Lalit Parikh

Drama Inspirational

3  

Lalit Parikh

Drama Inspirational

ભવેભવ…

ભવેભવ…

4 mins
7.6K




“તું મને ન મળી હોત તો મારું શું થાત તેની હું કલ્પના જ નથી કરી શકતો.. હું જયારે તને મળ્યો ત્યારે તો મારા મનમાં એમ જ થયા કરતું કે આ પાંત્રીસ વર્ષની મોટી ઉંમર સુધી અપરિણીત રહેલી કુંવારી કન્યા મારો અને મારા બે દીકરાઓનો સંસાર કેવી રીતે ચલાવશે? ઘરભંગ થયેલ મારા જેવા વિધુરનો સંસાર કેવી રીતે રોડવશે? પણ તેં તો મારો સંસાર ઘણી સારી રીતે, સુપેરે ચલાવ્યો, ઉજાળ્યો, સુધાર્યો અને આપણું જીવન જીવવા જોગ ધન્ય ધન્ય બનાવ્યું…. અને દીકરાઓ જયારે મોટા થઇ, દુશ્મન બની ઘરમાલિક બની, આપણને તગેડી દઈ રઝળતા કરતા ગયા. અને એય જયારે મને પક્ષાઘાત થયો એ સમયે – તેં પોતાના ઘરેણા વેચીનેય ડિપોઝિટ આપી ભાડાનું ઘર લઇ, મારી સારવાર કરી-કરાવી, મારી સરસ મઝાની સંભાળ રાખી।…… આવું તો આ જમાનામાં કોઈ કરતા કોઈ ના કરે….. હું તો પ્રભુને પ્રાર્થું છું કે ભવો ભવ તું જ તું મને મળતી રહે અને બને તો હું તારી આ સેવા-દરકારના ઉપકારનો બદલો કોઈ રીતે ચૂકવી શકું”. અશ્રુભીની આંખે, ગળગળા સ્વરે, હિબકતા હૈયે હરીશ આટલું બોલી આંખો લૂછવા લાગ્યો. અને આ કેવળ માત્ર શબ્દો નહોતા. હૃદયની લાગણીઓ બોલી રહી હતી, મનની અનુભૂતિઓ સ્વર પામી રહી હતી. પ્રસન્નને બરાબર યાદ હતું કે કેવી રીતે પહેલા દિવસથી જ નર્સનું કામ કરતી પાર્વતીએ બેઉ બાળકોને પોતાના કરી લીધા હતા.

તે તો શિક્ષક હોવાથી સ્કુલ અને સવાર સાંજના ટ્યુશનોમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે આખો દિવસ ઘરકામ, સરસામાનની ખરીદી, નર્સનો જોબ-આટલી બધી જવાબદારી પત્ની પાર્વતી કેવી રીતે સાંભળી શકતી હશે, એ તેની કલ્પના બહારનું હતું. વહેલી સવારે જાગી, ઘરકામ પતાવી, ચા-પાણી નાસ્તો વી.કરી-કરાવી નાહી- ધોઈ રસોઈ-પાણી ની શરૂઆત કરી દેતી. દસ વાગ્યે તો સહુને જમાડી, પોતાનું લંચ લઇ એ સરકારી હોસ્પિટલ ભેગી થઇ જતી અને તેય સાયકલ પર. સાંજે છ વાગ્યે આવીને તરત ખુશી ખુશી સહુને ભાવે એવું ગરમાગરમ સહુને ભાવતું ભાવતું સ્વાદિષ્ટ ખાવાપીવાનું રાંધવા-સીંધવામાં પડી જતી. તેના ચહેરા પર કંટાળો, ત્રાસ કે થાકનો અણસારો ય જોવા ન મળે. આ બધું પ્રસન્નને કોઈ જૂની જોયેલી ગમેલી ફિલ્મની જેમ અત્યારે સ્પષ્ટ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

તેને એ પણ દેખાવા લાગ્યું કે લોન લઇ લઈને તેણે બેઉ દીકરાઓને ડીગ્રી સુધી ભણાવ્યા અને બેઉ પોતાની પસંદગી પ્રેમિકાઓ સાથે પરણી, બાપદાદાનું મકાન પચાવી પાડી તેમને -માબાપને તગેડી દઈ નવા જમાનાનું પોત પ્રકાશવા લાગ્યા. અને એ પણ ત્યારે જયારે તેને લકવાનો અણધાર્યો જોરદાર અટેક આવ્યો. પોતાની બીમારીથી પોતે હેરાન-પરેશાન અને પરાધીન થઇ જવા લાગી ગયેલો ત્યારે સબસે ‘ઊંચી સ્વાર્થ સગાઇ’ જેવું સંબંધોનું સમીકરણ કે અવમૂલ્યન થતું જોઈ તે દુ:ખી દુ:ખી થઇ ગયો.

એવી વિકટ સ્થિતિ-પરિસ્થિતિમાં પ્રેમાળ પત્ની પાર્વતી તેના માટે જે સેવા સમર્પણ કરવા લાગી ગયેલી એ તો તેનાથી જન્મ જન્મ સુધી ભૂલાય નહિ એવો અભૂતપૂર્વ અનુભવ હતો.. પોતાના હાથે જમી પણ ન શકાતું હોવાથી પાર્વતી તેને ભોજ્યેશુ માતાની જેમ કોળિયે કોળિયે જમાડતી, હાથ દોરીને આમથી તેમ લઇ જતી, હાથ ધોવડાવી ડેન્ચર સુદ્ધા સાફ કરી દેતી.. પોતે તો ચશ્માં પણ જાતે ન પહેરી શકે એટલો પરાધીન થઇ ગયેલો. રાતે સૂવડાવીને ચાદર પણ પાર્વતી જ ઓઢાડતી, રાતે જાગી જાય તો બાથરૂમ પણ લઇ જતી, તરસ લાગે તો બાજુમાં જ મૂકેલો ગ્લાસ પણ મોઢે માંડી ધીરે ધીરે પ્રેમથી પીવડાવતી. આટલું તો ઠીક, ગંદામાં ગંદુ એવું તેને પખાળવાનું કામ પણ વગર સૂગે કરતી. બ્રશ કરાવી, નવડાવી- ધોવડાવી, શરીર-માથું લૂછી કપડા પણ પહેરાવી દેતી. ચા પણ મોઢે રકાબી મંડાવી તેને પીવડાવીને પછી જ પોતે પીતી. અને આ બધી સેવા હસતા મોઢે, હોંસે હોંસે, પ્રફુલ્લ મને પાર્વતી કરતી એ જોઈ તે પોતાને બડભાગી માનવા લાગી ગયેલો. તેના હાથ-પગના નખ કાપવા સુધીની કાળજી તે રાખતી. તેના મને એ બીજી સાવિત્રી જ હતી જેણે મૃત્યના મોઢામાંથી તેને સ્ટ્રોકના હુમલા પછી તાત્કાલિક હોસ્પિટલ લઇ જઈ અને સતત એકધારી સેવા ચાકરી કરી તેને જીવતો જાગતો રાખ્યો હતો. તેના જીવનનું એક માત્ર મિશન હોય તો તે કેવળમાત્ર સ્વામીનાથ પ્રસંનને પ્રસન્ન રાખવાનો, જીવતો રાખવાનો, ખુશ ખુશ રાખવાનો, આનંદનું અમૃત પાતા રહેવાનો.

પાર્વતી, ત્રુટક ત્રુટક શબ્દોમાં પતિનું રડતું હૈયું સાંભળી સાંભળી એકલી એકલી એકાંતમાં રડી લેતી. પણ પ્રસન્નની સામે તો હસી હસીને જ હરે ફરે, સસ્મિત વદને જ તેને રાજી રાજી રાખે. ’પતિ પરમેશ્વર’ની લુપ્ત થતી ભારતીય ભાવના તેના રોમ રોમમાં, તેના અણુ અણુમાં, તેના શ્વાસ શ્વાસમાં ઝળકતી જોઈ પ્રસન્ન વિચારતો કે “કયા જન્મે આ સેવાનો બદલો હું ચૂકવી શકીશ?” તેની વાર્તાઓ અગાઉ તો સારા અક્ષરે પ્રેસ કોપી બનાવી જુદા જુદા સામયિકોમાં મોકલી પ્રકાશિત કરાવી દેતી પત્ની પાર્વતી તો તેના માટે સાક્ષાત સરસ્વતી સ્વરૂપ બની જતી એ પણ તે કેમ કરીને ભૂલે? અને હવે તો અત્યારે જયારે પોતે લખવા જ સક્ષમ ન રહ્યો ત્યારે પોતે ડિક્ટેટ કરી-કરાવી વાર્તાઓ લખાવડાવે ત્યારે કેટલી ધીરજ અને શાંતિથી એ મોતી જેવા સુંદર અક્ષરોમાં એ વાર્તાઓ લખી લે, પ્રકાશિત કરાવી દે એ અનુભવ તો તેને જીવવા માટે સંજીવની સ્વરૂપ દેખાવા- સમજાવા લાગ્યો.

અને વચમાં વચમાં માથું, વાળ, ગાલ પર પ્રેમપૂર્વક તેનો સુંવાળો હાથ પસારે ત્યારે તો એ મધુર સુંવાળા સ્નેહાળા, હુંફાળા સંસ્પર્શનો તો સુખદ અનુભવ તેને પુલકિત પુલકિત કરી મૂકતો.તે પોતે પણ પ્રયત્નપૂર્વક તેનો આંખોથી જ સ્પર્શ- સુખ માણી લેતો કારણ કે તેના હાથ, પંજા, આંગળા નિર્જીવ થઇ ગયા હતા. સ્પીચ- થેરપી સફળ થઇ હોવાથી બોલી શકાતું હતું એ જ સુખનો એક માત્ર આધાર કહો તો આધાર અને જીવવા માટેનું એક માત્ર મનગમતું કારણ કે બહાનું જે કહો તે હતું.

પતિની આવતા જન્મે પોતે કરેલી સેવાનો બદલો વાળવાની વિચિત્ર વાત સાંભળી પાર્વતી બોલી ઊઠી: "આવું અશુભ અશુભ કેમ બોલો છો? શુભ શુભ બોલો. મને આવતા જન્મે તમારા જેવી પરાધીન બનાવી મારી સેવા કરવાનો ગંદો વિચાર પણ તમને કેમ કરીને આવ્યો? હા, ભવે ભવ આપણે જ જીવનસાથી બનીએ એ સપનું સાકાર થાય એ મને સ્વીકાર્ય છે. પણ આપણે બેઉ આવતા ભવે, સારા માનવતાવાદી ડોકટરો બની આવા પરાધીન બીમારોની સેવા કરી સુખી સુખી થઈએ એ જ મને સો ટકા મંજૂર છે.”

પાર્વતીની ભવે ભવ જીવનસાથી બની માનવસેવા અર્થે જન્મવાની ભાવના પ્રસન્નને પ્રસન્ન પ્રસન્ન કરી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama