બેસણાનું બેસણું
બેસણાનું બેસણું
સૌ પ્રથમ તો એ તમામ વાચકોની ક્ષમા યાચું છું કે આ વિષય ઉપર..વિચિત્ર વિષય ઉપર મારી કલમ અજમાવી રહ્યો છું. આમ જુવો તો જેના ઘરમાં આ પ્રસંગ બન્યો હોય તેમની મનોવ્યથા હું સમજી શકું છું, પરંતુ જે લોકો આ પ્રસંગે હાજરી પૂરાવવા જતા હોય તેમને માટે તો આ એક ફરજ સિવાય કંઈ હોતું નથી...!
થયું એવું કે મારે હમણાં એક બેસણામાં જવાનું થયું. આમ તો આ એક માઠો પ્રસંગ હોય છે જેમાં મૃતક વ્યક્તિ માટે પ્રાર્થના અને તેના કુટુંબીજનોને માનસિક સધિયારો અપાતો હોય છે (જો ખરેખર અપાતો હોય તો ઘણું જ પ્રશંશનીય છે). નજીકનું સ્વજન હતું એટલે હું થોડો વહેલો ગયો. અમારે નાગર જ્ઞાતિમાં "બેસણું" ના કહેવાય, પરંતુ "ઉઠમણું" કહેવાય, એટલે કે જ્યાં સુધી સમયની મર્યાદા પૂર્ણ ના થાય ત્યાં સુધી બેસવાનું અને પછી ઊઠવાનું, એટલે "ઉઠમણું" (આમા હું ક્યાંય ખોટો હોઉં તો વાચકો મનમાં સુધારી લે પણ મને ટપારે નહીં). બેસણા ને અનુરૂપ વાઘા સજી ને આપણે હૉલમાં પ્રવેશ્યા...મુખ ઉપર ગંભીરતાનો લેપ ચોપડી ને હું સીધો જ મંચ નજીક પહોંચ્યો જ્યાં મૃતકની ફૂલેથી મઢેલી તસ્વીર મૂકી હતી, ગુલાબની પાંખડીઓથી ભરેલું એક મોટું વાસણ પણ મૂક્યું હતું અને મૃતકના સ્વજનો..નજીક ના જ..મંચ ઉપર બેઠા હતા અને હાથ જોડેલી મુદ્રામાં આવનારા લોકોની સહાનુભૂતિ સ્વીકારતા હતા. મેં પણ જરૂરી ક્રિયા કરી અને પાછો ફર્યો. તકલીફની ખરી શરૂઆત તો હવે થતી હતી...પાછા ફરતી વખતે ત્યાં હાજર લોકોની નજર તમારા ઉપર એવી સ્થિર રહે કે જાણે તમે જ જવાબદાર છો આ બેસણાના પ્રસંગ માટે...ખેર..આ બધી કાતિલ નજરોનો સામનો કરતો કરતો અને થોડી ક્ષોભજનક સ્થિતિનો અનુભવ કરતો કરતો હું એક ખુરશી ઉપર ગોઠવાઈ ગયો. બે મોટા લાઉડ સ્પીકર ઉપર શિવજીના જાપ ચાલી રહ્યા હતા. મેં પણ તેમાં મન પરોવવાની નિષ્ફળ કોશિશ કરી. પણ મિત્રો...ફક્ત અને ફક્ત ૨ મિનિટ હું જાપમાં મન પરોવી શક્યો, અને પછી આવી ગયો પાછો સંસારમાં.
લોકો આવતા જતા હતા અને મારી નજર પણ આમતેમ ફરવા માંડી. લેખકોની મોટી તકલીફ શું હોય..ખબર છે ? એ લોકો બધી જગ્યા એ વિષય જ શોધતા ફરતા હોય, પછી તે પ્રસંગ સારો હોય કે માઠો....બસ, વિષય મળવો જોઈએ. મારા પણ નિષ્ઠુર નયનો વિષયની શોધમાં ડોળા ફેરવવા માંડ્યા. અને ત્યાં જ મારી નજર બાજુની હરોળમાં જ્યાં બહેનોને બેસવાની વ્યવસ્થા હતી ત્યાં ગઈ...એક બહેન, શ્વેત વસ્ત્રોમાં સજ્જ..મોઢેથી "ૐ નમઃ શિવાય" ના જાપ જપતા હતા અને હાથમાં મોબાઈલ ઉપર "કેન્ડી ક્રશ" રમી રહ્યા હતા...લ્યો બોલો...શું કહેવું આ નારી સમ્રાટ ને ? પરંતુ મેં મારું મન વાળ્યું...હશે, જવા દો....ઘરે નહીં રમી શકતા હોય એટલે અહીં વખત મળ્યો છે તો ભલે રમતા....આમ જોવા જાવ તો મારે પણ કઈં એવું કામ નહોતું અને તમે કરી પણ શું શકો ? આ તો સારું છે કે મારી પ્રવૃત્તિઓમાં હવે "લેખન" નો સમાવેશ થયો છે તો કઇંક રચનાત્મક શોધી લઉં છું. પેલા સન્નારી ને "કેન્ડી ક્રશ" રમતાં છોડી ને હું થોડો આગળ વધ્યો.મારી આગલી જ હરોળમા બે પુરુષો વાત કરતા હતા.."મેચ શરૂ થઈ ગઈ હશે નહીં ?..જુવો તો સ્કોર શું થયો ?"..એટલે તેમની બાજુમાં બેઠેલા સજ્જન તો જાણે હુકમની રાહ જ જોતા હોય તેમ પોતાના મોબાઈલમાં કઇંક ટકાટક કરી ને પેલા ભાઈ ને સ્કોર કહી સંભળાવ્યો....પેલા સજ્જન તો જાણે ભારતીય ક્રિકેટ ટીમ ના પસંદગીકાર હોય તેમ ફરમાન છોડી દીધું..."પંડ્યા ના દિવસો ભરાઈ ગયા છે....કંઇક કરવું પડશે હવે"...લે...અલ્યા શંખ..તને કોણ અભિપ્રાય પૂછે છે કે કોને રમાડવો અને કોને નહીં તેની ચિંતા કરે છે ? પરંતુ બીજા ભાઈ તો તેનાથી પણ ૪ પગલાં ચડે એવા હતા..."પંડ્યા શું કરવાનો હતો આમા...ક્રિકેટ બોર્ડનું માળખું જ બદલવું પડશે, બીજો કોઈ રસ્તો જ નથી હવે...ગાંગુલી એક બેટ્સમેન તરીકે ઘણો સારો પરંતુ વહીવટ કરવો એ કઈં નાની સુની વાત નથી અને તેનાથી પણ ઉપર પેલો શાહ...જવા દો યાર, કંઈ કહેવા જેવું જ નથી"..હું તો અહોભાવથી એ બન્ને મહાનુભાવો તરફ મુગ્ધ નયને જોઈ રહ્યો. પશ્વભૂમી મા "ૐ નમઃ શિવાય" ના જાપ તો ચાલુ જ હતા. ત્યાં અચાનક મારી નજર બાજુ જ બેઠેલ એક વ્યક્તિ ઉપર પડી...બેઠેલ નહીં પરંતુ સૂતેલ....મસ્તક તેની જમણી તરફ ઢળી ચૂક્યું હતું અને જો તેની પ્રગતિ રોકવામાં નહીં આવે તો કોઈ પણ ઘડી એ મારા વહાલસોયા ખભા ઉપર તેની પધરામણી થવાની તૈયારીમાં હતી....અને મારો ખભો પણ તેનો વિરોધ કરવાની તૈયારીમાં થોડો આડો થયો.... જત જણાવી દઉં કે મારો ખભો ટેકો આપવા માટે સક્ષમ ખરો પરંતુ એવા માથા માટે નહીં જેમાં ઓછામાં ઓછું ૧ લિટર કોપરેલ નાખ્યું હોય...વાચકો એ આની નોંધ લેવી....ખેર, પેલા ભાઈને થોડો હડસેલો મારીને પરીની દુનિયામાંથી ઘસડીને સીધો બેસણામાં લાવવામાં હું સફળ થયો..જગ્યા ત્યાર થી સવાર...એમ માની ને પેલા ભાઈ જાપ જપવા લાગ્યા. હવે આને મારી સુટેવ કહેવી કે કુટેવ પરંતુ મારી આદત ને આધીન હતો એટલે કઈં થઈ શકે તેવું નહોતું....એક ભાઈ આવ્યા...સીધા જ મૃતક ના ફોટા આગળ પહોંચ્યા..તેમની ગતિ એટલી તેજ હતી કે જો તેમણે ખરી ઘડી એ રોક ના લગાવી હોત તો સીધા ફોટા આગળ સાષ્ટાંગ મુદ્રામાં જ પડ્યા હોત. ફૂલહાર અર્પણ કરીને પેલા ભાઈ પાછા ફરી રહ્યા હતા...કદાચ આગલી હરોળ મા તેમના કોઈ મિત્ર હશે જે દસકાઓથી તેમને નહીં મળ્યો હોય....ઊભા થવાનું જ બાકી રાખ્યું પણ તે સિવાયનું હાથ ઊંચા કરીને અને મોઢાં ઉપર ૪૪૦ વોલ્ટનું સ્મિત પ્રસરાવી ને તેનું અભિવાદન કર્યું....અરે વૈશાખ નંદન (ગધેડો), સ્થળ અને સમયનું તો ભાન રાખ.....પણ ના...સમજે તો એ ભાઈ માણસ શેના ?.... "તબિયત સારીને પ્રભુ ?" રીતસરનો પોકાર જ પાડ્યો, બાપુ. મને તો બેઘડી થયું કે આ મૂર્ખતાનું પ્રદર્શન કરવા બદલ તેમને "મૂર્ખ રત્ન" નો સર્વોત્તમ એવોર્ડ આપું. પણ તેનાથી પણ વધુ આઘાતજનક દ્રશ્ય તો હજી જોવાનું બાકી હતું....પહેલે થી ત્રીજી હરોળમાં બેઠલા બે સજ્જનો (દુર્જનો) એક બીજા ને તાળી આપી ને પોતપોતાના પીળા દાંતનું પ્રદર્શન કરી રહ્યા હતા. હવે આ બધા મા મંચ ઉપર બિરાજેલ મૃતકના સ્વજન આ ખેલ મહાકુંભ નિહાળી ને દુઃખી થતો હશે, તેમાં બેમત નથી. જેમ તેમ કરતાં બેસણાનો સમય પૂરો થયો અને મંચ ઉપર બેઠેલા સ્વજનો એ ઊભા થઈ ને હાથ જોડીને હાજર રહેલા લોકોનો આભાર માન્યો. નીચે બિરાજમાન મહાનુભાવો તો બસ...આ દુર્લભ ઘડીની કાગને વાટે રાહ જોઈ રહ્યા હોય તેમ ઊભા થઈને જાણે કે ત્યાં આવેલ સગાં વાહલાંને વર્ષોથી મળ્યા જ ના હોય તેમ મળી રહ્યા હતા...."બેસણા" નું રૂપાંતર એક "મેળાવડા" માં થઈ ગયું... અરે એક દંપતી એ તો બાપડી હદની પરાકાષ્ટાએ પહોંચી ગયા...."દમયંતી બેન, આપણી ચકુનું નક્કી કર્યું છે. છોકરો અહીંનો જ છે અને તેની સાથે ઓફિસમાં જ છે.....ઘડિયા લગ્ન છે એટલે થયું કે તમે અહીં આવશો જ, એટલે કંકોત્રી પણ સાથે જ લાવ્યા છીએ. ઘણું કામ છે એટલે ઘરે નહીં આવી શકાય, તો આ લ્યો આમંત્રણ પત્રિકા અને બધા એ ખાસ આવવાનું જ છે...કોઈ પણ બહાનું નહીં ચાલે".... ચાલો..આજ બાકી રહ્યું હતું. મને તો થયું કે જઈને પેલા દંપતીના ચરણે જઈને પડું અને તેમના ટાંટિયા ખેંચીને જમીન સરસા કરું.
હું પણ મૃતકના સ્વજન પાસે જઈને દિલસોજી પાઠવીને હૉલની બહાર નીકળ્યો...હવે ત્યાં આવેલ લોકોમાંથી જો બે ત્રણ મહિના મા કોઈ ના ઘરેથી લગ્નની આમંત્રણ પત્રિકા આવશે તો સમજીશ કે તે લગ્ન ના પાયા તો આ બેસણામાં જ નખાઈ ગયા હશે...જીવનની આજ તો કરુણતા છે, પરંતુ તેમાંથી પણ રમૂજ શોધવાની છે મિત્રો.
