ચા સાથે પ્રેમ
ચા સાથે પ્રેમ


"એ ભૂત જલ્દી આવ મમ્મી એ તારા માટે ચા બનાવી છે, પાછો કહીશ કે ચા માટે કીધું પણ નહિ." મે ગુસ્સો કરતાં કહ્યું "આવું જ છું વાયડી, નાક પર ગુસ્સો રાખી ને જ બેઠી હોય, હમણાં જ ત્યાં પહોંચી જાય, તું ફોન મૂકીશ તો આવીશ ને હું ત્યાં."તેણે કહ્યું.
રોહન મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એકબીજા બાજુમાં રહીએ એટલે હમેશાં એકબીજા સાથે હોઈયે.
અત્યારે મમ્મી ચા બનાવે છે અને એ જનાબ ને બોલવા કીધું, કેમ કે એ મહાશય રહ્યા ચા ના પ્રેમી ! અને હું કોફી ની દિવાની ! આમ તો રોજે મારા મમ્મી, રોહન અને રોહન ના મમ્મી સાથે જ ચા પીવે પણ આજે રોહન ના મમ્મી બહાર ગઈા છે, તો આજે ચા કંપનીમાં ખાલી મારા મમ્મી ને રોહન જ છે.
"આવી ગયો, ક્યાં છે મહારાણી ક્યારની બૂમાબૂમ કરતી'તી. " રોહન એ મને ગોતતા કીધું.
હું રુમ મા થી બહાર આવી. અને બધા ચા પીવા બેઠા, મે મારો કોફી નો મગ ઉઠાવ્યો એટલે રોહન બોલ્યો " લ્યો કોફા વાળા આવી ગઈ"
મે ગુસ્સે થતા કહ્યું " ઉડાવી લીધી મજાક, આવી ગઈ મજા ? તો હવે તારી આ ચા પી. "
"લે, તું તો ગુસ્સે થઈ ગઈ પણ સાચું કે તને આ કડવી કોફી માં શું ભાવે?" રોહન બોલ્યો, ત્યાં જ મમ્મી પણ બાકી રહી જતા હોય એમ વચ્ચે બોલ્યા " હા જોને કોણ જાણે શું હોય કોફી માં પણ મોટા માણસો ની જેમ કૉફી જ પીતી હોય છે!"
"બસ, હો ચા કંપની મજાક ઉડવાય ગઈ તો હવે થોડુક કામ કરશું?" મે ચિડતા કીધું.
"લે શું કામ છે તારે? "રોહન એ પૂછ્યું
"અરે, કંઈ નહિ યાર જોને ક્યાર ની ટ્રાય
કરું છું, પણ આ લેપટોપ માં કંઈ થઈ ગયું છે, સ્ટાર્ટ જ નહિ થતું."
"લાવ , હું કંઇક કરી જોવું."
મે એને મારું લેપટોપ આપ્યું, અને એ એની માથાકૂટ માં પડી ગયો .અમારું આમ જ હતું એકબીજા ને હમેશાં હેલ્પ કરતા, એકબીજાની પ્રોબ્લેમ સોલ્વ કરતાં, અને વધારે તો મજાક મસ્તી કરતા.
આજ સુધી જ્યારે પણ જરૂર પડી હશે ત્યારે રોહન જનાબ હાજર જ હોય મદદ માટે અને હું પણ એની મદદ માટે.
મારી અને એની કૉલેજ અલગ હતી એટલે અલગ અલગ જગ્યા એ બને ને જવાનું થાય પણ તોયે પહેલા મને એ મારી કૉલેજ પર ડ્રોપ કરે અને પછી એ એની કૉલેજે જાય.આમ આખો દિવસ અમે સાથે જ હોઈએ.
"લે, વાયડી થઈ ગયું તારુ લેપટોપ ઠીક." એણે લેપટોપ મા જોતા કહ્યું.
"લેપટોપ ઠીક કર્યું તો હવે ચા તો પીવડાવી પડશે તારે."એણે કીધું
"હજુ તો હમણાં ચા પીધી આપણે, તને ચા કેમ આટલી બધી ગમે ?"મે એમ જ પૂછી લીધું.
"ક્યારેક આ તારી સત્ય જેવી કડવી કૉફી મૂકી ને ચા ની લાગણી જેવી મીઠાશ લય જો! એટલે તને ખબર પડશે કે ચા કેમ ગમે!!"એણે આજે જાણે આખી વાત ને કોઇ બીજા મર્મ માં જ કીધી.
"ચાલ આજ તો તારી ચા સાથે દોસ્તી કરી જ લવ."
" આજે તારી આ પેલી ચા મારા હાથ ની" એ ચા બનાવવા ગયો.
વાત તો એની સાચી જ હતી, લાગણીઓની મીઠાશ ક્યાંક પ્રસ્તાવ ના અભાવ માં છુપાય જતી.
હું અને રોહન બાળપણ થી સાથે છીએ, અને એકબીજા ને એકબીજા કરતા વધારે જાણીએ અને સમજીએ છીએ. મારા મન ની દરેક વાત એ મને કીધા વગર જ વાંચી લે, અને એની આંખો માં
આવતી બધી જ તકલીફો મને દેખાય જતી.અમે એકબીજા ના પર્યાય હતા એમ કહું તો પણ ચાલે.
"લે, તારી ચા !! મારા હાથ ની ચાખીશ તો સ્વર્ગ પણ ભૂલી જઈશ મારી વાયડી!" મને ચા નો કપ આપતા બોલ્યો.
" વાહ , ચા તો એકદમ મસ્ત છે ને ! મજા આવી ગઈ આજે." ચા ની ચૂસકી લેતા મે કહ્યું.
"તને ખબર છે, વાયડી મને ચા સાથે કેમ પ્રેમ છે?" આજે એની આંખો માં કંઇક અલગ જ ચમક છે.
"ના , તું જ કે ને કે ચા નું ઘેલું તને શું કામ લાગેલું છે."
"ચા નું ઘેલું મને એટલે લાગેલું છે કે મને દોસ્તો નું ઘેલું છે, કૉલેજ ના કેન્ટીન પર જે દોસ્તો સાથે ચા પીવા ની મજા આવે એવી તો મને બીજે ક્યાંય મજા ના આવે , અહીંયા મમ્મી, આંટી સાથે ચા પીવી એટલે સ્વર્ગ નો આનંદ. ચા એટલે મારી દોસ્તી, ચા એટલે મારા દોસ્તો નો કિંમતી સમય, ચા એટલે મમ્મી નો આશીર્વાદ..."
"એ બસ...તું તો ચા પર નિબંધ બોલવા લાગ્યો,
પણ એક વાત ખરી , મને તારી ચા ગમી!! મારી લાગણીઓ જેટલી જ મીઠી છે."
'તારી લાગણીઓ જેટલી તો ખરી પણ તારા જેવી જ મીઠી. ચાલ વાયડી હવે હું જાવ અને હા કાલે વે'લી તૈયાર થઈ જજે મારી માં, મારે રોજે તારા લીધે મોડું થઈ જાય."
"હા, હોને દર વખતે તારા લીધે જ મોડું થાય છે."
"સારુ, ચાલ સવારે મળ્યા."
બીજા દિવસે સવારે હું ચા પીતી પીતી વિચારતી રહી ગઈ, મને શું થઈ ગયું, હું આખી રાત સૂતી નથી છતાં આંખો માં ઉજાગરો નથી!!!કેમ ??
આખી રાત રોહન ના વિચારો માં જ કાઢી, એની ફિકર, એની જીદ, એનો ગુસ્સો, એનું મનાવવું, એની બધા થી અલગ વિચારધારા....અરે , અરે કેટલો જાણું છું એને છતાં જાણી ના શકી કે , એના હૃદય માં મારું સ્થાન છે કે નહિ?
હા , પ્રેમ થઈ ગયો ચા અને ચા નાં દિવાનાથી
"અરે, તું ચા પીવે છે? તબિયત તો ઠીક છે ને તારી!" મમ્મી એ મારા વિચારોમાંથી મને જગાડી..
"હા, તબિયત સારી જ છે મારી પણ હવે ચા ગમે છે, એટલે પીવું છું."
"ચા ગમી કે પછી ચા નો દિવાનો!!!" મમ્મી એ મજાક કરતા કહ્યું.
"શું મમ્મી તું પણ.." મે વાત ને ટાળી.
પણ મમ્મી ની વાત તો સાચી હતી, ચા ની સાથે ચા નો દિવાનો પણ ગમ્યો હતો, આજે મારા દિલ ની વાત એને કહી દવ? ના.ના એના દિલ ની વાત જાણ્યા વગર કેમ કહું?, એના મન માં એવું કઈ નહિ હોય તો?
મરીઝ નો શેર યાદ આવી ગયો.
""લેવા જો ગયો પ્રેમ તો વ્યવહાર પણ ગયો,
દર્શન ની ઝંખના હતી, અણસાર પણ ગયો.""
મરીઝ ના શેર મુજબ મારી દોસ્તી પણ જતી રહેશે તો? આવો સારો દોસ્ત નથી ગુમાવવો મારે!
અરે, આ પ્રેમ થઈ જાય પછી પ્રેમ ના એકરાર માટે કેટલા સવાલો અને જવાબ એક પણ નહિ!!!
"ઓ મહારાણી, હજુ અહીંયા જ બેઠા છો આવવું નથી તમારે, કયાર નો બૂમ પાડું છું નીચેથી, પણ સાંભળે કોણ?"એણે દાદર ચડતાં કહ્યું.
વિચારો માં એનો અવાજ પણ ના સંભળાયો, એ જેમ દાદર ચડતો એમ મારા ધબકારા આજે વધતા, આજે કઈ અલગ જ મન ની સ્થિતિ, અને હદય તો જાણે હમણાં જ બહાર આવી જશે એવું લાગે છે. આજે મને એ રોહન લાગતો જ નથી, જેને વર્ષો થી ઓળખું છું, કોઈ અલગ જ રોહન લાગે છે.
કેમ કહું મારા મન ની વાત??
હું વિચારતી ઊભી રહી ગઈ, અને એ નજીક આવી ગયો અને હું આંખ બંધ કરી ને એક જ શ્વાસ મા બોલી ગઈ કે,
"શું તારા દિલ માં ચા સાથે મારી થોડીક જગ્યા થશે?"
મારી આંખો હજુ બંધ જ હતી, અને કોઈ આવાજ પણ સંભળાયો નહિ.
હાથ ને જાણે કોઈ પ્રેમ થી પકડ્યા હોય એવું લાગ્યું એટલે મેં આંખો ખોલી, તો એ મારા હાથ પકડી ને ઘૂંટણ પર બેઠો તો, મારી આંખ માં જોતા કહ્યું
"આખા દિલ માં તું જ છો , મારી વાયડી!!
અને મારી ચા પણ તું જ છે."
આજે ચા ની લાગણીસભર મીઠાશ અમને એક કરી ગઈ.