Kalpesh Patel

Fantasy Inspirational

5.0  

Kalpesh Patel

Fantasy Inspirational

ચહેરો

ચહેરો

4 mins
2.5K


ચહેરાની સુહાની સફર, ચાલો આપણે આજે એક યુવાન છોકરીની વાત કરીએ. આ સુહાનીનો ચહેરો ખુબજ સુંદર છે. એટલો બધો સુંદર કે સુહાની શહેરની ગલીઓ કે રસ્તા ઉપર ફરે ત્યારે યુવાન છોકરાઓ એની ઝલક કે ચહેરો જોવા બારીઓ ખોલી નાખે. પણ સુહાની ગરીબ છે. તે ભોજનલયમાં રસોઈ બનાવવાનું કામ કરે છે. એને કારણે એણે આખો દિવસ કોલસાની સગડી પાસે જ બેસી રોટલીઓ વણી અને શેકવી પડતી હતી. ચોવીસે કલાક ચાલતા આ ભોજનાલયમાં સુહાનીને દસથી બાર કલાક સળગતી સગડી પાસે સતત ગરમી અને ધૂણી વચ્ચે બેસવું પડતું હતું. આમ સમય જતાં સુહાનીને ફિકર પેઠી કે કદાચ સગડીની સતત ગરમીને કારણે તેના ચહેરાની ક્રાંતિ બગડી જશે. પણ, તે લાચાર હતી. શું કરે ? નોકરી તો છોડાય તેવી હતી નહીં, અને છોડે તો પોતે અને તેની વિધવા માતા શું ખાય ?

ખૂબ વિચાર્યા પછી સુહાનીને એવો વિચાર આવ્યો કે તેણે તેનો ચહેરો ઘરે પેટીમાં મૂકી નોકરી એ આવવું જોઈએ જેથી ચહેરો સચવાય અને નોકરી પણ થાય. પણ, સવાલ એ હતો કે એવી પેટી લાવવી ક્યાંથી ? વળી લોખંડની પેટીના તો પૈસા પણ વધારે થાય. સુહાની તો ગરીબ બાપા વગરની છોકરી. એની પાસે પેટી ખરીદવા જેટલા પૈસા તો ક્યાંથી હોય ? તો પણ, એણે નક્કી કર્યું: ગમે તેમ કરીને મારે મારો ચહેરો સાચવવો જ છે. એથી એણે એમના પાડોશીને વાત કરી. અહીં સુહાનીના સુંદર ચહેરાના રક્ષણનો સવાલ હતો એટલે પાડોશીને તેની ઉપર દયા આવી અને નાણાં ઉધાર આપવા તૈયાર થયો.

પછી સુહાની પૈસા લઈને શહેરમાં ગઈ. ત્યાંથી એણે સુંદર મજાની એક પોતાના ચહેરાના માપની પેટી ખરીદી. ઘેર આવીને એણે એ પેટીમાં પોતાનો ચહેરો મૂકી દીધો. આમ છતાંય સુહાનીની ચિન્તા ઘટી નહીં. કેમ કે, હવે એને બીજો ડર લાગવા માંડ્યો: કોઈ પેટી લઈ જશે તો ? પણ સુહાનીએ એનો ઉકેલ શોધી કાઢ્યો. એણે જ્યાં જાય ત્યાં પેલી પેટી સાથે લઈ જવાનું નક્કી કર્યું.

હવે સુહાનીને શાંતિ હતી. એનો સૌથી સુંદર ચહેરો હવે સલામત છે. પણ, બન્યું એવું કે હવે લોકો ધીમે ધીમે સુહાનીના સુંદર ચહેરાને પણ ભૂલવા લાગ્યા હતા. કેમ કે, હવે સુહાની બહાર નીકળતી તો વગર ચહેરે, તેનો ચહેરો પેટીમાં હોવાથી કોઈ એ ચહેરો જોઈ શકતું નહીં. સમય જતાં લોકો જ નહીં, હવે તો ખુદ સુહાની પણ પોતાના સુંદર ચહેરાને હવે ભૂલી ગઈ હતી, અને ફક્ત પેટી યાદ રહી હતી.

થોડાક વરસ પછી એક દિવસે પાડોશીએ એની પાસે પૈસાની ઉઘરાણી કરી. પણ સુહાની તો ગરીબ હતી, માંડ માંડ તેનું પૂરું કરતી હતી. એની પાસે બચત તો ક્યાંથી હોય ? એણે પાડોશીને કહ્યું કે તે કટકે કટકે પૈસા ચૂકવશે, પાડોશી એકનો બે ન થયો. એણે કહ્યું: કાલે જ પૈસા જોઈએ. નહીં તો હું પોલીસમાં જઈ ફરિયાદ કરીશ.

પોલીસની ધમકી સાંભળ્યા પછી સુહાનીની ઊંઘ હરામ થઈ ગઈ. એણે વિચાર્યું કે જેલમાં જાઉં તો મારી આબરૂનું શું ? તો શું કરવું ? વિચાર્યા પછી એણે નક્કી કર્યું કે હવે આ પેટીનું કોઈ મોટું કામ નથી તો તેને જ પાછી આપી આવું.

એ તો બીજા દિવસે વહેલી સવારે યે પેલા પેટીના વેપારી પાસે અને કહ્યું: આ પેટીની મારે હવે જરૂર નથી પાછી લઈ લો અને મને મારા પૈસા પાછા આપી દો. વેપારી કહ્યું અમે વેચેલો માલ પાછો નથી લેતા ! સુહાનીએ ખૂબ આજીજી કરી પણ પેલા વેપારીએ એની વાત ન માની.

આખરે સુહાનીતો નિરાશ થઈને ઘેર પાછી આવી અને જુએ છે તો તેના ઘેર પોલીસ ઊભી હતી. પોલીસે એને કહ્યું: કાલે અદાલતમાં હાજર થજો. તે તારા પાડોશીને પૈસા પાછા આપ્યા નથી. સુહાની પાછી તે રાતે શહેરમાં ગઈ. પણ, આ વખતે પેટીવાળા પાસે જવાને બદલે એ એક શાહુકાર પાસે ગઈ. એ શાહુકાર વસ્તુઓ ગિરવે લેવાનું કામ કરતો. સુહાનીએ એને કહ્યું: મારે મારો ચહેરો ગિરવે મૂકવો છે. એ પણ પેટીની સાથે. કેટલા પૈસા આપશો ? શાહુકારે ખાતું પાડી અને સુહાનીને કેટલાક પૈસા આપ્યા અને તાકીદ કરી, કે તેને છ મહિનામાં ચહેરો અને પેટી પૈસા અને વ્યાજ ચૂકવી છોડાવી લેવી પડશે. નહીં છોડાવે તો બન્નેને જપ્ત કરવામાં આવશે. શાહુકારે પેટીની તો કોઈ કિમંત આંકી ના હતી, હા તેણે સુહાનીના સુંદર ચહેરાની કિમત ગણી તેનું દેવું ચૂકતે કરવા જેટલા પૈસા ગણી આપ્યા, પરંતુ શહુકારની શરત આકરી હતી. સુહાની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ ગમે તેમ કરીને જેલ વાસ ટાળવા માંગતી હોવાથી એણે તેનો ચહેરો અને પેટી ગિરવે મૂકીને પૈસા લીધા અને ઘેર આવીને પાડોશીને આપી દીધા.

છ મહિના પછી પેલો શાહુકાર ઉઘરાણીએ આવ્યો. પણ સુહાની પાસે પૈસા તો હતા નહીં. એટલે શાહુકાર પોલીસમાં ગયો; પોલીસ સુહાનીને અદાલતમાં લઈ ગઈ અને અદાલતે તેને જેલમાં મોકલી. જેલમાં ચહેરા વગરની સુહાની બધાંને પોતાના સુંદર ચહેરાની વાત કરતી તો બધા એની મશ્કરી કરતા.

એમને એમ બીજા છ મહિના થઈ ગયા. પેલા શાહુકારે સુહાનીની ખૂબ રાહ જોઈ. શાહુકારે બીજા છ મહિના પૂરા થતાં જ પેટી અને સુહાનીનો ચહેરો પંચની હાજરીમાં જપ્ત કર્યાં. એણે પેટી ખોલી સુહાનીનો સુંદર ચહેરો બહાર કાઢ્યો અને તેની પત્નીને આપ્યો. કહ્યું: માટીના ઘડાને બદલે હવેથી આ ચહેરાને શીકું બનાવી કુવેથી પાણી ખેંચજે, વટ પડશે ! શાહુકારના ઘરના કામવાળા સુહાનીના સુંદર ચહેરાને શીકું ગણી એનો ઉપયોગ કરવા લાગ્યા. કામવાળાઓને એના સુંદર ચહેરાને કિનારીએ દોરડું બાંધી કૂવામાં ઘા કરી પાણી ખેંચવાની મજા આવતી હતી.

આ બાજુ સુહાનીને ખબર જ ન હતી કે પેલા શાહુકારે એના ચહેરાને અને એની પેટીને જપ્ત કર્યાં છે. તેને તેના ચહેરાની શું હાલત થઈ છે ? એને તો આજેય પોતાના ચહેરાની સુંદરતાનું ગુમાન હતું, તેથી તે તો બસ, જેલમાં બધાંને પોતાના સૌથી સુંદર ચહેરાની વાત કરે રાખતી હતી.

 વિચાર વિસ્તાર :-આજના સમયમાં કેટલા લોકો પાસે એકજ ચહેરો હશે ? અહીઁ સવાર બપોર અને રાત કલાકે ક્લાકે માનવીના ચહેરા બદલાતા હોય ત્યાં સુહાનીની વ્યથા અને કહેવાતા શાહુકારોની વચ્ચેની સ્થિતિમાં માનવીની જુબાન અને ગુમાનનો કોઈ અર્થ નથી રહેતો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy