ચકીબેન
ચકીબેન


- - - - - - - -
હું બહુ નાની હતી ત્યારે મારી મમ્મી ઈશ્ર્વરને પ્યારી થઈ ગઈ હતી. ખેર! પપ્પાએ મને ક્યારેય મમ્મીની ખોટ ન અનુભવાય એટલો પ્રેમ આપ્યો હતો. ખૂબ જ લાડકોડથી મને મોટી કરી હતી. નાની હતી ત્યારે આખો દિવસ ચકલીની જેમ ઉડાઉડ કર્યા કરતી અને બોલબોલ કર્યા કરતી. ઘણીવાર પપ્પા મને પકડીને કહેતા "તારૂં નામ પ્રતિમા નહીં પણ ચકલી પાડવાનું હતું. આખો દિવસ ચીં ચીં કર્યા જ કરે છે." રોજ સવારે મને ઉઠાડતાં કહેતા "એય, ચકલી ઉઠી જા. તારી બેનપણીઓને મળવા અગાસીમાં જવું છે ને?" અમે રમકડાંનો ખાટલો અને પાટલો લઈ ઉપર જતાં અને ચકલીઓને બોલાવતાં ગાતાં
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં
બેસવાને પાટલો, સૂવાને ખાટલો આપીશ તમને.
પછી તો શાળાનું ભણતર પૂર્ણ કરી હું કોલેજમાં પણ આવી ગઈ. ભણતા ભણતા કોલેજના છેલ્લા વર્ષમાં પપ્પાનો હાથ હળવેકથી છોડી ક્યારે મારો હાથ શિલ્પના હાથમાં જતો રહ્યો તેની મને ખબર જ ન પડી. અમારા પ્રેમ પર પપ્પાએ રાજીખુશીથી મંજૂરીની મહોર મારી દીધી. પપ્પાને એકલા છોડીને જવાનું દુઃખ હતું પણ પપ્પા તો એકદમ તૈયાર હતા. આંખમાં આંસુનું એક પણ બુંદ લાવ્યા વિના તેમણે મને વિદાય આપી.
સાસરે આવ્યા પછી શિલ્પના પરિવારમાં હું ઓતપ્રોત થઈ ગઈ. શિલ્પ ખૂબ જ પ્રેમાળ છે. સાસુ, સસરા, દિયર, નણંદ અને શિલ્પને સાચવતા હું મારૂં ખુદનું અસ્તિત્વ જ ભૂલી ગઈ. પપ્પા સાથે ફોનથી વાત થતી પણ મળવાનું થતું નહીં. વાલકેશ્ચર અને વિરાર જાણે ધરતીના બે છેડા બની ગયા હતાં. તે દિવસે ધરના બધા જ એક સંબંધીના મૃત્યુ નિમિત્તે સુરત જવાનાં હતાં. મને વિરાર જવાની તક મળી ગઈ. ચાર મહિના પછી અચાનક જ ઘરે પહોંચી પપ્પાને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. વહેલી સવારે જ હું ઘરે પહોંચી ગઈ. બારણું અમસ્તુ જ બંધ હતું. પપ્પા ક્યાં ગયા હશે તેની ચિંતા કરૂં તે પહેલાં તો અગાસીમાંથી અવાજ સંભળાયો - -
ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં....
હું શ્ચાસભેર ઉપર ગઈ. પપ્પા રડતાં રડતાં ગાઈ રહ્યા હતા અને એ રમકડાંના ખાટલા અને પાટલાને ભીંજવી રહ્યા હતા.
હું દોડીને પપ્પા પાસે પહોંચી ગઈ. પપ્પાના ખોળામાં માથું મૂકીને રડી પડી. ચકીબેનને જાણે સાચો ખાટલો અને પાટલો મળી ગયો. પપ્પા મારા માથા પર હાથ ફેરવતા જ રહયા.