એ વખતનો જમાનો અને અત્યારનાં જમાનામાં ફરક તો ખરો ને....
ગમનલાલ : બસ આજનાં છોકરાઓ શિષ્ટતા જ ભુલી ગયા છે... અનાડી જેવા
ચંપક : ( મનમાં બહેશ કરવામાં કોઈ ફાયદો જણાતો લાગતો નથી.... મારા બાપુએ મને પૂરો જ વેતરી નાંખ્યો છે કચરાશેઠને ત્યાં... સાલુ એ દિવસ જ ખરાબ હતો મારે માટે ) ... હોઠ પર થોડો બબડાટ થાય છે...
ગમનલાલ : એમ મનમાં શું બબડે છે. જે હોય તે હોઠ ફાડીને વાત કર... મેં સરીતા અને જમાઈને પણ સંદેશો મોકલી દીધો છે... તારથી, હવે કોઈ વાત ફેર થાય એમ નથી...
અને ગમનલાલ બહાર જવા નીકળી જાય છે...
ચંપક : બા, તુ તો એક વખત છોકરીને જોઈ આવ એ દેખાય છે કેવી..
જમનાબેન : હવે તો મારાથી શક્ય નથી... તારા બાપુજીની વાત ઠેકવાનો...
ચંપક : તો બા હું પણ છોકરીને જોયા વગર પરણવાનો જ નથી, એક વખત મળીને વાત કરીશ પછી જ હું પરણીશ બાકી તો સાધુ બનીને ભાગી જઈશ...
જમનાબેન : જોજે એવુ પગલુ ના ભરતો... હું સમજાવીશ તારા બાપુજીને ... આવે એટલે... હવે આ બેની લડાઇમાં વચ્ચે હુ ફસાણી...
ચંપક : બા, બાપુજી માને કે ની માને પણ હું તો છોકરીને જોઈ અને જાણીને પછી જ લગ્ન કરીશ...
અહીં ગમનલાલ ગોર મહારાજને ત્યાં પહોંચે છે...
ગોર મહારાજ : આવો આવો... ગમનલાલ, કુંડળી તો સરસ મળતી આવે છે... આહાહાહા... ગુણ અને નક્ષત્રો પણ મળતા આવે છે... ઉત્તમ... અતિઉત્તમ...
ગમનલાલ : ચાલો બહુ જ સરસ, આ એક શંકા હતી એ પણ ટળી ગઈ...
ગોર મહારાજ : બધી જ શંકાઓનું નિવારણ તો આપણી પાંસે હોય જ છે...
ગમનલાલ : એટલે... ચિંતા કરવા જેવુ છે ખરું...
ગોર મહારાજ : ના... ના... ગમનલાલ, ફીકર ચિંતા જેવુ કંઈ જ નથી... આ જુવો તમારે માટે લગ્નનાં ત્રણ મૂહર્ત પણ જોઈ રાખ્યા છે. અતિઉત્તમ મૂહર્ત તો ઉતરાણનાં બે દિવસ પછીનું શ્રેષ્ઠ છે...
ગમનલાલ : વાહ... આ તો સોના કરતા પીળુ... મારે કચરાલાલની સાથે વાત કરી લેવી જોઈએ...
અને દક્ષિણા આપી ગમનલાલ વિદાય લે છે... અને પહોંચે છે સીધા કચરાલાલને ત્યાં...
કચરાલાલ : આવો આવો ગમનલાલ... પધારો... બેસો...
ગમનલાલ : જી શ્રેષ્ઠી... બસ આ તો અમારા ગોર મહારાજને ત્યાં ગયો હતો અને એમણે લગ્નનાં શ્રેષ્ઠ મૂહર્ત કાઢી આપ્યા છે. તો તમને જાણ કરતો જાવ...
કચરાલાલ : વાહ, અતિઉત્તમ...( અને બૂમ પાડે છે..) લીલા બેટા... બે પવાલા પાણી લઈ આવ ... અને તારી બાને આગળ મોકલ...
લીલા પાણીનું પવાલુ ગમનલાલને આપે છે અને પગે લાગે છે...
ગમનલાલ : ( લીલાનાં માથે હાથ મૂકી આશિર્વાદ આપે છે.. ) ખુશ રહો...
કચરાલાલ : આપણા શ્રેષ્ઠી... લગ્નનાં મૂહર્ત એમનાં ગોર મહારાજ પાંસે જોવડાવી આવ્યા છે...
જશોદાબેન : વાહ.. ઉત્તમ, ક્યારનાં છે?
ગમનલાલ : ઊતરાણનાં બે દિવસ પછીનું મૂહર્ત શ્રેષ્ઠ છે ... પછી તમારી અનૂકુળતા પ્રમાણે...
કચરાલાલ અને જશોદાબેન ( એક સાથે..) : અમારે બધી જ અનૂકુળતા, બસ તમને અનૂકુળતા હોવી જોઇએ...
ગમનલાલ : મને તો અનૂકુળ તારીખ જ છે....
કચરાલાલ : તો કરો તૈયારી...
જશોદાબેન રસોડામાંથી મિઠાઈ લાવી બધાનું મોઢું મિઠ્ઠુ કરાવે છે...
