Parul Desai

Romance

4  

Parul Desai

Romance

પ્રેમ

પ્રેમ

5 mins
320


‘આઈ લવ યુ, રિયલી લવ યુ, હું તને કઈ રીતે સમજાવું ? હું બહુ જ પ્રેમ કરું છું તને !’ સંકલ્પ પોતાની પ્રેમિકા મૌલીને સમજાવી રહ્યો હતો. મૌલી એ પ્રત્યુત્તરમાં એટલું જ કહ્યું, ‘પ્રેમ એ જણાવાની નહિ પણ જતાવાથી જાણી શકાય. શબ્દોની જરૂર નથી બસ વર્તન-વ્યવહારથી આપમેળે જ સમજી જવાય છે.’

‘તો હવે શું થયું ? કેમ તું વાત કરતી નથી. મને જરાય સમજાતું નથી આ વર્તન. લોકો સાચું જ કહે છે કે સ્ત્રીને સમજવી બહુ અઘરી છે.’ સંકલ્પે પોતાની મૂંઝવણ ઠાલવી.

વળતા જવાબે મૌલી બોલી, ‘તું મને સમજે એ તો શ્રેષ્ઠ છે માટે જ તો મને પ્રેમ થઇ ગયો. હા આપણી એકબીજાની સમજણ અને દરેક બાબતનું સરખાપણું જ છે કે જેથી પ્રેમ થયો, આપણો પ્રેમ ધીરે ધીરે કેળવાઈને સત્વશીલ બન્યો. આપણને લગ્નની કોઈ ધાંધલ નથી. આપણો પ્રેમ અસ્તિત્વવાદી હોય એમ પાંગર્યો. હકીકતમાં આપણે એકબીજા માટે જ બન્યા હોઈએ એવું લાગે છે.’

‘તો હવે શું થયું એ કહીશ ?’ સંકલ્પે પૂછ્યું.

‘તને મારા પ્રેમની કદર નથી. તું મારો આદર કરી શકતો નથી અથવા તું કરવા માંગતો જ નથી. કદાચ તને હવે મારામાં રસ ન હોય એવું પણ બની શકે. તારા વર્તન અને વાત બન્ને અલગ હોય છે.’ બસ આ વાક્ય બોલી મૌલીએ ફોન મૂકી દીધો.

સંકલ્પ અને મૌલીનો પ્રેમ થોડો મૂરઝાતો હોય એવા બનાવ બનતા ચાલ્યા. મૌલી વિચારતી રહી સંકલ્પ મારી સાથે હવે દિલથી વાત નથી કરતો. તે વિચારી રહી કે પ્રેમમાં જો વિશ્વાસ અને સમજદારીનો અભાવ હોય તો તે લાગણીભીના સંબંધો ગૂંથાવાને બદલે ગૂંચવાઈ જતા હોય છે. સંબંધોમાં જો વિશ્વાસ, સમજદારી અને ઈમાનદારી હોય તો નિભાવવા માટે વચન, કસમ કે શરતોની જરૂર નથી. આ પ્રેમના સંબંધને પંપાળતા, સંભાળતા અને ચગળતા રહેવું જોઈએ તો જ તે ‘તાજો’ રાખી શકાય.

પ્રેમની આ ડગર કાંટાળી હોય છે. પ્રેમ એટલે એકબીજાને સુખી કરવાની હોડમાં પોતાના અવગુણનું બલિદાન આપવાની તૈયારી. પ્રેમનો અર્થ જ એ કે તમારી જીંદગીમાં કોઈ એવું છે જેની ચિંતા તમને અને તેને તમારી ચિંતા થાય. ચિત્ત તેના સુખ માટે જ વિચારે. જેની માટે અહમને ઓગાળીને તેનામાં ઓગળી જવાની ખેવના જાગે. બધા પ્રેમને રોગ કહે છે પણ એ રોગ નથી એ તો જીવનના તમામ આધિ-વ્યાધિ અને ઉપાધિનું અમૃત ઔષધ છે. પ્રીત પૂછીને ન થઈ શકે કે ન તો પરાણે કરાવી શકાય. એકબીજાને મોકળાશ આપીને ખુશી આપવાની અને ખુશ થવાની બાબત છે. આપણા ભય અને નબળાઈઓ સાથે આપણને અપનાવે અને જરૂર પડે સમસ્યા સામે લડવામાં આપણો સાથ આપે એવી વ્યક્તિને જ પ્રેમ થઈ જાય. જયારે વિશ્વાસ અને વફાદારીના ઝરણાં સુકાઈ ત્યારે ‘પ્રેમ’ નામની નદીમાં પણ સુકાપણું આવતું જાય. કારણકે વફાદારી વગરના સંબંધમાં ‘રમત’ રમાતી રહે. પરસ્પર માન આપવામાં આવે અને કોઈ અન્યની હાજરીમાં તેની સાથે યોગ્ય વર્તન કરી સન્માન જાળવવામાં આવે તો આત્મસન્માન સચવાતું રહે. આ બાબત સંકલ્પ ક્યારે સમજશે ?

મૌલીને ઘણી વખત એવું લાગતું કે સંકલ્પ તેના મિત્રોની હાજરીમાં પોતાને ઉતારી પાડે છે તો ક્યારેક તેની કોઈ સારી વાતની હાંસી ઉડાવે છે. વાત કરતા કરતા ક્યાંય ગાયબ થઈ જાય છે. ઘણીવાર સંકલ્પ વાતોને કાપી નાખે. ક્યારેક તો એ સુમસામ જગ્યાએ મળવાની વાત પણ કરે જે મૌલીને જરાય ન ગમે. મૌલી એમ જ કહે, ‘પ્યાર કિયા તો ડરના ક્યા ? ઉઘાડેછોગ હાથ ઝાલી પૂરાં સન્માન સાથે ફરવાની ખુમારી પ્રેમમાં રાખીએ. મારી ઘેર જ આવ મને કે મારા પેરેન્ટ્સને કોઈ તકલીફ ન હોય. તું તારી ઘેર પણ વાત કરી દે.’ પણ સંકલ્પ વાત ઉડાડી જ દે. ઘણા એવા વર્તન હવે શરુ થયા હતા જે મૌલીના આત્મસન્માનને ઠેસ પહોચાડનારા હતા.

સંકલ્પ કદાચ પોતાની જિંદગીમાં બદલાવ ઈચ્છતો હોય એવું લાગ્યું. એ વિચારતી, “ પ્રેમ કરવો એના કરતા એ નિભાવવો વધુ અઘરો હોય છે. પોતે જેને ચાહે છે તેની ખુશીમાં જ પોતાની ખુશી છે માટે એ તેના આવા વર્તન-વ્યવહાર માટે દલીલ નહિ કરે. પણ પ્રેમને ધબકતો રાખવા તેને વાણી-વર્તન અને વ્યવહાર થકી ઓક્સિજન તો આપતા રહેવું જરૂરી છે. પોતે ક્યારેય સંકલ્પની કમાણીની પરવાહ નહોતી કરી. તે તો માત્ર એટલું જ ઈચ્છતી કે પોતે જયારે રડવા માંગતી હોય ત્યારે પણ હસાવી દે. જે મને બદલવાની કોશિષ ન કરે પણ જેવી છે તેવી જ સ્વીકારે. જે ખુશ કરવા ખાતર ખોટું બોલવા કરતા કડવું સત્ય બોલી કદાચ દુઃખી કરે પણ તમારા જ ફાયદા માટે હોય, જે તમને નિષ્ફળતા ઉપરાંત પણ જીવનની શ્રેષ્ઠ ઊંચાઈ સુધી પહોચાડવામાં સાથ અને પ્રેરણા આપે.’ એ જ તો સાચો પ્રેમ છે. બાકી તો કદાચ પોતે આકર્ષણને પ્રેમ સમજી બેઠી હશે’ તેવું લાગ્યું. એના મનમાં વાતો ઉલચતી રહે, ‘પોતે વફાદારી નિભાવતી રહી તે છતાં એકલી જ રહી ગઈ. મે જોયેલા સપના આંસુઓમાં જ વહી ગયા.’

પ્રેમ અને આકર્ષણ બે અલગ-અલગ બાબતો છે. હ્રદયમાંથી જન્મે તે પ્રેમ. તેની ઈનીંગ હંમેશા લાંબી જ હોય છે. લવ એટ ફર્સ્ટ સાઇટ એ આંખોને આંજનારું હોય છે જે ક્ષણજીવી હોય જયારે સદગુણોથી આત્મા અંજાય તો દેખાવ તો આપમેળે જ ગમી જાય. હૃદયથી કરેલો સ્વીકાર સુખ શાંતિ આપી શકે છે. પ્રેમ હોય તો તેની ગેરહાજરીમાં પણ હાજરી મેહસૂસ થાય છે. પ્રેમમાં તો સ્વાર્થ અને બદલાની ભાવનાને સ્થાન જ હોતું નથી. માલિકીભાવ, ઈર્ષા પણ ન હોય. આજકાલ મોટેભાગે સુંદર દેખાવ, સંપત્તિ અને સમૃદ્ધ ભવિષ્ય જોઈને –તપાસીને કરેલા સેટિંગ ને જ ‘પ્રેમ’ ગણાવી દેવાય છે. યુવક તનની સુંદરતા અને યુવતી ધનની ભવ્યતાની શોધ કરતા રહે છે. ‘હૂક અપ્સ’ ના જમાનામાં વફાદારીની આશા રાખવી નિરર્થક છે. એ તો માત્ર એટલું જ ઈચ્છતી હતી કે બંન્ને પરસ્પર સન્માન જાળવે અને ખુશ રહે અને રાખે.

મૌલીને તાગ મળ્યો, આ પ્રેમ નથી પણ આકર્ષણ છે જે હવે ઓગળી રહ્યું છે. પોતે હવે સંકલ્પને ડીસ્ટર્બ નહિ કરે. પોતે પ્રેમ કરે છે તો કરતી રહેશે પણ આત્મસન્માન ઘવાય તે રીતે તેનું વર્તન સહન નહિ કરે. જો તેનો પ્રેમ સાત્વિક હશે તો તેને પોતાની ભૂલ સમજાશે અને તે મૌલીને પૂરા માન-સન્માન સાથે સ્વીકારશે. તેની કદર કરશે અને તેને દરેક બાબતમાં પ્રોત્સાહન આપી તેની પ્રગતિમાં સાથ આપશે. થોડા સમયમાં જ સંકલ્પને સમજાઈ ગયું કે જે કઈ થયું તે માટે પોતે જવાબદાર છે. પોતાના વર્તન બદલ પસ્તાવો થયો તેને થયું કે પોતે મજાક મજાકમાં મૌલીને ઘણું દુઃખ પહોચાડ્યું છે. તરત જ તેને ફોન કર્યો અને માફી માગી. મૌલીના મનમાં કાજલ ઓઝા વૈદ્યના શબ્દો પડઘાયા, ‘પ્રતિક્ષા કરનારમાં જો ધીરજ હોય તો ગમે તેટલો દૂર નીકળી ગયેલો વ્યક્તિ પણ પાછો ફરીને આવી શકે છે.’ સંકલ્પ મૌલીના ઘેર જ જઈને મૌલીના માતા-પિતાને મળ્યો. પોતાના પ્રેમનો એકરાર કર્યો. તેને સમજાઈ ગયું કે પ્રેમમાં હોવું એટલે પરસ્પરના સુખ-દુઃખ વહેંચીને એકબીજાને સંભાળી લેવાના હોય છે. મૌલી ખુશ હતી તેને વિશ્વાસ હતો સંકલ્પ પર કે તે હવે મારા આત્મસન્માનને ઘાયલ નહિ કરે.


Rate this content
Log in

Similar gujarati story from Romance