બીજો ડોઝ પાર્ટ ટુ
બીજો ડોઝ પાર્ટ ટુ
જ્યારથી આકાશે રસી મૂકાવી દેવાનું અભિયાન ચાલુ કર્યું ત્યારથી તે રીતસરનો આદુ ખાઈને તેની પાછળ પડી ગયો છે. અનેક વખત નિષ્ફળ થયો હોવા છતાં તેણે રસીનો બીજો ડોઝ કોઈપણ કિંમતે મૂકાવાનું નક્કી કર્યું છે.
સત્તાવીસ જુલાઈ 2021ની સવારે સાડા છ વાગ્યે તો તે પોતાના ઘેરથી; વલ્લભ વિદ્યાનગર જવા માટે રવાના થઈ ગયો. છવ્વીસમીના રોજ એણે ઓનલાઈન થઈને કેટલીક જાણકારી મેળવી લીધી હતી કે ક્યાં વેક્સીનની અવેલેબીલીટી છે.
અલબત્ત જ્યારે તે વલ્લભ વિદ્યાનગર ખાતેના પીએચસીએ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે અહીં રસી મૂકવાનું એક દિવસ પૂર્વે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે દવાખાનું ખોલવામાં આવ્યું અને બધા કર્મચારીઓ હાજર થઈ ગયા એટલે આકાશ આગળ વધ્યો." એક્સક્યુઝ મી મેડમ…..અહીંયા વેક્સીન આપવામાં આવે છે ? " એણે એક યંગ યુવતીને પૂછ્યું.
"તમે ક્યાંથી આવ્યા ? " યંગ યુવતીએ તેને સામો સવાલ કર્યો.
આકાશે પોતે જે ઠેકાણેથી આવ્યો હતો તે ગામનું નામ જણાવ્યું.
" તો તો તમારે કરમસદ તપાસ કરવી જોઈએ " યંગ યુવતીએ આકાશને કહ્યું.
રસી મૂકાવવા આવેલ એક અન્ય શખ્સનો પણ ભેટો આકાશને અહીં થઈ ગયો. આ શખ્સ પાસેથી આકાશને જાણવા મળ્યું કે બાકરોલ ખાતેના પીએચસી ખાતે પણ રસી મૂકવાનું ચાલે છે.
એણે તાબડતોબ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરી અને રમરમાટ મુખ્ય રોડ પર આવી ગયો. આકાશને એક ટેવ. જ્યારે તે વાહન ચલાવતો ત્યારે ફિલ્મી ગીતની પંક્તિ ગણગણતો. ક્યારે કઈ પંક્તિ એના કંઠે આવી જાય તે કહેવાય નહી.
બાકરોલ ખાતેના પીએચસી ખાતે જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે લાંબી લાઈન જોઈ. તેને જાણવા મળ્યું કે કેટલાય લોકો વહેલી સવારના અહીં આવી પહોંચ્યા હતા. તેનો લગભગ એક કલાક અહીં બગડ્યો હતો. જ્યારે એક ફોરવ્હીલર ગાડીમાં એક શખ્સ રસી લઈને આવ્યો ત્યારે આકાશે તેની પાસે જઈને પૂછી લીધું કે કઈ રસી આવેલ છે. તેને જાણવા મળ્યું કે કોવિશિલ્ડ છે. તે ઘેર પરત ફર્યો. જોકે એને ઘેર પરત ફરતી વેળા પોતાની સ્કૂટીમાં પેટ્રોલ પુરાવવાનું યાદ આવ્યું. તે તેના માનીતા પેટ્રોલપંપ પર ગયો. ઓળખીતો કર્મચારી ત્યાં હાજર જ હતો. ટાયરમાં હવા પુરી આપવાવાળો છોકરો પણ હતો. તેણે જ્યારે તેને વાત કરી કે કોવેક્સીન સપ્ટેમ્બરમાં આવનાર છે; તે તો દંગ જ રહી ગયો. "હવા પુરી આપવાવાળા પાસે આટલી એડવાન્સ જાણકારી !" તેણે મનોમન વિચાર કર્યો. આકાશને એ જ ઘડીએ એના ચરણસ્પર્શ કરવાનું મન થઈ ગયું. પણ એણે એવું ન કર્યુ પણ દુઆમાં યાદ રાખવાનું મુનાસીબ માન્યું.
તેણે મનોમન નક્કી કર્યું કે પોતે રાતની પ્રાર્થનામાં પેલા છોકરાને અચૂક યાદ કરશે.
