બ્યૂટી એન્ડ બિસ્ટ
બ્યૂટી એન્ડ બિસ્ટ
રીટા અને શ્યામ બન્નેના એરેન્જ મેરેજ થયેલાં. રીટા ખૂબ રૂપાળી અને શ્યામના નામ પ્રમાણે એ શ્યામ હતો. લગ્નમાં પણ લોકો અંદર અંદર વાતો કરતા હતાં કે કેવું જોડું છે. પણ રીટા તો ખૂબ ખુશ દેખાતી હતી. શ્યામ એને ખૂબ સાચવતો હતો. અનાથ શ્યામના સગામાં કોઈ ના હતું. પણ અનાથઆશ્રમમાં રહીને પણ એને આઈ.ટી.ની ડિગ્રી લીધી હતી. અને ખૂબ સારી કંપનીમાં જોબ કરતો હતો. પોતાનો ફ્લૅટ પણ લીધો હતો. અને દિલનો ખૂબ દયાળુ હતો. ખાસ કરીને અનાથ બાળકોને મદદ કરતો. દેખાવમાં એટલો સરસ ના હતો. પણ બહારની સુંદરતા કરતા અંદરની સુંદરતા મહત્વ ધરાવે છે.
રીટા લગ્ન કરીને આવી. આડોશ પાડોશ વાળા બધા આ દંપતીને બ્યૂટી એન્ડ બિસ્ટ કહીને બોલાવતાં હતાં. શ્યામ થોડો શરમાઈ જતો પણ રીટા ખડખડાટ હસી પડતી. અને ક્યારેક શ્યામનું નાક પકડીને કહેતી પણ ખરી,"માય બિસ્ટ !"શ્યામ પણ એને બાહોમાં ઝકડી લેતો.
એક દિવસ શ્યામ ઘરે વહેલો આવ્યો, રીટાને સરપ્રાઈઝ કરવા. આજ રીટાનો જન્મદિવસ હતો. હાથમાં ફૂલોનો ગુચ્છો લઈનેએ ચૂપચાપ ઘરમાં પ્રવેશ્યો. અંદરથી હસવાનો અવાજ આવ્યો. એ સમજ્યો રીટા કોઈ મિત્ર જોડે વાત કરતી હશે. એ બેડરૂમના બારણા પાસે ગયો. રીટા બોલી રહી હતી, "બિસ્ટ ને કેવો બનાવ્યો છે ! આવો આઈ.ટી.નો છોકરો ક્યાં મળે ? અને વળી તું તો છે જ ને રૂપાળો." કહી એ ખડખડાટ હસી પડી. રીટા કોઈ દેખાવડા પુરુષ સાથે પલંગમાં સૂતી હતી. બિસ્ટના હાથમાંથી બુકે પડી ગયો. અને એની આંખો લાલચોળ થઇ ગઈ. બિસ્ટની જેવી. એ રસોડામાં ગયો અને એક ધારદાર છરી ઉપાડી.. ! !