ચૌદ વર્ષ
ચૌદ વર્ષ
"હું હમણાં જ પાછો આવું છું", કહીને લક્ષ્મણ ઝડપથી કોઈ વાતનો ફોડ પાડ્યા વગર જતાં રહે છે. ઊર્મિલાને મોઢે આવેલા શબ્દો, બંગડીથી અને વીંટીથી લદાયેલ હાથ ત્યાંને ત્યાં થીજી જાય છે. રામાયણની આ એક ક્ષણમાં આવતી ઊર્મિલા અને તેણીની આંખો જોઈને .....
ઊર્મિએ રિમોટ કંટ્રોલની સ્વિચ ઝડપથી દબાવીને ટીવી બંધ કર્યું. રીતસરની પોક મૂકી. તેની નજર સમક્ષ ખડો થઈ ગયો એક પડછંદ માનવદેહ, ઘાટીલું શરીર, મનની મક્કમતા, માંહ્યલી મર્દાનગી, ફૌજી જવાનના એ કપડાં. હજી તો ઊર્મિના હાથની મહેંદી પણ સુકાઈ નહોતી ત્યાં તો કેપ્ટન લખનસિંહને વાયરલેસ પરથી બોર્ડર પર તાત્કાલિક પહોંચવાનો સંદેશ આવ્યો. ઊર્મિએ મનભરીને એનો એ ચહેરો જોયો અને જાણે આંખો, હદય અને આયખામાં એ આકૃતિ કંડારી લીધી.જતાં જતાં એ જ શબ્દો "ઊર્મિ , હું હમણાં જ પાછો આવું છું...........
'ઊર્મિલાને ચૌદ વર્ષે તો લક્ષ્મણ પાછા ફર્યા હતાં. તમે ક્યારે આવશો ? કેટલો ઇન્તેજાર ?'મનોમન બબડતી ઊર્મિના આંસુઓથી કેપ્ટન લખનસિંહની આખીયે છબી નીતરી રહી હતી.