બીજો ડોઝ
બીજો ડોઝ
બાંધણી પીએચસી ખાતેથી આકાશ ઉપર બે વ્યક્તિના ફોન આવી ગયા. તેને જણાવવામાં આવ્યું કે મોરડ ખાતેના પીએચસીમાં કોવેક્સીનના ગણતરીના ડોઝ આવેલ છે. એ તો જાણીને ખુશીથી નાચી ઊઠ્યો. એને તો થોડી વાર માટે એવું લાગ્યું કે પોતાની મહેનત રંગ લાવી છે. એના મોબાઈલમાં વેકસીનના બીજા ડોઝ માટેનો મેસેજ પણ આવ્યો હતો.
તેણે નોંધ્યું હતું કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશિલ્ડના ડોઝ વધારે આવતા હતા. આવામાં કોવેક્સીનના ડોઝ આવ્યા હોવાની વાત તેને આનંદ કરાવતી ગઈ. તેણે તેની મમ્મીને વાત કરી. મમ્મીએ તો લીલી ઝંડી આપી દીધી. જોકે એને જતાં પહેલા કશુંક આરોગી લેવાનો વિચાર આવ્યો કે જેથી કરીને પેટમાં અમી રહે. એણે પવાલીમાંથી મેગીનું પેકેટ પણ કાઢ્યું. જોકે એને એકદમ એવો વિચાર આવ્યો કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોઢુ ધોવા ન જવાય. તેણે મેગીનુ પેલું પેકેટ પવાલીમાં પાછુ મૂકી દીધું.
અને પછી ફટાફટ પહેલા ડોઝની રસીદ લીધી અને આધાર કાર્ડ પણ લીધું. સ્કુટી સ્ટાર્ટ કરી અને ગણતરીની મિનિટોમાં તો તે મુખ્ય રોડ પર આવી ગયો. મનમાં ઉમંગ હતો.
જ્યારે તે મોરડ પીએચસીમા પહોંચ્યો ત્યારે રસી મૂકાવવા આવનારાઓની સંખ્યા વધારે હતી. જ્યારે તે કોઈ ઠેકાણે કામ કઢાવવા જાય અથવા તો કોઈ હેતુ માટે જાય અને લાઈન જુએ તો તે મનોમન અકળાતો. એને વહીવટી સીસ્ટમ પ્રત્યે દાઝ ચડતી. એ પછી તે મનોમન સંતોષ માનતો કે એ સારું છે કે પોતે ચાઈનામા નથી !
ખેર, અહીં એને એક જાડા મહિલા જોવા મળ્યા કે જેઓ સ્ટૂલ પર બેઠા હતા. એમની સાથે વાત કરતા એને જાણવા મળ્યું કે વેક્સીન માટે ટોકન લેવાનું હતું. એણે ટોકન લીધું. એ પછી ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. તેને ત્યાં લગભગ પીસ્તાલીસ મિનિટ બેસી રહેવું પડ્યું. એ પછી જ્યારે કૉમ્પ્યુટર ઑપરેટર પાસે રજીસ્ટ્રેશન માટે જવાનું થયું ત્યારે ભોપાળું નીકળ્યુ. પેલા ઓપરેટરે જેવી મારી વિગતો કોમ્પ્યુટરમાં એડ કરી કે લાલ રંગના અક્ષરોમાં એવું લખાઈને આવ્યું કે રસી મૂક્યાને હજી અઠ્ઠાવીસ દિવસ પૂરા નહોતા થયા.
પેલા ઓપરેટરે તેને પુન: આવવા જણાવ્યું. કેમકે પોતે આગળની કાર્યવાહી કરી શકે એમ નહોતો. ટોકન માટેની ભરેલી રસીદને તે થોડી વાર માટે જોઈ રહ્યો. હવે તે રદબાતલ થઈ જવા પામી હતી.
તેણે પહેલાંની રસીદ જોઈ તો એમાં તારીખ હતી: 26 જુન 2021. " ઓહ ! કેવલ એક દિવસ માટે રહી ગયો" તેના મુખમાંથી શબ્દો નીકળ્યા. ધાર્યુ કામ ન થાય એ વેળા દુનિયા આખીના લોકો જે લાગણી અનુભવે છે એવી લાગણી એણે અનુભવી.
