Asha bhatt

Tragedy Thriller

4.6  

Asha bhatt

Tragedy Thriller

ભગવાનનાં આશીર્વાદ

ભગવાનનાં આશીર્વાદ

6 mins
391


 "બુન કંઈ આલોને ' અવાજ સાંભળતા જ વિવેકે બૂમ પાડી અરે ! સાંભળે છે દિવ્યા... પેલી શાન્તા કયારની બૂમો પાડે છે એને કંઈ આપવાનું હોય તો આપી દેને... હા હું એને જ દેવા જાવ છું કહેતી દિવ્યા થોડું જમવાનું અને જુની સાડી લઈ નીચે ઊતરી, સાડી ને જમવાનું શાન્તાને આપ્યું, લે શાન્તા આ સાડી મેં તારા માટે કાઢી રાખી છે, પહેરજે અને માંગવા નીકળ ત્યારે તારી આ છોકરીઓને ઘરે મુકીને આવતી હોય તો અમસ્થા અમસ્થા જ બિચારા તડકો ખાય છે. બુન ઝૂંપડી માં કોણ હોય તે ઈને ના મુકીને આવું ઈ નો બાપ તો કચરો વીણવા નીકળી ગયો હોય છે, છોકરીઓની જાત રેઢી થોડી મેલાય..વળી મારી હારે હોયને ભુખ્યું થઈ ને તમારાં જેવા બુન કંઈ આલે તો હારે હારે ખવરાવતી જાવ...તી ઈને મારી હારે હારે રાખું છવ...ઠીક છે લે આ જમવાનું તેને જમાડી લે મારે ઘણા કામ છે.

     દિવ્યા અને વિવેક શહેરનાં પોશ એરિયામાંના બે બેડરૂમનાં ફલેટમાં રહેતા હતા, વિવેકને બજારમાં સૂકા મેવાની હોલસેલની દુકાન હતી, દુકાનમાં 25 માણસો કામ કરે તેવી ભગવાનની કૃપા હતી, પણ ઘરમાં શેર માટીની ખોટ હતી, દિવ્યા અને વિવેકને સંતાન ન હતું ઘણા ડોક્ટરોની દવા લીધી, ઘણા રિપોર્ટ કરાવ્યા, ઘણી બાધા આખડી રાખી, છતાં ભગવાને તેની મનોકામના પૂરી કરી ન હતી. છેલ્લે તો આઈવીએફ ટ્રીટમેન્ટ આવતા તેની પણ ત્રણ ટ્રીટમેન્ટ લીધી, પણ તે પણ નિષ્ફળ ગઈ હતી. લગ્નનાં 15 વર્ષે આજે પણ તેઓનાં ઘરે પારણું બંધાયું ન હતું. ડૉક્ટરોએ અને સગાસંબંધીઓએ હવે દિવ્યાને બાળક એડોપ્ટ કરવાની સલાહ આપતા હતા. પણ દિવ્યા કહેતી મારૂં મન કરે તો હું બાળક ખોળે લઈ લઈશ. 

    આજે ફરી પાછી પેલી શાન્તા તેની ચારેય છોકરીઓને લઈ માંગવા આવી, દિવ્યા જમવાનું લઈ તેને આપવા ગઈ, જોયું તો શાન્તાનું પેટ ફરી ઉપસેલું હતું. અરે ! શાન્તા શું તુંય પણ હવે કેટલા છોકરા કરીશ એક તો આ ચાર દીકરીઓ બે તમે છ જણનું માંડ માંગીને કચરો વીણી ને પેટ ભરો છો...હવે હવે આ સાતમું આવશે... કેમ કરી બધાને સાચવીશ. ઈ તો બુન એવું છેને "છોકરા ભગવાનનાં આસીરવાદ" ગણાય, ઈમા આપણું કઈ ન્ હાલે, આટલી છોકરીઓ છ ભગવાન ઈક દીકરો આલી દે તો ઘડપણમાં માંગવા ના જાવું પડેય..થોડા ઘર વધારે માંગી લઈશ, કહેતી શાન્તા તેની દોઠ વરસની છોકરીને કાખમાં તેડી બીજા ઘરે માંગવા નીકળી ગઈ.

ઘરમાં આવતાં જ દિવ્યા સોફા પર ફસડાઈ ગઈ. વાહ રે ! ભગવાન તારી માયા પણ કેવી છે જયાં ખાવાનું નથી ત્યાં આટલાં બધાં સંતાનો આપે છે અમારે કોઈ વસ્તુની ખોટ નથી તો મારા કુખે તે શેર માટીની ખોટ રાખી !!! તારી માયા તું જ જાણે ભગવાન.... દિવ્યા કયાંય સુધી સોફા પર બેસી રહી. વિવેક દુકાન વધાવી ઘરે આવ્યો ત્યારે માંડ ઊભી થઈ.

   હવે દિવ્યા શાન્તાનું ખાસ ધ્યાન રાખતી. બિચારી બે જીવી છે ! મને તો ભગવાને આવાં દિવસો ન દેખાડયા પણ જેને દેખાડયા છે તેની તો સારી સંભાળ રાખું. શાન્તા જયારે જયારે માંગવા આવે, ત્યારે ત્યારે તેને સારૂં સારૂં જમવાનું આપે, કોઈક વાર તો તેને થોડીવાર બેસાડીને ગરમ ગરમ જમવાનું બનાવી દે. 

   હમણાંથી બે એક મહિનાથી શાન્તા દેખાણી નહીં, દિવ્યાને થયું લાગે છે તેને ડીલીવરી આવી હશે... સારૂં ભગવાને તેને દીકરો આપી દીધો હોય તો...મારી તો મનોકામના પૂરી ન થઈ પણ તેની મનોકામના પૂરી થઈ જાય ! ત્રણ ચાર મહિના થતાં એક દિવસ શાન્તા ફરી માંગવા આવી મેલાઘેલા કપડામાં તેનું છોકરું વીટાળેલું હતું. શાન્તાનો અવાજ સાંભળતા જ દિવ્યા જમવાનું લઈ જલ્દી જલ્દી નીચે ઊતરી, આવી ગઈ શાન્તા ? દીકરો આવ્યો ને ? ના બુન પાછી છોકરી જ આવી... 'દીકરો હોત તો હારૂ હોત પણ જેવી ભગવાનની મરજી' કહેતી એક ખુણામાં દીકરીને પેટ ભરાવવા બેસી ગઈ..

અચાનક દિવ્યાનાં મનમાં એક ઝબકારો થયો....હેં શાન્તા તારે ચાર ચાર દીકરીઓ હતી, આ પાંચમી દીકરી આવી...જો તું મારી વાત માને તો એક વાત કહું..આ પાંચમી દીકરી મને આપી દે ! અમારે કોઈ બાળક નથી હું તારી દીકરીને દત્તક લઈ લઉં, તારી દીકરી મને આપી દે તો તેની જિંદગી સુધરી જશે,અમે તેને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવીશું.... તારી દીકરીનું નસીબ ખુલી જશે બદલમાં હું તને... આ હુ બોલ્યા બુન આપણું છોકરું થોડું કોઈને આલી દેવાય... દિવ્યાની વાત વચ્ચેથી જ કાપતાં શાન્તા બોલી ' મી ઈને જનમ આપ્યો છેહ ઈ તો ભગવાન ના આસીરવાદ છેહ ' ઈને થોડી આપું...?

જો શાન્તા તારે જોઈએ એટલા પૈસા લઈ લે અને આ દીકરી ના બદલમાં તારા વરને કોઈ ધંધો ચાલુ કરાવી દઈએ પછી તારે માંગવા જાવું નહીં પડે અને તારા વરને કચરો વીણવા નહીં જાવું પડે તારી આ ચારેય છોકરીઓ પણ ભૂખી નહીં રહે. 

    ના બુન હવે આવુ ની કે'તા નકર હું આઈ માંગવા નહીં આવુ આ ભગવાનની દીધેલી છે ઈ મારા ભગવાનના આસીરવાદ છેહ ઈને તો નહીં વેચુ બે ઘર વધારે માંગી લઈશ કહેતી શાન્તા જલ્દી જલ્દી છોકરીઓને લઈ ત્યાંથી નીકળી ગઈ. 

    દિવ્યા ઘણી નિરાશ થઈ ગઈ પણ થોડા દિવસોમાં બધું ભૂલી ગઈ. શાન્તા હવે બહું ઓછું માંગવા આવતી, અને આવે તો કંઈ વાતો કર્યા વગર જલ્દી જલ્દી જતી રહેતી. 

    આમ ને આમ દિવસો મહિનાઓ વિતવા લાગ્યાં. અચાનક ચાઈનાની ચાલ ગણો કે તેની ભેટ.. દેશમાં કોરોના નામની મહા બિમારીનું આગમન થઈ ગયું. વડાપ્રધાને આ કોરોનાના રોગોને નાથવા લોકડાઉન જાહેર કરી દીધું. લોકડાઉનનાં હિસાબે હવે વિવેક ઘરમાં જ રહેતો. હવે દિવ્યાને એકલું બહું ઓછું લાગતું. તેને વિવેકનો સંગાથ મળી રહેતો. પતિ અને પત્ની પોતાના જીવનની ખાટી મીઠી વાતો યાદ કરતાં, ભગવાનને શેર માટી ની ખોટ રાખી તેનો અફસોસ દિવ્યા કરતી. વિવેક તેને આશ્વાસન આપતો તું ચિંતા ના કર, આ લોકડાઉન ખુલે પછી આપણે અનાથાશ્રમમાં જઈ તું કહે તે બાળક આપણે દત્તક લઈ લઈશું.. પછી આ તારો અફસોસ નહીં રહે. અત્યારે આપણને સાથે રહેવાનો મોકો મળ્યો છે તો આપણે આપણી લાઈફ એન્જોય કરીએ.

      આમને આમ એક દોઢ મહિનો જતો રહ્યો, કોરોનાના કેસ થોડા ઓછા થતાં લોકડાઉન થોડું હળવું કરવામાં આવ્યું લોકોને થોડી ઘણી બહાર નીકળવાની છુટ આપવામાં આવી, વિવેક શાકભાજી વગેરે જરૂરી ચીજવસ્તુઓ લેવા બજારમાં ગયો. દિવ્યા ઘરમાં એકલી જ હતી...

બુન કંઈ હોય તો આલોને ...દિવ્યાને અવાજ સંભળાયો, ગેલેરીમાંથી જોયું તો શાન્તા તેની નાની દીકરીને તેડીને ઊભી હતી. દિવ્યાએ ઘરમાં જે કંઈ જમવાનું પડયું હતું તે લઈ નીચે ઊતરી..લે શાન્તા કહેતી તેણે શાન્તાને જમવાનું આપ્યું. 

     એ સાથે જ શાન્તા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, ' બુન તમે કહેતાં હતાં ને તમારે આ છોકરી જોઈએ છે...લો બુન તમે આ છોકરીને લઈ લો... પણ અમને બધાને થાય તેટલું જમવાનું આલો બુન અમે કટલાય દાડાથી ભૂખ્યા છય,પોલીસવાળા બારા નીકળવા દેતા નહીં અને નીકળવા દે તો કોરોનાના હિસાબે અમને પણ કોરોના હશે ઈ બિકે કોઈ અમને ખાવાનું આલતું નથ ' બુન છોકરી તમે લઈ લો તેનું જે કરવું હોય તી કરો પણ અમને ખાવાનું આલો.

      દિવ્યા તો દીગમુઢ બની શાન્તાની સામે જોવા લાગી, કળ વળતાં તેણે શાન્તાને પાણી આપ્યું. ના શાન્તા ના એવું કંઈ નથી કરવું, લે તું આ જમવાનું લે...

     ના બુન આટલાથી અમને કાઈ ના થાય બુન, અમે કટલાંય દાડાથી ભૂખ્યા શય આ છોકરી તમે રાખી લયો... તું તો કહેતી હતી ને છોકરાં ભગવાનનાં આશીર્વાદ કહેવાય, તેને ન વેચાય વચ્ચેથી શાન્તાની વાત કાપતાં દીવ્યા બોલી. પણ બુન એક છોકરું વેચવાથી મારી ચારેય છોકરીઓ અને મારા ધણીનું તો પેટ ભરાયેને. હવે તો કચરો પણ નત હોતો તી મારો ધણી વીણવા જાય, એક છોકરી વેચવાથી મારી ચારેય છોકરીઓ ભૂખી નહીં રે...બુન.. કહેતી શાન્તાએ ફરી ધ્રુસકો મુકયો. 

     છાની રે શાન્તા તારે તારી દીકરી વેચવાની જરૂર નથી, મારે તારી દીકરી વેચાતી નહોતી લેવાની મારે તેને ખોળે લેવાની હતી, તું અત્યારે આ જમવાનું લેતી જા કાલે અમે બન્ને તમારાં વિસ્તારમાં આવશું. તમારાં અને તમારાં જેવા બીજા પરિવાર માટે પણ જયાં સુઘી લોકડાઉન ખુલે નહીં ત્યાં સુધી જમવાની વ્યવસ્થા કરીશું. આ તારા 'ભગવાનના આશીર્વાદ' ભલે તારી પાસે રહેતાં તારા આશીર્વાદ લઈ લેવાનું પાપ હું નહીં કરૂં. દિવ્યાએ શાન્તાને માંડ માંડ ઘરે મોકલી. 

ઘરમાં આવતાં જ દિવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયાં. તે ભગવાનને પ્રાર્થના કરવાં લાગી " હે ભગવાન ! હે ઈશ્વર ! હે પરમાત્મા ! તારી માયા તું જ જાણે, આ પરિસ્થિતિમાંથી અમને બધાને પાર ઉતાર, અમને ખબર છે તે માણસોને પરિક્ષાની એરણે ચડાવ્યા છે, પણ હે ભગવાન એવી પરીક્ષા ન લે કે કોઈ સ્રીએ પોતાનું અને પોતાના માણસોના પેટ ભરવા આ હદ સુધી જવું પડે. ' તું બધાને ભૂખ્યા ઉઠાડે છે કોઈને ભૂખ્યા સુવાડતો નથી ' તારી આ કહેવત ખોટી પડતી હોય તેવું લાગી રહ્યું છે. કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો હે પરમાત્મા ! આ કપરાં કાળમાં એટલું ધ્યાન રાખજે કે કોઈ સ્રી સંજોગો સામે હારી આમ તારા આશીર્વાદને વેચવા ન પડે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy