Leena Vachhrajani

Drama Tragedy Inspirational

4  

Leena Vachhrajani

Drama Tragedy Inspirational

ચેમ્પિયન

ચેમ્પિયન

5 mins
24.3K


“તુ ઘંટી બિગ બેંગ દી, પૂરા લંડન ઠુમક દા..”

પૂરો પંજાબી માહોલ જામી ગયો હતો. 

હરપાલસિંગ અને કરતારસિંગના પરિવારમાં આનંદનો સાગર ઉછાળા મારી રહ્યો હતો. 

કેમ ન મારે?

બંને લંગોટિયા દોસ્તોના સબંધને આજે “વેવાઈ” નામની મહોર લાગી હતી. 

હરપાલના દિકરા તેજપાલની સગાઈ કરતારની દીકરી ગુરજ્યોતકૌર સાથે નક્કી થયાનું ફંક્શન ચાલતું હતું.

બંને પક્ષે હરખ હિલોળા લેતો હતો.

મોટા ટિક્કાની રસમ નિર્વિઘ્ને પતવાની તૈયારીમાં હતી. બસ, તેજપાલને ભાલે સાસુમા ચરનજીતકૌર ચાંદલો કરે એટલી જ વાર હતી.

કરતાર અને ચરનજીત હોંશેહોંશે હાથમાં વિધીવત સજાવેલી પૂજાની થાળી લઇને તેજપાલ તરફ ડગ ભરી રહ્યાંં હતાં.

અંદરના ખંડમાં ગુડિયા જેવી શણગારીને બેઠેલી નમણી છતાં ખડતલ ગુરજ્યોત મનમાં ને મનમાં સતરંગી સપનાઓ સજાવી રહી હતી. નાનપણથી સાથે ઉછરેલો અને બચપનની માસુમ દોસ્તી પછી હવે જેને માટે મીઠી લાગણી ઉછરતી જતી હતી તે પડોશમાં રહેતો ચંગો યુવાન તેજપાલ થોડા વખતમાં માથે સહેરો બાંધીને બાજુના ઘરમા કાયમ માટે લઈ જવા આવવાનો હતો. જે કોઠીમાં બચપનથી વગર રોકટોક પોતે રમવા જતી,લોહરીના તહેવારમાં બંને પરિવાર સાથે અગ્નિની પૂજા કરતી, તેજપાલ સાથે સંતાકૂકડી રમતી ગુરજ્યોત એ દહેલિજ પર શુકનવંતા થાપા મારીને પ્રવેશ કરવા આતુર હતી.

થોડો શોરબકોર થતાં સપનામાંથી જાગ્રત થઇને ગુરજ્યોતે આમતેમ નજર ફેરવી.

દ્રશ્ય સાવ ફેરવાઈ ગયું હતું. સામે એક ખુરશી પર તેજપાલ, બાજુમાં બીજી ખુરશી પર હરપાલઅંકલ બેઠા હતા અને સામે પોતાનાં બીજી-બાઉજી હાંફળાંફાંફળાં હાથ જોડીને એમની સાથે કંઈ વાતચીત કરી રહ્યાંં હતાં.

દોડીને ગુરજ્યોત નજીક ગઈ. ત્યારે હરપાલઅંકલ કહી રહ્યાં હતાં,

“ઓયે કરતારા, દેખ યારા આપણી દોસ્તી સરઆંખો પર. પણ શાદી-બ્યાહના મામલે હું રિવાજમાં પૂરું માનું છું. મોટા ટિક્કામાં એક લાખ રોકડા અને એક કિલો ચાંદી લઇશ. બ્યાહ વખતે પચ્ચીસ તોલા સોનું. બાકી તારી કુડીને તું સુખી રાખવા જે આપીશ તે લઈ લઇશ. દહેજ તો મને ગમતું જ નથી.”

કરતાર સાવ હક્કાબક્કા હતો. ખેતીની જમીનમાંથી જે ઉપજતું એમાંથી ઘર ખુશી ખુશી ચાલતું. સાદો સીધો પરિવાર અને એક જ દીકરીનો વ્યવહાર એટલે મનમાં બહુ મોટી તૈયારી ક્યારેય નહોતી કરી. 

એમાંય હરપાલના દિકરા સાથે વાત પાક્કી થઈ ત્યારે તો વધુ નિશ્ચિંતતા લાગી હતી. 

“સાડા યાર હૈ, ફેર કોઈ ગલ નહીં..”

પણ પરિસ્થિતિ પ્રતિકુળ કરવટ લઈ ગઈ.

પણ આજે એમ થતું હતું કે, ભૂલ કરી.

જેમ તેમ હાથ પૈર જોડીને મોટા ટિક્કાની રસમ તો નિભાવી. મહેમાનો વિદાય થયા. 

શાદી પર બાકીની બધી રકમ ભરપાઈ કરવાની ખાતરી લીધા પછી જ હરપાલે રસમ પૂરી કરી હતી.

દિવસો વિતતા ગયા. શાદીની તારીખ નજીક આવતી ગઈ. આમ તો બધું સામાન્ય જ રુટીન ચાલતું હતું પણ છેલ્લા બે-ચાર દિવસથી બાઉજી-બીજી બહુ ચિંતામાં હોય એવું લાગી રહ્યું હતું. 

એક રાત્રે જમવાના ટેબલ પર ગુરજ્યોતે બીજીનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું,

“બીજી, કિ ગલ હૈ? બહુ ફિકરમાં લાગો છો.”

બાઉજીએ ચહેરા પરના હાવભાવ પલટી નાખતાં દીકરીને માથે હાથ ફેરવીને કહ્યું,

“તુસી ફિકર ના કર. રબની દુઆથી બધું ઠીક થઈ જશે.”

ના બાઉજી, તુસી રબ દા વાસ્તા. દસો.. 

પણ ગુરજ્યોતના અતિશય આગ્રહની આગળ મા-બાપ લાચાર થઈ ગયાં.

“એક્ક ગલ સુણ, બધો મળીને શાદીમાં પંદર લાખનો વ્યવહાર કરવાનો છે એવો સમધિજીનો સંદેશો આવ્યો છે. ઉપરાંત તને આપીએ એ અલગ, બારાતીઓની સરભરા અલગ,આપણી સાઇડની પરિવારનો વ્યવહાર અલગ- કુલ મળીને પચાસ-સાંઇઠ લાખ તો રમતાં રમતાં થઈ જાય છે.પણ તુ ચિંતા ન કર. વાહે ગુરુ મદદ કરશે.”

ગુરજ્યોત એ રાતે પડખાં ફેરવતાં એક મક્કમ કટ્ટર નિર્ણય પર આવી પહોંચી.

સવારે હરપાલસિંગના ઘરમાં કંઇક અલગ ધમાલના અવાજ આવતાં પડોશીઓ ભેગાં થઈ ગયાં. કરતાર પણ સપત્નિ ત્યાં પહોંચી ગયો.

કોઠીમાં અંદર દાખલ થતાં એના પગ રોકાઈ ગયા. હરપાલ અને તેજપાલની સામે ગુરજ્યોત રણચંડી સમી ખડી હતી.

હરપાલને કહી રહી હતી,

“તુસી તો બાઉજી દે દોસ્ત હો, તેનુ સબ પતા હૈ. બાઉજીની પરિસ્થિતિ તમને ખબર છે. મારા બીજી-બાઉજી કેવી રીતે તમારી માંગ પૂરી કરશે?”

તેજપાલ સામે ધારદાર નજરે જોતાં ગુરજ્યોત બોલી,

“ઓયે તેજ,તુ તો આધૂનિક બંદા હૈ. તારા આવા હલકા વિચાર? 

મારા બાઉજીએ મને શિક્ષણ એટલે જ આપ્યું કે હું સારા-નરસા માણસનો ભેદ પારખી શકું.”

અને ગુરજ્યોતે હરપાલસિંગના પરિવાર સામે હાથ જોડીને ધમાકો કર્યો,

“આજથી હું તારી સાથે અને તારા પરિવાર સાથેનો સંબંધ ફોક કરું છું.”

અને કરતારસિંગ જાણેઅજાણે મનમાં દીકરીના વિચારવૈભવને બિરદાવી રહ્યાં.

ત્યાર બાદ સમય તો એની રફતારથી વહેતો જ રહ્યો.

ચાર વર્ષ વહી ગયાં.

ફરી આજ કરતારસિંગની કોઠીમાં નવવધૂ જેવો શણગાર થયો હતો. રોશનીમાં ઝગમગતી કરતારની કોઠી અને એવી જ ગર્વિલી રોશની કરતારસિંગ અને ચરનજીતકૌરના ચહેરા પર હતી. 

સતત ત્રીજા વર્ષે વિમેન બોક્સિંગમાં સ્ટેટ લેવલ પર ગોલ્ડમેડલ જીતીને પાછી ફરેલી વિરાંગના દીકરી ગુરજ્યોતકૌર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મબલખ સન્માન પામીને ઘેર પહોંચી રહી હતી. અને હવે પછી આંતરરાષ્ટ્રિય લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી હતી. 

પ્રતિક્ષાની પળ પૂરી થઈ અને ગુરજ્યોત બારણે આવીને ઊભી. બીજીએ ઓવારણાં લઇને બોક્સર દીકરીને ઘરમાં લીધી. કોઠીની બહાર કેટલીય ચેનલ, ન્યુઝપેપરના કેમેરા ફ્લેશ થતા રહ્યાં. 

સતત પરિવારના ઇન્ટર વ્યુ લેવાતા રહ્યાં. 

ફોનની ઘંટડી સતત રણકતી હતી. 

કરતારસિંગ નમ આંખે ગર્વથી છલકતા હતા. 

“બેટા, તુસી સાડા નામ રોશન કર દિતાં.”

બધો હલ્લો પૂરો થતાં ગુરજ્યોતે પોતાના રુમમાં પહોંચીને રુમ બંધ કર્યો. કબાટમાં એક ગોલ્ડમેડલનો વધારો થયો હતો. 

અને ખુન્નસમાં પણ..

ગુરુજ્યોતે જિંદગીની બોક્સિંગ બેગ પર લખાયેલા એક નામ પર મજબૂત ગ્લોવ્ઝ પહેરીને પંચ ઉપર પંચ માર્યા કર્યા. અને પોતાને ભૌતિક વસ્તુઓ સાથે એક ત્રાજવામાં તોળનાર તેજપાલના પરિવારને હાર આપવાના સંતોષ સાથે થાકીને ચૂર થઈ ગયેલી ગુરજ્યોત વર્ષો બાદ લીધેલા નિરાંતના શ્વાસ સાથે પોઢી ગઈ.

ફરી થોડાં વર્ષો પહેલાંનું દ્રશ્ય પુનરાવર્તિત થતું હતું. 

આંખમાં જ્વાળા ભરીને આગલે દિવસે ગુરજ્યોત ફરી તેજપાલના ઘરની ડોરબેલ મારી રહી હતી. 

ઘર ખુલતાં સામે ઉભેલા હરપાલસિંગને ઝુકીને કહ્યું,

“પેરી પોના ચાચાજી.”

હરપાલ સ્તબ્ધ હતો ત્યાં જ અંદર જઇને તેજપાલની સાથે હાથ મેળવીને ગુરજ્યોતે આગ ઝરતી નજરે કહ્યું,

“ઓયે તેજ, આ બધી સફળતા પાછળ તારો મોટો ફાળો રહેશે. તેં મારામાં લડવાનું ઝનૂન ભરી દીધું યારા. મારા જીવનનો રાહ બદલી નાખવામાં અને હવે મોટા લક્ષ્ય સુધી પહોંચવામાં તારો જે ભાગ રહેશે એ ક્યારેય નહીં ભૂલાય”

તેજપાલની આંખમાં એક પછી એક પ્રગટી રહેલા સવાલ વાંચીને ગરુજ્યોત એનો હાથ પકડીને પોતાના રુમમાં લઈ ગઈ. રુમમાં જ્યાં બોક્સિંગ બેગ હતી એની સામે એને ખડો કરીને ગુરજ્યોતે કહ્યું,

“દેખ, તેજ ઉથે દેખ..”

અને તેજપાલ બોક્સિંગ બેગ પર પોતાનું નામ મોટા અક્ષરે લખાયેલું વાંચીને સમજે, ભયભીત થાય ન થાય ત્યાં ગુરજ્યોતે બીજો ચાબખો માર્યો,

“દોસ્ત, બચપનની દોસ્તી મેં નિભાવી પણ તને ન આવડી. એવા દગાબાજ ઇન્સાનની મારી જિંદગીમાં અહીયાં જ જગ્યા છે.”

તેજપાલસિંગને ચેમ્પિયન દોસ્ત અને ઉત્તમ સંબંધ ખોવાનો અફસોસ થતો રહ્યો.

અને કરતારસિંગ દી કુડીએ બીજા દિવસથી ઘરમાં ફરી એ બોક્સિંગ બેગ પર બેવડા ઝનૂનથી પ્રેકટીસ કરવાનું ચાલુ કરી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Drama