Parul Desai

Inspirational

4.5  

Parul Desai

Inspirational

આત્મસન્માન

આત્મસન્માન

5 mins
432


“અરેરે ! સવિતા પર તો આભ તૂટ્યું. ભરજુવાનીમાં વિધવા થઈ છે. બે બાળકોએ હજી તો ભણવાની શરૂઆત કરી. ત્યાં જ ધણી ઈશ્વરને વ્હાલો થઈ ગયો. હવે એનું કોણ પોતાનું કહેવાય એવું ? હવે તો શું ? બીજું “ઘર” માંડી લે તો સહારો મળે.” ૩૧ વર્ષની સવિતાના પતિનું મૃત્યુ થતાં બેસણામાં જ બધી વાતચીત થવા માંડી. કોને રોકી શકાય. પોતે તો ૭ ધોરણ પાસ, પતિ મનસુખ પણ ૧૦ ચોપડી પાસ હતો પણ મહેનતુ હતો. ગાંઠિયાની રેકડી પોતાની હતી. તેમાંથી જ ગુજરાન ચાલતું. નાનું એવું ખોરડું પણ હતું તો ‘પોતાનું’. ભાર્ગવ ૧૦ વર્ષનો અને જયા ૮ વર્ષની. બન્ને ને ભણાવાનું નક્કી કર્યું હતું તે એક શાળામાં ભણવા મુકેલા. સરકારી શાળાની હાલત તો પોતે સમજતા હતા એટલે ઓછી ફી પણ ભણતર સારું એવી શાળામાં અભ્યાસ કરાવતા હતા. સ્વાદપ્રિય શહેરમાં ખાદ્યપદાર્થો વેચનારને કમાણી તો સારી થતી હોય છે. એટલે સવિતા ઘર જ સંભાળતી. બીજું કઈ કમાણીનું સાધન ન હતું. નાનું કુટુંબ સુખી કુટુંબ. સંતોષી હતા. માટે જ જાજુ ભેગું કરવાને બદલે એક નાનું ખોરડું, જરૂરિયાતની બધી વસ્તુઓ પણ ખરી. ક્યાંય હાથ લાંબો કરવાની આદત નહિ.

 સવિતાને કાને “બીજું ઘર માંડે તો સહારો મળે” એ જ શબ્દો પડઘાયા કરે. સાસુએ પણ સમજાવી, જો સવિતા, ‘તારે બીજે પરણવું હોય તો તને છૂટ, છોકરાવને લઈ જા તો ભલે બાકી હું મજુરી કરીને ઉછેરી લઈશ.’ ‘બા, એમ કાં બોલો ? હું ય મા છું તમે તમારો દીકરો ખોયો એ તો ઈશ્વરની મરજી. પણ હું કંઈ હાથે કરીને મારા બે છોકરાવને મેલીને હાલી જાઉં ?’ એમ હું ‘તમારા દીકરા’ને ભૂલીને બીજે થોડી જાઉં ? ‘હું કંઈક કરી લઈશ.” સાચે જ એમ કાંઈ આર્થિક સ્થિતિ માટે મનસુખને ભૂલીને કોઈ ‘બીજાની’ પોતે નહિ થાય, આ તો જન્મોના બંધન. એમ કંઈ વિધવા થઈ એટલે બીજે પરણી જાય ? બાળકોને સાવકા બાપને હવાલે કરી દે એવી સવિતા ન હતી. લોકો ગમે તે કહે પણ આત્મસન્માન જગાવીને પોતે માર્ગ શોધી લેશે. દસ દિવસમાં થોડી કળ વળતા જ ગાંઠિયાની લારીને સાફ કરી.

 ‘લે, આ જો. આ લોટમાં આમ બધું નાખીને કઠણ બાંધજે.’ મનસુખ કહેતો અને એ પ્રમાણે ક્યારેક અમસ્તા જ અહી આવતી ત્યારે ગાંઠિયાનો લોટ બાંધવામાં મદદ કરી લેતી. વાર તહેવારે ઘરાકી વધુ હોય તો ગાંઠિયા તળેલા ખરા પણ વળેલા અને ફાફડા ગાંઠિયા બનાવાની આવડત નહિ. ‘લારી વેચી નાખ, આ ભાયડાનું કામ. તું શું કરીશ ?’ પડોશીઓ કહેવા લાગ્યા. પણ મહેનત એ જ સ્ત્રીનું બીજું નામ. મનમાં ગાંઠ મારીને ગાંઠિયા શીખશે એવો નિર્ધાર કર્યો. લુઓ કરે પાટલા પર લાંબો તાણે, વણેલા કરતા વધુ વાર લાગે, થોડું દબાણ આપીને પ્રેકટીસ કરે. એમ કરતા કરતા ૩-૪ દિવસમાં તો સારા ગાંઠિયા આવડી ગયા. બસ પછી તો રોજનો ક્રમ. બાળકોને સ્કૂલે મૂકીને પોતે હોસ્ટેલ બહાર લારી રાખે. અને રવિવારે સારા રહેણાંક વિસ્તારમાં ગરમાગરમ ગાંઠિયા-મરચાં- સંભારો બધું જ તાજેતાજું વેચાણ કરે. કયારેક કોઈ આભું બની પૂછી લે, ‘ લે, બેન તમે ગાંઠિયા વણો-તળો અને આમ લારીએ ઊભા રહો ? કેવું લાગે ?’ સવિતા ઠાવકાઈથી જવાબ આપે, ‘ હું ભણી નથી પણ એ તો ખબર કે બધી લેડીજ નોકરી કરે, મોટા મોટા વેપાર સંભાળે, અરે મે તો ઈ પણ સાંભળ્યું છે કે ચંદ્ર ઉપર ય જાય છે. તો હું ય આ કરી જ શકું ને !’

દિવસનો સમય અને જાગતો એરિયા એટલે કોઈ બીજી તકલીફ પણ નહિ. સ્ત્રીઓ તો જાણે જન્મજાત જ હોશિયાર. વધુ બનાવે જ નહિ કે જેથી વાસી પીરસવું પડે. સ્વચ્છતા પણ એટલી જ. તેલ- લોટ- મસાલા બધું પણ સારું વાપરે. ભલે થોડો નફો ઓછો થાય પણ ક્વોલિટીમાં બાંધછોડ નહી. ત્યાંથી ગાંઠિયા લેવા બધાને ગમે જ ને ! માલ ખલાસ થઈ જાય તો લારી “વધાવી” લઈ ઘેર જતા રહે. પણ ક્યારેય રાતની વધેલી ‘કણક’ બીજે દિવસ વાપરે નહિ. હોય એટલું બધું બનાવી ન વેચાયેલું ગરીબોને આપીને પ્રેમથી જમાડે. આત્મસન્માન જાગે એટલે દરેક બાબતમાં સફળતા આપે. પછી તો તેણે બીજાને ત્યાં ઓર્ડર મુજબ ગાંઠિયા-જલેબી બનાવવા જવાનું પણ શરુ કર્યું. લગ્ન હોય કે કોઈ પ્રસંગ કે મેળાવડો ગાંઠિયા તો બસ સવિતાબેનના જ. મોટો ઓર્ડર હોય તો કોઈને મદદ માટે લઈ જાય અને તેને પણ પ્રેમથી મહેનતાણું ચૂકવે. આમ જ સરસ બધું ચાલતું હતું. હવે તો ભજિયા-ગોટા- વડા પણ એવા જ સ્વાદિષ્ટ બનાવે. હવે લારીને બદલે એક નાની જગ્યામાં ટેબલ – ખુરશીની વ્યવસ્થા કરી છે જેથી કોઈએ ઊભા ઊભા નાસ્તો ન કરવો પડે. પછી તો બીજી એક જરૂરીયાતમંદ બહેનને પગારદાર તરીકે રાખીને ચા-કોફી પણ શરુ કર્યાં. આદુ- ફુદીનો અને મસાલાવાળી ચા પણ મળે અને સાદી ચા પણ મળે. અરે શિયાળામાં તો કાવો પણ રાખે. તો ઘણા માત્ર કાવો પીવા પણ આવે.. ક્યારેક તો માત્ર ચા-કોફી પીવા પણ કોલેજિયન કે કર્મચારીઓ આવી જાય. કામ કામને શીખવે. ચા સાથે ગાંઠીયાની લિજ્જત ત્યાં જ માણવી હોય તો સવિતાબેનને ત્યાં જ જવાનું ગમે. ગ્રાહક જ ઈશ્વર,ગ્રાહક જ સર્વોપરી. એ જ અન્નદાતા એમ માની નાના બાળકો હોય કે અશક્ત કોઈને પણ છેતરવાની વૃતિ વગર જ પોતાનો વ્યવસાય કરે. ઘણા કોલેજીયન તો ચા-કોફી- નાસ્તાનો મહિને એકસાથે હિસાબ ચૂકવે. તો એની પણ નોંધ કરી હોય. ક્યાંય કોઈ ગરબડ ન કરે. સમય સરતો ચાલ્યો. જૂના વિસ્તારનું એ ખોરડું પાડીને હવે ૧ રૂમ રસોડું નીચે અને ૨ રૂમ ઉપર એમ પાકું ચણતર કરાવી લીધું.

ભાર્ગવ ૮માં ધોરણના વેકેશનમાં દુકાને આવીને બોલ્યો, મા, માર્કેટનું બધું કામ હું કરી લઈશ. લીસ્ટ આપ.’ ‘અને હા, હમણાં આખું વેકેશન હું હિસાબ સંભાળી લઈશ.’ સવિતાને ગૌરવ થયું. બંને ભાઈબહેન મળીને ઘરકામ આટોપી લે. અહીં બટેટા છોલવામાં અને માવો કરવામાં અને વડા બનાવવામાં મદદ કરે. જેથી પોતાની મા ને એટલું ઓછું. મહેનત કરતા જોઈને સંતાનો પણ એ જ શીખે ને. કુટુંબીઓ તો આભા જ બની ગયા. ભલે આજે સારી કમાણી કરતી હતી પણ મનમાં એક રંજ હતો કે પોતે સાવ ૭ જ પાસ છે તે હવે જયા સાથે ધોરણ ૧૦ની પરીક્ષા પોતે પણ આપી. સવિતાનો ઈન્ટરવ્યુ પ્રકાશિત થયો ત્યારે કહ્યું, ‘ જરૂરીયાત જ કોઈ શોધની માતા છે. એમ મેં પણ જરૂરિયાતમાં આ બધું કર્યું અને ખુમારીથી ખુશી-ખુશી જીવન જીવી છું. બંને સંતાનોને માતા-પિતા બંનેનો પ્રેમ અને હૂંફ આપવાની કોશિશે જ મને અહીં પહોચાડી છે.’ આજે ૧૦ વર્ષની મહેનતે મને આ ‘બંગલા’માં રહેવાની સફળતા આપી છે. મારા સાસુ એ પણ મને સાથ આપ્યો છે.’

સવિતાબેનના આપેલા સંસ્કાર અને શિસ્ત ઉજાળીને બન્ને સંતાનો ઉચ્ચ શિક્ષણ લઈને સારી નોકરીએ લાગી ગયા છે એટલે હવે સવિતાબેને કારીગરો રાખીને હિસાબ સંભાળવો એમ નક્કી કર્યું. કોઈ પણ ગ્રાહક હોય કે ઓર્ડર હોય સુપરવાઈઝર તરીકે તો હાજર રહે જ. ગુણવત્તામાં કોઈ ફેર નહિ. બધું જ તાજું. જો કોઈ ચીજ વધી હોય તો ગરીબોને ગરમાગરમ ગાંઠિયા-જલેબી કે ભજીયા પ્રેમથી ખવરાવાનો નિયમ ચાલુ રાખ્યો છે. એને ત્યાં આરોગ્ય વિભાગ દરોડો પાડે તો કોઈ વાસી ચીજ હાથમાં ન આવે એવી નિષ્ઠા-પ્રમાણિકતા વર્ષોથી જાળવી રાખી છે.

ગત વર્ષે ૮મી માર્ચે સવિતાબેનનું એક સંસ્થાએ સન્માન કર્યું તે પ્રસંગે તેણે કહ્યું, ‘મે કપરા સંજોગોમાં નિરાશ થયા વગર અને સમાજ શું કહેશે એવા વિચાર વગર મારા બાળકો માટે મહેનતનું કાર્ય પસંદ કર્યું હતું. સાચો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ નથી જતો. તમે કાર્ય શરુ કરો ઈશ્વર તમને એમાં સાથ આપશે. તમે જાત પર વિશ્વાસ રાખો એ મહત્વનું છે.’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational