છૂટાછેડા
છૂટાછેડા


નેહા અને આકાશ ના લગ્નને ચાર વરસ થયા હતા. આકાશ સ્વભાવે થોડો નિષ્ઠુર. નેહાને આ વાતની ખબર લગ્ન ના બીજા દિવસથી થઇ ગઈ હતી પણ ધામધૂમથી થયેલા આ લગ્ન એક દિવસમાં તો તોડી ના શકાય. દિવસે દિવસે આકાશ સાથે રહેવું અઘરું થઇ રહ્યું હતું. વાતવાતમાં ઉતારી પાડવી અપમાનિત કર્યા કરવી. ખાસ કરીને પિયરયાંને ગાળો આપવી. પત્ની તરીકેનો દરજ્જો ના આપવો અને પોતાના ભાઈ બહેનને બધે પહેલા કરવા.
નેહા દિવસે દિવસે મુરઝાતી જતી હતી. સુંદર ,દેખાવડી નેહાનો વાન પીળો પડતો જતો હતો. ક્યારેક તો નેહા ને થતું કે આ વીંટી આકાશે એને પહેરાવી છે તે એના મોઢા પર ફેંકીને ચાલી નીકળે પણ એનાથી કશું થતું નહીં. દિવસના અપમાન સહેતી નેહાને રાતે આકાશ પીંખી નાખતો. શરીરના દરેક ભાગમાં દુખાવો થઇ જાય એ રીતે એની સાથે શરીર સબંધ બાંધતો. પોતાની મર્દાનગી બતાવતો.નેહા સવાર સુધી કણસ્યા કરતી.
ભાગી છૂટવાની તૈયારી કરતી નેહાનો સાથ ઈશ્વર પણ નહોતો આપતો. નેહા આવા સંજોગોમાં પણ ગર્ભવતી થઇ ગઈ. હવે તો શું ભાગે? દુઃખો સહન કરતી નેહા એ નવ મહીના કાઢી નાખ્યા અને એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ઘરમાં કોઈએ ખુશી બતાવી નહીં. દીકરો જોઈતો હતો પણ દીકરી અવતરી. હવે તો આકાશે મારવા ઝૂડવાનું ચાલુ કર્યું.
એ દિવસે નેહા બાળકીને દૂધ પીવડાવતી હતી. અને આકાશ આવ્યો. "નેહા, જમવા આપ." લાગતું હતું કે શરાબ પીને આવ્યો હતો. નેહાએ કહ્યું," પિંકુ દૂધ પી લે એટલે આપું છું." આકાશને ગુસ્સો આવ્યો એને નાની પિંકુને મા ના ખોળામાંથી ખેંચી અને જમીન પાર પટકી. અત્યાર સુધી નેહાને માર પડતો હતો, હવે પિંકુ જે ફક્ત છ મહીનાની હતી એને પટકી. પિંકુ જોરથી રડવા લાગી. નેહાને ગુસ્સો આવ્યો. એના હાથની મુઠ્ઠી વળી ગઈ. પિંકુને ઊંચકી લીધી અને આકાશ તરફ ધસી ગઈ અને એના ગાલ પર એક તમાચો ચોડી દીધો. અને કહ્યું," ખબરદાર , મારી દીકરીને આંગળી પણ અડાડી છે તો. આ રહી તારી વીંટી અને આ ભૂસ્યું તારા નામનું સિંદૂર! હું આ ઘરના બે ભાગ કરવા નહોતી માગતી, પણ તમે પિંકુને મારીને મને મજબૂર કરી છે. મા બાપ જ્યારે છૂટા થાય છે ત્યારે ખાલી ઘરના બે ભાગ નથી થતા પણ બાળકના પણ બે ભાગ થાય છે જેથી હું તમારા જુલમ સહન કરતી હતી. પણ હવે મને લાગે છે કે તમારે મારી દીકરીને મારી નાખવી છે એટલે ભલે ઘરના બે ભાગ થાય, મારી બાળકીના બે ભાગ હું નહીં થવા દઉં. હું મારી બાળકીને છાતીએ વળગાડીને જિંદગી પૂરી કરીશ!!
નેહા ઘરમાંથી નીકળી ગઈ એક નવા ભાવીની શોધમાં!!