Parul Desai

Classics

4  

Parul Desai

Classics

ભીનો પાલવ

ભીનો પાલવ

6 mins
14.7K


રસીલા એકદમ ઝબકી ગઈ... એનો પતિ એની પાસે આવ્યો પરંતુ રસીલાએ આવી પ્રતિક્રિયા કેમ કરી ? અરે ભાઈ! પતિ પત્ની પાસે હરખઘેલો થઇ આવે અને પત્ની ઝબકી જાય, ડરી જાય એવું તે શા માટે બને ?

રસીલા અને મોહનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. આજે એના કારખાનામાં રજા હતી. મોહન એ કારખાનાનો કામદાર હતો. મહેનતુ હતો.

મોહન એકાંતમાં બેઠેલી રસીલાને ઘેલો થઈને કહેવા લાગ્યો, “આપણે આજે સાંજે પિક્ચર જોવા જાશું, તું સરસ તૈયાર થઇ જજે. અને હા, ગઈકાલે હું જે સાડી લાવેલો છું એ જ પહેરજે.” પછી પ્રેમઘેલા કરવા માંડ્યો. આ જ વખતે રસીલા એ જ સાડી ખોળામાં લઈને બેઠી હતી! પરંતુ તે વિચારમગ્ન અલગ રીતે હતી એટલે મોહનને લાગ્યું કે સાડી રસીલાને ગમી તો લાગે છે છતાં રસીલાના મનોભાવ જુદા જ હતા તે પણ કળી શક્યો. રસીલા ખિન્ન જણાતી હતી.

પછી તો મોહન રસીલાનો ઝંખવાળો પડી ગયેલો ચહેરો સ્પષ્ટ વાંચી શક્યો. પછી કરગરી ઉઠ્યો, “તારો ચહેરો કેમ ઉતારી ગયેલ છે ? ઘર યાદ આવી ગયું ? આવે, આવે નવું નવું હોય ત્યારે આવે.” રસીલા તો પ્રત્યુત્તર વિના બેઠી હતી, હાલ તો હાથમાં પેલી સાડીનો પાલવ લઈને બેઠી હતી. .... હા એ પાળવ ક્યારેક ભીનો થયો હોય તેવું લાગ્યું. પાલવની ભાત ઉપર પાણી પડ્યું હોય અને તેનો રંગ અને ભાત રેલાઈ ગયા હશે તેવું લાગ્યું. આવો પાલવ પકડીને રસીલા બેઠી હતી.

આ જોઇને મોહને વધુ સ્પષ્ટતા કરી, “રસીલા, હા પાલવનો રંગ ઉતરી – રેલાઈ ગયો છે. પાણી પડ્યું હશે, પણ જો આખી સાડી તો સારી છે, ફાટેલી નથી. ક્યાંય રંગ ઉતર્યો નથી. તું જાણે છે ને અત્યારે મારો પગાર બહુ નથી તો નવી સાડી લઇ શકું તેમ નહોતો તો ગુજરી બજારમાં કપડાં લે-વેચ કરનારા હોય છે ત્યાંથી લાવ્યો છું. સાડી આમ તો જોઇને લાવ્યો છું અને તું આમ મનદુઃખ ન કર, આ વખતે દિવાળી વખતે શેઠ બોનસ આપશે ત્યારે તેમાંથી નવી નકોર સાડી લાવી આપીશ તું સાથે આવજે...તું જ પસંદ કરજે.” આમ રસીલા પ્રત્યેના ઉત્કૃષ્ટ અનહદ પ્રેમના તાનમાં એને સાડી લેવાનું મન થઇ આવ્યું તો બીજી તરફ પોતાની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ હતો તેથી આમ સાડી લાવ્યો હતો. અને રસીલા સમક્ષ જુબાની સ્વરૂપ ખુલાસા કરવા માંડ્યો. સાડી સારી હતી માત્ર પાલવ પુરતો જ રંગ ઉતરેલ- ભાત ઊખડેલ હતી. પરંતુ રસીલાને આવા પાલવમાં ઘણી ઉથલપાથલ દેખાતી હતી. તેની બીચારા મોહનને ક્યાં ખબર હતી! એ રસીલાને મનાવવામાં પડ્યો હતો. મોહન તો કાકલુદી કરતો રહ્યો, “રસીલા, આમ દુઃખ ન લગાડ. પાલવ સામું ન જો. મારા પ્રેમ સામે જો. સાડી સામે આ રીતે ન જો. તું જોજે, પાલવ જરાક અંદરની બાજુએ રાખીશ તો બાકી સાડી સરસ લાગશે. તું સુંદર લાગીશ. સમયસર તૈયાર થઇ જજે... આ સાડી જ પહેરજે.” મોહન લટાર મારવા નીકળી ગયો.

રસીલા તો સુનમુન હતી. જકડી રાખેલા પાલવ સાથે એ અતીતમાં ખોવાઈ ગઈ....આંખોમાં જૂના દિવસો તરવરી ઉઠ્યા અને આનંદિત થઇ ગઈ પરંતુ બીજી જ ક્ષણે તેને વાસ્તવિકતા યાદ આવી અને નિરાશ થઇ ગઈ. આજની પરિસ્થિતિમાં તેને જીવવા-મરવાનું હતું તેનું ભાન થયું છતાં માનવીને અતીત ક્યારેય છોડતો નથી. પ્રસંગે પ્રસંગે તે આવીને ઊભો હોય છે.

રસીલા અતીતમાં ખોવાઈ ગઈ...

"જો જે.. ગોવિંદ, તું મને આમ પજવ નહિ, વાયડો થઈશ તો છટકી જઈશ... બીજે પરણી જઈશ તો ? તું શું કરીશ? હવે મને ઘેર જવા દે." રસીલાના મનોભાવ એના લગ્ન પહેલાના પ્રેમી ગોવિંદ સાથે કરેલી ઘેલછાઓને ફરી જીવિત કરી રહ્યા હતા. તેને ગોવિંદ સાથેની મીઠી મીઠી પજવણી અને પ્રેમ તરબોળ ગુસ્સો યાદ આવી ગયા...

રસીલા અને ગોવિંદ એકમેકને ખૂબ પ્રેમ કરતા હતાં. બન્ને યુવાન હૈયાં. ગોવિદ એક કોમ્પ્લેક્ષમાં ચોકીદારની નોકરી કરતો હતો નેક અને કોઈ ખરાબ આદત વિનાનો ફૂટડો યુવક હતો. રસીલા અહીંજ ઓફિસોમાં પાણી ભરવા આવતી. તેની આવન-જાવન વધી અને રસીલા અને ગોવિંદની આંખો ક્યારે એકમેકમાં મળી ગઈ તેની ખબર પણ ન પડી. પ્રેમ તો આમ આપમેળે જ થઇ જાય... પછી તો એકાંત મિલન વધ્ય અને પ્રેમના અંકુરને ફૂટતાં ક્યાં વાર લાગે છે ? ગોવિંદ પણ રસીલાને બહુ પ્રેમ કરતો અને પોતાની નાની આર્થિક કમાણીમાંથી બોરિયા-બુટીયા, બંગડી વગેરે રસીલા માટે લાવતો. એમ કરતા એકવાર પોતાને પોસાય તેવી એક સાડી પણ રસીલા માટે લાવ્યો હતો. રસીલાને તે સાડીના તાણાવાણામાં રહેલી પોતપોતાના આ પ્રેમની ભાત બહુ ગમી અને હોંશભેર સાડી પણ સ્વીકારી લીધેલી. શરમાતી-શરમાતી રસીલાના આનંદનો પાર નહોતો. ક્યારેક તેની માને ખબર ન પડે તે રીતે આ સાડી પહેરીને ગોવિંદ પાસે દોડી જતી. વળી પછી છાનીમાની ગડી કરીને પેટીમાં મૂકી દેતી.. એ સાડીમાં રસીલા દીપી ઉઠતી. ગોવિંદ પણ મોહક નજરે નીરખી રહેતો.

હવે, રસીલાને લાગ્યું કે પોતાને ગોવિંદ સાથેના પ્રેમની વાત ઘરમાં કરી દેવી જોઈએ. આ લુપાછુપીમાંથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે પહેલા અને રસીલા માટે તેના માતા-પિતા કોઈ છોકરાની શોધ શરુ કરે... આમ વિચારી રસીલાએ તેની માતા પાસે મમરો મૂકી દીધો. માતા ચોંકી ગઈ અને એમણે રસીલાના પિતાને વાત કરી... બસ, બોમ્બ ફૂટ્યો. પિતા દાઝી ગયા, ઉકળી ઉઠ્યા, “શું ? શું ? રસીલા એવડી મોટી થઇ ગઈ કે આ બધું એ પોતાની જાતે નક્કી કરી લે ? આ પ્રેમ નથી, યુવાનીના ઉધામા છે ઉધામા, વળી આ ગોવિંદ કોણ છે ? આપણે કોઈ એણે ઓળખીએ છીએ ? એનું ખાનદાન શું છે ? આમ રસીલાને જ્યાં ત્યાં ફેંકી ન દેવાય. વળી રસીલાના પિતાએ આગળ ચલાવ્યું. આપણા જીવનભાઈના છોકરાને મેં ધ્યાનમાં રાખ્યો છે, એનો મોહન સારો છે, કારખાનામાં કાયમી અને સારી નોકરીનો કામદાર છે. એ બધા ખાધે-પીધે સુખી-ખાનદાન. બીજું વળી શું જોઈએ ? નાના માણસો પણ સારા છે માટે રસીલાને કહી દેજે આ ગોવિંદનું ભૂત ઉતારી નાંખે.” રસીલાના પિતાએ વાડી અદાલતના ફેંસલા જેવો આખરી ફેંસલો સુણાવી દીધો... રસીલાની કાકલૂદી – દલીલો પ્રેમની વાતો કામ ન લાગી. તેની માતા આ બાબતમાં લાચાર હતી. રસીલાએ હવે કોઈ સાથે પરાણે પ્રીત કરવાની હતી.

અને... એક દિવસ કમને રસીલાના લગ્ન મોહન સાથે થઇ ગયા. મહાપરાણે સાસરે જવાની તૈયારી શરૂ કરવી પડી.

આનું નામ તે વિધિના લેખ એ કોઈ વાંચી કે ભાખી ન શકે... અનુભવવા પડે.

હવે રસીલા પાસે સવાલ હતો. ગોવિંદે છૂટક છૂટક આપેલી ચીજવસ્તુઓના નિકલનો... કેમ કે તેને થયું કે આ બધું મોહનને ઘેર લઇ જાય તો કઈ તેને ખબર ન પડે કે આ આવ્યું ક્યાંથી ? ઉપરાંત તે જોઇને ગોવિંદ અને તેની સાથે ગાળેલા પ્રેમભર્યા એ દિવસો યાદ આવી જાય અને બધું બગડે એથી એ સર્વેનો નિકાલ જ કરી નાંખવો વ્યાજબી માન્યું... આથી કરીને નાની નાની ચીજો તો આજુબાજુની છોકરીઓને આપી દીધી પણ સાડી જો કોઈને આપે તો પોતાની માતાને ખબર પડી જાય તે સંભવિત હતું.

એક દિવસ પોતે ઘરમાં એકલી હતી ત્યારે રસીલાએ સાડી પેટીમાંથી કાઢી... ગોવિંદ યાદ આવી ગયો... ખિન્ન થઇ... સાડી સાથે વણાયેલા અતીતના પ્રેમાળ સંભારણાને હેલી ચડી આવી... એનું હૈયું ભરાઈ આવ્યું..ડૂમો ચડેલો... શૂન્યમનસ્ક થઇ સાડીનો પાલવ ખોળામાં લઈને બેઠી... ગોવિંદ કેમેય ભૂલાતો નહોતો. પછી આંખોમાં અશ્રુધાર છૂટી... હાથમાં પકડેલ સાડીના પાલવ ઉપર ગરમાગરમ આંસુ પડ્યા... પાલવની ભાત રંગ રેલાયાં. જેમ પોતાનો પ્રેમ પીંખાઇ ગયો હતો તેમ... પાલવ ભીંજાયો. થોડીવાર પછી સ્વસ્થ થઇ પછી મન મક્કમ કરી આવા પાલવવાળી સાડી અંતે ગુજરી બજારમાં જૂના કપડા લે-વેચ કરનાર પાસે વેચી આવી... જે પૈસા આવ્યા તે મંદિરમાં મૂકતી આવી.

હવે વિધિની વિચિત્રતા કહો કે ક્રૂરતા કહો, આજે એ જ સાડી નવા પ્રેમની નિશાનીરૂપ બની મોહન તરફથી રસીલાને મળી હતી. આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે રસીલાને જૂના પ્રેમી ગોવિંદ સાથે વિતાવેલી પ્રેમભરી પળો યાદ આવી. જૂના પ્રેમીને પામી ન શકી તો બીજી બાજુ એનો પતિ પ્રેમની વર્ષા સ્વરૂપ અજાણતાં એ જ સાડી રસીલા માટે લાવ્યો હતો. સાડી તો એ જ હતી પણ સંજોગો એ નહોતા. આજે રસીલા એ જ સાડીનો પાલવ શૂન્યમનસ્ક થઈને ખોળામાં લઈને બેઠી હતી.

સાડી એક જ. ભીંજાયેલો પાલવ એક જ પણ કેવા અલગ અલગ સંજોગો એ અલગ અલગ પરિણામ આવ્યાં. એક દિવસ જે સાડી પહેરીને રસીલા ગોવિંદ પાસે આનંદથી કૂદતી દોડી જતી હતી અને હર્ષ થઇ જતો તે જ સાડીએ આજે રસીલાને દુઃખી દુઃખી કરી મૂકી હતી.

પરંતુ છેવટે મોહન તેનો પતિ હતો... પરિસ્થિતિને આધીન થવું પડ્યું રસીલાને... બંને સંજોગો – પુરુષો ગોવિંદ અને મોહન માટે રસીલા અને સાડી એક જ નિમિત્ત કહો કે પાત્રો હતા.માણસ રમકડું છે. સંજોગો સાથે સમાધાન કરવાથી જ ફાયદો થાય બાકી તોડફોડ કરવાથી ખુદથી તૂટી જવાય.

આખરે... તે દિવસે આજે એક વખત ભૂતકાળમાં જે સાડી પહેરી પોતાના પ્રેમી પાસે દોડી જતી તે જ સાડી પહેરી આજે તે પતિ સાથે ઢસડાતી ચાલી...


Rate this content
Log in

Similar gujarati story from Classics