Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

ચેંજિંગ રૂમ

ચેંજિંગ રૂમ

5 mins
441


દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે અને ઓછામા પૂરું કોરોના ના દિવસો, એમ સમજો ને કે પૂરા થઈ ગયા છે.. એટલે લોકો પણ કીડિયારાની જેમ બજારમાં ઉભરાવા લાગ્યા છે, અને જોઈ ને આનંદ પણ થાય છે કે, ચાલો.. જિંદગી પાટે ચડી છે. હું પણ એ કીડિયારા ના ભાગ રૂપે, રવિવાર હતો એટલે સપરિવાર ખરીદી અર્થે બહાર નીકળ્યો હતો. મારે તો આમ કઈં ખાસ કરવાનું નહોતું એટલે "પતિ અને બળદ દોરે ત્યાં જાય", એ નવી કહેવત ને ન્યાય આપી ને સારથીની ભૂમિકામાં લાવ લશ્કર લઈ ને શહેર ના જાણીતા મોલમાં ગયો. દરેક ના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ જોઈ શકાતો હતો. આબાલ, વૃદ્ધ, યુવાનો, અધેડો (હું આમાથી ત્રીજી શ્રેણીમાં આવું છું), સૌ કોઈ કપડાં ની ખરીદી એવી રીતે કરી રહ્યા હતા કે જાણે અત્યાર સુધી આદિમાનવની અવસ્થામાં ફરી રહ્યા હોય અને આજે જો કપડાં નહીં લેવાય તો આખું વર્ષ ફરી પાછું આદિમાનવ ની અવસ્થામાં ફરવું પડશે.. .ખેર, બજારમાં રોનક હતી તે ઘણી જ સારી બાબત હતી.

આ લેખ નું શીર્ષક "ચેંજીંગ રૂમ" આપવા પાછળનું એક હાસ્યાસ્પદ કારણ મને આજે અજાણતા મળી ગયું. હું મારા પાછળના એક હાસ્ય લેખમાં પણ જણાવી ચૂક્યો છું કે જ્યાર થી આ કલમની મિત્રતા થઈ છે ત્યારથી મારા ડોળા આવું બધું જ શોધતા હોય છે.. પણ સારું છે કે તે શોધખોળને અંતે એક ચહેરા ઉપર હાસ્ય વેરવામાં સફળ થાઉં છું. મારા કુંવર માટે કપડાં લેવાના હતાં એટલે એક નામાંકિત બ્રાન્ડ ના કપડાં ના સ્ટોલ ઉપર ગયા. ત્યાંથી તેના માપ ના અમુક શર્ટ અને પેન્ટ લઈને ચેંજીંગ રૂમ આગળ આવી ને ઊભા રહ્યા. મારી માફક બીજા પણ પોતાના વારાની રાહ જોતા ઓશિયાળા મોઢે ઊભા હતા. પહેલો જે રૂમ હતો એનો દરવાજો ઉઘડયો અને તેમાં થી એક ગોરધન બહાર પડ્યો. રંગે ભગવાન શ્રી કૃષ્ણને પણ શરમાવે એવો અને તેમાં પાછું ઘાટા કથ્થઈ રંગનું શર્ટ અને બદામી રંગનું પેન્ટ પહેરી ને બહાર દર્શન આપ્યા. તે ભાઈ ના પત્ની બહાર ઊભા હતા.. ચશ્માંની પાછળ લીંબુ જેવડા ડોળા તગતગાવીને પોતાના ડોકાને મહામહેનતે હકારમાં હલાવીને પોતાના ગમાની પુષ્ટિ આપી.. અને અંગુઠો પણ ઊંચો કર્યો.. પેલો ગોરધન એક નવોઢાની માફક શરમાઈ ગયો.. તેના પાકા રંગના ગાલ રતુમડા થઈ ગયા. પેલો પાછો અંદર ગરી ગયો. હું આ બધો તાલ જોઈ રહ્યો હતો. હજી તો મારું નિરીક્ષણ પૂરું થાય તે પહેલાં બાજુ ના રૂમમાંથી એક આધેડ કહેવાય એવા ભાઈ એ બહાર ડોકું કાઢ્યું.. ."કરૂણા.. આ જો ને.. બરાબર છે ?" અને મારી બાજુમાં ઉભેલા એક અતિ ભયંકર લાગતા બેન, જેનો તેમના નામ "કરૂણા" સાથે કોઈ મેળ જ નહોતો બેસતો, તે થોડાક આગળ આવી ને કઠોર સ્વરમાં ઘુરક્યા "આ નથી સારું લાગતું તમને...હું ના પાડતી હતી છતાં પણ તમે ટ્રાય કરવા ગયા.. .આ નથી લેવાનું".. પેલા ભાઈ નરમ ઘેંશ જેવા થઈ ગયા. હવે તેમને લેવાની ઈચ્છા હશે પણ તેમની તાડકા સ્વરૂપ ભાર્યા, જેનું ભૂલથી પડેલું "કરૂણા" નામ હતું, તેના વટ હુકમ આગળ પેલા ભાઈનું કઈં ચાલ્યું નહીં.. મને અંદેરખાને દયા આવી ગઈ (પેલા ભાઈ ઉપર કે પોતાની ઉપર, એવા વાહિયાત સવાલો કરવા નહીં). મારા ચિરંજીવીનો વારો પણ આવી ગયો હતો એટલે તે પણ એક રૂમમાં ભરાઈ ગયો હતો. તેને સારું હતું કે બહાર નિર્ણાયક તરીકે હું ઊભો હતો. હજી હું માનસિક રીતે ઠરીઠામ થાઉં તે પહેલાં વળી પાછો એક રૂમનો દરવાજો ઊઘડ્યો. અહીંથી સીધો જ લગ્નની ચોરીમાં બેસવાનું હોય તેવા વસ્ત્રો પરિધાન કરી ને એક લજામણો યુવક બહાર આવ્યો. હળવે પગલે બહાર આવી ને પોતાના બન્ને હાથ ને વિરુદ્ધ દિશામાં ફેલાવી, પોતાના ડોકાં ને ૬:૦૫ વાગ્યા ની મુદ્રામાં ઢાળી ને ઊભો રહ્યો.. હું તો આ કૌતુક જોઈ રહ્યો. પરંતુ મારી આંખો ને હજી આવા ઘણા કૌતુક જોવાના બાકી હતાં. ત્યાં ઉભેલી એક યુવતી તો આ જોઈ ને જાણે કે ઓળધોળ થઈ ગઈ.. ચિત્ર વિચિત્ર ચિચિયારીઓ પાડી ને પહેલાં તો પોતાની ખુશી જાહેર કરી, પછી પોતાનો મોબાઇલ બહાર કાઢી ને પેલા વરણાગી યુવક ના ફોટા પાડવા લાગી.. બે મિનિટ માટે તો મને એમ થયું કે આ અહીં ફોટા પાડવા જ આવ્યા હશે.. જેવા ફોટા પડી જશે પછી ફરી પાછો પેલો ઝભ્ભો અને ચોરણો હેંગર ઉપર લટકાય જશે. દરેક ગોરધનો, બહાર આવી ને જેમ ફેશન શોમાં પુરુષ મોડલો જાત જાત ના કપડાં પહેરી ને નિર્ણાયકો ની સામે ચાલે તેવી રીતે પોતપોતાની ભાર્યા ઓ ને રીઝવવાની કોશિશ કરી રહ્યા હતા. અમારો ચિરંજીવ પણ બહાર આવી ચુક્યો હતો. જોકે તેણે તો આવો કોઈ ખેલ દેખાડવાની જરૂર નહોતી.. એટલે અમે ત્યાંથી બહાર નીકળ્યા.

મારા શ્રીમતીજી મારી રાહ જોઈ ને જ ઊભા હતા. તેમના હાથમાં ત્રણ - ચાર ડ્રેસ હતા, જે મને બતાવી ને "કયો લઉં આમાંથી ?". હું એકદમ સજાગ થઈ ગયો. આ એક ગુગલી દડો હતો, અને હું એ સમજવામાં થાપ ખાઈ ગયો (મારા માટે આ કઈં નવું નહોતું)...હું ઉવાચ "બધા સારા જ છે...જે વધારે સારો હોય તે લઈ લે". ગુગલી દડા ને રમવા કરતાં તેને છોડી દેવો સારો, એવું વિચારી ને હું ભોળા બળદ (મારી જાત ને ગરીબ ગાય કેવી રીતે કહેવી) ની જેમ શ્રીમતીજી ની આગળની પ્રક્રિયાની રાહ જોતો અદબ વાળી ને ઊભો રહી ગયો.. ."ના, એમ નહીં...હું ચેંજીંગ રૂમમાં ટ્રાય કરવા જાઉં છું, તો જલ્દી બોલ"...શ્રીમતીજી હારમાંને એવા નહોતા.. એટલે મેં પણ ધીર ગંભીર સ્વરૂપ ધારણ કરી ને તેમના હાથમાં રહેલા ૪ ડ્રેસમાંંથી એક ડ્રેસ ઉપર પસંદગી ઉતારી ને કહ્યું "આ ટ્રાય કરી જો".. હજી તો વાક્ય પૂરું થાય તે પહેલાં જ.. "આ ? અરે આ તો કેવો લાગશે ? મને ખબર જ હતી...તને તો પૂછવું જ નકામું છે" શ્રીમતીજી રીતસર ના તાડુક્યા. હવે નરમઘેંશ થવાનો વારો મારો હતો, પણ આજે મેં છત્રપતિ શિવજીની માફક રણશિંગુ ફૂંક્યું.. રીતસરનો મરણિયો થઈ ને "તને જે ગમે તે લઈ લે.. તારી બાબતમાં હું કોઈ જોખમ લેવા નથી માંગતો".. .ખલ્લાસ.. મારી બંદૂકમાંથી છૂટેલી કારતૂસ મને જ વાગી.. શ્રીમતીજી બધું પડતું મૂકી ને "તો કોની બાબતમાં જોખમ લેવા માંગે છે ? " સવાલ ગોળા ફેંકમાં ઉપયોગમાં લેવાતા લોખંડના ગોળાની માફક મારા ઉપર વીંઝાયો... બચવાનો તો કોઈ સવાલ જ નહોતો. હું રઘવાયો થઈ ગયો.. આ શું બફાટ થઈ ગયો મારાથી ? કોઈ પણ ગુનો કર્યા વગર હું ગુનેગારની સ્થિતિમાં મુકાઈ ગયો. જીભ થોથવાઈ ગઈ, ગળામાં ત્રોસ પડી ગયો...કેટલાય વખતથી પાણી ના પીધું હોય અને ગળું સૂકાઈ જાય તો અવાજ કેવો નીકળે, એવા ફાટેલા ઢોલ જેવો અવાજ નીકળ્યો "અરે, એમ નહીં..આ તો એમ કે.. .મારો કહેવાનો મતલબ એ કે.. .જોખમનો મતલબ કે હું કઈં કહું અને તને ના ગમે તો ? બીજું તો શું એમાં.. ". સાચું કહું તો હું પોતે પણ નહોતો સમજી શક્યો કે હું શું બોલ્યો છું.. .પણ ડૂબતો માણસ તણખલું પકડે તેમ મારા જ પોકળ શબ્દો ને સહારે મેં વાત ને વાળવાની કોશિશ કરી. શ્રીમતીજી ને મારા પોકળ જવાબથી સંતોષ નહોતો થયો...પણ તે પોતાની ખરીદીને ભોગે મારી સાથે વાર્તાલાપ કરવાના મૂડમાં નહોતા જ.. "ઘરે વાત કરીશું" નો ડોળાકીય સંદેશો આપી ને ચેંજીંગ રૂમમાં જતા રહ્યા.

ઘરે આવી ને શું થયું તે લખવાનો કોઈ મતલબ નથી..આ વખતે અમે ધુમાડા રૂપી ફટાકડા નહીં ફોડવા, તેવું નક્કી કર્યું છે, જેની શરૂઆત આજથી કરી.. કોઈ ને તે રીત સમજવી હોય તો તેની પ્રક્રિયા નિ:શુલ્ક સમજાવવામાં આવશે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy