બોર્નવિટા સ્માઇલ
બોર્નવિટા સ્માઇલ


છ–એક વર્ષનો એક નાનો છોકરો બિલ્લીપગે કિચનમાં સરક્યો. કિચન પર મૂકેલા સ્ટેન્ડમાંથી એક ચમચી ગજવામાં મૂકી આજુબાજુ જોઈ લીધું. અવાજ કર્યા વિના નાનકડું ટેબલ ઊંચકી કબાટ નીચે મૂક્યું. ધીમેથી ટેબલ ઉપર ચઢી કબાટમાં મૂકેલું જાંબલી રંગની બરણીવાળું બોર્નવિટા બંને હાથમાં કાળજીથી લીધું. ઢાંકણું ખોલી ત્રણ ચમચી બોર્નવિટા હે...યને બાકી લિજ્જતથી માણ્યું.
કથ્થાઇ રંગના બોર્નવિટાથી ખરડાયેલા હોઠ મોજથી મલકાઈ ઉઠ્યા. ઢાંકણું વાખી બોર્નવિટા એની જગ્યાએ મૂકી દીધું. કબાટ ધીરેથી વાખી તે ટેબલ પરથી ઉતર્યો. અવાજ કર્યા વિના ટેબલ ઊંચકી એની જગ્યાએ મૂકી દીધું. ચાટીને ચોખ્ખીચણાક કરેલી ચમચી યથાસ્થાને મૂકી ત્યાં જ તો... તેના કાનમાં મમ્મીના ઝાંઝરનો અવાજ સંભળાયો.
રસોડામાં પ્રવેશતા જ મમ્મીની નજર તેના પર પડી. બંને હાથથી અદબ વાળી, શિક્ષકીય ઢબે બંને ભ્રમરો ઊંચી કરીને પૂછ્યું, “કિચનમાં શું કરે છે તું? પાણી પીવા આવ્યો હતો...?”
“હા, પા–પાણી પીવા જ...” જરાક ડરેલા અવાજમાં બોલ્યો.
“પી લીધુંને પાણી?”
તેણે ફટાફટ માથું બે–ત્રણવાર હકારમાં હલાવ્યું.
“ચલો હવે, બેસી જાવ ભણવા...”
પકડાઈ જવાથી પોતે બચી ગયો એનો હાશકારો લઈ હસતાં હોઠે તે તેના સ્ટડી રૂમમાં નાઠો.
કિચનના સ્ટેન્ડમાં તેણે ઊંધી મૂકેલી ચમચી મમ્મીએ લઈને સિંકમાં બરાબર ધોઇ. મન:ચક્ષુ સામે તેના ફૂલ–ગુલાબી હોઠ પર બોર્નવિટા લેપાયેલું નિર્દોષ મુખ યાદ આવ્યું અને તે બંધ હોઠમાં મુસ્કુરાઈ બોલી : બહુ નટખટ થઈ ગયો છે હવે...!
* * *