Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

બેસતાં વર્ષની બબાલ

બેસતાં વર્ષની બબાલ

6 mins
497


દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ બેસતાં વર્ષ વિશેનો લેખ લખી રહ્યો છું. આમ તો મારા ડોળારૂપી કેમેરા મારફત નિરીક્ષણની મદદથી નવા વર્ષનો ઘણો "નાસ્તો" ભેગો થઈ ગયો હતો પણ તેને યોગ્ય રીતે તાસકમાં ગોઠવતાં ગોઠવતાં દેવદિવાળી આવી ગઈ. હાસ્યને જો બાજુ ઉપર મૂકીએ તો ખૂબ જ સારી વ્યવસ્થા છે કે દરેક જણ એકબીજાને શુભેચ્છાની આપલે અર્થે પણ મળી લે છે ખરા. બાકી તો અત્યારના વોટ્સએપિયા યુગમાં ત્રણ શબ્દોની શુભેચ્છા સાથે એક ભમ્મર વગરનું ઈમોજી મોકલી આપે એટલે બસ થઈ ગયું નવું વર્ષ.. સંબંધો પણ હવે આંગળીને ટેરવે રખાતા થઈ ગયા છે.. શું કરો ? વોટ્સ એપ ઈચ્છા બલિયસી.. ઈમાનદારી પૂર્વક કહું તો હું પણ આમાંથી બાકાત નથી પરંતુ થોડું ઘણું તહેવારનું માન રાખવા માટે પણ પગ ઘસીને આડોશ પાડોશ અને નજીકના સગાંને ત્યાં જઈ આવું ખરો.(થોડો ઘણો મારો બચાવ કરવા બદલ ક્ષમા)

બેસતા વર્ષની સવારે તહેવારને શોભે એવા વાઘા સજી ને હું અને મારા પત્ની (પત્ની શબ્દ આગળ "ધર્મ" શબ્દ નો ઉપયોગ ના કરી ને હું મારા નિર્ણયમાં ધર્મ ને વચ્ચે નથી લાવતો) અમારી પાડોશ મા રહેતા પટેલ કાકા ને ત્યાં જઈ પુગ્યા. "આવો આવો.. .સાલ મુબારક (ત્રણ વખત વાંચવું) ની ઝિંકા ઝીંક પછી સોફા ઉપર બેસવાનો મોકો સાંપડ્યો.. કારણ વગર નું હસતાં હસતાં અને ઘૂંટણ ઉપર હથેળીઓ ઠપકારતા બેસી રહ્યા.. ..પટેલ કાકા ઉવાચ "શું કો છો ? કેવી રહી દિવાળી ?" આવું પૂછી ને મને માપતી નજરથી જોવા લાગ્યા.. કદાચ એવું હશે કે મારો જવાબ કેવો લાગે છે તેના ઉપરથી નક્કી કરશે કે અમને નાસ્તો ધરવો કે નહીં.. .અને મેં પણ મુત્સદી જવાબ આપ્યો (નાગરો આમ પણ મુત્સદી હોય છે) "દિવાળી જ્યાં સુધી દીવાવાળી રહેશે ત્યાં સુધી સારી.. જ્યારે દેવાંવાળી થશે ત્યારે જોઈશું" અને મારો જવાબ ખૂબ જ ગમ્યો હોય તેમ હો.. .હો.. .હા.. .હા.. .હી.. .. હી ના હોંકારા પડકારા કરતું હાસ્ય ફેંકી ને પટેલ કાકા જોર જોરથી સોફા ઉપર રીતસર ના ઉછળવા માંડ્યા.. ."એકદમ સાચી વાત કરી તમો એ.. ..વાહ" ત્યાંજ અંદર ના ઓરડામાંથી તેમના પટલાણી બહાર ધસી આવ્યાં.. . તેમણે નવેસરથી આવો આવો અને સાલ મુબારક નો અહાલેક લગાવ્યો.. .ફરી પાછું કૃત્રિમ હાસ્ય રૂપી શાંતિ છવાઈ ગઈ.. .. દિવાન ખંડમાં વચ્ચે ટીપોય ઉપર નાસ્તા ભરેલી તાસકો ને લાજ કાઢેલી મુદ્રા મા મુકી હતી (એટલે ઢાંકેલી). કાકી મહા મહેનતે ઊભા થયા અને ટીપોય નજીક આવી ને નાસ્તા ની તાસકો ઉપરથી પડદો હટાવ્યો. મઠિયાં, મગસ, ચેવડો, ફાફડા (જેટલી વાનગીઓ ઓળખી શક્યો એટલી લખી છે.. .બાકી ની ખાઈ ને લખીશ) ડોકિયું કરી ને અમારી સામુ જોવા લાગ્યા.. .જાણે અમારી સામુ ઘુરકિયા કરી ને કહેતા ના હોય કે "આવો.. ગચકાવી દ્યો અમને તમારા પેટ મા". નવા વર્ષ નિમિત્તે આમ તો આ બધા નાસ્તા જોઈ જોઈ ને જ પેટ ભરાઈ જાય, પણ થોડું તો થોડું.. .ખાવું તો પડે જ, એટલે એ વાત ને અનુસરી ને હું હળવેકથી ઉભો થયો અને ત્યાં રાખેલી એક ખાલી પ્લેટ હાથ મા લઈ ને ચેવડા ઉપર મારી પસંદગી ઉતારી.. .. હજી તો હું ચેવડો મારી પ્લેટ મા ભરું તે પહેલાં તો કાકી એ હુકમ છોડ્યો.. ."ભઈ.. .મઠિયાં ખાવ.. .અમારા પટેલો ના મઠિયાં છે.. ..". મારે મઠિયું નહોતું ખાવું તો પણ લેવું પડ્યું.. .તકલીફ આજ થાય છે.. .. જ્યાં પણ જાવ તો તમારે જે ખાવું હોય તે ખાવા જ ના દે અને ભળતું જ ખવડાવે. મોઢું થોડું કટાણું કરી ને મઠિયાં ને મારી પ્લેટમાં સ્થાન આપ્યું.. .ચેવડા સમક્ષ દયામણી નજર કરી ને હું મારી જગ્યા એ પાછો બેસી ગયો. થોડી ઘણી વાતો ના વડાં કરી ને અને ઊભા થયા. મારા શ્રીમતીજી એ પટલાણી કાકી ને પણ ભાવભીનું આમંત્રણ આપ્યું અને ત્યાંથી નીકળ્યા. 

પટેલ કાકા ને ત્યાંથી નીકળી ને અમે બીજે ઘરે ગયા, એવી આશા સાથે કે અહીં કોઈ બળજબરી નહીં કરવામાં આવે.. .નાસ્તો ખાવા ની બાબતે જ સ્તો. જોષી કાકા ને ત્યાં પહેલેથી જ એક કુટુંબ બેઠું હતું અને તેમાં અમે જઈ ચડ્યા.. ફરી પાછી એજ ઔપચારિકતા અને સાલ મુબારક નો હુમલો. જે લોકો બેઠા હતા તેમને પણ નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી ને અમે સાંકડે માકડે બેઠા. "આ વખતે તો બહુ ફટાકડા ફૂટ્યા.. .ખરેખર આ બધું નિયંત્રિત કરી દેવું જોઈએ.. .અવાજ અને ધુમાડા એ તો દમ કાઢી નાખ્યો" જોશી કાકા ફટાકડા ને શ્રાપ આપતી વાણી એ વખોડ્યા. જોષી કાકા દમ ના રોગી એટલે તેમને આ બધું અસહ્ય થઈ પડે. મેં પણ સંજોગો ને ધ્યાન મા લઈ ને તેમની વાત મા ટાપશી પુરાવી.. .. રખે ને અહીં ફરી પાછા મજબૂરીથી મઠિયાં ખાવા પડે તો ? બીજું જે કુટુંબ બેઠું હતું, તેમાં પતિ, પત્ની અને તેમનો એક ભારાડી પુત્ર હતા, જે વારે ઘડીએ પ્લેટ ઉપર ના રૂમાલ ઊંચા કરી કરી ને નાસ્તા ના દર્શન કરી લેતો હતો.. ."બંકી બેટા, તારે જે ખાવું હોય તે એક પ્લેટ મા લઈ લે, પણ આવું નહીં કરવાનું" બંકી ના પપ્પા એ હળવેથી ઠપકા ભર્યા સુર મા પેલા ને કહ્યું. તેની હરકતો જોઈ ને તેનું નામ બંકી નહીં પણ મંકી હોવું જોઈતું હતું.. ..ખેર, આ બધું છોડો. પેલા ભાઈ એ પોતાની પ્લેટ ભરી. જે ટીપોય ઉપર હતું તે બધું જ પ્રતીક રૂપે લીધું હતું. મને લાગ્યું કે આ તેમનું પહેલું જ ઘર હશે. હું પણ પ્લેટ મા મારી ઈચ્છા મુજબ નો નાસ્તો લઈ ને બેસી ગયો. ત્યાંજ મારી નજર પેલા ભાઈ ઉપર ગઈ. તેમણે પોતાની પ્લેટમાંથી રવા ની બરફી લઈ ને પોતાના મોઢાં મા મુકી.. ..હું તો અવાચક જ થઈ ગયો. પેલા ભાઈએ પોતાનું મગર છાપ મોઢું ખોલી ને ત્રણ આંગળી ને ટેરવે રવા ની બરફી પકડી ને છેક અંદર સુધી લઈ ગયા. કદાચ તેમને બરફી ઉપર વિશ્વાસ નહીં હોય કે આ પેટ મા જવા ને બદલે પાછી બહાર નીકળી જશે.. .. મને પેલા ભાઈ ને કહેવાની અદમ્ય ઈચ્છા થઈ આવી કે હે આર્ય પુરુષ.. .હવે હાથ આટલે સુધી લઈ જ ગયો છે તો પુરે પૂરો પેટમાં જ ઉતારી ને બરફી ને યથા સ્થાને ગોઠવી દે.. .પરંતુ સ્થળ અને કાળ ને ધ્યાન મા રાખી ને મેં મારા મોઢાં મા તીખી સેવ નો બુકડો ભરી દીધો, જેથી હું કઈં બોલી ના શકું. પેલા બંકી ઉર્ફ મંકી એ સરહદ ઉપર જેમ પાકિસ્તાની સૈનિકો જેમ છમકલાં કરતા હોય છે તેમ દિવાન ખંડની વ્યવસ્થા બગાડી ને જંપ્યો. આમંત્રણ વિધિ પૂરી કરી ને અમે ત્યાંથી નીકળી ને પાછા અમારા ઘરે આવ્યા. 

ઘરે આવીને હજી થોડા ઠરીઠામ થયા જ હતા ત્યાં મારા નજીક ના સગાં આવ્યા. મારા માતા પિતાની જૈફ વયને ધ્યાનમાં લઈને આજનાં નવા વર્ષ નિમિત્તે તેમના આશીર્વાદ લેવા આવે તે સ્વાભાવિક છે. અમારા દિવાન ખંડ મા સૌ ગોઠવાઈ ગયા.. ..ત્યાંજ મારા પ.પુ પિતાશ્રી ઉવાચ.. ."આ વર્ષે નાગરો ની ઘણી વિકેટો પડી" આટલું કહી ને તેમણે ૬થી ૭ જણા ના નામ આપી અને મોઢું ભારેખમ કરી ને બેસી ગયા.. .હવે વારો હતો અમારા ઘરે જે આવ્યા હતા તેમનો.. ..તે પણ કઈં ગાંજ્યા જાય એવા નહોતા.. ..મારા પિતાશ્રી એ ૬ - ૭ નામ આપ્યા તો તેમણે બીજા ૮ - ૧૦ નામો આપી દીધા, જેમાંથી હું ૧૦૦% કોઈ ને ઓળખતો નહોતો. મારા પિતાશ્રી પણ ઓળખતા તો નહોતા જ પણ આઘાતની મુદ્રા તેમના મોઢાં ઉપર ધારણ કરીને આંખો રૂપિયાના સિક્કા જેવડી મોટી કરીને પોતાનું દુઃખ પ્રગટ કર્યું.. .. .હવે આમાથી તેમણે કેટલું સાંભળ્યું તે તો ખુદ પોતે અને ભગવાન જ જાણે, કારણ કે છેલ્લા થોડા વખતથી તેમના કાનપુરમા હડતાળ પડી છે.. .આમા મઝા એવી થાય કે મારા પિતાશ્રી ને જે કહેવું હોય તે કહી દે પછી આપણે જે જવાબ આપીએ તે સાંભળે એ બીજા.. .બીજી બાજુ મોઢું કરી ને બેસી જાય અને પેલો બિચારો બોલ્યા રાખે.. ..ખેર.. ..આ બધા વાર્તાલાપમાં હું એક ખૂણે મુક ડાઘુ જેવી ગ્રંથિથી પીડાતો કોઈ સામૂહિક ખરખરામાં બેઠો હોઉં તેવી લાગણી થઈ આવી. હું બે ક્ષણ માટે તો ભૂલી જ ગયો કે આજે નવું વર્ષ છે અને કોઈ નું ઉઠમણું નહીં. હવે મારાથી બીજાની હાજરી ને ધ્યાનમાં લઈ ને મારા પિતાશ્રી ને ટપારી પણ ના શકાય, પણ ત્યાંજ અમારા શ્રીમતીજી મારી વ્હારે આવ્યા.. ."અરે, એમ ખાલી ના બેસી રહો.. .નાસ્તો લ્યો.. .આજે તો ચાલે જ નહીં.. .કંઈક તો લેવું જ પડશે" જે સગાં આવ્યા હતાં, તેમાં એકે પ્લેટ ઉઠાવી અને ટીપોય ઉપર પડેલી એક તાસકમાંથી તીખી સેવ જેવી લેવા ગયા ત્યાંજ અમારા શ્રીમતીજી એ હુમલો કર્યો.. ."અરે સેવ નહીં.. .ચકલી ખાઓ.. ..તમને ભાવશે" મેં તરત જ પેલા ભાઈ સમક્ષ જોયું અને મને તેમના મોઢાં ઉપર નો ભાવ જોઈ ને થોડા જ વખત પહેલાં મારી સાથે ઘટેલી ઘટના યાદ આવી બોલો હવે.. ..શું કરવું ? જે ઈચ્છા હતી ખાવાની, તે ખાવા જ ના દીધું..ઘેર ઘેર માટીના ચૂલા !

અને આમ બેસતાં વર્ષ ની બબાલ પૂરી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy