મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય
૬ વર્ષની નાની બાળકી કાજલ. મા સાથે પારકાં કામ કરવા જાય ત્યારે સાથે બેઠી હોય. ક્યારેક શેઠાણી પોતાની માતાને ધમકાવે તે જોઈને ડરી જતી. શાળાએ ગઈ હોય ત્યારે પણ એમ જ વિચારે કે મારી મા ને પેલી શેઠાણી બહુ ખીજાતી હશે. હવે તો ક્યારેક પોતે પણ વાસણો સાફ કરવા જતી. ત્યારે પણ શેઠાણી પ્રેમથી વાત ન કરે. હડધૂત કરે. તેનું કામ ચોખ્ખું હતું તે છતાં તેને કંઈક તો સાંભળવું જ પડતું. કામ તો કરવું જોઈએ એમાં નાનપ નહિ પણ સ્વમાનભેર કામ કરવું એવી સમજ તો આ ૭-૮ વર્ષમાં આવી ગયેલી. એટલે પોતે પોતાનું આત્મ સન્માન જાળવશે અને સાથે માતાને પણ સન્માન અપાવશે એવું તો વિચારે. જો કે એ માત્ર વિચાર નહિ પણ તેનો નિશ્ચય જ હતો. આ નિશ્ચય જ તો સફળતા અપાવે છે. બાકી માત્ર સપનાં જોવાથી કઈ સફળતા ન મળે. એ માટે તો વિચારને વ્યવહારમાં મુકવો પડે. મન હોય તો માળવે જવાય. જો તીવ્ર ઈચ્છા હોય તો કોઈ પણ કાર્ય અઘરું નથી. તેમાં સફળતા મળે જ. કાજલે પણ મનમાં ગાંઠ મારી દીધી.
અભ્યાસમાં એકાગ્રતા એટલે માર્કસ સારા આવતા. ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી પર પ્રભુત્વ હતું. સમજદાર પણ ખરી. પોતાનાથી પાંચ વર્ષ નાના ભાઈને સાચવવાની જવાબદારી તો લીધી જ હતી. તો જ માતા-પિતા પોતાના કામે જઈ શકે. પોતે તો ટયુશનમાં ન જતી પણ ઉલટું પોતાનાથી નાના વિદ્યાર્થીઓના ટ્યુશન શરૂ કર્યાં હતા. જેથી ઘરમાં પોતે પણ આર્થિક ટેકો કરી શકે. વાંચનનો શોખ હતો તે બાજુના પસ્તીવાળાને ત્યાંથી જૂના છાપાની પૂર્તિઓ-મેગેઝીન લઈ આવે અને વાંચે- પરત કરી આવે. એટલે એ રીતે જનરલ નોલેજ પણ સારું. શાળામાં નાનપણથી દર વર્ષે “બેસ્ટ સ્ટુડન્ટ”નો એવોર્ડ પણ મેળવતી. ૧૦માં ધોરણમાં પણ ૯૩% સાથે શાળા અને જ્ઞાતિમાં કાજલ નામ રોશન કર્યું. વેકશનમાં જ કમ્પ્યુટર ઓપરેટીંગની જોબ કરી. ૧૧ મા કોમર્સ પ્રવાહમાં એડમીશન લીધું અને એકાઉન્ટ અને સ્ટેટમાં રસ લઈ ભણવાનું. હવે તો ૧૦માં ટ્યુશન પણ કરે. અંગ્રેજીના સ્પોકન ક્લાસ કર્યાં એ પણ ભવિષ્યમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા કામ આવે. મનમાં ધૂન હતી કે મમ્મીને કોઈનું સાંભળવું પડે એ કામ કરાવવું નથી. માતાને પારકાં કામ છોડવી દઈ સીવણ ક્લાસ શરૂ કરાવ્યા. હવે કંચનબેન સીવણ શીખે જેથી પોતે કપડાં સીવીને કમાણી કરી શકે.
માતા અને પુત્રીનો સંબંધ આ દુનિયામાં સૌથી ગાઢ સંબંધ છે. માતા તો ધ્યાન રાખે જ પોતાના સંતાનનું પણ પુત્રી માતાની રક્ષક બની રહેતી હોય છે. જેને આંગણ દીકરી તેને આંગણ સુખશાંતિ. ભલે સ્ત્રી ભ્રૂણહત્યા કરાવનાર સ્ત્રી સમાજ અને કુટુંબના દબાણમાં આવીને કરતી હોય છે બાકી તેની પોતાની ઈચ્છા તો પોતાની પ્રતિકૃતિને જન્મ આપવાની હોય જ છે. તેણી જાણે છે કે દીકરી પોતાનો ટેકો બનનાર છે. દીકરી તો ગૌરવ સાચવનાર બની રહેનાર હોય છે. કઈ અમસ્તાં જ નથી કહેવાયું કે દીકરી વ્હાલનો દરિયો. એક કવિએ ખૂબ સાચું જ કહ્યું છે જનનીની જોડ સખી નહિ જડે રે લોલ... માતા-પુત્રી સાચી સખીઓ છે. બન્ને એકબીજાની બધીજ સારી-માઠી વાતો વગર કહ્યે પણ સમજી જતી હોય છે.
કાજલે ધોરણ ૧૨ના વેકેશનમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ શરૂ કરી દીધી. પિતાની આવક તો હોય પણ જીવનધોરણ સુધારવા આ જરૂરી હતું. વેકેશનના ૨ મહિનાના પગારમાંથી મમ્મી માટે આધુનિક સિલાઈ મશીન અને પપ્પા માટે નવો સ્માર્ટ ફોન લઈ આવી. નાના ભાઈ માટે સાઈકલ લાવી આપી. વેકેશન પૂરું થતાં સુધીમાં તો મમ્મીને ડ્રેસ-ડિઝાઈન કરતા આવડી ગયું હતું તે ઈન્ટરનેટ પરથી ડિઝાઈન જોઈને ઓર્ડર લેવા શરૂ કરી દીધા. કંચનબેન પણ પોતાની કલાને સૂઝબૂઝ થકી કહો એવી ડિઝાઈનના ડ્રેસ સીવી આપે. આણાંના બ્લાઉઝ હોય કે ઈન્ડો-વેસ્ટર્ન બધામાં તેની માસ્ટરી. હોય જ ને. એકાગ્રતાથી રસ લઈ જે કાર્ય કરવામાં આવે તેમાં નિપુણતા પ્રાપ્ત થાય જ. તક મળે ત્યારે તેનો ઉપયોગ કરી જ લેવો કારણકે મોટેભાગે તક એક જ વાર મળતી હોય છે. એમ જ ખ્યાતનામ ફેશન ડિઝાઈનર બની.
કંચનબેન તો બધાને એમ જ કહે કે બધાને કાજલ જેવી આત્મસન્માન જાળવે અને માતા-પિતાનું સન્માન પણ કરાવે તેવી દીકરી આપજો. પોતાની આસપડોશની બહેનોને સ્ત્રી ભ્રૂણહત્યા ન કરાવવાની સલાહ આપે અને જો જરૂર જણાય તો પોતે તેના કુટુંબને પણ સમજાવે, “ ગર્ભનો નાશ કરવો તે પરમાત્માનો નિષેધ કરવા જેવું છે. ઈશ્વરે જે આપ્યું તેને સ્વીકારીને અવતરવા દો. પછી તેનો ઉછેર જ એવો કરવો કે તે “અબળા” નહિ “સબળા” બની રહે. આપણે દેવીઓને પૂજીએ જ છીએ ને તો દીકરીને દેવી ગણી આવકારો.”
કાજલે પોતે અને પોતાના માતા-પિતાનું સન્માન જળવાઈ રહે અને આર્થિક – સામાજિક પ્રગતિ કરવાનું ધ્યેય આંબીને ‘મન હોય તો માળવે જવાય’ કહેવતને આત્મસાત કરી જાણી.
